2025નો ભૌતિકવિજ્ઞાન નોબલ : ક્વોન્ટમ ટેકનોલોજીમાં પાયાનું પ્રદાન કરનારા વિજ્ઞાનીઓ સન્માનિત
- યુએસની કેલિફોર્નિયા યુનિવર્સિટીના ત્રણ અમેરિકન વિજ્ઞાનીઓ નોબલ વિજેતા
- નવી પેઢીની ક્લોન્ટમ ટેકનોલોજીમાં ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી, ક્વોન્ટમ કમ્પ્યુટર્સ અને ક્વોન્ટમ સેન્સર્સનો સમાવેશ
- જ્હોન કલાર્ક, મિશેલ એચ. ડેવોરેટ અને જ્હોન એમ. માર્ટિનિસને અંદાજે રૂ.10 કરોડની રકમ સરખે ભાગે વહેંચવામાં આવશે
સ્ટોકહોમ : ૨૦૨૫નો ભૌતિકવિજ્ઞાનનો નોબલ પુરસ્કાર ત્રણ અમેરિકન વિજ્ઞાની જ્હોન કલાર્ક, મિશેલ એચ. ડેવોરેટ અને જ્હોન એમ. માર્ટિનિસને ક્વોન્ટમ ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વની શોધ કરવા માટે આપવાની જાહેરાત રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સીઝ દ્વારા મંગળવારે કરવામાં આવી હતી. ત્રણે વિજેતાઓને અંદાજે ૧૨ લાખ અમેરિકી ડોલર (આશરે ૧૦ કરોડ રૂપિયા)ની રકમ સરખે ભાગે વહેંચવામાં આવશે. આ વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબલ પુરસ્કાર ઇલેકટ્રિક સરકીટમાં મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને એનર્જી ક્વાન્ટિસાઇઝેશનની શોધ કરવા માટે આપવામાં આવ્યો હતો.
રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સીઝ દ્વારા જારી કરવામાં આવેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે આ વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબલ પુરસ્કાર ક્વોન્ટમ ટેકનોલોજીમાં બીજી પેઢીની તકો વિક્સાવવામાં મહત્વનું પ્રદાન આપવા માટે આપવામાં આવ્યો છે. નવી પેઢીની ક્લોન્ટમ ટેકનોલોજીમાં ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી, ક્વોન્ટમ કમ્પ્યુટર્સ અને ક્વોન્ટમ સેન્સર્સનો સમાવેશ થાય છે. ત્રણે વિજેતા ભૌતિક વિજ્ઞાનીઓ યુએસ સ્થિત છે.
૮૩ વર્ષના જ્હોન ક્લાર્કે તેમનું સંશોધન કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલેમાં કર્યું છે જ્યારે માર્ટિનિસ અને ડેવરોટે તેમનું સંશોધન કેલિફોર્નિયા યુનિવર્સિટી, સાન્ટા બાર્બરા ખાતે કર્યું છે. ક્લાર્કે નોબલ પુરસ્કાર મળવાનો પ્રતિભાવ સેલફોન પર આપતાં જણાવ્યું હતું કે હળવાશથી કહું તો મારા જીવનનું આ સૌથી મોટું આશ્ચર્ય છે. મારા સાથી વિજેતા વિજ્ઞાનીઓનું પ્રદાન પણ જબરદસ્ત છે. અમારી શોધ કોઇ રીતે ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો પાયો બની રહેશે. કઇ રીતે આમ બનશે તેની મને જાણ નથી પણ આ સેલફોન કામ કરે છે તેના મૂળમાં પણ આ બધું કાર્ય રહેલું છે.
નોબલ પુરસ્કાર જાહેર કરવાની પરંપરા અનુસાર આ અઠવાડિયે બીજો નોબલ પુરસ્કાર ભૌતિકવિજ્ઞાન માટે મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો. પહેલો નોબલ પુરસ્કાર મેડિસિનના ક્ષેત્રમાં બે અમેરિકન અને એક જાપાની વિજ્ઞાનીને આપવામાં આવ્યો હતો. હવે બુધવારે રસાયણવિજ્ઞાનના નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે. સાહિત્યના નોબલ પુરસ્કારની જાહેરાત ગુરૂવારે અને શાંતિના નોબલ પારિતોષિકની જાહેરાત શુક્રવારે કરવામાં આવશે.
ગયા વર્ષે ભૌતિકવિજ્ઞાનનો નોબલ પુરસ્કાર અમેરિકન વિજ્ઞાની જ્હોન હોપફિલ્ડ અને બ્રિટિશ કેનેડિયન વિજ્ઞાની જ્યોફ્રી હિન્ડોનને મશીન લર્નિંગ ક્ષેત્રમાં મહત્વની શોધ કરવા માટે આપવામાં આવ્યો હતો. મશીન લર્નિંગના ક્ષેત્રમાં થયેલી પ્રગતિને કારણે એઆઇ ક્રાંતિની શરૂઆત થઇ છે. એઆઇના ભયજનક પરિણામો બાબતે બંને વિજ્ઞાનીઓએ તેમની ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમાં હિન્ડોને તો એઆઇના સૂચિત ભયને મામલે ગૂગલ કંપનીમાંથી રાજીનામું પણ આપી દીધું હતું.