World

બ્રિટન સહિત 28 દેશોએ ગાઝા યુદ્ધ તત્કાળ બંધ કરવા ઇઝરાયલ પર સખત દબાણ કર્યું

By GS TEAM
22 Jul 20252 mins read
બ્રિટન સહિત 28 દેશોએ ગાઝા યુદ્ધ તત્કાળ બંધ કરવા ઇઝરાયલ પર સખત દબાણ કર્યું

- ગાઝામાં ટીપાં ટીપાં જેટલી સહાય તો બીજી તરફ નિર્દોષ નાગરિકોનાં મૃત્યુ : ઔષધો, ખાદ્ય પદાર્થો અને પાણી પણ અસહ્ય તંગી છે

લંડન, નવી દિલ્હી : ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ મંત્રણા કતારમાં ચાલી રહી છે. અમેરિકાના વિષ્ટિકારો પણ ત્યાં ઉપસ્થિત છે. પરંતુ હજી તેમાં કોઈ માર્ગ મળી શક્તો નથી. બ્રિટન અને જાપાન સહિત લગભગ તમામ યુરોપીય દેસોના સમુહ ગાઝામાં તત્કાળ યુદ્ધ બંધ કરવા ઇઝરાયલને ભારપૂર્વક જણાવ્યું છે. પરંતુ તે અઠ્ઠાવીશ જેટલા દેશોની અપીલ ઇઝરાયલને અસર કરતી હોય તેવું લાગતું નથી. પરિણામે ઇઝરાયલ પોતે જ એકલું પડી ગયું છે.

ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિતના કેટલાયે દેશોના વિદેશ મંત્રીઓએ ગાઝા પટ્ટીમાં પ્રવર્તતી અતિકરૂણ સ્થિતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ત્યાં નાગરિકોની પરિસ્થિતિ ઊંડી અને ઊંડી ઉતરી રહી છે. તેઓને ટીપે ટીપે મળતી સહાય લગભગ અર્થહીન બની ગઈ છે.

અત્યારે ગાઝા પટ્ટીમાં ખાદ્ય પદાર્થો જ નહીં પાણીની બોટલો મેળવવા માટે પડાપડી થાય છે. તેવામાં ઇઝરાયલી દળોએ ગાઝા પટ્ટીની મધ્યમાં રહેલા નાગરિકોને તે વિસ્તાર છોડી દેવા હુક્મ કરતાં કહ્યું છે કે હવે અહીં જબ્બર આક્રમણ થશે માટે આ વિસ્તાર છોડી દો. જ્યારે ઇઝરાયલ અમેરિકા દ્વારા અપાતી સહાય મેળવવા માટે થયેલી ધક્કામુકી અને રમખાણો રોકવા કરાયેલા ગોળીબારોને લીધે ૨૦નાં મૃત્યુ થયાં છે.

આટલું જ નહીં પરંતુ ગાઝામાં સહાય માટે રખાયેલા ખાદ્ય પદાર્થોનાં ગોડાઉનો તથા સહાય કર્મચારીઓના નિવાસ્થાનો ઉપર પણ ઇઝરાયલી દળોએ આક્રમણ કર્યું હોવાના આક્ષેપ થયા છે.