VIDEO: અમેરિકામાં ભારતીય ટ્રક ડ્રાઈવર સામે અનેક વાહનો કચડી નાખવાનો આરોપ, ત્રણના મોત

USA Accident News: અમેરિકામાં એક બેફામ ટ્રક ડ્રાઇવરે અનેક વાહનોને ટક્કર મારીને એક ભયાનક અકસ્માત સર્જ્યો છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો આરોપીના ટ્રકમાં લાગેલા ડેશકેમમાં જ રેકોર્ડ થઈ ગયો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવાસીઓનો મુદ્દો ફરી એકવાર રાજકીય રીતે ગરમાયો છે.
પૂર્વ પ્રમુખ બાઇડેનની નીતિઓ સામે સવાલ ઊઠ્યા
આરોપી ટ્રક ડ્રાઇવરની ઓળખ ભારતીય મૂળના જશનપ્રીત સિંહ તરીકે થઈ છે. અમેરિકન મીડિયા અને સોશિયલ મીડિયા પર એવા આરોપો લાગી રહ્યા છે કે જશનપ્રીત સિંહ એક ગેરકાયદેસર પ્રવાસી છે, જે 2022માં અમેરિકામાં ઘૂસ્યો હતો. આ દાવા બાદ, સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ દુર્ઘટના માટે પૂર્વ પ્રમુખ જો બાઇડનની ઇમિગ્રેશન નીતિઓને જવાબદાર ઠેરવી રહ્યા છે.
અકસ્માતનો ડરામણો વીડિયો વાઈરલ
વાયરલ થયેલા ભયાનક વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક હાઇ-સ્પીડ ટ્રક એક પછી એક વાહનોને કચડતો આગળ વધી રહ્યો છે, જેમાં ઘણી ગાડીઓના કચ્ચરઘાણ નીકળી જાય છે. આ ઉપરાંત, જશનપ્રીત સિંહ પર એવો પણ આરોપ છે કે તેણે ડ્રગ્સનું સેવન કર્યું હતું અને અકસ્માત સમયે તે નશાની હાલતમાં હતો.
ફરી ગેરકાયદે ઇમિગ્રેશનનો મુદ્દો ચર્ચામાં
આ દુર્ઘટનાએ અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશનના મુદ્દાને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે. એક સામાન્ય માર્ગ અકસ્માત હવે રાજકીય મુદ્દો બની ગયો છે, જ્યાં એક તરફ નિર્દોષ લોકોના જીવ ગયા છે અને બીજી તરફ દેશની ઇમિગ્રેશન નીતિઓ પર ગંભીર સવાલો ઉભા થયા છે.

