અમેરિકામાં સ્વાઈન ફ્લૂનો કહેર, આ સિઝનમાં અત્યાર સુધીના સૌથી વધુ 216 બાળકોના મોત
USA Flu News : અમેરિકામાં આ વખતની ફ્લુ સીઝનમાં 15 વર્ષ પહેલા સ્વાઇન ફ્લુ શરૂ થયો પછી સૌથી વધુ 216 અમેરિકન બાળકો મૃત્યુ પામ્યા છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન એકલિપ્સ મુજબ ગયા વર્ષે આ આંકડો 207નો હતો. આમ આ આંકડો 2009-10 માં વિશ્વસ્તરે સ્વાઇન ફ્લુ ફેલાયો હતો તેના પછીનો સૌથી મોટો આંકડો છે.
જો કે હજી પણ ફ્લુ સીઝન ચાલી રહી છે. 2023-24નો ફ્લુથી મોતનો અંતિમ આંકડો વસંતની સીઝન શરૂ થાય નહીં ત્યાં સુધી ગણાતો નથી. અમેરિકન એકેડેમિક ઓફ પીડિયાટ્રિક્સના સેક્રેટરી ડો. સીન ઓલીયરીએ જણાવ્યું હતું કે હાલમાં આપણે જે જોઈ રહ્યા છે તે વર્તમાન આંકડો છે અને એક વખત સીઝન પૂરી થશે ત્યારે તેના આંકડા આવશે અને તે ચોક્કસપણે હાલના આંકડા કરતાં વધારે જ હશે.
કોલોરોડો યુનિવર્સિટીના બાળકોના ચેપી રોગના નિષ્ણાત ઓલીયરીએ જણાવ્યું હતું કે બાળકોના મૃત્યુની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે આ વખતે ઓછા બાળકોએ અને ઓછા લોકોએ ફ્લુ શોટ એટલે કે ફ્લુની રસી લીધી હતી. ફ્લુની રસી ફક્ત રોગનો ભોગ જ બનતા અટકાવતી નથી, પરંતુ તેની સાથે હોસ્પિટલાઇઝેશન અને મોત પણ અસરકારક રીતે અટકાવે છે.
જો કે આ વખતની ફ્લુ સીઝન કંઈ ફક્ત બાળકો માટે જ જોખમી બની છે તેવું નથી. આ વખતની ફ્લુ સીઝનમાં કમ સે કમ 4.7 કરોડ ફ્લુના કેસ નોંધાયા, 610000ને હોસ્પિટલાઇઝ થવાની ફરજ પડી અને 26 હજારના મોત થયા. જો કે રાહતની વાત એ છે કે બધા 50 રાજ્યોમાં ફ્લુની સીઝન ખતમ થવાના આરે છે. ફેબુ્રઆરીથી જ તેમાં ઘટાડો શરૂ થઈ ગયો હતો.