અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના, એકસાથે લેન્ડિંગ કરવા જતા બે વિમાન ટકરાયા, 3ના મોત
AI Images |
Aircraft Midair Collision: અમેરિકાના ફોર્ટ મોર્ગન મ્યુનિસિપલ એરપોર્ટ પર રવિવારે (31મી ઓગસ્ટ) વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. બે નાના વિમાન Cessna 172 અને Extra Flugzeugbau EA300 લેન્ડિંગ દરમિયાન ટકરાયા હતા. ટક્કર પછી એક વિમાનમાં આગ લાગી હતી, જે સંપૂર્ણપણે બળી ગયું હતું, જ્યારે બીજું વિમાન ખરાબ રીતે નુકસાન થયું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, વિમાનમાં કુલ ચાર લોકો હતા, જેમાંથી ત્રણના મોત થયા છે. અન્ય એક વ્યક્તિની સ્થિતિ વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી.
દુર્ઘટના ATCમાં લગાવેલા કેમેરામાં કેદ થઈ
મોર્ગન એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર પર લગાવેલા કેમેરામાં વિમાન દુર્ઘટના કેદ થઈ હતી. વીડિયોમાં દૂરથી કાળા ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSC) અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
જાન્યુઆરી 2025માં પણ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી
29મી જાન્યુઆરી 2025ના રોજ અમેરિકામાં પણ બે વિમાનો ટકરાયા હતા. અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ 5342નું બોમ્બાર્ડિયર CRJ700 એરલાઇનર યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી સિકોર્સ્કી UH-60 બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું અને ટક્કર થતાં જ બંનેમાં આગ લાગી ગઈ હતી. પોટોમેક નદી ઉપર આકાશમાં બે વિમાનો અથડાયા હતા અને આ અકસ્માતમાં 67 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
12મી ઓગસ્ટ 2025ના રોજ પણ દુર્ઘટના સર્જાઈ હતી
ઉલ્લેખનીય છે કે, 12મી ઓગસ્ટના રોજ પણ અમેરિકામાં બે વિમાનો અથડાયા હતા. અમેરિકાના મોન્ટાના એરપોર્ટ પર લેન્ડિંગ કરતું એક વિમાન એરપોર્ટ પર પાર્ક કરેલા વિમાન સાથે અથડાયું હતું. ટક્કર થતાં જ વિમાનોમાં ભારે આગ લાગી હતી. નાનું સિંગલ-એન્જિન સોકાટા TBM 700 ટર્બોપ્રોપ વિમાન કાલિસ્પેલ સિટી એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તે એરપોર્ટ પર પાર્ક કરેલા ખાલી વિમાન સાથે અથડાયું. આ અકસ્માતની પણ તપાસ ચાલી રહી છે અને ઉડ્ડયન મંત્રીએ રિપોર્ટ મંગાવ્યો છે.