VIDEO: ઈરાકમાં શોપિંગ મોલ આગની જ્વાળામાં લપેટાયો, 60ના મોત, અનેક ઘાયલ
Iraq Shopping Mall Fire Broke Out: ઈરાકના અલ-કુટ શહેરમાં આવેલા હાયપર માર્કેટમાં આજે ગુરુવારના રોજ ભયાનક આગ ફાટી નીકળતાં અંદાજે 60 લોકોના મોત થયા છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હાયપર માર્કેટ સવારે ખુલ્યાની થોડી ક્ષણોમાં જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. તેના વાયરલ વીડિયોમાં બિલ્ડિંગનો મોટો હિસ્સો આગની ઝપેટમાં આવી ગયો હોવાનું નજરે ચડ્યું છે. ચારેકોર હવામાં ધુમાડાના ગોટેગાટા જોવા મળ્યા હતા.
60ના મોત, અનેક ઘાયલ
શોપિંગ સેન્ટરમાં લાગેલી આ આગમાં અંદાજે 60 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. મોતનો આંકડો વધવાની ભીતિ છે. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાંતના ગવર્નર મોહમ્મદ-અલ-મિયાહીએ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીના આદેશ આપ્યા છે. આ દુર્ઘટનાનું કારણ શોધવા તપાસ શરુ કરાઈ છે. આગામી 48 કલાકમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. તેમજ બિલ્ડિંગ અને મોલના માલિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. તેમણે પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
શહેરના આરોગ્ય અધિકારીએ ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે, આ ભયાવહ આગ દુર્ઘટનામાં અમે અત્યારસુધી 59 મૃતકોની ઓળખ કરી લીધી છે. અન્ય એક મૃતદેહ ખરાબ રીતે બળી ગયો હોવાથી તેની ઓળખ થઈ શકી નથી. આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધવાની શક્યતા છે.