તુર્કીના ૧૨ સૈનિકોના ઉત્તર ઇરાકમાં મોત, ગુફામાં મિથેન ગેસ જીવલેણ બન્યો
ઇરાકના ઉત્તર ભાગમાં સૈનિકો એક ગુફામાં શોધ અભિયાન ચલાવતા હતા
સૈનિકો ૮૫૨ મીટર ઉચાઇ પરની ગુફામાં મિથેન સંપર્કમાં આવ્યા હતા.
ન્યૂયોર્ક,૭ જુલાઇ,૨૦૨૫,સોમવાર
ઇરાકમાં તુર્કીના ૧૨ સૈનિકોના મોત થતા પાટનગર અંકારામાં કોલાહલ મચી ગયો છે. વગર યુધ્ધ અને લડાઇએ તુર્કીના સૈનિકો ઇરાકમાં શું કરતા હતા તેવા સવાલો પણ પુછાવા શરુ થયા છે. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સૈનિકો ઇરાકના ઉત્તર ભાગમાં એક ગુફામાં શોધ અભિયાન સાથે જોડાયેલા હતા.આ દરમિયાન મીથેન ગેસ સાથે સંપર્કમાં આવવું જીવલેણ બન્યું હતું.
આ સૈનિકો કુર્દિશ વિદ્રોહીઓના હાથે માર્યા ગયેલા એક સાથી સૈનિકના પુરાવાની તપાસ કરી રહયા હતા તે દરમિયાન મિથેન ગેસના સંપર્કમાં આવ્યા હતા. રંગહીન, ગંધહીન અને જવલનશીલ ગેસથી પાંચ સૈનિકોના તાત્કાલિક મોત થયા હતા. જયારે વધુ ૭ સૈનિકોના સોમવારે મોત થતા તુર્કીમાં લોકો શોકમાં ડૂબી ગયા હતા. આ ઘટના કલૉ-લૉક ક્ષેત્રમાં બની હતી.
આ અભિયાન એપ્રિલ ૨૦૨૨માં કુર્દિસ્તાન વર્કસ પાર્ટી (પીકેકે) વિરુધ કરવામાં આવેલા સંદર્ભ હેઠળ હતું. તુર્કી અને પીકેકે વચ્ચે છેલ્લા ૪૦ વર્ષથી સંઘર્ષ ચાલતો હતો જેમાં હમણાં જ સંઘર્ષ વિરામ થયો છે. અલગ કુર્દિસ્તાનની રચનાની માંગ કરતા પીકેકે સંગઠનને તુર્કી આતંકપંથી ગણે છે. તુર્કી ઉપરાંત ઇરાકમાં પણ કુર્દિશોનું નેતૃત્વ કરતા પીકેકેના થાણાઓ છે.
તુર્કીએ પીકેકેની ગતિવિધીઓ પર નજર રાખવા માટે ઇરાકમાં સૈનિકોની એક ટીમ ઉતારેલી છે. આ ટીમના એક ખૂશ્કી દળના સૈન્ય અધિકારીનું ૨૦૨૨માં આતંકવાદી હુમલામાં મુત્યુ થયું હતું. છેલ્લા ૩ વર્ષથી તુર્કીના સૈનિકો આ ઘટનાની તપાસ કરી રહયા હતા. આ તપાસના ભાગરુપે જ ૮૫૨ મીટરની ઉંચાઇ પર આવેલી ગુફામાં પ્રવેશ કરવો મોતને આમંત્રણ આપનારો બન્યો હતો.