૧૯૭૦માં ભોલા ચક્રવાતે ૫ લાખ લોકોનો ભોગ લીધેલો, જાણો ભૂતકાળમાં આવેલા ખતરનાક વાવાઝોડા વિશે
હવામાન વિજ્ઞાનની સચોટ આગાહીઓના અભાવે પણ મુત્યુદર ઉંચો રહેતો હતો
ખતરનાક વાવાઝોડાની વાત નિકળે ત્યારે ભોલા ચક્રવાતને યાદ કરવામાં આવે છે.
નવી દિલ્હી,૧૩ જૂન,૨૦૨૩,મંગળવાર
એક બાજુ કેરલના કાંઠે ચોમાસુના આગમન થવાના વાવડ મળ્યા ત્યારે બીજી અરબી સમુદ્રમાં બિપર જોય નામનું ચક્રવાત આકાર લઇ રહયું હતું. આ ચક્રવાત ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના કાંઠા નજીક આવી રહયું છે ત્યારે કાંઠા વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના કાંઠાથી બિપર જોય ૨૮૦ થી ૩૦૦ કિમી જેટલું દૂર છે. હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે આ એક ગંભીર પ્રકારનું ચક્રવાત છે જે વિનાશ વેરી શકે છે.
ગુજરાતના કાંઠે પછાડાઇને આગળ વધશે તો ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી અતિ ભારે વરસાદી માહોલ સર્જાય તેવી શકયતા છે. વાવાઝોડાના પગલે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે. તકેદારીના પગલા અને સ્થળાંતર પર હાથ ધરવામાં આવ્યું છે. બિપોર જોય કેટલું નુકસાન કરશે કે ખતરનાક હશે તે લેન્ડફોલ થયા પછી ધ્યાનમાં આવશે પરંતુ ભૂતકાળમાં એવા ખતરનાક વાવાઝોડા આવ્યા છે જેને લાખો લોકોનો ભોગ લીધો હતો. ખતરનાક વાવાઝોડાની વાત નિકળે ત્યારે ભોલા ચક્રવાતને યાદ કરવામાં આવે છે.
૧૯૭૦માં બાંગ્લાદેશનું સર્જન થયું ન હતું તે ભાગ પૂર્વી પાકિસ્તાન તરીકે ઓળખાતો હતો. લોકો પાકિસ્તાન સરકારના અત્યાચારોથી પરેશાન હતા એ સમયે ભોલા ચક્રવાતે ૫ લાખ લોકોનો ભોગ લીધો હતો. આસમાની અને સુલતાની આફતથી અકળાયેલા લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. બંગાળની ખાડીમાંથી ૮ નવેમ્બર ૧૯૭૦ના રોજ શરુ થયેલું ભોલા વાવાઝોડું ૧૨ નવેમ્બરે ત્રાટકયું હતું. બાંગ્લાદેશ મુક્ત સંગ્રામમાં ભોલા વાવાઝોડાથી નારાજ લોકોએ પણ ઇંજન આપ્યું હતું.
આવું જ એક વાવાઝોડું હુગલી રિવર સાયકલોન હતું જેને સાડા ત્રણ લાખ લોકોનો ભોગ લીધો હતો. ઇસ ૧૭૩૭માં આવેલા આ ચક્રવાતને મરણઆંકની દ્વષ્ટીએ સૌથી ખતરનાક ગણવામાં આવે છે. કોલકતામાં ભારે તારાજી આવી ત્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પગદંડો જમાવી રહી હતી.
૨૭ સપ્ટેમ્બર ૧૮૮૧માં વિયેતનામમાં ત્રાટકેલા હેપોંગ ટાઇફૂનને પણ યાદ કરવામાં આવે છે. એ સમયે હવામાન સંશોધન અને આગોતરી જાણકારી માટે કોઇ વૈજ્ઞાનિક સિસ્ટમ ના હોવાથી અચાનક જ વાવાઝોડું ત્રાટકતું અને લોકો ઉંઘતા ઝડપાતા હતા. હેપોંગ ટાઇફૂનના લીધે ૩ લાખ લોકોના મોત થયા હતા.
વિનાશક વાવાઝોડામાં બેકરગંજ સાઇકલોનને પણ યાદ કરવામાં આવે છે. ભારતના પૂવી દક્ષિણ તટ અને બંગાળમાં ૨ લાખ લોકોને ભરખી ગયું હતું. ૨૯ ઓકટોબરથી લઇને ૧ નવેમ્બર ૧૮૭૬માં ચક્રવાતે કાળો કેર મચાવ્યો હતો. કાંઠે રહેતા ૫૦ ટકા કરતા પણ વધુ લોકો દરિયામાં તણાઇ ગયા હતા. વાવાઝોડું શાંત પડયા પછી જે તારાજી સર્જાઇ તેના લીધે ભૂખમરો ફાટી નિકળતા હજારો લોકો માર્યા ગયા હતા.
કોરિંગ સાયકલોનથી આંધ્રપ્રદેશના કોરિંગામાં ૨૫ નવેમ્બર ૧૮૮૯ના રોજ વિનાશ વેરાયો હતો. આ તોફાનના કારણે સમુદ્રમાં ૪૦ ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળતા ૨૫ હજારથી વધુ જહાજોનો નાશ થયો હતો.