Get The App

મારો અંતરાત્મા ડંખે એવું કંઈ પણ કરવા હું તૈયાર નથી

- 'સરસ્વતીચંદ્ર' મહાનવલના સર્જક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી

Updated: May 20th, 2020

GS TEAM

Google News
Google News
મારો અંતરાત્મા ડંખે એવું કંઈ પણ કરવા હું તૈયાર નથી 1 - image

સ્તુતિનો હર્ષ કે નિંદાનો ખેદ ખોટો છે !

ગુલોં સે સજા હુઆ ગુલશન અચ્છા લગા,

આસમામેં બિજલિયા બહુત અચ્છી લગી,

દિલમેં ધડકનોંકી મસ્તીયાં અચ્છી લગી,

ખુશીયોં મેં થોડા ગમે- દર્દ ભી અચ્છા લગા.

ગુજરાતી પ્રજાના સંસ્કાર વારસાના સર્જકોમાં એક સમર્થ નામ છે 'સરસ્વતીચંદ્ર' મહાનવલના સર્જક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીનું.

મહાત્મા ગાંધીજીના આગમન પૂર્વે ગુજરાતી સાહિત્ય જ નહિ બલ્કે એના સંસ્કાર જીવન પર સૌથી સબળ પ્રભાવ સાક્ષર ગોવર્ધનરામનો જોવા મળે. એમના 'સરસ્વતીચંદ્ર' ગ્રંથનું પ્રાગટય એ ગુજરાતી સાહિત્યનો જ નહિ બલકે ઓગણીસમી સદીના ગુજરાતના સામાજિક અને સંસ્કારજીવનની શકવર્તી ઘટના બની રહી, ગુજરાતી સાહિત્યએ તો 'સરસ્વતીચંદ્ર'ના સર્જનથી હરણફાળ ભરી, કિંતુ એથી ય વિશેષ તો એણે ગુજરાતી સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું. સાક્ષર યુગના મહાન સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠી વ્યવસાયે વકીલાત કરતા હતા. એમનું સર્જક તરીકેનું જીવન પ્રસિદ્ધ છે પરંતુ એવું જ પ્રેરણાદાયી એમનું વકીલ તરીકેનું વ્યવસાયી જીવન હતું. મહાત્મા ગાંધીજી અને અબ્રાહમ લિંકનના વકીલાતના આદર્શોની યાદ અપાવે એવું એમનું એ કાર્ય છે.

વકીલાતના વ્યવસાયમાં એમનો સર્વપ્રથમ દ્રઢ સંકલ્પ હતો કે, 'તમને ખોટી સ્થિતિમાં આણી મૂકે એવું કરવું નહીં.'- એ શુદ્ધ સુવર્ણ જેવો નિયમ છે આમ વકીલ તરીકે ખોટી વ્યક્તિની કે વાતની ક્યારેય તરફદારી કરતા નહીં. પોતાને ખોટો લાગે તો કેસ હાથમાં લેતા નહીં.

એમનો બીજો સંકલ્પબદ્ધ આગ્રહ હતો કે, 'વકીલે કલંકરહિત પ્રતિષ્ઠા અને ચારિત્ર જાળવવા જોઈએ અને આને માટે પોતે ચરિત્રશીલ હોય તેટલું જ જરૂરી નથી. બીજાને તમે એવા લાગો એ પણ જરૂરી છે. આ રીતે સાક્ષર તરીકે ગોવર્ધનરામે ઉચ્ચ આશય રાખ્યો એ જ રીતે પોતાના વ્યવસાયમાં પણ ઉચ્ચ આશય રાખ્યો હતો.'

ઇ.સ. ૧૮૯૪માં ગોવર્ધનરામ ડિસ્ટ્રીક્ટ પ્લીડરની પરીક્ષામાં પરીક્ષક તરીકે નિમાયા. કેટલાક લોકો તેમની પાસે ભલામણ લઈને આવતા અથવા તો પોતાની સિફારિશ કરવા અન્યને મોકલતા. ગોવર્ધનરામનું હૃદય આવી અપ્રમાણિકતા જોઈ વ્યથિત થઈ જતું. સઘળા ઉમેદવારોને સમાન ન્યાય- નિર્ણય મળે તેવો એમનો દ્રઢ નિર્ધાર હતો, તેથી નિકટના સ્વજન કે ગાઢ પરિચિત હોય તો પણ એમની ભલામણ પર સહેજે લક્ષ આપવું નહીં. નિષ્પક્ષપણું જાળવવા તેઓ માર્ક મુકાઈ ગયા પૂર્વે ઉમેદવારોના નામ તરફ નજર સુધ્ધાં કરતાં નહીં.

પરીક્ષક ગોવર્ધનરામ પાસે અમદાવાદના એક અગ્રણી વકીલ સિફારિસ લઈને આવ્યા. આ વકીલ ઘણો મોટો પ્રભાવ અને માન- મરતબો ધરાવતા હતા. એમની તરફદારી કરે તો ગોવર્ધનરામને વકીલાતના વ્યવસાયમાં તરક્કી મળે તેમ હતું. પ્રતિષ્ઠિત વકીલને ઓછામાં ઓછી એવી તો આશા હતી કે ગોવર્ધનરામ તેઓ જે પરીક્ષાર્થીનો નંબર આપશે, તે નોંધી તો લેશે જ. આથી એ વકીલ મહાશયે ગોવર્ધનરામને પરીક્ષાર્થીનો નંબર નોંધવા કહ્યું. પ્રમાણિકતા અને પ્રગતિ વચ્ચે દ્વંદ્વ હતું, પણ મક્કમ ગોવર્ધનરામે નંબર નોંધવાની સ્પષ્ટ ના પાડી. આ જોઈને વકીલ મહાશય ક્રોધે ભરાયા પોતાના પ્રભાવની વાત કરી પણ ગોવર્ધનરામ પર એની લેશમાત્ર અસર થઈ નહીં. ગોવર્ધનરામ પોતાની વાતમાં દ્રઢ રહ્યા. કેટલાક સ્નહીમિત્રોએ ગોવર્ધનરામને કહ્યું કે ખાલી નંબર નોંધી લેવામાં તમારું શું જતું હતું ? પેલા મુરબ્બી વકીલ સંતુષ્ટ થઈને આશાભર્યા પાછા તો જાત ને ?! એમની નારાજગીથી બચી શકાય. વળી એમા એમને ક્યાં કશું ખોટું કરવાનું હતું ?

પારદર્શક હૃદય ધરાવતા ગોવર્ધનરામ આવા 'દુનિયાડાહ્યા મિત્રો'ની સલાહને સ્વીકારવા લેશમાત્ર તૈયાર નહોતા. તેઓ માનતા કે આવું કરવું એ તો પામરતા ગણાય. આવી ભીરુતા શા માટે ? વળી એમ પણ વિચારે છે કે આવી અપ્રમાણિક વ્યક્તિઓ આ રીતે એમની પાસેથી નિરાશ થઈને પાછી વળશે, તો ભવિષ્યમાં રોગિષ્ટ ચિત્તના લોકો એમના નમ્ર પણ પવિત્ર નિવાસસ્થાને આવતા અટકશે !

આવી હતી એ મહાન સર્જકની સુવર્ણ સમી પ્રમાણિકતા. મુંબઈની વડી અદાલતમાં ગોવર્ધનરામ પહેલીવાર દલીલ કરવા ઉભા થયા એ સમયે સર ચાર્લ્સ સાર્જન્ટ વડા ન્યાયમૂર્તિ હતા વકીલ ગોવર્ધનરામ એમનો પહેલો દિવાની મુકદ્દમો લડી રહ્યા હતા અને આરંભમાં તો વડા ન્યાયમૂર્તિએ એમની અપીલ સામે કડક વચનો કહ્યાં. પ્રથમ મુકદ્દમામાં આવી આકરી તાવણી ! પણ ગોવર્ધનરામ મક્કમ રહ્યા અને ચાર કલાક સુધી દલીલો કરીને ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સાર્જન્ટએ કેસમાં અને એમની દલીલોમાં રસ લેતા કર્યા. ગોવર્ધનરામની વિરુદ્ધમાં ચુકાદો આવ્યો. પ્રથમ કેસમાં હાર થઈ, પરંતુ ચુકાદા બાદ ન્યાયમૂર્તિ ચાર્લ્સ સાર્જન્ટે ગોવર્ધનરામને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. કેસની સુંદર અને છટાદાર રજૂઆત કરવા બદલ આ નવા નિશાળિયાને અભિનંદન આપ્યા. તે જાણીને ગોવર્ધનરામના વકીલ મિત્રો ખુશ થઈ ગયા પણ ગોવર્ધનરામનું વિશિષ્ટ માનસ એ હારથી હતાશ કે અભિનંદનથી ખુશ થાય તેવા નહોતા. એમણે એમના મિત્રને કહ્યું કે જો હું મારા વખાણ સાંભળીને આજે હરખાઉં તો ક્યારેક ન્યાયાધીશ નાખુશ થાય તો ધુ્રજવાનું પણ બને ને !

સ્થિતપ્રજ્ઞા જેવું માનસ ધરાવતા ગોવર્ધનરામે મિત્રને એક વિશેષ વાત એ કહી કે મેં જે સ્વાતંત્ર્ય ખાતર વકીલાત સ્વીકારી છે એ સ્વાતંત્ર્ય સાથે સ્તુતિનો હર્ષ અને નિંદાનો ખેદ એ બંને મનોદશા અસંગત છે.

એકવાર ગોવર્ધનરામ અમદાવાદની અંબિકા મિલ વતી નીચલી કોર્ટમાં કેસ લડતા હતા. આ કેસમાં ગોવર્ધનરામે ખૂબ મહેનત કરી, પણ સફળતા મળી નહીં આથી અંબિકા મિલે વડી અદાલતમાં અપીલ કરી અને એ સમયના પ્રસિદ્ધ વકીલ ચીમનલાલ સેતલવાડને રોક્યા હતા. સામો પક્ષ ગોવર્ધનરામ પાસે ગયો અને એમને વિનંતી કરી કે તમે અદાલતમાં અમારા વતી આ મુકદ્દમો લડો.

આનો અર્થ એ કે એકવાર જેના તરફથી પોતે દલીલો કરી હતી, એની જ સામે દલીલો કરવાની. ગોવર્ધનરામને આવું કરવું નીતિ વિરૂદ્ધ લાગ્યું એ સમયે ગોકુળદાસ પારેખ જેવા ધુરંધર વકીલો આવો કોઈ છોછ રાખતા નહીં કે નીતિ- અનીતિનો વિચાર કરતા નહીં. આથી મિત્રોએ ગોવર્ધનરામને કહ્યું કે એમણે અંબિકા મિલ સામે કેસ લડવો જોઈએ. મોટા મોટા ધુરંધર વકીલો પણ આવું કરતા હોય, તો એમને એમાં શો વાંધો ? એ સમયે ગોવર્ધનરામ આર્થિક ભીંસમાં હતા. આ કેસ લડવાનું સ્વીકારે તો ફી પેટે બસો રૂપિયા મળે તેમ હતું એ સંજોગોમાં ગોવર્ધનરામે કહ્યું, 'મારો અંતરાત્મા ડંખે એવું કંઈ પણ કરવા હું તૈયાર નથી.'

એમણે એ કેસ લડવાનો ઇન્કાર કર્યો. મિત્રોએ એમને ગોકુલદાસ પારેખ જેવા ધુરંધર વકીલનું દ્રષ્ટાંત આપ્યું ત્યારે એમણે કહ્યું કે, 'મિ. ગોકુલદાસના દ્રષ્ટાંતની મારે કશી જરૂર ન હોય. મારી પાસે એમના જેટલી સંપત્તિ હોત તો મેં આ વ્યવસાય ક્યારનો છોડી દીધો હોત.'

એ સમયે ચોબલ નામના વિખ્યાત ધારાશાસ્ત્રીએ ન્યાયાધીશ ક્રિટઝમોરીસ સમક્ષ પ્રભાવક દલીલો કરી અને ન્યાયાધીશના મન પર એની જબરી અસર થઈ. ગોવર્ધનરામના અસીલો ચિંતાતુર બની ગયા એમને થયું કે કેસ હારી જવાશે. ગોવર્ધનરામે શાંતિથી કેસ ચલાવ્યો અને જીત મેળવી. એ પછી તેઓ એમની આરામખુરશીમાં બેઠા હતા, ત્યારે કોઈએ પાછળથી એમની પીઠ થાબડી. પાછું ફરીને જોયું તો એ વિખ્યાત ધારાશાસ્ત્રી ચોબલ હતા. ચોબલે ધીમે સ્વરે એમને કહ્યું, 'હું તમને ચાહું છું, સન્માનું છું, પૂજું છે, પ્રશંસું છે.'

ગોવર્ધનરામે આશ્ચર્યથી પૂછ્યું, 'શા ખાતર ? મારા જીવનના કયા કાર્ય માટે ?'

ત્યારે સોબલે કહ્યું, ''તમે છો તે સમગ્ર માનવ ખાતર અને એના સમગ્ર કાર્ય ખાતર.''

ગોવર્ધનરામે ધીકતી વકીલાત ચાલતી હતી ત્યારે, ચાલીસમા વર્ષે નિવૃત્તિ લેવાનો વિચાર કર્યો. એમની આ નિવૃત્તિ પાછળ લોકહિત અને લોકકલ્યાણની ભાવના હતી. પોતાની સમગ્ર વિદ્યા અને શક્તિને લોકહિત માટે ઉપયોગ કરવા ચાહતા હતા.

એમને દેશ બનાવવો હતો. કેવો દેશ ? છે તેના કરતાં વધુ ઉન્નત, શિક્ષિત અને અશિક્ષિત દેશબંધુઓને અસહાય સ્થિતિમાંથી બહાર કાઢીને એમને આત્મનિર્ભર બનાવવાની ઇચ્છા હતી. આ દેશબંધુઓની ચેતના કેવી રીતે પ્રદિપ્ત થઈ શકે તેનું ચિંતન- મનન કરીને કોઈ વિશાળ નક્કર યોજના તૈયાર કરવી હતી. દેશહિતનું ધ્યેય એમના મનમાં સતત ઘૂંટાયા કરતું હતું. એને માટે સતત સ્વાધ્યાય અને ચિંતન કર્યા એમ કરતાં જિંદગી ખતમ થઈ જાય તો યુદ્ધભૂમિ પર લડતાં સૈનિકની રીતે ફના થઈ જવાની એમની ખ્વાહિશ હતી.

એમના કાકા મનસુખરામના કહેવાથી ચાલીસના બદલે તેતાલીસમા વર્ષે નિવૃત્તિ લીધી. આ સમયે ગોવર્ધનરામને કચ્છ અને જૂનાગઢના દીવાન તરીકે નોકરી મળે તેમ હતી, પરંતુ એમને તો દેશ કલ્યાણ કાજે નિવૃત્તિ લેવી હતી.

નિવૃત્તિ લઈને ગોવર્ધનરામ આર્થિક સંકડામણ વચ્ચે મુંબઈથી નડિયાદ આવીને 'સરસ્વતીચંદ્ર' મહાનવલનું સર્જન કરે છે. માંદગીની પરંપરા એમને ખર્ચના ખાડામાં ઉતારી દે છે. સ્વજનોના મૃત્યુ હૃદયને હચમચાવી નાખે છે પરંતુ આ તમામ દુઃખોને પરમશક્તિની ઇચ્છાની પ્રસાદીરૂપ માને છે અને કર્તવ્યને છેવટનો આદેશ ગણીને અંત સુધી વળગી રહે છે.

ગુજરાતી સાહિત્ય, સંસ્કાર અને સંસ્કૃતિ માટેની ગોવર્ધનરામની એ સમર્પણવૃત્તિ આજે ય સહુને પ્રેરણારૂપ છે.

પ્રસંગકથા

કોરોનાની મહામારી જેવી શ્રમિકોની હાડમારી !

જીમી સાથેની શરતમાં ટોની વારંવાર હારી જતો હતો. ટોનીએ પોતાની પાસેની સઘળી રકમ ગુમાવી અને એથી ય વધુ એના માથે દેવું થઈ ગયું. વારંવાર હારેલા ટોનીએ મિત્ર જીમીને કહ્યું, 'બસ ! ઘણું થયું. હું એટલી બધી વાર શરત હારી ગયો છું અને મારી હાલત એવી બૂરી થઈ ગઈ છે કે હવે પછી હું ક્યારેય તારી સાથે શરત નહીં લગાવું.'

જીમીએ કહ્યું, 'તું ભલે ગમે તે કહે, પણ શરત લગાવવી એ તારો સ્વભાવ છે. હું તારી વાત સહેજે માનતો નથી.'

'ના, ના. મેં સોગંદ લીધા છે હવે તો ક્યારેય નહીં.'

આ સાંભળીને જીમી ખડખડાટ હસી પડયો અને બોલ્યો, 'જવા દે ને ! તું જરૂર તારા આ સોગંદ તોડવાનો !'

ટોનીએ કહ્યું, 'કદી નહીં તોડું, લગાવી છે શરત પાંચસો પાંચસોની ?'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે જેમ ટોની એનો શરત લગાવવાનો સ્વભાવ છોડતો નથી, એ જ રીતે ભારતના રાજકીય પક્ષો કોરોના જેવી મહામારીના સમયે પણ એકબીજા સાથે વિવાદ કરવામાંથી ઉંચા આવતા નથી. માત્ર દેશ નહીં, બલ્કે આખી દુનિયાને ધુ્રજાવનારી આ મહામારી સમયે વિશાળ જનસંખ્યા અને વિપરિત પરિસ્થિતિઓ ધરાવનાર ભારત લાંબી લડાઈ લડી રહ્યો છે એને માટે કોરોના મહામારી બન્યો છે, તો શ્રમિકોની સમસ્યા એથી સહેજે ય ઓછી નથી.

શ્રમિકો દેશના તમામ રાજ્યો સાથે સંબંધ ધરાવે છે ત્યારે બીજા રાજ્યો સાથે રાજકીય દ્રષ્ટિએ વિચાર કરે છે, એ એમની હીન દ્રષ્ટિ છે. શ્રમિકોના માથે આફતોનો પહાડ તૂટી પડયો હોય, ત્યારે એમને મદદરૂપ થવા માટે આ નેતાઓ પ્રયત્ન કરતા નથી, માત્ર એને વિશે નિવેદનો કરીને શ્રમિકોની વેદનાની આગમાં ઘી હોમે છે. રાજ્ય કે પક્ષની દ્રષ્ટિને ભૂલીને દેશહિતની દ્રષ્ટિએ માનવતાનું કાર્ય કરવું જોઈએ અને સહુ કોઈએ આ શ્રમિકોના આંસુ લૂછવાનો પ્રયત્ન કરવો જોઈએ.

લડવાની આપણી આદત ભૂલીને ભેગા મળીને કામ કરવાની આદત આવે સમયે કેળવવી પડે નહીં તો ભારતના ઇતિહાસમાં શ્રમિકોની દુર્દશા એ દેશનું કલંક બની રહેશે !

આજની વાત

બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ : જહાંપનાહ, ભારતનું રાજકારણ દુનિયાની અજોડ અજાયબી છે.

બાદશાહ : ક્યા ખૂબ ?

બીરબલ : જહાંપનાહ, ઝાડૂ આમ આદમી પાસે છે, હાથ કોંગ્રેસ પાસે છે અને સફાઈ કરવાનું ભાજપ કરે છે.

Tags :