World

અમેરિકાના 10 હજાર, ઈરાનના 10 લાખ સૈનિકો : ખાર્ગ -દ્વિપમાં કુરૂક્ષેત્ર રચાશે ?

By GS TEAM
27 Mar 20262 mins read
અમેરિકાના 10 હજાર,  ઈરાનના 10 લાખ સૈનિકો : ખાર્ગ -દ્વિપમાં કુરૂક્ષેત્ર રચાશે ?

- સંભવિત મહાયુદ્ધની ભીતિએ દુનિયાનો શ્વાસ ચઢાવી દીધો છે

- અમેરિકા- ઇઝરાયેલ વિરૂધ્ધ ઈરાનનું યુદ્ધ એક મહિનામાં જ પતી જશે તેમ મનાતું હતું : તેને બદલે તે વિકરાળ બનતું જાય છે

નવી દિલ્હી : અમેરિકા- ઇઝરાયલ વિરૂધ્ધ ઈરાનનું યુધ્ધ એક મહિનામાં જ ખતમ થઈ જશે તેમ મનાતું હતું. તેને બદલે તે વધુ ને વધુ વિકરાળ બનતું જાય છે.

આશ્ચર્ય તો તે છે કે એક તરફ બંને વચ્ચે શાંતિ-મંત્રણા ચાલી રહી છે, ત્યાં બીજી તરફ બંને તરફ યુધ્ધોન્માદ ચાલુ રહ્યો છે, તેમજ શાબ્દિક યુધ્ધ પણ વકરતું જાય છે.

આ સાથે સમાચારો વહી રહ્યા છે કે બંને તરફે જબર-જસ્ત યુદ્ધ તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકાએ ૧૦,૦૦૦ સૈનિકો ખાર્ગ ટાપુ ઉપર ઉતારવા નિર્ણય કર્યો છે.

તો બીજી તરફ ઈરાને તેની સેના ભરતી શરૂ કરી દીધી છે. તેણે ૧૦ લાખ તથા રંગ-રૂઢ (રીક્રૂટ) બનાવાની ઝૂંબેશ ઉઠાવી છે. ઈરાનને ભીતિ છે કે માત્ર ખાર્ગ ટાપુ ઉપર જ નહીં પરંતુ ઈરાનની તળભૂમિ ઉપર પણ અમેરિકા તેનું ભૂમિદળ ઉતારશે.

વોલ સ્ટ્રીટ જર્નલના રીપોર્ટ જણાવે છે કે ટ્રમ્પે ખાર્ગ ટાપુ ઉપર કબજો જમાવવા તેના શ્રેષ્ઠ દળના ચુનંદા ૧૦,૦૦૦ સૈનિકો મોકલવાની યોજના તૈયાર કરી છે. તેમ પેન્ટાગોનના સાધનો દ્વારા જાણવા મળ્યું છે.

તહેરાનની તસ્નીલ ન્યુઝ એજન્સી એક સૈન્ય સ્ત્રોતના હવાલો આપતાં જણાવે છે કે ઈરાનના ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડઝ કોર્પ્સ (આઇઆરજીસી) અને સેના દ્વારા દેશના વિવિધ કેન્દ્રોમાં યુવાનોની સેનામાં ભરતી કરવાનું અભિયાન શરૂ કરી દેવાયું છે. આ સાથે ભૂમિદળના સૈનિકોનાં પણ જોશની લહર પેદા કરાઈ છે. જેથી ઈરાનની ભૂમિ અમેરિકનો માટે ઐતિહાસિક નરક બની રહે. આમ તંગદિલી વધતી રહી છે. દુનિયાભરમાં તેલના ભાવ વધતા જાય છે. મોંઘવારી, ફુગાવો, બેકારી વધી રહ્યાં છે. તેવામાં સંભવિત મહાયુદ્ધ કુરૂક્ષેત્રે દુનિયાનો શ્વાસ ચઢાવી દીધો છે, નિરીક્ષકો સ્પષ્ટ કહે છે.