World

આયર્લેન્ડમાં શરમજનક ઘટના, 6 વર્ષની ભારતીય બાળકીને ઢોર માર માર્યો, અપશબ્દો પણ બોલ્યા

By GS TEAM
7 Aug 20252 mins read
આયર્લેન્ડમાં શરમજનક ઘટના, 6 વર્ષની ભારતીય બાળકીને ઢોર માર માર્યો, અપશબ્દો પણ બોલ્યા

- ભારત પાછા જાવ તેવા નારા લગાવ્યા હતા

- તે બાલિકાને બ્લેક ગર્લ કહેવા ઉપરાંત અનેક અયોગ્ય શબ્દો કહ્યા, આ ઘટના રંગભેદનીતિ તાદ્રશ્ય કરે છે : ભારતીયોમાં આક્રોશ વ્યાપી ગયો

વૉટરફોર્ડ (આયર્લેન્ડ) : ભારતવંશીય છ વર્ષની જ એક બાલિકાને તેના સહાધ્યાયીઓ અને અન્ય છોકરાઓે તે બાલિકાનાં નિવાસ સ્થાનની બહાર જ સખત માર માર્યો હતો અને સાથે કહેતા હતા કે ભારત પાછા ચાલ્યા જાવ. કેટલાકે તેના પ્રાઈવેટ પાર્ટ ઉપર સાયકલનું પૈડું માર્યું હતું. સોમવારે બનેલી આ ઘટના પહેલાં પણ થોડા દિવસો પૂર્વે તે જ બાબતે અન્ય બાળકોનાં જૂથે માર માર્યો હતો. આ ઘટના પછી આયરિશ મિરરે તે બાલિકાની માતાનો ઇન્ટરવ્યુ લીધો હતો. તેમાં તેમણે તે બનાવોનો કંપાવનારો ચિતાર આપ્યો હતો. તેમણે કહ્યું કે તે નાનકડી છોકરી ઉપર કેટલાક છોકરાઓ તૂટી પડયા હતા અને કહેતા હતા ડર્ટી ઇન્ડીયન્સ ગો બેક ટુ ઇંડીયા આ સાથે તેમણે અપશબ્દો પણ કહ્યા. ૧૨થી ૧૪ વર્ષની વયના આ છોકરાઓ હતા.

તે મહિલાએ કહ્યું કે તે વખતે સાંજના સાડાસાત થયા હતા. મારા પતિને નાઇટડયુટી હોવાથી તેવો નોકરીએ ગયા હતા અને હું મારા ૧૦ મહિનાના પુત્રને પયપાન કરાવતી હતી તે સમયે આ ઘટના બની. હું મારા પુત્રને પયપાન કરાવતી હોવાથી તુર્ત જ તો તે બાલિકાની સહાયે જઇ શકી ન હતી.

તે છોકરીએ મને કહ્યું કે તે છોકરાઓ પૈકી પાંચે તો મોઢાં ઉપર મુક્કાં માર્યા હતા. એકે સાયકલનું પૈડું તેના પ્રાઈવેટ પાર્ટ ઉપર ભટકાવ્યું હતું.

આ ઘટનાથી વોટર ફોર્ડમાં વસતા ભારતીયોમાં આક્રોશ વ્યાપ્યો છે. તેટલું જ નહીં પરંતુ આયર્લેન્ડમાં વસતા ભારતીય સમાજમાં પણ આક્રોશ છે. આવા બે બનાવો ડબ્બનમાં અને ટોલીઘરમાં બન્યા હતા.

આ પછી ડબ્બન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીયોને સતત સાવચેત રહેવા અને બની શકે તો જૂથમાં જ બહાર જવા સલાહ આપી હતી. જો કે આયરિશ સત્તાવાળાઓએ આ બાબતને વખોડી કાઢતાં ભારતીયોને સલામતીની ખાતરી આપી હતી.