ISનો 14 ટન એમ્ફેટામાઈન ડ્રગનો જથ્થો ઈટાલીમાં જપ્ત
- ગેરકાયદે ડ્રગ્સનો જથ્થો સીરિયામાંથી મોકલાયો હતો
- એક અબજ યુરોની કિંમતના એમ્ફેટામાઈનનો આટલો જથ્થો દુનિયામાં પહેલી વખત જપ્ત થયો
આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ બનાવીને ઈટાલીમાં મોકલેલો એમ્ફેટામાઈન ડ્રગ્સનો ગેરકાયદે જથ્થો ઈટાલી પોલીસે જપ્ત કર્યો હતો. દુનિયામાં પહેલી વખત ૧૪ ટન એમ્ફેટામાઈનનો જથ્થો એક સાથે કબજે કરવામાં આવ્યો હતો.
આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે ડ્રગ્સના જથ્થાની ગેરકાયદે સપ્લાય કરીને ફંડ એકઠું કરવાનો નવો પેંતરો રચ્યો છે. તેનો પર્દાફાશ ઈટાલીની પોલીસે કર્યો હતો. ઈટાલીની પોલીસે આઈએસના આતંકવાદીઓએ મોકલેલા ગેરકાયદે ૧૪ ટન એમ્ફેટામાઈન્સનો જથ્થો કબજે કર્યો હતો.
ઈટાલીની પોલીસે કહ્યું હતું કે આ જથ્થો સીરિયાથી આવ્યો હતો. સીરિયામાંથી આઈએસના આતંકવાદીઓએ આ જથ્થો ઈટાલી અને ત્યાંથી યુરોપિયન દેશોમાં પહોંચાડવાનું ષડયંત્ર ઘડયું હતું. એક વેપારી જહાજના ત્રણ કન્ટેનરમાં આ જથ્થો છુપાવાયો હતો.
પોલીસે જથ્થો જપ્ત કરીને તે ક્યાં અને કોના સુધી પહોંચવાનો હતો તેની તપાસ શરૂ કરી છે. સીરિયામાંથી ઈટાલી સુધી પહોંચાડવાનું મોટું રેકેટ ચાલતું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
આ ડ્રગ્સના જથ્થાની બજાર કિંમત એક અબજ યુરો જેટલી માતબર થવા જતી હતી. અગાઉ દુનિયામાં ક્યારેય આટલા મોટા જથ્થામાં એમ્ફેટામાઈન્સની દાણચોરી પકડાઈ નથી.
એમ્ફેટામાઈન્સ ડ્રગ્સ પ્રતિબંધિત છે. માત્ર દવાના હેતુથી તેનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં અને ખૂબ જ ઓછા કિસ્સામાં થાય છે. એ સિવાય આ ડ્રગ્સ ઉત્તેજક પદાર્થ તરીકે ગેરકાયદે વપરાય છે. જાતીય શક્તિ વધારવા માટે પણ ગેરકાયદે રીતે આ ડ્રગ્સનો ઉપયોગ થાય છે.