World

ભોજન માટે વલખાં મારતા લોકો પર ઈઝરાયલનો ફરી ગોળીબાર, ગાઝામાં વધુ 54 લોકોનાં મોત

By GS TEAM
13 Jul 20252 mins read
TukuTouch Logo
ગાઝામાં ભુખમરાનો સામનો કરી રહેલા નાગરિકો પર ઇઝરાયેલ દ્વારા ખુલ્લેઆમ હુમલા થઇ રહ્યા છે. ગાઝા પટ્ટી પર કરાયેલા હવાઇ હુમલામાં ચાર બાળકો સહિત 28 નાગરિકોના મોત નિપજ્યા હતા જ્યારે ભોજન વિતરણ કેન્દ્ર તરફ જઇ રહેલા નાગરિકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં 24 લોકોના મોત નિપજ્યા હતા, આમ એક જ દિવસમાં ઇઝરાયેલે 54 જેટલા નાગરિકોનો ભોગ લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભોજન માટે વલખાં મારતા લોકો પર ઈઝરાયલનો ફરી ગોળીબાર, ગાઝામાં વધુ 54 લોકોનાં મોત

- અમેરિકાથી પરત ફરતા જ નેતન્યાહુએ ગાઝા પર હુમલા વધાર્યા

- ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના સૈન્ય ઓપરેશનમાં 250 સ્થળોએ હુમલા કરાયા, હમાસ હજુ પણ સક્રિય હોવાનો દાવો

- ઇઝરાયેલે ગયા મહિને ઇરાન પર કરેલા હુમલાઓમાં પાંચ કેદી સહિત એક હજારથી વધુ લોકો માર્યા ગયા હતા

Israel vs Gaza War Updates : ગાઝામાં ભુખમરાનો સામનો કરી રહેલા નાગરિકો પર ઇઝરાયેલ દ્વારા ખુલ્લેઆમ હુમલા થઇ રહ્યા છે. ગાઝા પટ્ટી પર કરાયેલા હવાઇ હુમલામાં ચાર બાળકો સહિત 28 નાગરિકોના મોત નિપજ્યા હતા જ્યારે ભોજન વિતરણ કેન્દ્ર તરફ જઇ રહેલા નાગરિકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં 24 લોકોના મોત નિપજ્યા હતા, આમ એક જ દિવસમાં ઇઝરાયેલે 54 જેટલા નાગરિકોનો ભોગ લીધો છે. 

ગાઝાના રફાહમાં શાખોશ વિસ્તારમાં રાહત વિતરણ કેમ્પ ચાલી રહ્યો છે, આ રાહત કેમ્પમાં ભોજન લેવા જઇ રહેલા એક પેલેસ્ટાઇનના નાગરિક અબ્દુલ્લાહ અલ હદ્દાદે કહ્યું હતું કે હું ફૂડ વિતરણ કેન્દ્રથી માત્ર 200 મીટર દૂર હતો ત્યાં ઇઝરાયેલ સૈન્યની ટેન્ક ઘૂસી આવી અને નાગરિકો પર અંધાધુંધ ગોળીબાર કરી દીધો હતો. જેમાં મારા પગને પણ ગોળી વાગી હતી. અબ્દુલ્લાહે આ નિવેદન રફાહની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આપ્યું હતું. અન્ય એક સાક્ષી મોહમ્મદ જમાલે કહ્યું હતું કે ઇઝરાયેલ સૈન્યએ અમને રાહત કેમ્પ તરફ આગળ વધતા રહેવા કહ્યું હતું ને અચાનક જ ગોળીબાર કરી દેવાયો. આ ગોળીબારમાં 17 વર્ષીય નાસીરનું મોત નિપજ્યું હતું, નાસીરે તેની માતાને કહ્યું હતું કે મા આજે હું લોટ લેવા જઇશ, હું મરી જઇશ તો પણ લોટ લેવા જઇશ. જોકે નાસીર ખરેખર મોતને ભેટયો હતો આ આપવીતી તેની માતાએ મીડિયાને કહી હતી. 

બીજી તરફ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ દ્વારા હજુ પણ સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે. ગાઝા પટ્ટીમાં છેલ્લા 48 કલાકમાં 250 ટાર્ગેટને નિશાન બનાવાયા છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે આ તમામ સ્થળો હમાસ સાથે જોડાયેલા છે જેમાં હથિયારો રાખવાનું સ્થળ, એન્ટી ટેન્ક મિસાઇલ, સ્નાઇપર પોસ્ટ્સ, ટનલ વગેરેનો સમાવેશ થાય છે. ઇઝરાયેલના વડા નેતન્યાહુ તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને પરત ફર્યા હતા, આ મુલાકાતમાં ગાઝા શાંતિ કરારો પર કોઇ જ વાત બની નથી, તેથી નેતન્યાહુએ ઇઝરાયેલ પરત ફરતાની સાથે જ ગાઝા પર હુમલા શરૂ કરી દીધા છે. ગયા મહિને 23 તારીખે ઇરાનની રાજધાની તેહરાન પર ઇઝરાયેલ દ્વારા મિસાઇલ હુમલા કરાયા હતા, આ હુમલામાં ઇરાનની કુખ્યાત એવિન જેલ પણ અડફેટે આવી ગઇ હતી, જેને પગલે જેલમાં કેદ પાંચ કેદીઓના મોત નિપજ્યા હતા, આ માહિતી ઇરાન દ્વારા હવે હુમલાના આટલા દિવસ બાદ જાહેર કરવામાં આવી છે. જ્યારે બન્ને દેશો વચ્ચે ૧૨ દિવસ સુધી ચાલેલા આ ઘર્ષણમાં ઇરાનમાં 1060 જ્યારે ઇઝરાયેલમાં 28 લોકોના મોત નિપજ્યા હતા.