Get The App

અમેરિકામાં કોરોનાનો ફફડાટ : એક જ દિવસમાં 1480 મૃત્યુ

- અમેરિકા માસ્કની આડેધડ ખરીદી કરતાં યુરોપિયન દેશો નારાજ

- ચીન વિરૃદ્ધ કેસ કરવા લંડન સ્થિત 'ઈન્ટરનેશનલ જ્યુરિસ્ટ કાઉન્સિલ'ના ભારતીય મૂળના પ્રમુખની ડિમાન્ડ

Updated: Apr 4th, 2020

GS TEAM

Google News
Google News
અમેરિકામાં કોરોનાનો ફફડાટ : એક જ દિવસમાં 1480 મૃત્યુ 1 - image


વૉશિંગ્ટન, તા. 4 એપ્રિલ 2020, શનિવાર

અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૪૮૦ મોત નોંધાયા હતા. અમેરિકામાં કોરોનાના કુલ કેસ પોણા ત્રણ લાખથી વધારે અને મૃત્યુઆંક સાત હજારથી ઉપર પહોંચી ગયો છે. અમેરિકાની સ્થિતિ બદતર થઈ રહી છે. એ વચ્ચે ટ્રમ્પે એવી સલાહ આપી હતી કે જાહેરમાં નીકળનારા લોકોને યોગ્ય લાગે તો માસ્ક પહેરે. આખા અમેરિકામાં હજુ સુધી લૉકડાઉનનો આદેશ અપાયો નથી. અમુક રાજ્યોએ પોતાની રીતે તાળાબંધી કરી છે. એ સ્થિતિ વચ્ચે પણ અમેરિકી સરકારે કોઈ કડક પગલાં લેવાને બદલે માત્ર સલાહ આપવાની નીતિ ચાલુ રાખી છે, જેની સર્વત્ર ટીકા થઈ રહી છે.

અમેરિકા અત્યારે માસ્કની આડેધડ ખરીદી કરવા નીકળી પડયું છે. યુરોપના કેટલાક દેશોએ આક્ષેપ લગાવ્યો હતો કે અમેરિકાને માસ્ક ખરીદીનું ગાંડપણ સવાર થયું છે. એટલે જે કંપનીઓ પાસેથી અમારે માસ્ક લેવાના છે, એ કંપનીઓને પણ અમેરિકા વધારે પૈસા આપીને માસ્ક ખરીદી રહ્યું છે. જર્મની-ફ્રાન્સ વગેરે યુરોપિયન દેશોનું કહેવું છે કે અમેરિકાનું આ પગલું સબંધો બગાડનારું છે. અમેરિકી અધિકારીઓએ પણ સ્વિકાર્યું હતું કે જે કિંમત આપવી પડે એ આપીને અમે માસ્ક અને અન્ય મેડિકલ સામગ્રી ખરીદી રહ્યાં છીએ. 

સ્પેનમાં છેલ્લા દિવસે ૮૦૯ મોત નોંધાયા હતા. આગલા દિવસ કરતાં એ આંકડો ઓછો છે, કેમ કે આગલા દિવસે ૯૩૨ મોત થયા હતા. પરંતુ સ્થિતિ કાબુમાં લેવા સ્પેને લૉકડાઉન ૨૫મી એપ્રિલ સુધી લંબાવાનો નિર્ણય લીધો છે. યુ.કે.માં પણ એક જ દિવસમાં ૭૦૮ મૃત્યુ નોંધાયા હતા. છેલ્લા ચાર દિવસથી યુ.કે.માં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. યુ.કે.માં કુલ કેસ ૪૨ હજારથી વધી ગયા છે. 

કોરોના મુદ્દે ચીન પર વિશ્વના દેશોની શંકા વધતી જાય છે. લંડન સ્થિત ઈન્ટરનેશનલ જ્યુરિસ્ટ કાઉન્સિલે સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવાધિકાર પંચને અપીલ કરી છે કે ચીન સામે કેસ કરવામાં આવે. આ કાઉન્સિલનું માનવું છે કે કોરોના ફેલાવાનું કામ ચીને જાણી જોઈને કર્યું છે. માટે તેના વિરૃદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. આ કાઉન્સિલના  ભારતીય મૂળના પ્રમુખ અદિશ અગ્રવાલાએ આ ડિમાન્ડ રજૂ કરી હતી.

અમેરિકામાં ન્યુયોર્ક રાજ્યમાં ૧ લાખ કરતાં પણ વધુ કેસ નોંધાયા છે, જે આખા દેશમાં સૌથી વધુ છે. અહીં અત્યાર સુધીમાં ૩ હજાર મૃત્યુ થયા છે. ન્યુયોર્ક રાજ્યના મુખ્ય શહેર ન્યુયોર્કની સ્થિતિ પણ ગંભીર છે. ન્યુયોર્ક રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ ૫૬૨ મૃત્યુ નોંધાયા છે.  અમેરિકામાં મોટી સમસ્યા સરકાર દ્વારા અપાતી વિરોધાભાસી સૂચના અંગેની પણ સર્જાઈ છે. કેમ કે ટ્રમ્પ કોઈ અલગ પ્રકારની સૂચના આપે છે, જ્યારે તબીબી નિષ્ણાતો વળી જૂદા પ્રકારની સૂચના રજૂ કરે છે. અમેરિકાના ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન વિભાગે માસ્ક પહેરવાની સૂચના આપી છે, પણ ટ્રમ્પ એ માનવા તૈયાર નથી. 

અમેરિકામાં સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યો

રાજ્ય

કેસ

મૃત્યુ

ન્યુયોર્ક

૧૦૩,૧૬૯

,૯૩૫

ન્યુજર્સી

૨૯,૮૯૫

૬૪૬

મિશિગન

૧૨,૭૪૪

૪૭૯

કેલિફોર્નિયા

૧૨,૫૦૭

૨૮૦

મેશેચ્યુશેટ

૧૦,૪૦૨

૧૯૨

લુઈઝિનિયા

૧૦,૨૯૭

૩૭૯

ફ્લોરિડા

૧૦,૨૬૮

૧૭૦

ઈલિનોઈ

,૨૬૬

૨૧૦

પેન્સાલ્વેનિયા

,૫૭૦

૧૦૨

વૉશિંગ્ટન

૬૯૬૭

૨૯૫

આફ્રિકાન ઈમિગ્રન્ટ ઈટાલીને ખવડાવે છે!

ઈટાલીની ગંભીર સ્થિતિ વચ્ચે તાજા શાકભાજી અને ફળો પૂરા પાડવાનું કામ આફ્રિકાથી ઈટાલીમાં આવેલા ઇમિગ્રન્ટ કરી રહ્યા છે. માઈગ્રેટને પોતાના દેશમાં ઘૂસવા ન દેવા અંગે યુરોપના દેશો છેલ્લા કેટલાક વર્ષોથી કડક નિયમો અપનાવી રહ્યા છે. એ વચ્ચે અત્યારે ઈટાલીમાં ઘણા સ્થળો એવા છે, જ્યાં ઈમિગ્રન્ટ લોકો જ ખેતી-વાડી કરીને ફળ-શાકભાજી પુરા પાડે છે. રોમની આસપાસના ઘણા ખેતરો આફ્રિકાથી આવેલા લોકો પાસે છે અને તેઓ અત્યારે લૉકડાઉનની સ્થિતિમાં રોમ તથા આસપાસના વિસ્તારોનેે આ ખાદ્ય સામગ્રી પહોંચતી કરી રહ્યા છે. 

અમને અમારા દેશમાં મોકલી ઔઆપો  : ગેરકાયદેસર ઇમિગ્રન્ટ

અમેરિકામાં ઘૂસી જતા ગેરકાયદેસર નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવે અથવા તો ગુનો કર્યો હોય તો જેલમાં પુરવામાં આવે છે. પરંતુ અમેરિકામાં કોઈ પણ ભોગે પ્રવેશ મેળવવા ઈચ્છતા લોકો પોતાના દેશમાં પરત જવા (ડિપોર્ટ થવા) તૈયાર હોતા નથી. અલબત્ત, જેલમાં પુરાયેલા આવા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ હવે ડિમાન્ડ કરી રહ્યાં છે કે અમને જેલમાંથી કાઢો અને અમારા દેશમાં પાછા મોકલી આપો. કેમ કે પોતાના દેશમાં પહોંચ્યા પછી બચવાની શક્યતા છે, પરંતુ અમેરિકાની જેલમાં ચેપ લાગશે તો મુશ્કેલી સર્જાઈ શકે છે.

Tags :