Get The App

શનિના વધુ 128 ચંદ્ર મળ્યા, કુલ 274 ઉપગ્રહ સાથે હવે કિંગ ઓફ સેટેલાઈટ

Updated: Apr 3rd, 2025

GS TEAM

Google News
Google News
શનિના વધુ 128 ચંદ્ર  મળ્યા, કુલ 274 ઉપગ્રહ સાથે હવે કિંગ ઓફ સેટેલાઈટ 1 - image

Solar System: સૂર્યમંડળનું વધુ એક આશ્ચર્ય અને રહસ્ય જાણવા મળ્યું છે. આ રહસ્ય છે સૂર્યમંડળના પાઘડીધારી શનિ ગ્રહના નવા અને વધુ 128 ઉપગ્રહો (સેટેલાઇટ્સ) મળી આવ્યા છે.  હજી 2023 સુધી તો શનિને 146 ઉપગ્રહો હતા. એટલે કે હવે શનિનો વિશાળ પરિવાર કુલ 274 ઉપગ્રહો સાથે સૌથી મોટો બની ગયો છે. હવે શનિ ગ્રહ કિંગ ઓફ સેટેલાઇટ્સ છે.

ઈન્સ્ટિટયુટ ઓફ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ, એકેડેમિયા સિનિકા(તાઈપેઈ, તાઈવાન)ના સિનિયર ખગોળશાસ્ત્રી ડો.એડવર્ડ એશ્ટોનના નેતૃત્ત્વમાં કેનેડા, અમેરિકા, ફ્રાંસના ખગોળશાસ્ત્રીઓએ 2023માં આ સહિયારું સંશોધન કર્યું છે. જો કે, ગૌરવની બાબત એ છે કે શનિના હજી સુધી નહીં શોધાયેલા ઉપગ્રહોની સંખ્યા 128 છે. એવો સમગ્ર વિશ્વમાં સૌથી પહેલો નિર્દેશ ભારતના વિશ્વપ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને ધ ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી(આઇ.પી.એસ.)ના અધ્યક્ષ ડો.જે.જે.રાવલે 1987માં આપ્યો હતો. ડો.જે.જે. રાવલનું સંશોધનપત્ર અર્થ, મૂન એન્ડ પ્લેનેટ્સ (44,265-274:1987)માં પ્રસિદ્ધ થયું હતું.

કેનેડા, અમેરિકા,ફ્રાંસના ખગોળશાસ્ત્રીઓની જે ટીમે શનિના 128 નવા-વધુ ઉપગ્રહો શોધ્યા છે, એ જ ટીમે 2019માં અને 2021માં શનિના નવા 62 ઉપગ્રહો શોધ્યા હતા. એટલે કે ખગોળશાસ્ત્રીઓની આ જ ટીમ શનિ અને ગુરુ ગ્રહોના ઉપગ્રહો વિશે સતત સંશોધન કરતી રહી છે. છેલ્લાં થોડાં વર્ષોથી સૂર્યમંડળમાં સૌથી વધુ ઉપગ્રહ  શનિના છે કે ગુરુના  તે વિશે  જબરી શોધ  સ્પર્ધા ચાલે છે. 2023 સુધી તો સૂર્યમંડળના સૌથી મોટા ગુરુ ગ્રહને કુલ 95 ઉપગ્રહો શોધાયા હોવાથી ગુર મહારાજ કિંગ ઓફ સેટેલાઇટ્સ કહેવાતા. આ નવી અને વિશિષ્ટ શોધને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન(આઇ.એ.યુ.) દ્વારા સત્તાવાર માન્યતા મળવાની બાકી છે.

આ પણ વાંચો: લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર, પક્ષમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા 

ડો.એડવર્ડ એશ્ટોને એવી માહિતી આપી છે કે, અમે શનિના નવા અને વધુ 128 ઉપગ્રહો શોધવા માટે કેનેડા ફ્રાંસ હવાઇ ટેલિસ્કોપ(સી.એફ.એચ.ટી.--હવાઇ-માનાકી પર્વત)નો ઉપયોગ કર્યો છે. આમ તો શનિના આ નવા 128 ઉપગ્રહો કદમાં બહુ નાના છે. એટલે કે થોડાક કિલોમીટરના છે. પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્ર (કોઇપણ ગ્રહના ઉપગ્રહને ચંદ્ર- મૂન-કહેવાય)ના કદ કરતાં પણ નાના છે. આપણા ચંદ્રનો વ્યાસ 3,454.4 કિલોમીટર છે. અમારી સંશોધનની મહત્ત્વની વિગતો એ છે કે શનિના આ તમામ 128 નવા સેટેલાઇટ્સ તેમના પિતૃ ગ્રહ શનિથી લગભગ 96 લાખ કિલોમીટર અને 299 કિલોમીટરના આંતરિક ક્ષેત્રમાં છે. વળી આ તમામ 128 ઉપગ્રહો પોતાની જ ભ્રમણકક્ષામાં રહીને શનિની પ્રદક્ષિણા કરી રહ્યા છે. એટલે કે આ નવા 128 સેટેલાઇટ્સને પોતાની નિશ્ચિત ભ્રમણકક્ષા છે. ખરેખર તો અમે 2023થી જ શનિના નવા સેટેલાઇટ્સ હોવાની ભારોભાર શક્યતા વિશે 2023થી જ સંશોધન કરી રહ્યા હતા. અમારું સંશોધન હજી ચાલુ છે. 

ડો.જે.જે. રાવલે પોતાના 1987ના સંશોધન વિશે ગુજરાત સમાચારને કહ્યું છે કે, 'મેં શનિના 128 ઉપગ્રહો હોવા વિશેનો સંકેત અંતરનો નિયમ,કેપ્લરનો નિયમ અને ગુરુત્વાકર્ષણ રેઝોનન્સ થિયરીના આધારે આપ્યો  હતો. મેં એક સૈધ્ધાંતિક રીતે રજૂઆત કરી હતી.મારી એ જ થિયરીના આધારે હવે શનિના 128 નવા ઉપગ્રહોનું સંશોધન થયું છે. મહત્ત્વની બાબત એ છે કે કોઇપણ આકાશીપીંડ, નાનો કે મોટો, કે રજકણ, તે પોતાની ચોક્કસ ભ્રમણકક્ષામાં રહીને તેના પિતૃ ગ્રહની પ્રદક્ષિણા કરતો હોય તો  તે ઉપગ્રહ (ચંદ્ર,મૂન) કહેવાય.' 

તેમણે જણાવ્યું હતું કે, 'ગુરુ ગ્રહને 95, યુરેનસ (પ્રજાપતિને ) 28,  નેપ્ચ્યુન (વરૂણને) 16, શનિ ગ્રહને 274 ઉપગ્રહો થયા. પૃથ્વીને એક ઉપગ્રહ છે, પરંતુ પૃથ્વીને તેનો જોડિયો ભાઈ જેનો વસવાટ પૃથ્વી ફરતે રહેલા લાગ્રાંજ બિન્દુ પર છે. હાલમાં પૃથ્વીને બીજા બે કુત્રિમ જોડિયા ભાઈઓ છે, એક આદિત્ય L1 અને બીજો જેમ્સવેબ ટેલિસ્કોપ, L૨ બિંદુ પર. એમ તો પૃથ્વી ફરતે ઘણાx કુત્રિમ ઉપગ્રહો જેવા કે હબલ સ્પેસ ટેલિસ્કોપ, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને બીજા કુત્રિમ ઉપગ્રહો પરિક્રમા કરે છે.' 

શનિના વધુ 128 ચંદ્ર  મળ્યા, કુલ 274 ઉપગ્રહ સાથે હવે કિંગ ઓફ સેટેલાઈટ 2 - image