અમેરિકા-ઈઝરાયલને ખામેનેઈનું સચોટ લોકેશન કેવી રીતે મળ્યું? 30 સેકન્ડમાં 30 બોમ્બ ઝીંક્યા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Ayatollah Khamenei Death: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે અત્યાર સુધીના સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત સૈન્ય હુમલામાં માર્યા ગયા હોવાનો મોટો દાવો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેહરાનમાં સ્થિત ખામેનેઈના મુખ્ય મથક પર માત્ર 30 સેકન્ડના ટૂંકા ગાળામાં એક પછી એક 30 ધડાકા કરવામાં આવ્યા હતા, જેના પરિણામે સમગ્ર ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી.
ખામેનેઈ બાદ પૂર્વ રાષ્ટ્રપતિ અહમદીનેજાદનું પણ મોત
આ હુમલો એટલી સચોટ વ્યૂહરચના સાથે કરવામાં આવ્યો હતો કે ખામેનેઈને જીવ બચાવવાની તક પણ મળી શકી નહોતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા ખામેનેઈના મોતના અહેવાલોને સમર્થન આપતા આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઈરાન માટે આ આંચકો ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે અન્ય એક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ઈઝરાયલી હુમલામાં પૂર્વ રાષ્ટ્રપતિ અહમદીનેજાદનું પણ મૃત્યુ થયું છે. આ બેવડા ફટકા બાદ હવે ઈરાન સંપૂર્ણપણે નેતૃત્વ વિહોણું બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ખામેનેઈનું લોકેશન કેવી રીતે લીક થયું?
આ મહાવિનાશક હુમલા બાદ હવે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે ઈઝરાયલ અને અમેરિકાને ખામેનેઈના ચોક્કસ લોકેશનની ખબર કેવી રીતે પડી? એવું માનવામાં આવે છે કે ખામેનેઈ તેમના ટોચના અધિકારીઓ સાથે એક ગુપ્ત બેઠક કરી રહ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક પહેલા શનિવારે સાંજે યોજાવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેનો સમય બદલીને સવારનો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી પાસે આ ફેરફારની સચોટ માહિતી પહેલેથી જ હતી, જેના કારણે શંકા સેવાઈ રહી છે કે ખામેનેઈના નજીકના વર્તુળમાં જ કોઈ 'ભેદિયું' હોઈ શકે છે જેણે લોકેશન લીક કરી દીધું હતું.
હુમલા સાથે જોડાયેલા 5 મોટા સવાલો
ખામેનેઈના મોત બાદ શિયા મુસ્લિમોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે પાંચ મુખ્ય સવાલો ચર્ચાના કેન્દ્રમાં છે...
1. શું ખામેનેઈના અત્યંત નજીકના કોઈ વ્યક્તિએ લોકેશનની જાણકારી દુશ્મનોને આપી હતી?
2. શનિવાર સાંજની મીટિંગ સવારે થવાની છે, તે વાતની જાણકારી ઈઝરાયલ પાસે કેવી રીતે પહોંચી?
3. શું માત્ર એડવાન્સ્ડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા જ આટલા વર્ષોથી અંડરગ્રાઉન્ડ રહેલા નેતાને ટ્રેક કરી શકાયા?
4. જો અમેરિકા અને ઈઝરાયલ પાસે આવી ટેકનોલોજી હતી, તો અગાઉ તેઓ કેમ સફળ ન થયા?
5. હુમલા પહેલા ખામેનેઈ કોને મળ્યા હતા, જેના કારણે તેમની ચોક્કસ લોકેશન ટ્રેસ થઈ ગયું?
મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ
આ હુમલા બાદ ઈરાને આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમના સર્વોચ્ચ નેતાની હત્યાનો ગુનો સજા વગર જશે નહીં. નેતન્યાહૂની સરકારે આ ઓપરેશનને પોતાની મોટી સફળતા ગણાવી છે, પરંતુ આ ઘટનાએ મિડલ ઈસ્ટને યુદ્ધની જ્વાળાઓમાં ધકેલી દીધું છે. ઇરાન હાલ પોતાના સૌથી મોટા સંરક્ષણ કવચ સમાન નેતાને ગુમાવી ચૂક્યું છે અને હવે આગળની રણનીતિ શું હશે તેના પર આખી દુનિયાની નજર છે.








