Get The App

અમેરિકામાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 67,632 કેસો નોંધાયા

- ઓકલોહામા, ટેક્સાસ અને કેલિફોનયામાં એક જ દિવસમાં દસ હજાર કરતાં વધારે કેસ

- બ્રાઝિલના પ્રમુખ બોલ્સોનારોનો બીજો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો

Updated: Jul 16th, 2020

GS TEAM

Google News
Google News
અમેરિકામાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 67,632 કેસો નોંધાયા 1 - image


રશિયાના હેકર્સ કોરોના રસીના સંશોધનો ચોરતા હોવાનો ત્રણ અગ્રણી દેશોનો દાવો

વોશિંગ્ટન, તા. 16 જુલાઇ, 2020, ગુરૂવાર

અમેરિકામાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 67,632 કેસો નોંધાવાને પગલે રાષ્ટ્રીય સ્તરે નવો વિક્રમ નોંધાયો હોવાનું જ્હોન હોપકિન્સ યુનિવસટીએ જણાવ્યું હતું. ટેક્સાસ અને ઓક્લોહામામાં પણ કોરોનાનો કેસોની સંખ્યામાં પણ વિક્રમસર્જક ઉછાળો આવ્યો છે.  ટેક્સાસમાં કોરોનાના 10,791 નવા કેસો નોંધાયા હતા અને 110 જણાએ જીવ ગુમાવ્યો હતો.

ઓકલોહામામાં પણ એક જ દિવસમાં વિક્રમસર્જક 1,075 કેસો નોંધાયા હોવાનું જણાયું છે. ઓકલોહામાના ગવર્નર કેવિન સ્ટિટે જણાવ્યું હતું કે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અલાબામામાં પણ એક જ દિવસમાં 47 જણાના કોરોનાને કારણે મોત થયા હતા. જ્યારે ફલોરિડામાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 3,02,000 થઇ છે. કેલિફોનયામાં પણ એક જ દિવસમાં કોરોનાના નવા 11,125 કેસો નોંધાયા હતા અને 140 જણાના મોત થયા હતા.

લોસ એન્જેલસ કાઉન્ટીની જાહેર આરોગ્ય વિભાગની ડાયરેકટર બાર્બરા ફેરરે જણાવ્યું હતું કે બુધવારે કોરોનાના 2,758 નવા કેસો નોંધાયા છે અને 44 જણાના મોત થયા છે. હાલ લોસ એન્જેલસ કાઉન્ટીમાં 2,193 કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. ફેરરે ઉમેર્યું હતું કે હવે પહેલાં કરતાં વધારે દરે યુવાનો હોસ્પિટલમાં ભરતી થઇ રહ્યા છે.

લેટેસ્ટ રિસર્ચ મોડેલ અનુસાર આવતાં મહિના સુધીમાં અમેરિકામાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા દોઢ લાખનો આંક વટાવી જશે. હાલ મરણાંક 1,36,400 કરતાં વધારે છે અને મહામારી શરૂ થયા બાદ અમેરિકામાં 35 લાખ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. બીજી તરફ બ્રાઝિલના પ્રમુખ જેર બોલ્સોનારોએ જણાવ્યું હતું કે તેમનો કોરોનાનો બીજો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

હું આશા રાખું છું કે આગામી દિવસોમાં મારો એક ઓર ટેસ્ટ કરવામાં આવશે અને પ્રભુની ઇચ્છા હશે તો સૌ સારાવાનાં થશે અને હું મારા કામે લાગી જઇશ તેમ તેમણે જણાવ્યું હતું. બોલ્સોનારો હાલ રાજધાની બ્રેસિલિયામાં આવેલાં પ્રમુખના મહાલયમાં આઇસોલેશનમાં છે. કોરોનાના ચેપનું નિદાન થયા પૂર્વે અનેક વાર માસ્ક પહેર્યા વિના ટોળાંમાં ફરનાર બોલ્સોનારોની હાલ હાઇડ્રોક્સીક્લોરોક્વિન દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.

હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને ક્લોરોકવિનનો કોરોનાની દવા તરીકે ઉપયોગ કરવાની પ્રમુખ બોલ્સોનારોએ સલાહ આપતાં તેના વિરોધમાં ડોક્ટર આરોગ્ય પ્રધાને રાજીનામું આપી દીધાને બે મહિના થયા બાદ તેમના અનુગામી પર કામનું ભારણ એટલું વધી ગયું છે કે તે પણ હોદ્દો છોડી દેવા માટે દબાણ અનુભવી રહ્યા છે. બોલ્સોનારોએ ફેસબુક પર જણાવ્યું હતું કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન કોરોનાનો ઇલાજ કરવામાં કારગર હોવાના કોઇ પુરાવા નથી. ભવિષ્ય જ જણાવશે કે આ દવા અસરકારક હતી કે નહીં. પણ તે મારા કેસમાં કારગર નીવડી રહી છે.

સરકારી આંકડાઓ અનુસાર બ્રાઝિલમાં કોરોનાને કારણે 75000 જણાના મોત થયા છે અને વીસ લાખ લોકોને તેનો ચેપ લાગેલો છે.  વિશ્વના અન્ય મોટાં નેતાઓ જેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો તેમાં બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જ્હોનસન, પ્રિન્સ ચાર્લ્સ, મોનાકોના પ્રિન્સ આલ્બર્ટ-ટુ અને હોન્ડુરાસના પ્રમુખ જુઆન હોરલાન્ડો હરનાન્ડેઝનો સમાવેશ થાય છે. 

સાઇનોફાર્મે ટેસ્ટિંગના આખરી તબક્કામાં પ્રવેશવાની જાહેરાત કરી દીધી છે. કંપનીએ દાવો કર્યો હતો કે કંપનીને રસીનો માનવો પર અભ્યાસ કરવાની પરવાનગી મળે તે પહેલાં તેના 30 સ્પેશ્યલ સ્વયંસેવકોએ બલિદાન આપવાનો જુસ્સો દાખવ્યો છે. ચીને જ્યાં કોરોનાનો ચેપ ફેલાવાનું જોખમ ઓછું છે તેવા વિસ્તારોમાં 20 જુલાઇથી સિનેમાઘરો ખોલવાની મંજૂરી આપી છે.

સિનેમાઘરોની ક્ષમતાના 30 ટકા દર્શકોને જ ફિલ્મ જોવા જવા માટે જવા દેવાશે. તેમણે માસ્ક પહેરવો પડશે અને બે દર્શકો વચ્ચેની બેઠકો પણ ખાલી રાખવી પડશે. તેમને થિયેટરમાં ખાણીપીણીની વસ્તુઓ પણ લઇ જવા દેવામાં આવશે નહીં. આ સમાચારને પગલે ચીનની સિનેમાઘરોની માલિકી ધરાવતી કંપની વાન્ડાના શેરમાં એક ટકાનો વધારો થયો હતો. વાન્ડા ફિલ્મ્સે પ્રથમ છ મહિનામાં 230 મિલિયન અમેરિકન ડોલરનું નુકશાન થવાની આગાહી કરી છે.   

બીજી તરફ બ્રિટન, અમેરિકા અને કેનેડાએ દાવો કર્યો છે કે રશિયા તેના હેકિંગ ગ્પ કોઝી બેર દ્વારા કોરોનાની રસી વિકસાવવાના કામમાં વ્યસ્ત એકેડેમિક અને ફાર્મા કંપનીઓના કમ્પ્યુટર હેક કરીને રસી વિકસાવવાની માહિતી ચોરી જાય છે. રશિયન જાસૂસી સેવાનો હિસ્સો મનાતા આ હેકર્સ જૂથ દ્રારા સતત થઇ રહેલા હુમલાઓને સંશોધનને ખોરવવાના પ્રયાસ તરીકે નહીં પણ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ચોરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે.  

ચીને તેની ફાર્મા કંપની ફોસુનને જર્મન કંપની સાથે મળીને રસીની પ્રથમ તબક્કાની ટ્રાયલની મંજૂરી આપી

ચીને તેની ફાર્મા કંપની ફોસુનને જર્મનીની કંપની બાયોએનટેક ટેકનોલોજી સાથે પ્રથમ તબક્કાની માનવ ટ્રાયલ હાથ ધરવાની મંજૂરી આપી છે. બીએનટી162બીવન તરીકે જાણીતી રસી એકવાર તૈયાર થતાં જ તેની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવશે તેમ ફોસુન ફાર્માના શાંઘાઇ યુનિટે જણાવ્યું હતું. જર્મનીની બાયોએનટેક ટેકનોલોજી કંપનીને તેની પ્રોપાયટરી એમ-આરએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરવા દેવા માટે માર્ચ મહિનામાં ફોસુને 85 મિલિયન ડોલરની લાયસન્સ ફી ચૂકવી હતી. તથા તેના શેરમાં 50 મિલિયન ડોલરનું મૂડીરોકાણ પણ કર્યું હતું.

Tags :