app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

સત્તાનો સોનેરી ઝભ્ભો ઉતારીને સેવાનો ભેખ લીધો!

Updated: Dec 14th, 2022

- ઇંટ અને ઇમારત ઃ કુમારપાળ દેસાઈ

જેનું કોઈ નહીં, એના તમે થાવ!

યે મુકદ્દર હૈ કિ કુદરત કા તમાશા યારોં,

ગુલ કા ખિલના ઉસે, બાજાર મેં લા દેતા હૈ.

લીંબડી નરેશ દોલતસિંહજીની અમૃતલાલ શેઠ પર અતિ ચાહના હતી. એમણે કહ્યું,'અમૃતલાલ, રાજીનામું પાસ નહીં થાય.' અમૃતલાલે કહ્યું, 'બાપુ, મારો અટલ નિરધાર છે. દિલના કાળા ડાઘને દૂર કરવાનો મારો નિશ્ચય છે.'

જ્યાં મોર કળા કરતા અને કોકિલો ટહુકાર કરતી એ વૃક્ષઘટાઓ આજે કપાઈ ગઈ છે ને એક વખતનો મોભાદાર રસ્તો આજે નવસ્ત્રો ખડો છે. પ્રવૃત્તિથી ધમધમતાં મકાનો નિર્જીવ શબની જેમ પડયાં છે. યાદ આવે છે ઈ.સ. ૧૯૩૦. દાંડીકૂચના એ દિવસો.

અહીં સમગ્ર ભારતનાં રજવાડાં સામે બાથ ભીડનાર સૌરાષ્ટ્ર કાર્યાલય ખડું હતું. અને એનું છાપકામ કરનાર સ્વાધીન મુદ્રણાલય હતું.

રજવાડાંની મૂંગી સાત કરોડ પ્રજાની અંતરની વ્યથા અને પીડાના પોકાર રજૂ કરનાર એક સંસ્થા હતી અને રાજસ્થાન પ્રજા પરિષદના નેજા નીચે ગુજરાતના જાણીતા કલમકશો, મશહુર કાર્યકર્તાઓ સાહસિક ખબરપત્રીઓ અને ફોટોગ્રાફરો રાત અને દિવસ, પ્રકાશ અને અંધકાર એક કરીને કામ કરતા હતા. આખા દેશનાં છાપાં, રજવાડે રજવાડાંની ટપાલો અહીં ઠલવાતી. એ ટપાલો વંચાતી અને એમાંથી ટપકતી વેદનાને તરત વાણી મળતી.

કેવી હતી એ વાણી? અજબ ગજબ!

અહીંના રિપોર્ટરો, ખબરપત્રીઓ ને છબીકારો દૂર દૂરના પતિયાલા નરેશના અત્યાચારોના સમાચાર મળતાં ત્યાં દોડી જતા. રાજાઓ એ વખતે પ્રજાના કંચન અને કમિનીઓના ભરબજારે શિકાર ખેલતા. શ્રીમંતો પાસેથી પૈસા કઢાવવા, પિશાચી અત્યાચારો આચરતા અને રૂપસુંદરી મેળવવા આકાશ-પાતાળ એક કરતા. માણસ મારવો ને માખી મારવી એમને મન સમાન હતી.

રાજાનો શબ્દ એ કાયદો અને એમની મરજી એ પ્રજાનાં જીવન-મોત હતાં. સમર્થં અંગ્રેજીરાજ આંખ આડા કાન કરીને બેઠું હતું. પતિયાલાના નરેશનાં કાળાં કરતૂત ચીતરવા માટે માત્ર કલ્પિત શબ્દોના સાથિયા જ નહિ, એના પત્રવ્યવહારો ને કિંમતી કાગળો મહારાજના જનાન-ખાનામાંથી જાનના જોખમે હાથ કરવામાં આવતા. જીવસટોસટના એ સાહસ હતાં! એક ડગ મૂકવામાં ચૂક કે માથું ને ધડ અલગ!

નવી ખબર સાંપડે છે. પતિયાલા નરેશ એક નવા રૂપસોદામાં પડયા છે. એક અમલદારની પત્નીના રૂપનું એને ઘેલું લાગ્યું છે. અંગ્રેજ વાઇસરૉય પાસે ફરિયાદ ગઈ છે. એકવીસ હજાર આપીને ચૂપ કરવામાં આવે છે. રૂપસુંદરીના પતિ પાસે એકવીસ હજારની થેલીઓ ખડકાય છે. પતિ પૈસા માટે પત્ની વેચવા માગતો નથી. એની વ્યથા દારૂણ છે! એ વખતે ગુજરાતનો એક પત્રકાર એના પક્ષે ખડો રહે છે. આખું પ્રકરણ અખબારોનાં પાને ચઢે છે. નરેશના પાસવાનો શકરાબાજની જેમ ઘૂમી રહે છે. કોણ છે એ બે માથાળો માનવી?

મહારાજાને ખબર પડે છે કે આ બે માથાળો માનવી દાળ-ભાત ખાનારો ગુજરાતી છે, ત્યારે સામ, દામ, દંડ અને ભેદથી એને હણવા તત્પર બને છે, પણ એ ગુજરાતી પત્રકારને નમાવવો મુશ્કેલ હતું.

આ પત્રકારના હાથ સબળ હતા. એક વાર વ્યભિચારી અલ્વરનરેશે સૌરાષ્ટ્રની એક સુંદર કન્યા પર નજર નાખી. પત્રકારે એમાં એક કન્યાના જીવનની થતી બેઆબરૂ જોઈ. એણે ચળવળ ઉપાડી. અલ્વરનરેશ માટે ઇજ્જતનો સવાલ બની ગયો. એણે એક તરફ રૂપિયાના ઢગ અને બીજી તરફ ખૂની મારા છૂટા મૂક્યા. એ મારાઓના પગ ઠેઠ રાણપુરની સડક પર ફરી ગયા, પણ અહીં કોઈ ગાફેલ નહોતા.

સૌરાષ્ટ્રના એક પ્રબળ રાજવીને પોતાની સત્તાનો ને પોતાની તાકાતનો ભારે ગર્વ હતો. રોજ રોજ જહાંગીરી ફતવા બહાર પાડે. એવો એક ફતવો તૈયાર થયો. ફતવા પર સહીસિક્કા થયા. રાતે જનાનાના એક કબાટમાં એ મૂક્યો. ને એ રાતે જાણે જાદુગરની જાદુઈ લાકડીનો એને સ્પર્શ થયો. એ ફતવો ત્યાંથી નીકળ્યો. એક ઝડપી મોટરમાં બેઠો. અમદાવાદ પહોંચ્યો. બ્લોક થયો, છપાયો અને પાછો છુમંતર - હતો ત્યાં ને ત્યાં.

સવારે એ મહાન રાજવી ઊઠયા, ત્યારે બહાર એમના ફતવા સાથે છપાયેલા એક વધારો વેચાતો હતો. એ મહાન રાજવીને પોતાનું કેટલું પોલું બોલે છે એની એ દિવસે ખબર પડી! આજે તો નેત્રયજ્ઞા અને દંતયજ્ઞાની નવાઈ નથી રહી, પણ સમગ્ર ગુજરાતમાં પહેલો નેત્રયજ્ઞા સુરેન્દ્રનગર ખાતે કરનારા આ જ પત્રકાર.

મોઘાવી ડૉ. મથુરદાસને તેડાવેલા ને ગામેગામથી દર્દીને બોલાવ્યા હતા. આ કામ માટે રૂપિયા પંદર હજારની ટહેલ નાખી હતી. એ સમયે પાઈ પૈસાથી ફંડ એકઠું કરવાનું હતું. ત્યાં ટપાલમાં રૂપિયા પંદર હજારનો ચેક આવ્યો. મોકલનારે પોતાનું નામ ગુપ્ત રાખવા જણાવેલું, પણ આખરે દાતાની સંમતિથી એ નામ પ્રગટ થયેલું. અને તે હતું મોરબીનરેશનું!

રે, નરેશોના નાશ માટે તો પોતાના કદમ ઊઠયાં હતાં, ને એક નરેશની આ સહાય. છતાંય કામ વખતે કામ અને લડત વખતે લડત.

આ લડત આપનાર મહાન સાહસિક અને અજોડ એક પત્રકારનું નામ અમૃતલાલ દલપતભાઈ શેઠ. સૌરાષ્ટ્ર પત્રના તંત્રી, સૌરાષ્ટ્ર સંસ્થાના સ્થાપક અને સંચાલક! મહાન દેશભક્ત સુભાષચંદ્ર બોઝ અંગેના વિસ્તૃત હેવાલો ને જાતમાહિતી બર્મા જઈને મેળવી લાવનાર મહાન દેશભક્ત અમૃતલાલ!

આ દેશમાં માણસ બે કે ત્રણ પેઢીથી વધુ યાદ રહેતા નથી. ને કોઈ સંસ્થા પોતાના મૂળ સ્વરૂપમાં પાંચ વીશીથી વધુ પ્રસિદ્ધ રહી શકતી નથી. અહીં બાળમરણ વધુ છે. બાળક ઉછરી જાય, તો ભર યુવાન વયે તો એ મોતનો ભોગ બને જ છે. પ્રૌઢાવસ્થા તો એ ભાગ્યે જ ભાળે છે.

આ નામાંકિત સૌરાષ્ટ્ર સંસ્થાના સ્થાપક શેઠ અમૃતલાલ પોતે રજવાડી પ્રજા હતા. લીંબડીના જૈન કુટુંબના એ નબીરા. પિતા ધ્રાંગધ્રામાં રાજ્યમાં શિક્ષક, નિવૃત્ત થઈને લીંબડીમાં રહે ને પાંચ રૂપિયા પેન્શન મેળવે!

એ પેન્શનરનો પુત્ર અમૃતલાલ! અભ્યાસ કર્યા બાદ રાજ્યમાં નોકરીએ રહ્યા.

અમૃતલાલ ભારે હોંશિયાર, ખૂબ ચાલાક. થોડા વખતમાં એ ચાર પાંચ હોદ્દા સંભાળવા લાગ્યો. લીંબડી રાજ્યનો ફર્સ્ટ કલાસ મેજીસ્ટેટ એ, મુન્સફ એ, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ એ, સહ રજીસ્ટ્રાર એ, અંગત રીતે બરવાળા ચોવીશીનું કારભાર પણ એ કરે.

એમની આંખ ખુલ્લી અને અંતર ખુલ્લું. એના પર રજવાડી અન્યાયોના પડઘા પડયા કરે. એકવાર લીંબડીના ન્યાય અમલમાં જ પોતાનું મન દુભાયું. પોતે એક ચુકાદો લખ્યો. યુવરાજે એમાં દાખલ કરી. અનિચ્છાએ ચુકાદો ફેરવવો પડયો. એ ડાઘ અંતરમાં રહી ગયો.

રાજકોટમાં મનસુખલાલ રવજીભાઈ મહેતા. નામના ધર્મપરાયણ પુરુષ રહેતા હતા. તેઓ રાજકોટથી લીંબડી આવ્યા. તેઓ સાથે ચર્ચા થઈ. અમૃતલાલ શેઠે કહ્યું.

'અંગ્રેજો સામે ગાંધીજી લડી રહ્યા છે, પણ રજવાડાંની પ્રજાનું કોઈ નથી.'

શ્રી મનસુખભાઈ કહે, 'જેનું કોઈ નહીં, તેના તમે થાઓ.'

બસ, અમૃતલાલ શેઠને પ્રેરણા મળી ગઈ. એમણે પોતાના કાર્યક્ષેત્ર માટે બ્રિટિશ હદ શોધવા માંડી. લીંબડી અને બોટાદ વચ્ચે આવેલા રાણપુર ગામને પસંદ કર્યું. નક્કી કર્યું કે ત્યાં જઈને એક છાપું કાઢવું. રજવાડાંની રીબાતી પ્રજાના દુઃખને વાચા આપવી. પણ આવા છાપાને છાપે કોણ? જમથી ઝઘડો કોણ કરે?

એક છાપખાનું પણ સ્થાપવું. બસ, નિર્ણય લેવાઈ ગયો અને રાજીનામું લીંબડી દરબારમાં પેશ થઈ ગયું! લીંબડી નરેશ દોલતસિંહજીની અમૃતલાલ શેઠ પર અતિ ચાહના હતી. એ પ્રસંગે શેઠના પિતાશ્રી ગુજરી ગયા. લીંબડી નરેશ ખરેખરે આવ્યા, ને કહ્યું,'અમૃતલાલ, રાજીનામું પાસ નહીં થાય.'

'બાપુ, મારો અટલ નિરધાર છે. દિલના કાળા ડાઘને દૂર કરવાનો મારો નિશ્ચય છે.'

ને આખરે સત્તાનો સોનેરી ઝભ્ભો ઉતારી, સેવાનો ભેખ સ્વીકારી એક દિવસ લીંબડી છોડયું. થોડા કમ્પોઝીટર, થોડા ટાઈપ, નાનું હાથ પ્રેસ ને થોડા મદદનીશો લઈ એ રાણપુર આપ્યા. અહીં રવજીભાઈની ચાલીમાં બધું ગોઠવાયું. ઈ.સ. ૧૯૨૧ની રેંટિયા બારસે ગાંધીજ્યંતિએ બ્રિટિશ હદમાં ગામ રાણપુરમાંથી 'સૌરાષ્ટ્ર' સાપ્તાહિકનો જન્મ થયો. લીંબડીના ઝાડ નીચે તંત્રીએ ગોદડાનાં ટેબલ ઢાળ્યાં, ને વેદનાના અક્ષર ઘુંટાયા. એક રજવાડી ગુલામી સામે. બીજી બ્રિટિશ ગુલામી સામે.

મશીનનાં હાથપૈડાં ચાલ્યાં ને એમાંથી જે પ્રચંડ પોકાર ઊઠયા એણે આઝાદીના માર્ગના ઠીક ઠીક કંટા દૂર કર્યા. સરકારે 'સૌરાષ્ટ્ર' સામે નવેક વર્ષ પ્રતિબંધ મૂક્યો. સૌરાષ્ટ્ર બંધ થયું. 'રોશની' પ્રગટ થયું. રોશનીની રાત નષ્ટ થઈ, તો એમાંથી 'ફૂલછાબ'નો જન્મ થયો. રાણપુરનો નાદ મુંબઈ પહોંચ્યો. 'જન્મભૂમિ' પ્રગટ થયું.

'સન'નામનું અંગ્રેજી અખબાર પણ પીડીતોના આર્તનાદ પ્રગટ કરવા જન્મ્યું! અને કાળક્રમે અંગ્રેજી રાજ્ય ગયું, રજવાડાં વિલીન પામ્યા. એ છાપાં ગયાં, એ પત્રકાર ગયો. ને આજે કાળા ડામરનો રસ્તો રહી ગયો!

નિર્જીવ માર્ગ! નિશબ્દ મકાન! ન મોર અહીં કળા કરે છે, ન કોકિલ ટહુકાર. બહાદુરશાહ ઝફરની પેલી પંક્તિ યાદ આવે છે.

જિનકે મહેલમેં હજારો રંગ કે ફાનુસ થે,

ઝાડ ઉનકી કબ્ર પર નામોશિયાં કુછ ભી નહીં.

પ્રસંગકથા

કલદારને બદલે કલ્યાણ!

દિલ્હીના તખ્ત પર મોગલ શહેનશાહ જહાંગીરનું શાસન ચાલતું હતું. એક દિવસ શહેનશાહ જહાંગીર રાજની તિજોરીનો હિસાબ જોતો હતો. એને ખ્યાલ આવ્યો કે આ વર્ષે રાજની તિજોરીમાં આવક વધી છે. ગયા વર્ષ કરતાં ઘણી વધુ આવક થઈ હતી. એણે મહેસૂલ ખાતાના ઉપરીને બોલાવ્યો અને સવાલ કર્યો.

'આ વર્ષે આટલી બધી આવક થવાનું કારણ શું?'

મહેસૂલખાતાના ઉપરીએ કહ્યું, 'જહાંપનાહ, આ વર્ષે એક નવી યોજના અમલમાં મૂકી હતી અને તેને પરિણામે રાજની આવકમાં આટલો બધો વધારો થયો.'

જહાંગીરે પૂછ્યું, 'તમારી નવી યોજનામાં ગરીબોનું શોષણ કર્યું નથી ને? પ્રજાની પાસેથી વધુ કર લઈને તો આવક વધારી નથી ને?'

મહેસૂલખાતાના ઉપરીએ કહ્યું, 'ના, જહાંપનાહ ! આ વર્ષે ગંગા નદીમાં પાણી ઓછું આવ્યું. આના કારણે એની કિનારાની ઘણી જમીનમાં વાવેતર થઈ શક્યું. પરિણામે સારો એવો પાક થયો અને સારી એવી આવક થઈ.'

જહાંગીર મહેસૂલખાતાના અધિકારી પર ખુશ થયો, પણ આ બનાવ પર વધુને વધુ વિચાર કરવા લાગ્યો.

એ રાત્રે એને ઊંઘ ન આવી. એ વિચારવા લાગ્યો કે જે નદીએ આવક આપી એ આવક રાજ્ય લઈ લે, તો તો તે અન્યાય ગણાય. આમાં રાજ્યનું તો કોઈ કર્તૃત્વ નથી.

બીજે દિવસે દરબાર ભરાયો અને અદલ ઇન્સાફમાં માનતા મોગલ શહેનશાહ જહાંગીરે કહ્યું, 'ગંગાની કૃપાથી જે મળ્યું છે તે તેને અર્પણ કરી દો. ગંગા કિનારે વસતા ગરીબોને એ આવક વહેંચી દો.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે ગુજરાતની પ્રજાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને અને ભાજપ પક્ષને ખોબેખોબે મત આપ્યા અને ભાજપને ગુજરાતમાં અભૂતપૂર્વ વિજય અપાવ્યો. હવે પ્રજાના કલ્યાણનો વિચાર કરવાનો સમય આવ્યો છે. સામાન્ય રીતે જુદા જુદા કરવેરા નાખીને પ્રજા પાસેથી વધુ આવક મેળવવાનો વિચાર થતો હોય છે, પરંતુ હવે કલદારને બદલે કલ્યાણનો વિચાર કરવાની જરૂર છે. પ્રજા મોંઘવારી અને બેરોજગારીથી પીડાય છે. એને માટે સરકારે તાકીદે પગલાં ભરવા જોઈએ, જેથી પ્રજાએ મતપેટી દ્વારા બતાવેલો ઉમળકો ભવિષ્યમાં નવી ઊંચાઈએ પહોંચે.

Gujarat