Get The App

યુરોપિયન યુનિયન પર 50% અને વિદેશમાં બનેલા iPhone ઉપર 25% ટેરિફ લાગુ, ટ્રમ્પનો નિર્ણય

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
યુરોપિયન યુનિયન પર 50% અને વિદેશમાં બનેલા iPhone ઉપર 25% ટેરિફ લાગુ, ટ્રમ્પનો નિર્ણય 1 - image


Donald Trump News :  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજો કાર્યકાળ શરૂ કરવાની સાથે જ દુનિયાના વિવિધ દેશો પર ટેરિફ બોમ્બ ઝિંકવાનું અને પછી યુ-ટર્ન લેવાનું વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ભારતને મિત્ર દેશ ગણાવવા છતાં તેને ટેરિફ કિંગ ગણાવ્યો હતો. આ દિશામાં આગળ વધતા ટ્રમ્પે કતારમાં અમેરિકન કંપની એપલને ભારતમાં આઈફોનનું ઉત્પાદન નહીં કરવા ચેતવણી આપી હતી, પરંતુ હવે ટ્રમ્પે એપલને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારત કે અન્ય કોઈ દેશમાં ઉત્પાદિત આઈફોનનું અમેરિકામાં વેચાણ કરવા પર 25 ટકા ટેરિફ લાગુ કરાશે. આ સિવાય ટ્રમ્પે યુરોપીયન યુનિયનને પણ 1લી જૂનથી 50 ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી આપી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની શરૂઆતથી જ ભારતને 'ટેરિફ કિંગ' ગણાવતા બદનામ કર્યો છે. સાથે ટ્રમ્પે ભારત સાથે દ્વિપક્ષીય વેપાર કરાર કરવાની પણ વાતો કરી છે. આ ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પે હવે એપલને અમેરિકામાં આઈફોનનું ઉત્પાદન નહીં કરવા બદલ ૨૫ ટકા ટેરિફની ધમકી આપી છે. ટ્રમ્પે અગાઉ કતાર મુલાકાત સમયે પણ એપલને ભારતમાં આઈફોનનું ઉત્પાદન નહીં કરવા સલાહ આપી હતી. જોકે, એપલે તેની સલાહ માનવાનો ઈન્કાર કરી દીધો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે હવે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું છે, મેં એપલના સીઈઓ ટીમ કૂકને પહેલા જ જણાવ્યું હતું કે તેમના જે આઈફોનનું અમેરિકામાં વેચાણ થશે તે અમેરિકામાં જ બનેલા હોવા જોઈએ. ભારત નહીં કે અન્ય કોઈ દેશમાં આઈફોનનું ઉત્પાદન ના થવું જોઈએ. જો આવું નહીં થાય તો અમેરિકામાં એપલે ઓછામાં ઓછા ૨૫ ટકા ટેરિફની ચૂકવણી કરવી પડશે. ટ્રમ્પની આ ધમકીથી એપલ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે, કારણ કે એપલના આઈફોનનું સૌથી વધુ વેચાણ અમેરિકામાં થાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની શરૂઆતમાં જ ચીન પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી તો એપલ માટે મોટો પડકાર ઊભો થઈ ગયો હતો. કારણ કે તેના મોટાભાગના આઈફોનનું ઉત્પાદન ચીનમાં થાય છે. જોકે, ચીન પર લાગુ કરાયેલા ટેરિફથી બચવા માટે એપલે આઈફોનનું ઉત્પાદન ભારત અને અન્ય દેશોમાં શિફ્ટ કરવાની યોજના બનાવી છે. પરંતુ ટ્રમ્પ ઈચ્છે છે કે એપલ અમેરિકામાં વેચાતા આઈફોનનું ઉત્પાદન અમેરિકામાં જ કરે. સૂત્રો મુજબ ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકન બજારમાં આઈફોનના ભાવમાં વધારો થઈ શકે છે. આઈફોનના ભાવ વધવાની સાથે તેના વેચાણ પર પણ વિપરિત અસર પડી શકે છે.

દરમિયાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પે યુરોપીયન યુનિયન પર 1 જૂનથી 50 ટકા ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, યુરોપિયન યુનિયન સાથે વાતચીત આગળ વધી રહી નથી. ઈયુ સાથે સોદો કરવો ખૂબ જ મુશ્કેલ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ સોશિલય પર લખ્યું, યુરોપીય સંઘ જેની રચના મુખ્યત્વે વેપારમાં અમેરિકાનો લાભ ઉઠાવવાના ઉદ્દેશ્યથી કરાઈ હતી, તેની સાથે સોદો કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે. તેમના શક્તિશાળી વેપાર અવરોધો, વેટ ટેક્સ, અર્થહીન કોર્પોરેટ પેનલ્ટીસ, નોન-મોનેટરી ટ્રેડ બેરિયર્સ, મોનેટરી મેનિપ્યુલેશન્સ, અમેરિકન કંપનીઓ વિર ુદ્ધ અયોગ્ય અને અન્યાયપૂર્ણ કેસ વગેરે, અમેરિકા સાથે વાર્ષિક 25 કરોડ ડોલરથી વધુની વેપાર ખાધ ઊભી કરે છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

તેથી યુરોપીયન સંઘ પર 25 ટકાના સીધા ટેરિફની ભલામણ કરી રહ્યો છું, જે 1 જૂન 2025થી શરૂ થશે. ઉત્પાદનોનું અમેરિકામાં ઉત્પાદન થાય તો કોઈ ટેરિફ નહીં લાગે. ટ્રમ્પે આ વર્ષે માર્ચમાં યુરોપિયન યુનિયનના દેશો તરફથી અમેરિકામાં આયાત થતી સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આ સિવાય યુરોપીયન યુનિયનથી આયાત થતી બધી જ વસ્તુઓ પર યુનિવર્સિલ 20 ટકા ટેરિફ અને કાર તથા કેટલાક ઓટો પાર્ટ્સ પર અલગથી 25 ટકા ટેરિફ લગાવ્યો હતો. નવા ટેરિફ યુરોપિયન યુનિયનના 380 અબજ યુરોના સામાન પર અસર કરતા હતા. બદલામાં યુરોપીયન યુનિયને પણ અંદાજે 21 અબજ યુરો (23.2અબજ ડોલર)ના અમેરિકન સામાનો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ઈયુના કેટલાક ટેરિફ એપ્રિલની મધ્યથી લાગુ થવાના હતા. જોકે, 9 એપ્રિલે ટ્રમ્પે ચીન સિવાય તમામ દેશો માટેના ટેરિફ પર 90 દિવસ સ્થગિત રાખવાની જાહેરાત કરી હતી. જોકે, માત્ર 10 ટકાનો દર લાગુ રાખવાની જાહેરાત કરાઈ હતી. બદલામાં યુરોપીયન યુનિયને પણ જવાબી ટેરિફનો અમલ 90 દિવસ માટે પાછો ઠેલ્યો હોવાની જાહેરાત કરી હતી.

ટ્રમ્પની ધમકી પછી યુરોપ અને અમેરિકાના બજારોમાં કડાકો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એપલને 25 ટકા અને યુરોપીયન યુનિયનને 50 ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી છે. આ ધમકીના પગલે યુરોપીયન બજારો અને અમેરિકન બજારોમાં કડાકો બોલાયો હતો. એસએન્ડપી 500 ફ્યુચર્સ અને ડાઉજોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 1.5 ટકા તથા નાસ્ડેક ફ્યુચર્સ 1.7 ટકા તૂટયા હતા. ઓઈલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો અને ટ્રેઝરી યીલ્ડ પણ ઘટયો હતો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પની પોસ્ટ પછી યુરોપીયન બજારોમાં કડાકો બોલાયો હતો. જર્મનીનો ડીએએક્સ 1.9 તૂટયો હતો જ્યારે પેરીસમાં સીએસી 40 માં 2.4 ટકાની કડાકો બોલાયો હતો. લંડનનો એફટીએસઈ 100 પણ 1.1 ટકા ઘટયો હતો. એપલ ઉપર 25 ટકા ટેરિફ નાંખવાની ધમકીથી અમેરિકન સ્ટોક માર્કેટમાં સવારના ટ્રેડિંગ સેશનમાં એપલના શૅરો 3.8 ટકા ગગડયા હતા. બીજીબાજુ યુએસ બેન્ચમાર્ક ક્રૂડ ઓઈલમાં 1.7 ડોલર અથવા 1.3 ટકાની નરમાઈ જોવા મળી હતી, જેને પગલે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 60.13 ડોલરના ભાવે વેચાતું હતું જ્યારે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડનું બ્રેન્ટ ક્રૂડનો ભાવ 99  સેન્ટ ઘટીને પ્રતિ બેરલ 63.45 ડોલર થયો હતો.

Tags :