- પ્રમુખ ટ્રમ્પની ટેરિફ વોરથી અમેરિકાની માઠી બેઠી
- ટ્રમ્પની વેપાર નીતિઓ, ફુગાવો અને ઊંચા વ્યાજદરના કારણે કંપનીઓ નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ
- 2010ની મહામંદી પછી સૌથી વધુ કંપની નાદાર, 2025માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 70 હજારથી વધુ નોકરીઓ ખતમ થઈ
રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ 'મેક અમેરિકા ગ્રેટ અગેઈન'નું સૂત્ર આપીને નવેમ્બર 2024 માં બીજી વખત પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા અને તેમણે જાન્યુઆરી 2025માં સત્તા સંભાળ્યા પછી મિત્ર દેશો સાથે જ 'ટ્રેડ વોર' શરૂ કરતા ભારત પર દુનિયામાં સૌથી વધુ 50 ટકા ટેરિફ નાંખ્યો હતો. આ સાથે ટ્રમ્પે અમેરિકાના લાંબા સમયના વેપાર ભાગીદારો મેક્સિકો અને કેનેડાથી લઈને ચીન સુધીના દેશો પર 10 ટકાથી લઈને 50 ટકા સુધીના ટેરિફ નાંખ્યા છે. આ ટેરિફના કારણે અમેરિકામાં માલ-સામાનની નિકાસ મોંઘી થઈ ગઈ અને તેના પગલે અમેરિકામાં ફુગાવો વધ્યો છે.
૨૦૨૪ની સરખામણીમાં કોર્પોરેટ નાદારીમાં 14 ટકાનો વધારો
એસએન્ડપીના ડેટા મુજબ અમેરિકામાં જાન્યુઆરીથી નવેમ્બર 2025 વચ્ચે કુલ 717 કંપનીઓએ ચેપ્ટર-7 અને ચેપ્ટર-11 હેઠળ નાદારી નોંધાવવા માટે અરજી કરી હતી, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં 14 ટકાનો વધારો દર્શાવે છે. અમેરિકામાં કંપનીઓ નાદારી નોંધાવવાની સંખ્યા વર્ષ 2010 ની મહામંદી (ગ્રેટર રિસેસન) પછીના સ્તરની નજીક પહોંચી ગઈ છે. જોકે, બધી જ કંપનીઓએ નાદારી નોંધાવી કંપનીઓ બંધ નથી કરી. અમેરિકન કોર્પોરેટ કંપનીઓએ 2008 માં નાદારી નોંધાવવામાં વિક્રમ નોંધાવ્યો હતો. વર્ષ 2007, 2008 અને 2009માં વાર્ષિક સરેરાશ 4000થી વધુ કંપનીઓએ નાદારી નોંધાવી હતી. જોકે, 2010 પછી કોર્પોરેટ નાદારીમાં ઘટાડો થયો હતો, જે કોરોના કાળમાં 2020 પછી ફરી વધી હતી.
અનેક કંપનીઓએ નાદારી નોંધાવવા છતાં કામકાજ ચાલુ રાખ્યું
અમેરિકામાં ચેપ્ટર-11 હેઠળ અનેક કંપનીઓએ લોનના પુનર્ગઠનની અરજી કરી છે, જેમાં કંપની અદાલત દ્વારા સંચાલિત પ્રક્રિયા હેઠળ પોતાની લોનનું પુનર્ગઠન કરે છે અને કંપનીનું સંચાલન ચાલુ રાખે છે. બીજીબાજુ ચેપ્ટર-7 હેઠળ કંપની બંધ કરી દેવામાં આવે છે અને તેની સંપત્તીઓ વેચી દેવામાં આવે છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી વધુ કંપનીઓ નાદાર બની
ટ્રમ્પની વેપાર નીતિઓ, જેને પગલે સપ્લાય ચેઈન ખોરવાતા અને ઉત્પાદન ખર્ચ વધવાથી ઉપરાંત ફુગાવો અને ઊંચા વ્યાજદરના કારણે કંપનીઓ નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ છે. ટ્રમ્પના ટેરિળફના કારણે આયાત પર નિર્ભર કંપનીઓની મુશ્કેલીઓ વધી છે. આયાત પર નિર્ભર કંપનીઓએ આ વર્ષે સૌથી વધુ ટેરિફનો સામનો કરવો પડયો છે. નાદારી નોંધાવવાની અરજીમાં સૌથી વધુ વૃદ્ધિ ઔદ્યોગિક ક્ષેત્રમાં જોવા મળી છે, જેમાં બાંધકામ, ઉત્પાદન અને પરિવહન કંપનીઓનો સમાવેશ થાય છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે અમેરિકન અર્થતંત્રમાં એક વિરોધાભાસ જોવા મળે છે અને તેઓ કહે છે કે અનેક ઉદ્યોગો ટેરિફ અને અન્ય ખર્ચાઓના દબાણમાં સંઘર્ષ કરવા મજબૂર થયા છે.
ટ્રમ્પની ટેરિફ નીતિઓએ તમામ સેક્ટર્સ પર ખરાબ અસર કરી
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સતત બદલાતી ટેરિફ નીતિઓએ તમામ સેક્ટર્સને ખૂબ જ ખરાબ અસર કરી છે. બીજીબાજુ ટ્રમ્પ લાંબા સમયથી દાવો કરી રહ્યા છે કે તેમના ટેરિફથી દેશમાં ઉત્પાદન ક્ષેત્રને પુનર્જીવિત કરવામાં મદદ મળી રહી છે. જોકે, ફેડરલ આંકડા જોઈએ તો નવેમ્બરમાં સમાપ્ત થયેલા એક વર્ષમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૭૦,૦૦૦થી વધુ નોકરીઓ ખતમ થઈ ગઈ. એવામાં ટ્રમ્પના તમામ દાવા ખોખલા લાગે છે.
જીડીપી 4.3 ટકા, ફુગાવો જરા પણ નથી : ટ્રમ્પે બણગા ફૂંક્યા
આ રિપોર્ટ વચ્ચે પણ પ્રમુખ ટ્રમ્પે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટેરિફ યુદ્ધની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું કે, તેમના ટેરિફ અમેરિકા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જંગી સંપત્તિનું સર્જન કરી રહ્યા છે. વેપાર ખાધમાં 60 ટકા જેટલો ઘટાડો થયો છે, જે ક્યારેય સાંભળ્યું નહોતું. જીડીપી 4.3 ટકા છે અને વધી રહ્યો છે. ફુગાવો જરા પણ નથી. એક દેશ તરીકે ફરી આપણું સન્માન થઈ રહ્યું છે.


