Get The App

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધમાં 11 જણાંના મોત અને 28 ઘાયલ

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધમાં 11 જણાંના મોત અને 28 ઘાયલ 1 - image


- સરહદે સુરંગ ફાટતાં પાંચ થાઇ સૈનિકો ઘવાતાં બંને દેશો આમનેસામને 

- અથડામણ શરૂ થયા બાદ થાઇલેન્ડે પોતાના રાજદૂતને પાછો બોલાવ્યા બાદ કંબોડિયાના રાજદૂતોને હાંકી કાઢ્યા                              

બેંગકોક, થાઇલેન્ડ  : થાઇલેન્ડ અને કંબોડિયાની સરહદે રોન મારી રહેલાં પાંચ થાઇ સૈનિકો એક સુરંગ ફાટતાં ઘાયલ થવાને પરિણામે બંને દેશો વચ્ચે ગુરૂવારે મોટાં પાયે લડાઇ ફાટી નીકળતાં અગિયાર જણાંના મોત થયા હતા અને ૨૮ જણાં ઘાયલ થયા હતા. હાલ છ જગ્યાએ ચાલી રહેલી લડાઇમાં તોપ અને રોકેટનો ઉપયોગ થઇ રહ્યો હોવાના અહેવાલો છે. બંને દેશોએ એકમેક સાથેના રાજદ્વારી સંબંધો પણ રાજદૂતોને પાછાં બોલાવી લઇ પુંરાં કરી દીધાં છે.

થાઇલેન્ડના સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા સુરાસંત કોંગસિરીએ જણાવ્યું હતું કે હાલ બંને દેશોની સરહદે છ વિસ્તારોમાં જંગ જારી છે. બુધવારે સરહદે એક સુરંગ ફાટતાં તેમાં પાંચ થાઇ સૈનિકો ઘાયલ થતાં થાઇલેન્ડે કંબોડિયામાંથી પોતાના રાજદૂતને પાછો બોલાવી લીધો હતો અને કંબોડિયાના રાજદૂતને હાંકી કાઢ્યો હતો. થાઇલેન્ડે તેની સરહદોને સીલ કરી દીધી છે અને કંબોડિયામાં રહેલાં તેના નાગરિકોને દેશ છોડી દેવાની વિનંતી કરી છે. બંને દેશો વચ્ચે ૮૦૦ કિલોમીટર લાંબી સરહદે અવારનવાર છમકલાં થતાં રહે છે પણ મે મહિનામાં કંબોડિયન સૈનિકનું અથડામણમાં મોત થયા બાદ બંને દેશો વચ્ચેના સબંધો સાવ કથળી ગયા છે. 

થાઇલેન્ડ અને કંબોડિયા સરહદે જે  વિસ્તાર સુરક્ષિત રાખવા સંમત થયા હતા તે વિસ્તારમાં સુરંગ ફાટતાં થાઇ સત્તાવાળાઓએ આક્ષેપ કર્યો હતો કે આ રશિયન બનાવટની સુરંગ નવી બિછાવાઇ હતી.કંબોડિયાએ થાઇલેન્ડના આક્ષેપને પાયાવિહોણાં ગણાવી નકારી કાઢતાં જણાવ્યું હતું કે વીસમી સદીના યુદ્ધ વારસારૂપે આ વિસ્તારમાં ઘણી જુની સુરંગો બિછાવાયેલી પડી છે. 

ગુરૂવારે સવારે થાઇલેન્ડના સુરિન પ્રાંત અને કંબોડિયાના ઓડાર મિનચે પ્રાંતની સરહદે આવેલાં પ્રાચીન ટા મ્યુેન થોમ મંદિર વિસ્તારમાં પહેલી અથડામણ થઇ હોવાનું જણાયું હતું. થાઇ વિડિયોમાં લોકો તેમના ઘરોમાંથી દોડી કોન્ક્રિટના બંકરોમાં આશ્રય લેતાં હોવાનું જણાયું હતું. જ્યારે તેમની પાછળ ધડાકાં થતાં સાંભળી શકાતાં હતા. થાઇ લશ્કરે જણાવ્યું હતું કે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો તે સમયે સરહદે પાંચ કંબોડિયન સૈનિકો ગોઠવાયા હતા અને થાઇ સૈનિકોએ બૂમો પાડી સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પણ કંબોડિયન સૈનિકોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. બીજી તરફ કંબોડિયાના લશ્કરે જણાવ્યું હતું કે થાઇલેન્ડે ડ્રોન દ્વારા હુમલો શરૂ કર્યો હતો અને એ પછી ગોળીબાર કર્યા હતા. થાઇ દળોના આક્રમણ સામે કંબોડિયાના સૈનિકોએ સ્વબચાવમાં વળતો હુમલો કર્યો હતો. 

કંબોડિયાના વડા પ્રધાન હુન માનેટે  આ થાઇ આક્રમણને અટકાવવા યુએન સલામતિ સમિતિને તાબડતોબ બેઠક બોલાવવા જણાવ્યું હતું. થાઇલેન્ડના કાર્યવાહક વડાપ્રધાન ફૂમથામ વેચાયાચાઇ એ જણાવ્યું હતું કે દસ નાગરિકો સહિત અગિયાર જણાંના મોત થયા છે જ્યારે જે ૨૮ જણાંઘાયલ થયાં છે તેમાં ચાર સૈનિકો છે અને બાકીના નાગરિકો છે. કંબોડિયાએ મોતના કે ઘાયલોના આંકડા જણાવ્યા નથી. 

થાઇ લશ્કરે જણાવ્યું હતું કે અમે બાદમાં કંબોડિયાના લશ્કરી ટાર્ગેટ પર એરસ્ટ્રાઇક કરી હતી. જ્યારે કંબોડિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે થાઇ લડાકુ વિમાનોએ પ્રાચીન પ્રેહ વિહાર મંદિરની નજીક રસ્તા પર બોમ્બમારો કર્યો હતો. થાઇ સંરક્ષણ મંત્રાલયના પ્રવકતાઅ જણાવ્યું હતું કે જો કંબોડિયા સશસ્ત્ર હુમલા ચાલુ રાખશે તો શાહી થાઇ સરકાર સ્વબચાવમાં જરૂરી પગલાં ભરવા માટે સજ્જ છે. મે મહિનામાં સરહદી અથડામણમાં કંબોડિયાના સૈનિકનું મોત થવાને પગલે થાઇલેન્ડમાં વડાપ્રધાન પાટોન્ગટાર્ન શિનાવાત્રાની આકરી ટીકા થઇ હતી અને તેમને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી આ બાબતે તેમની સામે નીતિમત્તાના ધોરણોનો ભંગ થવા બાબતે તપાસ શરૂ કરાઇ હતી. 

Tags :