UK Working Hours News | ઓફિસમાં સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની પદ્ધતિ 100 વર્ષ અગાઉ શોધાઇ હતી તે આજના જમાનામાં સુસંગત રહી ન હોવાથી યુકેમાં લગભગ 200 કંપનીઓના 5000 કરતાં વધારે ર્ક્મચારીઓએ કાયમી ધોરણે અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાનું નક્કી કર્યું છે. 4 ડે વીક ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવેલી ઝૂંબેશમાં બીજી 200 કંપનીઓ પણ જોડાવાની છે તેમ ફાઉન્ડેશનના કેમ્પેઇન ડાયરેક્ટર જો રાયલે જણાવ્યું હતું.
બીજી તરફ ભારતમાં અગ્રણી બિઝનેસ લીડર્સ યુવાનોને અઠવાડિયામાં 70 અને 90 કલાક કામ કરવાની શિખામણો આપે છે જેનો ચોમેરથી વિરોધ થયો હતો. ધ ગાર્ડિયન અખબારને આપેલી મુલાકાતમાં રાયલે જણાવ્યું હતું કે અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાને કારણે લોકોને 50 ટકા વધારે ફ્રી સમય મળે છે જેમાં તેઓ વધારે આનંદપૂર્વક અને સંતોષભરી જિંદગી જીવે છે. ઘણી બ્રિટિશ કંપનીઓ અને એક સ્થાનિક નગરપાલિકાએ આ પરિવર્તન અપનાવી દર્શાવ્યું છે કે અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાથી પગારમાં કોઇ ઘટાડો થતો નથી અને તેને કારણે કર્મચારીઓ અને માલિકો બંનેને ફાયદો થાય છે.
અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાની પદ્ધતિ 30 પ્રેસ રિલેશન્સ અને એડવર્ટાઇઝિંગ કંપનીઓએ, 29 ચેરિટી સંગઠનોએ, 24 ટેક કંપનીઓએ અને 22 મેનેજમેન્ટ કંપનીઓએ અપનાવી છે. આ પરિવર્તનના ટેકેદારોના જણાવ્યા અનુસાર કાયમી ધોરણે ચાર દિવસ કામ કરવાની પદ્ધતિથી કર્મચારીઓની ઉત્પાદકતા વધે છે અને સાથે સાથે કર્મચારીઓ આકર્ષવામાં અને તેમને જાળવી રાખવામાં પણ સહાય મળે છે.
સ્પાર્ક માર્કેટ રિસર્ચ દ્વારા કરવામાં આવેલાં સંશોધન અનુસાર યુકેમાં 18થી 34 વર્ષના 78 ટકા લોકો એમ માને છે કે આગામી પાંચ વર્ષમાં ચાર દિવસ કામ કરવાની પદ્ધતિ સામાન્ય ધારો બની જશે. જો કે, એમેઝોન અને જેપી મોર્ગન ચેઝ જેવી કંપનીઓએ અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની પરંપરા ચાલુ રાખી છે. ભારતમાં પણ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ દેશે પ્રગતિ કરવી હોય તો યુવાનોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું પડશે તેમ જણાવ્યું હતું. એ પછી એલ એન્ડ ટીના ચેરમેન એસએન સુબ્રમણ્યને બળતાંમાં ઘી હોમતાં 90 કલાક કામ કરવાની હાકલ કરી હતી.જેનો ચોમેરથી વિરોધ થયો હતો. આ પ્રકારની નીતિઓ અને ટિપ્પણીઓને કારણે કામ અને જીવનનું સંતુલન સાધવાનું કામ ખોરવાઇ જાય છે અને તેને કારણે કર્મચારીના માનસિક આરોગ્ય પર અવળી અસર થાય છે.


