World

ઇજિપ્તના દરિયામાંથી 1600 વર્ષ જૂનું એલેક્ઝાન્ડ્રિયા લાઇટહાઉસ મળ્યું

By GS TEAM
12 Feb 20261 min read
ઇજિપ્તના દરિયામાંથી 1600 વર્ષ જૂનું એલેક્ઝાન્ડ્રિયા લાઇટહાઉસ મળ્યું

- પુરાતત્ત્વવિદોને વિશ્વની પ્રાચીન અજાયબી મળી

- એલેક્ઝાન્ડર ધ ગ્રેટ દ્વારા તેનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું: ફોટોગ્રામેટ્રી દ્વારા તેનું ડિજિટલ ટ્વિન તૈયાર કરાશે  

કૈરો : ઈજિપ્તના ઈસ્ટર્ન હાર્બરમાં પુરાતત્વવિદોએ અદભૂત શોધ કરી છે. તેમને પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓમાંના એક ગણાતા એલેક્ઝાન્ડ્રિયાના પ્રખ્યાત લાઈટહાઉસના વિશાળ પથ્થરો ૧૬૦૦ વર્ષ પછી મળી આવ્યા છે. આ શોધથી હેલેનિસ્ટિક યુગની અદભૂત ઈમારતો, ઈજનેરી અને ઈતિહાસ વિશે મહત્ત્વપૂર્ણ માહિતી મળશે. 

જે લાઈટહાઉસ મળી આવ્યું છે તેનું નિર્માણ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ દ્વારા શહેરની સ્થાપ્ના બાદ કરાવવામાં આવ્યું હતું. સદીઓ સુધી આ લાઈટહાઉસ એલેક્ઝાન્ડ્રિયાના વ્યસ્ત બંદરમાં જહાજોને સુરક્ષિત રીતે માર્ગદર્શન આપતું હતું. તેની ઊંચાઈ આશરે ૧૪૦ મીટર હતી. તે વિશ્વની સૌથી ઊંચી પ્રાચીન ઈમારત હતી. આ લાઈટહાઉસ વારંવાર આવેલા ભૂકંપો બાદ તૂટી પડયું હતું.  

પુરાતત્વવિદોને મળેલા અવશેષોમાં વિશાળ ગ્રેનાઈટ અને લાઈમસ્ટોન પથ્થરોનો સમાવેશ થાય છે. કેટલાક પથ્થરોનું વજન ૭૭૦૦૦ કિગ્રા છે. તેમાં, મુખ્ય પ્રવેશદ્વારના ભાગો પણ સામેલ છે. જે લાઈટહાઉસની રચનાને સમજવામાં મદદ કરશે. પુરાતત્વવિદો દ્વારા ફોટોગ્રામેટ્રી ટેકનીકથી તેમને સ્કેન કરવામાં આવ્યા છે.

ફોટોગ્રામેટ્રી સ્કેન દ્વારા લાઈટહાઉસનું ડિજિટલ ટ્વિન તૈયાર કરાશે. આ મોડલ દ્વારા તેની મૂળ રચના, મજબૂતી અને તે કેવી રીતે તૂટી પડયું હશે તે અંગે અનુમાન કરી શકાશે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ ફ્રાન્સના નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચની પુરાતત્વવિદ અને આર્કિટેક્ટ ઈઝાબેલ હેરી કરી રહી છે.