ચીનમાં કુદરતનો કેર: બેઇજિંગમાં અતિભારે વરસાદ બાદ 30ના મોત, 80 હજાર લોકોએ ઘર છોડ્યા
(IMAGE - IANS) |
Beijing Floods: ચીનની રાજધાની બેઇજિંગમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આ વરસાદને કારણે અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત થયાં છે, જ્યારે લગભગ 80,000 લોકોને પોતાનાં ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વરસાદના કારણે ઘણા રસ્તાઓને નુકસાન થયું છે અને 136 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
શી જિનપિંગે બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને ગુમ થયેલા લોકોની શોધ અને બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કરવા, સ્થળાંતર કરાયેલા લોકોને યોગ્ય રીતે ફરીથી વસાવવા અને જાનહાનિ ઘટાડવા માટે શક્ય હોય તેટલું બધું કરવા નિર્દેશ આપ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેઇજિંગના મિયુન જિલ્લામાં મોડી રાત સુધીમાં 28 અને યાનકિંગમાં 2 લોકોના મૃત્યુ થયા છે. ચીનની રાજધાનીમાં રાતભર ભારે વરસાદ થયો હતો. સોમવારે મળેલા અહેવાલો અનુસાર, ભારે વરસાદ અને પૂરના કારણે 4 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 8 હજુ પણ ગુમ છે. આ પીડિતો હેબેઈ પ્રાંતમાં થયેલા ભૂસ્ખલનમાં ફસાયા હતા. આ સાથે તોફાનથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઓછામાં ઓછી 34 થઈ ગઈ છે.
ભારે વરસાદ અને પૂરને કારણે 40,000થી વધુ લોકોનું સ્થળાંતર
ભારે વરસાદ અને પૂરના કારણે ચીનના બેઇજિંગ અને તિયાનજિન શહેરમાં 40,000થી વધુ લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બેઇજિંગના ગ્રામીણ મિયુન જિલ્લામાં એક ડેમ છલકાઈ જતાં પાણી છોડવામાં આવ્યું હતું, જે 1959માં તેના નિર્માણ બાદના સર્વોચ્ચ સ્તરે હતું. અધિકારીઓએ લોકોને નદીઓના નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા ચેતવણી આપી છે, કારણ કે પાણીનું સ્તર વધી રહ્યું છે અને હજુ પણ ભારે વરસાદની સંભાવના છે.
બેઇજિંગમાં હાઈ એલર્ટ
બેઇજિંગના અધિકારીઓએ સોમવારે રાત્રે 8 વાગ્યે ઉચ્ચ-સ્તરીય કટોકટી પ્રતિભાવ શરૂ કર્યો હતો. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય તું સુધી લોકોને ઘરોમાં રહેવા, શાળાઓ બંધ રાખવા, બાંધકામ કાર્ય સ્થગિત કરવા અને બહારના પર્યટન તેમજ અન્ય પ્રવૃત્તિઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વધુ વરસાદની આગાહી અને રાહત કાર્ય
બેઇજિંગમાં આજે સૌથી વધુ વરસાદની અપેક્ષા છે, કેટલાક વિસ્તારોમાં 30 સેન્ટિમીટર સુધી વરસાદનું અનુમાન છે. બેઇજિંગના વિવિધ જિલ્લાઓમાંથી 30,000થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, જેમાં મિયુનમાંથી લગભગ 6400 લોકોનો સમાવેશ થાય છે. શિન્હુઆના અહેવાલ મુજબ, તિયાનજિન શહેરના નજીકના જિઝોઉ જિલ્લામાંથી વધુ 10,000 લોકોને ખસેડવામાં આવ્યા છે.