Get The App

‘ભારત પર એક-બે મિસાઇલ ઝીંકી દેવી જોઈએ’ યુદ્ધ માટે ઉતાવળા પાક. સાંસદની પોકળ ધમકી

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
‘ભારત પર એક-બે મિસાઇલ ઝીંકી દેવી જોઈએ’ યુદ્ધ માટે ઉતાવળા પાક. સાંસદની પોકળ ધમકી 1 - image


Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે, જેના કારણે પાકિસ્તાનને બાલાકોટ જેવી એરસ્ટ્રાઇક અને યુદ્ધનો ભય સતાવી રહ્યો છે. ભારત સરકાર દ્વારા હજુ સુધી યુદ્ધની કોઈ સત્તાવાર જાહેરાત અને ઉલ્લેખ પણ કરાયો નથી, તેમ છતાં પાકિસ્તાનના નેતાઓને યુદ્ધની ખૂબ ઉતાવળ હોય તેવા નિવેદનો આપી રહ્યા છે. ભારત પહલગામ હુમલાનો બદલો કેવી રીતે, ક્યારે અને ક્યાં લેશે, તેનો પ્લાન લગભગ તૈયાર થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇશારો મળતાં જ એક્શન મૉડ ઓન થઈ જશે.

પહલગામ હુમલા બાદ યોજાશે પ્રથમ કેબિનેટ બેઠક

આવતીકાલે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં કેબિનેટની મહત્ત્વની બેઠક યોજાવાની છે, જેમાં પહલગામ હુમલાનો બદલો લેવાની રણનીતિ પર ચર્ચા થવાની સંભાવના છે. આવતીકાલે બપોરે 11.00 કલાકે બેઠક શરુ થશે, જેમાં કોઈ મોટો નિર્ણય લેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. મોદી કેબિનેટની આ બેઠક માટે હવે ફક્ત એક દિવસ બાકી છે, જોકે તેમ છતાં પાકિસ્તાન તે પહેલા જ ભયભીત થઈ ગયું છે.

પાકિસ્તાનના અનેક નેતાઓ પોકળ ધમકી આપવામાં વ્યસ્ત

પડોશી દેશ ભારતથી એવું ભયભીત થઈ ગયું છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફથી લઈને એક-એક મંત્રીઓ ચેનલો પર જઈ જઈને યુદ્ધની વાત કરી રહ્યા છે અને પોકળ ધમકીઓ આપી રહ્યા છે. તેઓ ક્યારેક દરિયામાં લોહી વહાવવાના નિવેદનો તો ક્યારે પરમાણુ હુમલો કરવાની વાતો કરી રહ્યા છે. તેમના રેલવે મંત્રી બોંબની વાતો કરી રહ્યા છે, તો સૂચના મંત્રી અફવાઓ ફેલાવી રહ્યા છે, જ્યારે સંરક્ષણ મંત્રી ચેનલો પર જઈ જઈને ઇન્ટરવ્યુ આપવામાં વ્યસ્ત થઈ ગયા છે.

આ પણ વાંચો : PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર્ચા

ભારત પર એક-બે મિસાઇલ ઝીંકી દેવી જોઈએ : પાક. સાંસદ

પાકિસ્તાનની સંસદમાં પણ પહલગામ હુમલાની જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાનના વધુ એક સાંસદ નાસિર મહમૂદે પોકળ ધમકી આપી છે. તેણે કહ્યું કે, ‘હવે ભારત પર એક-બે મિસાઇલ ઝીંકવાનો સમય આવી ગયો છે. ભારતને જવાબ મળશે. આપણી પાસે 1998થી મિસાઇલો ધૂળ ખાઈ રહી છે અને તે તેમના પર ઝીંકી દેવી જોઈએ.’

ભારત બે-ચાર દિવસમાં હુમલો કરી શકે છે : ખ્વાજા આસિફ

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે, ભારત બે-ચાર દિવસમાં હુમલો કરી શકે છે. પાક.ના ટોચના નેતાઓથી લઈ તમામ પદાધિકારીઓ મારવા અને મરવાની વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ વખતે મોદી કોઈપણ હદ સુધી જઈ શકે છે. એ સ્પષ્ટ છે કે પીએમ મોદી 26 નિર્દોષ લોકોના મોતનો બદલો લેશે. બદલો કલ્પના બહારનો હશે, કદાચ આ જ કારણ છે કે, પાકિસ્તાન ભયભીત થઈ ગયું છે અને શું થવાનું છે તેનો ડર લઈને ચોતરફ દોડધામ કરી રહ્યા છે.

આ પણ વાંચો : પહલગામ મામલે વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- 'કાર્યવાહીનો સમય અને ઠેકાણા સેના નક્કી કરશે'

Tags :