- ત્રણ વર્ષમાં ત્રીજી વખત વિનાશક ભૂકંપથી અફઘાનિસ્તાન હચમચી ગયું
- અનેક ગામડાઓ ધ્વસ્ત, કેટલાકમાં 90 ટકા સફાયો થઇ ગયો, પીએમ મોદીએ ભારત તરફથી મદદની જાહેરાત કરી
- તાલિબાનના શાસનમાં કંગાળ થઇ ગયેલા અફઘાનિસ્તાનને વિદેશી સહાયની આશા, રાહત માટે કમિટી રચી
- તિવ્રતા ઓછી પરંતુ કેન્દ્રબિંદુ પેટાળમાં માત્ર આઠ જ કિમી દૂર હોવાથી ભયાનક તારાજી સર્જી, આશરે 15 હજાર લોકોને અસર
કાબુલ : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની કીરથાર ગિરિમાળાઓના પશ્ચિમના ઢાળે ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવતા ૮૦૦થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે ૨૫૦૦ થી વધુને ઇજાઓ થઇ હતી, તેમ તાલિબાન સરકાર દ્વારા જાહેર આંકડામાં જણાવાયું છે. આ ભૂકંપને પરિણામે અનેક ગામો ધરાશાયી થયા હતા. પાકા મકાનો પણ ધ્વસ્ત થયા હતા. આ જીવલેણ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઝલાલાબાદમાં પેટાળમાં આઠ કિમી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક મીડિયાનો દાવો છે કે ઘાયલોમાં ગંભીર લોકોની સંખ્યા વધુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
આ ભૂકંપની તીવ્રતા જોખમકારક ન હોવા છતા તેની અસર વધુ થઇ કેમ કે કેન્દ્રબિંદુ ધરતીની સપાટીથી માત્ર ૮ કિ.મી. નીચે હતું. આ ધરતીકંપ પછી પોતાનો આક્રોશ ઠાલવતા અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આટલી બધી તબાહી થઈ હોવા છતાં હજી સુધી કોઈ વિદેશી સહાય આવી નથી. અફઘાનિસ્તાનનાં આંતરિક બાબતોનાં મંત્રાલયના પ્રવકતા અબ્દુલ માતીન કાનીએ કહ્યું હતું કે, કુન્નાર પ્રાંતમાં ત્રણ ગામો તો તદ્દન ધરાશાયી થઈ ગયા છે.
કેટલાએ પાકા મકાનો પણ ધ્વસ્ત થયા છે. અમેરિકન જીયોલોજિકલ સર્વે જણાવે છે કે જે વિસ્તારમાં ભૂકંપ થયો હતો તે સમગ્ર વિસ્તારની વસ્તી આશરે ૨,૭૧,૦૦૦ હશે. આ ભૂકંપ પછી રાહત કાર્ય તો હાથ ધરાયું જ છે અને કાબુલ, કુન્નાર તથા નંનગર હારમાંથી તબીબી ટુકડીઓ પણ રવાના કરાઈ છે. આ ભૂકંપ પાકિસ્તાનના ખૈબર-પખ્તુનવા પ્રાંત અને અફઘાનિસ્તાન વચ્ચેની કિરથાર ગિરિમાળાઓમાં થયો હતો. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં જીવલેણ ભૂકંપનું પ્રમાણ વધ્યું છે, વર્ષ ૨૦૨૨માં ૫.૯ની તિવ્રતાના ભૂકંપે ૧૩૦૦થી વધુ અને વર્ષ ૨૦૨૩માં પણ ૧૩૫૦ જેટલા લોકોનો ભોગ લીધો હતો. સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીએ જણાવ્યું હતું કે આ ભૂકંપને કારણે આશરે ૧૫,૦૦૦થી વધુ લોકોને અસર પહોંચી છે.
નુરગાલ પ્રાંતમાં ભૂકંપને કારણે અનેક ગામડા સાફ થઇ ગયા છે. કેટલાક ગામોને ૯૦ ટકાથી વધુનું નુકસાન થયું છે. તાલિબાનના શાસનમાં અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ કંગાળ થઇ ગઇ છે. એવામાં ભૂકંપ પીડિતો હાલ ભગવાન ભરોસે છે. જોકે તેમ છતા તાલિબાને દાવો કર્યો છે કે પીડિતોને સહાય પુરી પાડવા માટે વડાપ્રધાન કાર્યાલય તરફથી એક કમિટીની રચના કરવામાં આવી છે. અંતરીયાળ વિસ્તારમાં ભૂકંપથી વધુ નુકસાન થયું છે જ્યાં પહોંચવા માટે રેસ્ક્યૂ ટીમે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી સાથે જ પીડિતોને ભારત તરફથી મદદ પુરી પાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન અફઘાનિસ્તાનમાં આવેલા આ ભૂકંપના આંચકાની અસરોને લોકોએ મોબાઇલમાં કેદ કરી હતી, ભૂકંપની અસરના અનેક વીડિયો અને તસવીરો સામે આવ્યા છે. સ્થાનિક મીડિયાનો દાવો છે કે ઘાયલોની સંખ્યા વધુ છે જેમાં અનેક લોકો ગંભીર છે તેથી મૃત્યુઆંક વધી શકે છે.
ભૂકંપ પછી ભારત અફઘાનિસ્તાનની પડખે : 1 હજાર ટેન્ટ મોકલ્યા, ખાદ્ય સામગ્રી મોકલશે
કાબુલ : અફઘાનિસ્તાનમાં રવિવારે મોડી રાતે આવેલા ભૂકંપ પછી ભારે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. અનેક ગામો નાશ પામ્યા છે અને અનેક લોકો કાટમાળની નીચે દટાઇ ગયા છે. અત્યાર સુધી ૮૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ૩ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુ:ખના સમયે ભારતે અફઘાનિસ્તાન માટે મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે અસરગ્રસ્ત લોકો માટે રાહત સામગ્રી પહોંચાડવાનું પણ શરૂ કરી દીધું છે.
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી સાથે વાત કરી હતી અને તેમને ભારતની તરફથી વધુમાં વધુ મદદ મોકલવાની ખાતરી આપી છે. ભારતે આજે કાબુલમાં ૧૦૦૦ પરિવારો માટે ટેન્ટ મોકલ્યા હતાં. જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે ભારત ૧૫ ટન ખાદ્ય સામગ્રી પણ મોકલી રહ્યું છે.
દિલ્હીમાં વસતા અફઘાનીઓ પોતાના સ્વજનોની સલામતી અંગે ચિંતિત
કાબુલ : પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા ભીષણ ભૂકંપમાં ૮૦૦થી વધુ લોકોનાં મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. આ આફતે દિલ્હીમાં રહેતા અફઘાન શરણાર્થીઓ અને પ્રવાસીઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. પોતાના નાના-નાના રૂમો અને દુકાનોમાં બેસીને આ લોકો સમગ્ર દિવસ અફઘાનિસ્તાનમાં ફોન કરી પોતાના સ્વજનો અંગે પૂછપરછ કરતા જોવા મળ્યા હતાં. દિલ્હીમાં ડ્રાયફ્રૂટ વેચવા ૨૦ વર્ષીય આસિનનો ચહેરો દુ:ખી લાગતો હતો. તેનો પરિવાર જલાલાબાદમાં રહે છે. જે ભૂકંપનો સૌથી અસરગ્રસ્ત વિસ્તાર છે. તેણે બે સપ્તાહ પહેલા છેલ્લી વખત પોતાના માતા-પિતા સાથે વાત કરી હતી. ભૂકંપના સમાચાર મળતા જ તેઓ સતત અફઘાનિસ્તાન ફોન કરી રહ્યાં છે પણ ફોન લાગી રહ્યાં નથી. દિલ્હીમાં વસતા અફઘાન લોકો પોતાના પરિવારોની સલામતી માટે ચિંતિત છે.આસિમની સાથે કામ કરતા ૨૪ વર્ષીય ફરઝાને જણાવ્યું હતું કે તેણે ૧૦૦થી વધુ વખત ફોન કર્યા પણ સામેથી કોઇ જવાબ મળી રહ્યો નથી. દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં કામ કરતા ૩૫ વર્ષીય નાસીર ખાને જણાવ્યું હતું કે તેમના દાદા-દાદી અને પિતરાઇ ભાઇ બહેન હજુ પણ કાબુલમાં રહે છે. જ્યારે પણ આવા દુ:ખદ સમાચાર આવે છે ત્યારે ખબર પડે છે કે વતનથી દૂર રહેવું કેટલું મુશ્કેલ હોય છે.
અફઘાનિસ્તાના ભૂકંપ
|
વર્ષ |
મોત |
ક્યાં |
|
૨૦૨૩ |
૨૦૪૫ |
હેરાત પ્રાંત |
|
૨૦૨૨ |
૧૦૦૦ |
પત્ટિકા પ્રાંત |
|
૨૦૧૫ |
૧૧૭ |
હિન્દુ કુંશ |


