યુએસએમાં કોરોના મહામારી વકરતાં નવા 1,77,568 કેસ નોંધાયા, 1565ના મોત
દુનિયામાં કોરોનાના કુલ કેસો 22,02,43,254, કુલ મૃત્યુઆંક 45,61,346
કોરોનાના નવા કેસોમાં 20 ટકા કરતાં વધારે કેસો બાળકોના નોંધાયા પાકિસ્તાનમાં કોરોનાનો કુલ મરણાંક 26,000નો આંક વટાવી ગયો
વોશિંગ્ટન : યુએસએમાં એક તરફ આઇડા તોફાન ત્રાટક્યું એ જ સમયે કોરોના મહામારીએ પણ મોટો ઉથલો મારતાં એક જ દિવસમાં કોરોનાના નવા 1,77,568 કેસો નોંધાયા હતા અને 1565ના મોત થયા હતા. સૌથી વધારે કેસો અનુક્રમે ટેક્સાસ 26,677 અને ફલોરિડામાં 21,392 નોંધાયા હતા.
ટેક્સાસમાં કોરોનાથી મરનારાની સંખ્યા 314 નોંધાઇ હતી. અમેરિકામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 40,520.784 થઇ છે અને કોરોનાનો કુલ મરણાંક 6,62,945 થયો છે. ગયા સપ્તાહે નોંધાયેલા કોરોનાના કુલ કેસોમાં 22.4 ટકા કેસો બાળદરદીઓના હતા. સમગ્ર મહામારી દરમ્યાન આ સરેરાશ ટકાવારી 14.8 ટકા રહી હતી જે હવે વધી રહી છે.
બાર ઓગસ્ટથી 26 ઓગસ્ટ દરમ્યાન બાળકોના કોરોના કેસોમાં નવ ટકાનો વધારો નોંધાયો હતો. આ અઠવાડિયે જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર આયોવામાં 8,308 કોરોના કેસો નોંધાયા હતા તેમાં 22 ટકા કેસો બાળકોના હતા. રાજ્યમાં બાળકોના હોસ્પિટલાઇઝેશનમાં પણ ચાર ગણો વધારો નોંધાયો છે.
કોરોના મહામારીએ ઉથલો મારતાં ઓગસ્ટ મહિનામાં નવી નોકરીઓની સંખ્યામાં મામૂલી વધારો નોંધાયો હતો જેને કારણે આગામી મહિનાઓમાં નાણાંકીય સહાય ઘટાડવાના ફેડરલ રિઝર્વના સંભવિત નિર્ણય મામલે પણ અસંમજસતા સર્જાઇ છે.
જુલાઇમાં દસ લાખ કરતાં વધારે નવી નોકરીઓ સર્જાય હતી તેની સામે ઓગસ્ટ મહિનામાં 2,35,000 નવી નોકરીઓ સર્જાઇ હતી. બેકારીના દર ઘટીન 5.2 ટકા થયો છે. નોકરીઓની સંખ્યા ઘટી છે તે દર્શાવે છે કે ડેલ્ટા વેરિઅન્ટને કારણે ભય વધી રહ્યો છે અને ખાલી જગ્યાઓ ભરવામાં મુશ્કેલી પડી રહી છે.
જુલાઇ મહિનામાં 52 લાખ લોકોએ મહામારીને કારણે નોકરી કરી શકે તેમ નથી જણાવ્યું હતું તો ઓગસ્ટ મહિનામાં આમ જણાવનારાઓની સંખ્યા વધીને 56 લાખ થઇ હતી. ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટને કારણે કેસોમાં વધારો થવાને પગલે ઘરાકી ઘટી ગઇ છે અને લોકોના ઓફિસે જવાના અને બાળકોને સ્કૂલે મોકલવાના પ્લાન ખોરવાઇ ગયા છે.
લેબર વિભાગે તેનો નિરાશાજનક અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં આનંદપ્રમોદ અને હોટેલ બિઝનેસમાં રોજગાર યથાવત રહ્યો હતો. રેસ્ટોરાં અને બાર્સમાં પેરોલ કર્મચારીઓની સંખ્યામાં 42,000નો ઘટાડો થયો હતો. રિટેઇલ ટ્રેડ, બાંધકામ અને આરોગ્ય ક્ષેત્રમાં પણ ગયા મહિને રોજગાર ઘટયો હતો. કોરોના મહામારી પૂર્વે પેરોલ પર જેટલા લોકો કામ કરતાં હતા તેના કરતાં આજે 53 લાખ લોકો ઓછાં કામ કરે છે.
દરમ્યાન પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,787 કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 11,71,578 થઇ હતી જ્યારે કોરોનાનો કુલ મરણાંક 26,035 થયો હતો. નેશનલ હેલ્થ સર્વિસે જારી કરેલા ડેટા અનુસાર પાકિસ્તાનમા ંમહામારીને કારણે મૃત્યુદર 2.2 ટકા રહ્યો છે અને 90 ટકા લોકો ચેપમાંથી સાજા થઇ ગયા છે.દેશમાં હાલ કોરોનાના 88,076 એટલે કે 7.5 ટકા દર્દીઓ છે.
દરમ્યાન યુએન વેધર એજન્સી વર્લ્ડ મિટિરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન-ડબલ્યુએમઓ- દ્વારા રજૂ કરવામાં આવેલા સૌ પ્રથમ એર ક્વોલિટી એન્ડ કલાઇમેટ બુલેટિનમાં ચેતવણી આપવામાં આવી હતી કે કોરોના મહામારીને કારણે મુકવામાં આવેલાં નિયંત્રણોને કારણે શહેરી વિસ્તારોમાં થોડા સમય માટે વાતાવરણ સુધર્યું તેના કારણે ભ્રમમાં રહેવા જેવું નથી.
દુનિયાના ઘણાં હિસ્સાઓમાં અમુક પ્રકારના પ્રદૂષકોની સંખ્યામાં તો વધારો નોંધાયો છે. ડબલ્યુએમઓના સેક્રેટરી જનરલ પેટેરી તાલાસે જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે બિનઆયોજિત હવાની ગુણવત્તા સુધારવાનો પ્રયોગ થયો જેને કારણે સ્થાનિક સ્તરે વાતાવરણમાં સુધારો જોવા મળ્યો પણ વસ્તી વધારા અને પર્યાવરણ પરિવર્તનને નાથવાની સુઆયોજિત યોજનાનું સ્થાન આ પ્રકારનો પ્રયોગ ન લઇ શકે.
જિનિવા સ્થિત આ એજન્સીએ તેના બુલેટિનમાં નોંધ્યું હતું કે ઘણી સરકારોએ લોકોના ભેગાં થવા પર પ્રતિબંધ મુકતા, શાળાઓ બંધ રાખતાં અને લોકડાઉન લાદતાં પ્રદૂષકોની સંખ્યામાં અભૂતપૂર્વ ઘટાડો થયો હતો. સંશોધક ઓકસાના તારાસોવાએ જણાવ્યું હતું કે આવી અસર ટૂંકજીવી નીવડે છે. હાલ કારો દોડતી નથી એટલે હવાની ગુણવત્તામાં સુધારો દેખાય છે પણ જ્યારે કારો ફરી દોડવા માંડશે એટલે ફરી હવાની ગુણવત્તા વણસવા માંડશે.