African Penguins : હજુ હમણાં સુધી આફ્રિકન પેન્ગ્વિન દક્ષિણ આફ્રિકાના દરિયાકિનારાની શાન ગણાતા હતા, પણ હવે આ વાત ભૂતકાળ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરના સંશોધનોમાં સામે આવ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં 60,000થી પણ વધુ આફ્રિકન પેન્ગ્વિન ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા છે. મોટી માત્રામાં થયેલા મૃત્યુનું પ્રમુખ કારણ તેમના મુખ્ય ખોરાક એવી સારડિન માછલીની વસ્તીમાં થયેલો ભારે ઘટાડો છે. આબોહવા પરિવર્તન અને અતિશય માછીમારી જેવા માનવસર્જિત કારણોએ આ પરિસ્થિતિ ઉત્પન્ન કરી છે, જેનાથી રૂપકડા આફ્રિકન પેન્ગ્વિનનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું છે.
આખીને આખી વસાહતો વિનાશ પામી!
2004 અને 2012ની વચ્ચેનો સમયગાળો આ પ્રજાતિ માટે અત્યંત વિનાશક સાબિત થયો. દક્ષિણ આફ્રિકાની બે સૌથી મોટી પેન્ગ્વિન વસાહતો ‘ડોસન આઇલેન્ડ’ અને ‘રોબેન આઇલેન્ડ’ પર 95%થી વધુનો ભીષણ ઘટાડો નોંધાયો છે. મોટાભાગના મૃત્યુ પેન્ગ્વિનના ‘મોલ્ટિંગ’ એટલે કે ‘પીછાં ખરવાના સમયગાળા’ દરમિયાન થયા છે.
શું છે ‘મોલ્ટિંગ’?
પેન્ગ્વિન વર્ષમાં એકવાર તેમના શરીર પરના તમામ પીછાં ખેરવી નાંખીને નવા ઉગાડે છે. 21 દિવસ ચાલતી આ પ્રક્રિયા દરમિયાન પેન્ગ્વિન સમુદ્રમાં જઈને તરી નથી શકતા, એટલે શિકાર કરવાનો તો સવાલ જ નથી, કેમ કે પેન્ગ્વિનનો મુખ્ય ખોરાક સારડિન નામની નાની માછલીઓ હોય છે, જેનો શિકાર કરવા માટે સમુદ્રમાં ઉતરવું જ પડે. પેન્ગ્વિનના પીછાં વોટરપ્રૂફ હોવાથી તે બર્ફિલા પાણીમાં તરી શકે છે. પીછાં ન હોય ત્યારે સમુદ્રમાં પડે તો ઠરીને મરી જાય. એટલે મોલ્ટિંગની પ્રક્રિયા ચાલે ત્યાં સુધી પેન્ગ્વિને જમીન પર ફરજિયાતપણે રહેવું પડે છે.
સારડિનના વસ્તીઘટાડાએ મોકાણ સર્જી
મોલ્ટિંગનો ગાળો શરૂ થાય એ અગાઉ પેન્ગ્વિન સમુદ્રમાં જઈને ભરપેટ શિકાર કરી લે છે, જેથી સારડિન ખાઈને જમા થયેલી ચરબીને સહારે મોલ્ટિંગનો સમયગાળો આરામથી નીકળી જાય. હવે, સમુદ્રમાં સારડિનની વસ્તી જ ઓછી થઈ જવાથી પેન્ગ્વિનને પૂરતો ખોરાક જ નથી મળતો. પૂરતા ખોરાકને અભાવે શરીરમાં પૂરતી ચરબી સંચિત નથી થતી, જેને કારણે મોલ્ટિંગનો સમયગાળો પૂરો થાય એ પહેલાં જ તેમની ઊર્જાનો સંગ્રહ ખાલી થઈ જાય છે, જેને પરિણામે પેન્ગ્વિન ભૂખમરાથી મૃત્યુ પામે છે.
સારડિનના વસ્તી ઘટાડાના બે કારણો કયા?
સારડિન માછલીની વસ્તીમાં આવેલા ભારે ઘટાડાના બે મુખ્ય કારણો છે.
1) આબોહવા પરિવર્તન: ગ્લોબલ વોર્મિંગને કારણે સમુદ્રના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમુદ્રજળની લવણતાના સ્તરમાં ફેરફારો થઈ રહ્યા છે, જેને લીધે સારડિન માછલીઓના પ્રજનન ચક્ર અને પ્રવાસ પર વિનાશક અસર થઈ છે.
2) બેફામ માછીમારી: પ્રત્યેક મત્સ્યની જેમ માણસજાત દ્વારા સારડિન માછલીના શિકારનું પ્રમાણ પણ બેહિસાબ વધી ગયું છે.
માત્ર 10,000 પ્રજનનક્ષમ જોડીઓ બચી છે
વર્ષ 2004 પછીના વર્ષોમાં દક્ષિણ આફ્રિકાના દરિયામાં સારડિનની વસ્તી 75% જેટલી ઓછી થઈ ગઈ છે. પેન્ગ્વિન માટે જીવનરેખા સમાન આ ખોરાકનો સ્રોત ખાસ્સો ઘટી જતાં આક્રિકન પેન્ગ્વિન ભૂખમરાનો ભોગ બનીને અસ્તિત્વ ગુમાવવા લાગ્યા છે. સંકટની અસર એટલી ગંભીર છે કે આફ્રિકન પેન્ગ્વિનની માત્ર 10,000 જેટલી જ પ્રજનનક્ષમ જોડીઓ બચી છે. છેલ્લા ત્રણ દાયકામાં તેમની વસ્તીમાં 80%નો ભીષણ ઘટાડો થયો છે. આ ઘટાડાનું પરિણામ દક્ષિણ આફ્રિકાના પ્રસિદ્ધ પર્યટન શહેર કેપ ટાઉનના બોલ્ડર્સ બીચ પર સ્પષ્ટ જોઈ શકાય છે. અહીં એક સમયે હજારોની સંખ્યામાં દેખાતા પેન્ગ્વિન હવે માત્ર સેંકડોની સંખ્યામાં બચ્યા છે.
સંરક્ષણના કેવા પગલાં લેવાઈ રહ્યાં છે?
આ પ્રજાતિને બચાવવા માટે વિજ્ઞાનીઓ અને પર્યાવરણવાદીઓ દ્વારા નીચે મુજબના પગલાં ભરાઈ રહ્યા છે.
1) માછીમારી પર નિયંત્રણ: છ સૌથી મોટી પેન્ગ્વિન વસાહતોની આસપાસ માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંદ મૂકવામાં આવ્યો છે.
2) કૃત્રિમ માળામાં બાળઉછેર: પેન્ગ્વિનના બચ્ચાને શિકારીઓ અને ઊંચા તાપમાનથી બચાવવા માટે કૃત્રિમ માળા બનાવીને બચ્ચાને એમાં ઉછેરવામાં આવી રહ્યા છે.
3) પુનર્વસન કાર્યક્રમો: બીમાર, નિર્બળ અને ભૂખે મરતા પેન્ગ્વિનને પકડીને તેમની સંભાળ લેવામાં આવે છે અને સ્વસ્થ થઈ ગયા બાદ તેમને પુનઃમુક્ત કરવાના કાર્યક્રમો ચાલુ છે.
4) કુદરતી શિકારીઓ પર નિયંત્રણ: પેન્ગ્વિનની વસાહતોની નજીકથી સીલ અને શાર્ક જેવા કુદરતી શિકારીઓને દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જીવવિજ્ઞાનીઓની ચેતવણી: સમય સીમિત છે
દક્ષિણ આફ્રિકાના દરિયાઈ જીવવિજ્ઞાનીઓ આ મુદ્દાને વધુ વિસ્તૃત સંદર્ભમાં મૂકતાં કહે છે કે, આ માત્ર પેન્ગ્વિનની જ સમસ્યા નથી. સારડિન એ સમગ્ર સમુદ્રી ખોરાક શૃંખલાનો આધારસ્તંભ છે; અનેક પ્રજાતિઓ આ નાની માછલી પર પોતાનું અસ્તિત્વ ટકાવીને બેઠી છે. તેથી જો સારડિનનું રક્ષણ ન કરવામાં આવ્યું તો સમગ્ર સમુદ્રી ઇકોસિસ્ટમ ખતરામાં પડી જશે.


