World

ન્યૂયોર્કના મેયર બનતા પહેલા જ ઝોહરાન મમદાનીનો વિરોધ, ફિલ્મ ડિરેક્ટર મીરા નાયરના પુત્રના હિન્દુ વિરોધી વલણથી વિવાદ

By GS TEAM
26 Jun 20254 mins read
TukuTouch Logo
ભારતીય મૂળના વિખ્યાત ફિલ્મસર્જક મીરા નાયર અને ગુજરાતી મૂળના મહેમૂદ મમદાનીના પુત્ર ઝોહરાન મમદાની અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીનું પ્રાઈમરી ઈલેક્શન જીતીને ન્યૂયોર્કના મેયર બનવાની સ્પર્ધામાં છે. 33 વર્ષીય ઝોહરાનની આ રાજકીય સિદ્ધિ વિશ્વભરમાં ચમકતા જ તેમના વિવાદિત નિવેદનો અને તેમનું હિન્દુ-યહુદી વિરોધી વલણ ફરી એકવાર ચર્ચામાં છે. એટલું જ નહીં, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઝોહરાનને આડે હાથે લીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ન્યૂયોર્કના મેયર બનતા પહેલા જ ઝોહરાન મમદાનીનો વિરોધ, ફિલ્મ ડિરેક્ટર મીરા નાયરના પુત્રના હિન્દુ વિરોધી વલણથી વિવાદ

Trump's First Assessment Of Zohran Mamdani: ભારતીય મૂળના વિખ્યાત ફિલ્મસર્જક મીરા નાયર અને ગુજરાતી મૂળના મહેમૂદ મમદાનીના પુત્ર ઝોહરાન મમદાની અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીનું પ્રાઈમરી ઈલેક્શન જીતીને ન્યૂયોર્કના મેયર બનવાની સ્પર્ધામાં છે. 33 વર્ષીય ઝોહરાનની આ રાજકીય સિદ્ધિ વિશ્વભરમાં ચમકતા જ તેમના વિવાદિત નિવેદનો અને તેમનું હિન્દુ-યહુદી વિરોધી વલણ ફરી એકવાર ચર્ચામાં છે. એટલું જ નહીં, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઝોહરાનને આડે હાથે લીધા છે.

ટ્રમ્પે ઝોહરાનને પાગલ ગણાવ્યા હતા 

ડોનાલ્ડ ટ્રમ્પે ઝોહરાન મમદાનીને 100% પાગલ કોમ્યુનિસ્ટ ગણાવ્યા હતા. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું હતું કે, 'ઝોહરાન મમદાનીને આગળ કરીને ડેમોક્રેટ્સે હદ વટાવી દીધી છે. ઝોહરાન મમદાની 100% સામ્યવાદી પાગલ છે. આપણી પાસે પહેલા પણ કટ્ટરપંથી ડાબેરીઓ હતા, પરંતુ આ થોડું હાસ્યાસ્પદ છે. તે ભયાનક છે, તેનો અવાજ કર્કશ છે, તે હોશિયાર પણ નથી. તેને ટેકો આપનારા બધા મૂર્ખ છે.’


ઝોહરાન પણ ટ્રમ્પના કડક ટીકાકાર છે

ઝોહરાન ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિઓની કડક ટીકા કરતા રહ્યા છે, એટલે પણ તેઓ ટ્રમ્પને ખૂંચે છે. ટ્રમ્પ રિપબ્લિકન છે અને મૂડીવાદી અભિગમ ધરાવે છે, જ્યારે ઝોહરાન વિરોધી પાર્ટી ડેમોક્રેટિકના નેતા છે અને સમાજવાદી વિચારધારા ધરાવે છે. એટલે ટ્રમ્પ ઝોહરાન વિશે ઘસાતું બોલે એ સ્વાભાવિક છે. જો કે, આ ઉપરાંત પણ અમુક મુદ્દા છે જેને લીધે ઝોહરાનના માથે માછલાં ધોવાઈ રહ્યા છે.

ઝોહરાનની હિન્દુ વિરોધી માનસિકતા 

ઝોહરાન પોતાને મુસ્લિમ ગણાવે છે. માતા હિન્દુ હોવા છતાં ઝોહરાન અનેક વખત એવા નિવેદનો કરી ચૂક્યા છે, જેને કેટલાક લોકો હિન્દુ વિરોધી માનસિકતા સાથે જોડી રહ્યા છે. જેમ કે... 

  • ઓગસ્ટ, 2020 માં ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર રામ મંદિરનો વિરોધ કરવા ભેગા થયેલા ટોળામાં ઝોહરાન મમદાની પણ હતા, જેમાં પ્રદર્શનકારીઓએ હિન્દુ પ્રજા અને ભગવાન રામ વિરુદ્ધ નિમ્ન કક્ષાના અપશબ્દો ઉચ્ચાર્યા હતા. 
  • 7 મે 2020ના રોજ ઝોહરાને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મારા પરિવારને યુગાન્ડામાંથી હાંકી કઢાયો હતો કારણ કે તેઓ ભારતીય હતા. આજે ભારતમાં મારા ભાઈઓ અને બહેનો પર અત્યાચાર ગુજારાઈ રહ્યા છે કારણ કે તેઓ મુસ્લિમ છે.’ 
  • 17 ઓગસ્ટ 2024ના રોજ તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આ બાબરી મસ્જિદનો ફોટો છે. 1992ના રમખાણોમાં તેનો નાશ કરાયો હતો. હિન્દુ રાષ્ટ્રવાદીઓ એ ધ્વંસની ઉજવણી ન્યૂયોર્કમાં કરવા માંગે છે.’


યહુદીઓ વિરુદ્ધ પણ ખુલ્લેઆમ નિવેદનો 

યુગાન્ડામાં જન્મેલા ઝોહરાન શરૂઆતથી જ ઈઝરાયલ અને તેના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ટીકા કરતા રહ્યા છે. તેઓ હંમેશાં પેલેસ્ટિનિયનોના સમર્થનમાં અવાજ ઉઠાવે છે. નેતન્યાહૂ વિશે તો તેમને એવું નિવેદન આપ્યું હતું કે, ‘જો ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ ન્યૂયોર્ક શહેરની મુલાકાત લેશે, તો હું તેમની ધરપકડ કરાવીશ, કેમ કે આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા તેમની ધરપકડ માટે વોરંટ જાહેર કરાયું જ છે. નેતન્યાહૂ વૉર ક્રિમિનલ છે.’

અંતિમવાદી વલણ મેયરની ચૂંટણીમાં નડશે? 

આ નિવેદનોના વીડિયો તથા પોસ્ટના સ્ક્રીનશોટ હાલ વાઇરલ થઈ રહ્યા છે, જેને લીધે અમેરિકનો ઝોહરાનનો વધુ વિરોધ કરવા લાગ્યા છે. અમેરિકાનો મોટો વર્ગ ઈઝરાયલ તરફી છે, જેમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પાર્ટીના નેતાઓ અને સમર્થકોનો સમાવેશ થાય છે. ન્યૂયોર્ક મેટ્રોપોલિટન વિસ્તારમાં આશરે 710,000 ભારતીયો રહે છે. ઝોહરાનના અંતિમવાદી વલણને લીધે હિન્દુઓ અને યહૂદીઓ મોટી સંખ્યામાં ઝોહરાન વિરુદ્ધ મત આપે એવું બની શકે છે. 

કેટલાક ઝોહરાનને ન્યૂયોર્કના ‘જેહાદી’ મેયર કહે છે

હજુ તો જોહરાન ન્યૂયોર્કના મેયર બનવાની રેસમાં છે, પરંતુ હિન્દુઓ અને યહૂદીઓ સામે નફરત ફેલાવવાનો આરોપ મૂકીને લોકો ઝોહરાનને ‘ન્યૂયોર્કના જેહાદી મેયર’ ગણાવી રહ્યા છે. રાજકીય નિષ્ણાતો ઝોહરાનના નિવેદનો અને દાવાને તથ્યવિહિન અને ફક્ત પ્રચારના ગતકડાં ગણાવી રહ્યા છે. અમેરિકાનો એક વર્ગ ઝોહરાનના શબ્દોને સામુદાયિક રીતે અપમાનજનક અને તેમની વિચારસરણીને અમેરિકાના ભવિષ્ય માટે ખતરનાક ગણાવી રહ્યો છે. 

આ પણ વાંચોઃ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા શુભાંશુ શુક્લા, ડોકિંગ પ્રક્રિયા શરૂ; માતાની આંખમાં આંસુ

ન્યૂયોર્કનું સુકાન સંભાળવા માટે પરિપક્વતાનો અભાવ

ન્યૂયોર્ક અમેરિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. આવા શહેરનું સુકાન પરિપક્વ હાથોમાં જ સોંપાય એવી અમેરિકનો દૃઢ માન્યતા ધરાવે છે. ઝોહરાનના વિરોધીઓ છડેચોક કહે છે કે ઝોહરાન ન્યૂયોર્ક જેવા શહેરનું સંચાલન કરવા ખૂબ જ નાની વયના, બિનઅનુભવી અને અત્યંત કટ્ટરપંથી વલણ ધરાવે છે. 

ઝોહરાનની હકારાત્મક બાજુ શું છે?

ઝોહરાન મમદાનીની પ્રચાર ઝુંબેશ રસપ્રદ રહી છે. તેમણે ન્યૂયોર્કવાસીઓને રોજબરોજના જીવનમાં પડતી તકલીફોને કેન્દ્રસ્થાને રાખીને પ્રચાર અભિયાન ચલાવ્યું છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવોને પહોંચી વળવા માટે તેમણે સરકાર દ્વારા સંચાલિત કરિયાણાની દુકાનો સ્થાપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જનતાના લાભાર્થે મફત બસ સેવા શરૂ કરવાની પણ તેમની ગણતરી છે. મકાનના બેફામ ભાડાંનો મુદ્દો પણ તેઓ સતત ઉઠાવે છે. 

સ્વપ્રચાર માટે ઝોહરાને સોશિયલ મીડિયા પર ઝુંબેશ ચલાવી છે, જેમાં તેઓ ન્યૂયોર્કની શેરીઓમાં ફરીને શહેરીજનો સાથે સીધો સંપર્ક કરતા દેખાય છે. મતદારોનું સમર્થન મેળવવા માટે તેઓ બોલિવૂડ ફિલ્મોનો ઉલ્લેખ કરતાં પણ દેખાય છે. ભારતીય ઉપખંડના ન્યૂયોર્કમાં રહેલા લોકોને આકર્ષવા માટે ઝોહરાન હિન્દી અને બંગાળી જેવી પ્રાદેશિક ભાષામાં વાત કરે છે. તેમના અભિયાનમાં મતદારો સાથે જોડાવા માટે તેમણે ‘ચાય વિથ ઝોહરાન’ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું.