- પૂરથી અનેક લોકો બેઘર : 17થી વધુનાં મોત
- ઋતુ પરિવર્તન આ માટે મુખ્ય કારણ : નિર્બળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રહ્યા સહ્યા જંગલો પણ કપાઈ રહ્યા છે : પરિણામે ગાઝા જેવી કરૂણાંતિકા સર્જાઈ
કાબુલ : ગાઝાની જેમ અફઘાનિસ્તાનમાં પણ માનવ-જીવન ઉપર ઘેરુ સંકટ ફરી વળ્યું છે. ગાઝામાં ઇઝરાયલ હમાસ યુદ્ધને લીધે ભૂખમરો અને ગરીબી વ્યાપી રહ્યા છે જ્યારે અફઘાનિસ્તાનમાં દેશ ઋતુ- પરિવર્તનનો ભોગ બની રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી ત્યાં ભૂખમરાની સ્થિતિ છે. કારણ દેશમાં ૨૫ રાજ્યોમાં વર્ષા જ લગભગ થઈ નથી તેવામાં ડિસેમ્બરના અંતમાં અચાનક જોરદાર 'હિમવર્ષા' થતા નદીઓમાં પૂર આવ્યા છે. આ પ્રચંડ પૂરોએ લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. દેશના મધ્ય, ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમના છેવાડાઓમાં અચાનક ભારે વર્ષા અને હિમવર્ષા પણ થતાં અચાનક પૂર આવ્યા. હેરાત રાજ્યમાં તેથી ભારે તબાહી મચી ગઈ. પૂરમાં આશરે ૧૭ના જાન ગયા છે. ૧૮૦૦ બેઘર બન્યા છે આ પૂરોથી ખેતીવાડીને પણ નુકસાન થયું છે અનેક પાલતુ પશુઓ પણ માર્યા ગયા છે. કલકાત જિલ્લામાં તો એક ઘર તૂટી પડતાં સમગ્ર પરિવાર તેના કાટમાળમાં દટાઈ ગયો હતો.
અફઘાનિસ્તાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનમાં છેલ્લા પાંચ- પાંચ વર્ષ સુધી દુષ્કાળ રહ્યા પછી અચાનક હિમવર્ષા થઈ અને અચાનક ભારે વર્ષા થઈ તે બધું ઋતુ પરિવર્તનને લીધે થયું છે.
નિરીક્ષકો કહે છે કે, દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તદ્દન નિર્બળ છે તેમાં રહ્યા સહ્યા જંગલો પણ આડેધડ કાપવામાં આવી રહ્યા છે. તેથી આવી ગંભીર સમસ્યા ઉભી થઈ છે.
આથી યુ.એને. અફઘાનિસ્તાનને ૨૦૨૬માં ૧.૭ અબજ ડૉલરની આર્થિક સહાય કરવા અપીલ કરી છે. કારણ કે દેશના ૨ કરોડ અને ૧૦ લાખથી વધુ લોકો ભૂખમરામાં કે અર્ધ ભૂખમરાની સ્થિતિમાં સપડાઈ ગયા છે.


