- મ્યાંમારમાં ઓનલાઈન છેતરપિંડી માટે સપ્ટેમ્બરમાં દોષી ઠર્યા હતા
- હત્યા, છેતરપિંડી, અપહરણ, ડ્રગ્સ રેકેટ જેવી ગુનાખોરી માટે કુખ્યાત મિંગ ફેમિલી ગેંગમાં એક સમયે 10 હજાર મેમ્બર્સ સક્રિય હતા
- મિંગ પરિવારની ગુનાખોરીનું 43 અબજ ડોલરનું સામ્રાજ્ય હતું
બેઈજિંગ : મ્યાંમારમાં ઓનલાઈન છેતરપિંડીના અબજો ડોલરના કૌભાંડમાં ચીને ૧૧ લોકોને ફાંસીની સજા આપી હતી. છેતરપિંડી, હત્યા, અપહરણ જેવા આરોપ હેઠળ ૨૦૨૩થી આ કેસ ચાલતો હતો. નીચલી કોર્ટે ફાંસીની સજા આપી હતી તેની સામે ગુનેગારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ચીનની સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગત વર્ષે સપ્ટેમ્બરમાં આવ્યો હતો. એ પછી ફાંસીની સજાનો અમલ કરાયો હતો. ફાંસીની સજા આપવામાં આવી છે તે તમામ ગુનેગારો એક જ પરિવારના સભ્યો છે.
કુખ્યાત મિંગ ફેમિલીનો ગુનાખોરીમાં હાહાકાર છે. એક સમયે આ મિંગ ફેમિલીમાં અમુક ડઝન નહીં, પરંતુ ૧૦ હજારથી વધુ સભ્યો એક્ટિવ હતા. છેતરપિંડી, ધાકધમકી, અપહરણ, હત્યા જેવા ગુનાઓ આ મિંગ ફેમિલીના નામે નોંધાતા હતા. મ્યાંમારની અબજો ડોલરની છેતરપિંડીનો આરોપ આ મિંગ ફેમિલી ગેંગ પર લાગ્યો હતો. મ્યાંમારમાંથી ઓનલાઈન છેતરપિંડીનું રેકેટ ચલાવીને આ ગેંગ દુનિયાભરમાં તરખાટ મચાવતી હતી. મ્યાંમારમાં સ્કેમર્સ સેન્ટર ચલાવીને ઓનલાઈન છેતરપિંડીનું રેકેટ ચલાવાતું હતું. સ્કેમર્સ સેન્ટર્સમાંથી ભાગવાની કોશિશ કરતાં લોકોની હત્યા કરી નાખવામાં આવતી હતી. પૂર્વ એશિયામાં આ પરિવારના કાળા કારનામાનું આર્થિક સામ્રાજ્ય ૪૩ અબજ ડોલરનું હતું. ડ્રગ્સથી લઈને આર્થિક ઓનલાઈન છેતરપિંડીનું તેનું રેકેટ કેટલાય દેશોમાં ફેલાયેલું હતું. તેના પરિણામે ચીન પર મિંગ પરિવાર સામે પગલાં ભરવાનું આંતરરાષ્ટ્રીય સ્તરેથી દબાણ વધ્યું હતું.
આખરે ચીને ૨૦૨૩માં રેડ પાડીને મિંગ પરિવારના સભ્યોની ધરપકડ કરી હતી. એમાં મિંગ ફેમિલીના વડા મિંગ શુએછાંગનો સમાવેશ થતો હતો. નીચલી કોર્ટે ૨૦૨૩માં મિંગ પરિવારના સભ્યોને મોતની સજા ફટકારી હતી. તે ચુકાદાને આ ગેંગે ઉપલી કોર્ટમાં પડકાર્યો હતો. આખરે ગત સપ્ટેમ્બર માસમાં ચીનની સુપ્રીમ કોર્ટે પણ મોતની સજા બહાલ રાખી હતી. જોકે, એ દરમિયાન ગેંગના વડા શુએછાંગનું કસ્ટડીમાં જ મોત થયું હતું.


