એક જ નામના 178 લોકોએ એક જ સ્થળે મળીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જુઓ Video
ટોક્યો, તા. 01 નવેમ્બર 2022 મંગળવાર
તાજેતરમાં જ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં વધુ એક કીર્તિમાન જોડાયુ છે. આ રેકોર્ડ છે એક જ સ્થળે એક જ નામના ઘણા લોકોનો, જે ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તમે ઘણીવાર પોતાની સ્કુલ, કોલેજ કે પછી ઓફિસમાં એક જ નામના એક, બે કે વધારેમાં વધારે 3 લોકોને જોયા હશે પરંતુ જાપાનમાં એક-બે નહીં પરંતુ એક જ નામના 178 લોકો એક સમયે એક જ સ્થળે હાજર રહ્યા, જેમના નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે.
ટોક્યો સ્થિત શિબુયા જિલ્લાના એક ઓડિટોરિયમમાં હિરોકાજુ તનાકા નામના 178 લોકો એક સ્થળે એકઠા થયા હતા જે ખરેખર ચોંકાવનારો માહોલ હતો. આ કાર્યક્રમને એક જ નામના લોકોની સૌથી મોટી સભા નામ આપવામાં આવ્યુ હતુ. જે હવે વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. અગાઉ આ રેકોર્ડ માર્થા સ્ટીવર્ટસ નામના 164 લોકોએ વર્ષ 2005માં અમેરિકામાં એક સાથે આવીને બનાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમના કર્તાધર્તા ટોક્યોના એક કોર્પોરેટ કર્મચારી હિરોકાજુ તનાકા હતા જેમનો એ વિચાર હતો કે એક જ નામના લોકોને એક સાથે લાવવામાં આવે.
આ આઈડિયા તેમના મગજમાં ત્યારે આવ્યો હતો જ્યારે તેમણે ટીવી પર બેસબોલ ખેલાડી હિરોકાજુ તનાકાને ઓસાકા કિંતેત્સુ ટીમમાં જોયા હતા. આ સભામાં સૌથી નાના હિરોકાજુ તનાકા ત્રણ વર્ષના હતા જ્યારે સૌથી વધુ ઉંમર ધરાવતા હિરોકાજુ તનાકા 80 વર્ષના હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયોને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ જાપાને પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યો છે. આ વીડિયો અત્યારસુધી 1 મિલિયનથી વધારે લોકોએ જોયો છે. 40 હજારથી વધારે લોકો આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે.