World

ફિલિપાઈન્સમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સાતનાં મોત: સુનામીની ચેતવણી

By GS TEAM
11 Oct 20252 mins read
ફિલિપાઈન્સમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સાતનાં મોત: સુનામીની ચેતવણી

- એક જ દિવસમાં સતત બે ભૂકંપથી અનેક ઈમારતોમાં નુકસાન

- ભૂકંપ બાદ કેટલાય સ્થળોએ ભૂસ્ખલન, મનય શહેરથી 60 કિલોમીટર દૂર સમુદ્રના પેટાળમાં એપી સેન્ટર : અનેકને ઈજા

મનિલા : ફિલિપાઈન્સમાં ઉપરા ઉપરી બે વખત ભૂકંપ આવ્યો હતો. પહેલો ભૂકંપ ૭.૪ની તીવ્રતાનો હતો. એ પછી થોડી કલાકોમાં જ ૬.૯ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. બંને ભૂકંપના કારણે લોકોમાં અજંપો ફેલાયો હતો. હોસ્પિટલમાં કાટમાળ પડવાથી બે દર્દીઓના મોત થયા હતા. કુલ સાત લોકોનાં મોત થયા હતા. ઘણાં લોકોને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

ફિલિપાઈન્સના દાવો ઓરિએન્ટલ પ્રાંતના દરિયાકાંઠે ભૂકંપનો અનુભવ થયો હતો. મનય શહેરથી ૬૦ કિલોમીટર દૂર દરિયાના પેટાળમાં ૧૦ કિલોમીટરની ઊંચાઈએ ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું હતું. પહેલો ભૂકંપ ૭.૪ની તીવ્રતાનો નોંધાયો હતો. એ પછીની કલાકોમાં જ ૬.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, ફિલિપાઈન્સના ભૂકંપ સેન્ટરે એવી સ્પષ્ટતા કરી ન હતી કે બંને જુદા જુદા ભૂકંપ હતા કે પહેલા ભૂકંપ પછી આફ્ટર શોક હતો. સવાર સવારમાં જ ઉપરા ઉપરી બે ભૂકંપ આવતા દોડધામ મચી ગઈ હતી. સ્કૂલોમાંથી તાત્કાલિક બાળકોને રેસ્ક્યૂ કરાયા હતા. અમુક હોસ્પિટલમાં કાટમાળ ધસી પડયો હતો એટલે દર્દીઓને પણ અન્યત્ર ખસેડવા પડયા હતા. ભૂકંપ સેન્ટરના કહેવા પ્રમાણે ૪થી ૫ રિક્ટર સ્કેલના અનેક આફ્ટર શોક અનુભવાયા હતા.

આ ભૂકંપોના કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટના બની હતી. હોસ્પિટલો અને શાળા-કોલેજોની ઈમારતોને નુકસાન થયું હતું. ઘણાં મકાનોમાં તિરાડો પડી ગઈ હતી. ઉપરા ઉપરી બે ભૂકંપ આવતા લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. લોકો કલાકો સુધી મેદાનોમાં બેસી રહ્યા હતા. સમુદ્રના પેટાળમાં ભૂકંપ પછી દરિયામાં રાક્ષસી મોજાં ઉછળ્યા હતા. સુનામીનો ખતરો હોવાથી એલર્ટ આપવાની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનું શરૂ થયું હતું. ફિલિપાઈન્સમાં હજુ ૩૦મી સપ્ટેમ્બરે જ ભયાનક ભૂકંપ ત્રાટક્યો હતો અને એમાં ૭૪ લોકોનાં મોત થયા હતા. હજુય એ ભૂકંપ પછી અનેક લોકો લાપત્તા છે.