Earthquake in Myanmar : મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપમાં મૃત્યુઆંક ફરી એકવાર વધ્યો છે. જુન્ટા સરકારે આજે સોમવારે (31 માર્ચ, 2025) નવા આંકડા જાહેર કર્યા હતા. જેમાં વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,056 થયો છે અને 3,900 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી બચાવ કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન, મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ માટે એક અઠવાડિયાનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
મ્યાનમારમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,000ને પાર ગયો છે. તેવામાં નાશ પામેલા ઇમારતોના કાટમાળમાં બચી ગયેલા લોકોને શોધવાની આશા ધૂંધળી થઈ ગઈ છે. શાસક જુન્ટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગત શુક્રવારે આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપમાં થયેલા જાનહાનિ અને નુકસાનને લઈને શોક વ્યક્ત કરવા માટે આગામી 6 એપ્રિલ સુધી રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
ત્રણ દિવસ પછી મહિલાને જીવતી બચાવી
મળતી માહિતી મુજબ, ભૂકંપને લઈને આજે સોમવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'ભૂકંપના ત્રણ દિવસ પછી હોટલના કાટમાળમાંથી એક મહિલાને બચાવી લેવામાં આવી છે. જ્યારે બચાવ કાર્યકરો શક્ય તેટલા વધુ બચી ગયેલા લોકોને શોધવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.
મ્યાનમારમાં સ્થિત ચીની દૂતાવાસે શું કહ્યું?
મ્યાનમારમાં સ્થિત ચીની દૂતાવાસે સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુકમાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'માંડલેમાં ગ્રેટ વોલ હોટેલના કાટમાળમાંથી મહિલાને બચાવી લેવામાં આવી હતી. મહિલાની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું. માંડલે 28 માર્ચ, 2025 ના રોજ આવેલા ભૂકંપના કેન્દ્રબિંદુની નજીક છે. ભૂકંપથી માત્ર મ્યાનમારમાં જ નહીં પરંતુ પડોશી દેશ થાઇલેન્ડમાં પણ ભારે નુકસાન થયું હતું.'
આ પણ વાંચો: મ્યાનમાર-થાઈલેન્ડ બાદ પાકિસ્તાનમાં આવ્યો ભૂકંપ, કરાંચી સુધી અનુભવાયા આંચકા
બેંગકોકમાં પણ ભારે વિનાશ થયો હતો
મીડિયા અહેવાલ મુજબ, બેંગકોકમાં આજે સોમવારે એક નિર્માણાધીન ઊંચી ઇમારત ધરાશાયી થયા બાદ કાટમાળ નીચે ફસાયેલા 76 લોકોની શોધખોળ ફરી શરૂ કરવામાં આવી હતી. લગભગ ત્રણ દિવસ પછી, એવી આશંકા વધી હતી કે બચાવ ટીમોને વધુ મૃતદેહો મળશે, જેના કારણે થાઇલેન્ડમાં મૃત્યુઆંકમાં મોટો વધારો થઈ શકે છે. ગત રવિવાર સુધીમાં થાઇલેન્ડમાં મૃત્યુઆંક 18 હતો.


