Get The App

ભારતે 59 એપ બેન કરી તો ચીની મીડિયાને થઈ ચિંતા, પોતાની કંપનીઓને આપી આ ચેતવણી

Updated: Jun 30th, 2020

GS TEAM

Google News
Google News
ભારતે 59 એપ બેન કરી તો ચીની મીડિયાને થઈ ચિંતા, પોતાની કંપનીઓને આપી આ ચેતવણી 1 - image


બેઈજિંગ, તા. 30 જૂન 2020, મંગળવાર

લદ્દાખ ખાતે ચીન સાથેના સૈન્ય તણાવ વચ્ચે ભારતે આર્થિક મોરચે ચીનને ઘેરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણના નિયમો આકરા કર્યા બાદ ભારત સરકારે હવે સુરક્ષાના કારણોસર ટિકટોક સહિત 59 ચીની એપ ઉપર પ્રતિબંધ મુક્યો છે. ભારતના આકરા નિર્ણયોના કારણે ચીનને જે આર્થિક નુકસાન થઈ રહ્યું છે તેને લઈ ચીની મીડિયામાં ઉગ્ર પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.

ચીની સરકારના મુખપત્ર સમાન ગ્લોબલ ટાઈમ્સના સંપાદક હુ શિજિને ભારતમાં 59 ચીની એપ બેન થયા બાદ ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું કે, 'જો ચીની લોકો ભારતીય વસ્તુઓનો બહિષ્કાર કરવા ઈચ્છશે તો તેમને વધુ ભારતીય વસ્તુઓ મળશે જ નહીં.' ત્યાર બાદ તેમણે ભારતીય મિત્રોને ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે, રાષ્ટ્રવાદ કરતા બીજી ઘણી વસ્તુઓ પર ધ્યાન આપવાની જરૂર છે. 

ચીની સરકારના મુખપત્રમાં એક લેખ છપાયો છે જેમાં ભારતમાં રાષ્ટ્રવાદના ઉભારથી વેપારને નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 'ભારતમાં ચીન વિરૂદ્ધ વધી રહેલી રાષ્ટ્રવાદની આગ હવે આર્થિક ક્ષેત્ર સુધી પહોંચી ગઈ છે. કોરોના વાયરસ મહામારીનું સંકટ અને ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે બંને દેશ વચ્ચેના વેપારમાં 30 ટકાથી વધારેનો ઘટાડો જોવા મળી શકે છે.'

ભારત અને ચીન વચ્ચે વેપાર ઘટશે તો તેની સૌથી વધારે અસર ચીન પર જ પડશે. ભારત ચીન સાથે વેપાર ખોટની સ્થિતિમાં છે. મતલબ કે તે ચીનથી આયાત વધારે કરે છે અને નિકાસ ખૂબ જ ઓછી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાની ચીન સાથેની વેપાર ખોટનો હવાલો આપીને ચીન સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મુકવાથી અમેરિકાને ફાયદો જ થશે તેવો મત આપ્યો હતો. આ કારણે જ ચીન બંને દેશ વચ્ચે વેપાર ઘટવાની આશંકાથી વધારે ચિંતિત છે. 

ચીનના સરકારી મુખપત્રે ચીની કંપનીઓ અને રોકાણકારોને ચેતવણી આપી છે કે, બંને દેશોના સંબંધોમાં વધતી અનિશ્ચિતતાઓ વચ્ચે ચીને ભારતમાં પોતાના રોકાણનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવું જોઈએ અને ચીની રોકાણકારોએ પણ ભારતમાં રાષ્ટ્રવાદના ઉભારને લઈ સાવધાન રહેવું જોઈએ. તેમાં વિવિધ બંદરો પર ચીનના કાર્ગોના વધારાના ચેકિંગનો ઉલ્લેખ પણ કરાયો છે. 

સમાચાર પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'ભારત અને ચીન વચ્ચેની વર્તમાન સરહદી અથડામણ બાદ ભારતમાં કેટલાક નેતાઓ અને મીડિયા ચેનલ ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવના ભડકાવી રહ્યા છે. ભારતીયો વચ્ચે ચીની ઉત્પાદનનો બહિષ્કાર કરવાના અભિયાન ઉપરાંત બંદરો પર ચીની કાર્ગો રોકવામાં આવી રહ્યું છે. સરહદે સંઘર્ષ વ્યાપ્યો તેના પહેલા જ ભારતે પોતાના ત્યાં વિદેશી રોકાણ અંગેના નિયમો આકરા બનાવી દીધા હતા જેને ચીની કંપનીઓને ભારતીય કંપનીઓનું અધિગ્રહણ કરતી અટકાવવાના પ્રયત્ન તરીકે જોવામાં આવ્યું હતું. તે પગલું કેટલાક રાજકીય હિત સાધવા માટે ભરવામાં આવ્યું હતું જે બતાવે છે કે ભારતીય બજાર અને ભારતની આર્થિક રણનીતિઓ કેટલી અપરિપક્વ છે.'

સાથે જ તેમાં લખવામાં આવ્યું હતું કે, ભારત ચીનમાં સ્થાપિત કંપનીઓને પોતાના ત્યાં રિલોકેટ કરવા માંગે છે પરંતુ તેના હાર્ડવેર અને સોફ્ટવેર સેક્ટરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તંગીને ધ્યાનમાં લેતા તે ખૂબ અઘરૂં છે. ચીન સાથેનો આર્થિક સંબંધ ખતમ કરવો એટલો આસાન નથી. બીજી બાજુ ભારતીય બજારમાં સંભાવનાઓ શોધી રહેલી કંપનીઓએ રોકાણ કરતા કે વધારતા પહેલા ત્યાંના રાષ્ટ્રવાદને લઈ સાવધાન રહેવું જોઈએ અને અન્ય દેશોએ પણ સ્થાયી મિત્રતાની ગેરન્ટી ન હોવાથી સતર્ક રહેવું જોઈએ તેમ લખ્યું હતું. 

લેખમાં 2020ના વર્ષમાં ભારત અને ચીન વચ્ચેનો વેપાર એક તૃતિયાંશ જેટલો ઘટી શકે છે અને દ્વિપક્ષીય વેપાર 50 ટકા સુધી ઘટી શકે છે તેવો આંકડો માંડવામાં આવ્યો છે. 

Tags :