કઝાકસ્તાનમાં ભેદી ન્યુમોનિયાથી 6 મહિનામાં 1772નાં મોત : ચીનનો દાવો
- ચીને પોતાના નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી
- કોરોના વાઈરસ જેવા જીવલેણ ન્યુમોનિયા અંગે ચીનના દાવાઓને કઝાકસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે ફગાવ્યા
(પીટીઆઈ) બેઈજિંગ, તા.10 જુલાઇ, 2020, શુક્રવાર
કોરોના વાઈરસના કારણે સમગ્ર વિશ્વમાં બદનામ થઈ ગયેલા ચીને કઝાકસ્તાનમાં રહેતાં તેના નાગરિકોને ત્યાં ફેલાયેલા અજાણ્યા જીવલેણ ન્યુમોનિયાથી સાવધ રહેવા ચેતવણી આપી છે. આ સાથે ચીને દાવો કર્યો છે કે કઝાકસ્તાનમાં ફેલાયેલો જીવલેણ ન્યુમોનિયા કોરોના વાઈરસ કરતાં પણ વધુ ખતરનાક છે અને તેનો મોતનો દર કોરોના વાઈરસ કરતાં પણ વધુ ઊંચો છે.
કઝાકસ્તાન સિૃથત ચીનના દૂતાવાસનું કહેવું છે કે આ વાઈરસ વિશ્વમાં ફેલાશે તો તેનાથી કોરોના કરતાં પણ વધુ ભારે વિનાશ સર્જાશે. જોકે, કઝાકસ્તાને ચીનના આ દાવાના ફગાવી દીધો છે. કઝાકસ્તાનનું કહેવું છે કે ચીનના દૂતાવાસના સમાચાર ફેક છે.
મધ્ય એશિયાના દેશના નુર સુલ્તાન શહેરમાં સિૃથત ચીનના દૂતાવાસે તેના સત્તાવાર વીચેટ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, કઝાકસ્તાનમાં અજાણ્યા ન્યુમોનિયાથી વર્ષના પ્રથમ છ મહિનામાં 1,772 લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં જૂન મહિનામાં જ 628 લોકોનો સમાવેશ થાય છે. જોકે, કઝાકસ્તાને ચીનના દૂતાવાસની તેના નાગરિકોને અપાયેલી આ ચેતવણીને ખોટા સમાચાર ગણાવી છે. ચીનના દૂતાવાસે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ન્યુમોનિયાથી મૃત્યુદર કોરોના કરતાં પણ ઊંચો છે.
કઝાકસ્તાનના સ્વાસ્થ્ય વિભાગ સહિત અનેક સંસૃથાઓ આ ન્યૂમોનિયા વાઈરસનો અભ્યાસ કરી રહી છે તેમ દૂતાવાસે કહ્યું હતું. આ બીમારીને કોવિડ-19 સાથે કોઈ સંબંધ છે કે નહીં તેના કોઈ સંકેતો મળ્યા નથી. ચીનના કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ જીવલેણ ન્યૂમોનિયાને ચીનમાં પ્રવેશતો અને ફેલાતો અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
ચીનની આ ચેતવણીના સંદર્ભમાં પ્રતિભાવ આપતાં કઝાકસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે ચીનના આ નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કઝાકસ્તાનમાં બેક્ટેરિયા, ફંગસ અને વાયરલ ન્યુમોનિયા તેમજ કેટલાક અજાણ્યા સ્રોતથી થયેલા ન્યુમોનિયાથી કેટલાક મોત થયા છે. ન્યૂમોનિયાનો આ ચેપ વિશ્વ આરોગ્ય સંસૃથાની માર્ગદર્શિકામાં જ છે.
કઝાકસ્તાનમાં નવા પ્રકારના ન્યુમોનિયા અંગેના ચીની મીડિયાના અહેવાલો ખોટા છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને જણાવ્યું હતું કે, અમે આ અંગે વધુ માહિતી આપીશું. ચીન કઝાકસૃથાન સાથે આ બીમારી સામે લડવામાં સહાય કરશે. કઝાકસ્તાનની સરહદો ચીનની ઉત્તર-પશ્ચિમે શિનજિયાંગ ઉઈગુર સ્વાયત્ત પ્રદેશ સાથે સંકળાયેલી છે.
ચીનના દૂતાવાસે તેના નાગરિકોને જીવલેણ ન્યૂમોનિયા અંગે ચેતવણી આપતા કઝાકસ્તાનના સૃથાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું હુતં કે જૂનની મધ્યથી અત્યાર સુધીમાં કઝાકસ્તાનના ત્રણ શહેરો અટિરાઉ, અકટોબે અને શીમકેન્ટમાં અંદાજે 500 લોકો આ ન્યૂમોનિયાની ઝપેટમાં આવી ગયા છે. જોકે, કઝાકસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે 'અજાણ્યા ઈટીઓલોજીના વાયરલ ન્યુમોનિયા'ની હાજરી કબૂલી હતી, પરંતુ તે નવી આૃથવા અજાણી હોવાનો ઈનકાર કર્યો હતો.
કઝાક મીડિયામાં કઝાકસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીને બુધવારે કહેતા ટાંકવામાં આવ્યા છે કે ન્યુમોનિયાથી બીમાર પડેલાં દર્દીઓની સંખ્યા કોવિડ-19ના દર્દીઓ કરતાં બમણી આૃથવા ત્રણ ગણી છે. તેઓ આગામી સપ્તાહે કન્ફર્મ્ડ કેસની ચોક્કસ સંખ્યા જાહેર કરશે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના કોરોના વાઈરસ રિસોર્સ કેન્દ્ર મુજબ કઝાકસ્તાનમાં કોવિડ-19ના 51,059 કેસ નોંધાયા છે અને 264નાં મોત નીપજ્યાં છે.