Get The App

હોંગકોંગમાં 8 બહુમાળી ઇમારતમાં ભીષણ આગથી 13નાં મોત

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
હોંગકોંગમાં 8 બહુમાળી ઇમારતમાં ભીષણ આગથી 13નાં મોત 1 - image

- 25થી પણ વધુ લોકો દાઝ્યા, ફાયરબ્રિગેડના કર્મચારીનું પણ મોત

- તાઇપો વિસ્તારમાં આવેલા વાંગ ફુક કોર્ટ નામના હાઉસિંગ કોમ્પ્લેક્સની આઠેય ઇમારતમાં આગ

હોંગકોંગ : હોંગકોંગમાં ટાવરિંગ ઇન્ફર્નો જેવી ઘટના સર્જાઈ છે. અહીંના તાઇપો ક્ષેત્રમાં આઠ બહુમાળી ઇમારતમાં આગ લાગી ગઈ છે. તેમા ૧૩ના મોત થયા છે અને ૨૫થી પણ વધુ લોકો દાઝ્યા છે. તેમા એક ફાયરબ્રિગેડના કર્મચારીનું પણ મોત થયું હોવાનું કહેવાય છે. આગ એટલી ભયાનક છે કે ૭૦૦થી પણ વધુ ફાયરબ્રિગેડના કર્મચારીઓ આગ ઓલવવામાં લાગેલા છે. 

ભયંકર આગના લીધે આ આઠેય ઇમારતો જાણે મોટો આગનો ગોળો બની ગઈ. આ આગને જોતાંની સાથે જ લોકોના મગજ પર જાણે ૯-૧૧ ઇલેવન જેવી ઘટના તાજી થઈ. આગની ઘટનાના પગલે અફડાતફડી મચી ગઈ, લોકો બહાવરા બનીને આમતેમ દોડવા લાગ્યા. નવ જણને ઘટનાસ્થળે મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યા હતા. 

હોંગકોંગ ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ ૭૦૦થી પણ વધુ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હજી પણ કેટલાય લોકો ઇમારતમાં ફસાયેલા હોવાની આશંકા છે. તેના પગલે મૃત્યુઆંક ઉચકાય તેવી પૂરેપૂરી સંભાવના છે. વાંગ ફુક કોર્ટ નામના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં કુલ આઠ બહુમાળી ઇમારતો અને બે હજાર ફ્લેટવાળું મોટું હાઉસિંગ એસ્ટેટ છે, જેમાં ૪,૬૦૦થી પણ વધુ લોકો રહે છે. તેમા મોટી સંખ્યામાં વૃદ્ધો સામેલ છે. આગના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

ફાયરબ્રિગેડ વિભાગના એક અધિકારીએ કોન્ફરન્સમાં જમાવ્યું હતું કે મૃત્યુ પામનારામાં ૧૩માંથી નવ ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય છને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની ભયાનકતાનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે મોટાપાયા પર ફાયરબ્રિગેડ કર્મચારીઓ તેને બુઝાવવામાં લાગેલા છે. આ આગનું સ્થળ રેલ્વે સ્ટેશનથી માંડ ૫૦૦ મીટરના અંતરે હોવાથી સ્ટેશનની બહાર પણ તેની ગંધ અનુભવાય છે.