Get The App

ખુશાલચંદનું ખમીર બાદશાહતને ઝૂકવા સહેજે તૈયાર નહોતું !

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

એકવીસમા દિવસે અમદાવાદ શહેરમાં પુનઃ ધામધૂમ સાથે ભવ્ય પ્રવેશ કર્યો !

Updated: Nov 20th, 2019

GS TEAM

Google News
Google News


કિસ પર ભરોસા રખ્ખેં હમ,કિસ કા કહના માને હમ,અપને વાદોં પર પલ પલ પલટે, યહાં કુછ ઔર વહાં કુછ

અમદાવાદના મહાજનના નગરશેઠ ખુશાલચંદ શેઠનો છેક દિલ્હી દરબાર સુધી પ્રભાવ હતો. મુઘલ સામ્રાજ્યનો સૂર્ય ધીરે ધીરે અસ્તાચળ તરફ ડૂબતો હતો. શહેનાશાહ ઔરંગઝેબની સામે મરાઠાઓ અને રજપૂતોએ જંગ ખેલ્યો અને એની વિદાય પછી મુઘલ સલ્તનતના પાયા ડગમગવા લાગ્યા. બૂઝાઇ જતા દીવાના આખરી અજવાળા જેવો બાદશાહ ફરૂખશિયર દિલ્હીના સિંહાસનનો અધિપતિ હતો.

અમદાવાદના ખુશાલચંદ શેઠને બાદશાહ મોટું સન્માન આપતાં, એમની વાતને બહુ વજન આપતા. ખુશાલચંદ શેઠ પાસે પોતાનું સૈન્ય હતું. ગુજરાતના સૂબા અખત્યારખાને ખુશાલચંદ શેઠને કહ્યું કે તમારે મહાવીરસ્વામીના મંદિરેથી મહોત્સવનો વરઘોડો નીકળવાનો હોય તો રાજની પરવાનગી જરૂરી છે.

ખુશાલચંદ શેઠ ચોંકી ઊઠયા. આજ સુધી રાજની આવી કોઇ પરવાનગી લેવી પડતી નહોતી. એમણે સૂબાના પ્રતિનિધિને કહ્યું, 'દિલ્હીની બાદશાહીના ફરમાનને હું માથે ચડાવું છું, પણ સૂબાસાહેબના મનસ્વી ફરમાનને હું સ્વીકારી શકતો નથી.'

યુવાન, મગરૂર અને જોહૂકમી ચલાવવાના શોખીન સૂબા અખત્યારખાનને સત્તાનો નશો ચડયો હતો. એનો સૂબેદાર દિલાવરખાન પચાસ ઘોડેસવારો લઇને ઝવેરીવાડમાં પહોંચ્યો, તો જોયું તો એની સામે નગરશેઠના પચાસ આરબો બંદૂકની લાંબી નળીઓ તાકીને ઊભા હતા. દિલાવરખાને વધુ સૈનિકો મંગાવ્યા, ત્યારે ખુદ સૂબો પોતે સૈનિકનો પોશાક પહેરીને પાંચસો સૈનિકો સાથે આવ્યો અને શહેર પર તોપનો મારો ચલાવવા માટે દારૂગોળો ભરવા લાગ્યો.

આવે સમયે મહાજન સૂબા પાસે ગયું અને સૂબાને કહ્યું 'નગરશેઠની હવેલી શહેરની વચ્ચોવચ્ચ છે અને તોપગોળાથી તો આખા શહેરનો કચ્ચરઘાણ નીકળી જશે અને લાખો - કરોડોનું નુકસાન થશે.

મહાજનની વિનંતીને કારણે સૂબાએ ત્રણ દિવસનો સમય આપ્યો અને કહ્યું કે 'ક્યાં નગરશેઠને શરણે લાવોઅથવા શહેર ખાલી કરી બીજે ચાલ્યા જાવ.' મહાજન નગરશેઠ ખુશાલચંદ પાસે ગયું અને કહ્યું, 'શહેરનું સત્યાનાશ જવા બેઠું છું. કંઇક કરો ?  તમે મહાજનના  નગરશેઠ છો અને સૂબો રૂઠયો છે.'

'હું જાણું છું. પણ એક વખત એને નમવાથી આપણા સૌની કમબખ્તી છે. એ વગર વિચારનો યુવાન છે. એને ગમે તેમ જુલમ કરવા દેવાય નહીં.'

'પણ શાહી સૈન્યની સાથે લડાઇ કરશો તો મોટો ગુનો નહિ ગણાય ? સત્તા સાથે શાણપણ ક્યાં સુધી ચાલશે ?'

'મારા હાથ લાંબા છે. હું પહોંચી વળીશ.'

'એ અમે પણ જાણીએ છીએ. પણ તમારી પહેલી ફરજ શહેરને બચાવવાની છે, માટે તેનો યોગ્ય રસ્તો શોધી કાઢો.'

'ભલે હું આ જિદ્દી માણસને જરા પણ નમતું આપવા ચાહતો નથી.'

'કાંઇક વચલો રસ્તો ન નીકળે ?' વૃદ્ધ સાકરચંદે પૂછ્યું.

'તમે શું સૂચવો છો ?'

'તમે તમારું સૈન્ય લઇ અમદાવાદની બહાર કોઇ સ્થળે ચાલ્યા જાવ. ત્યાં સૂબો લડવા આવે તો તમારા હાથનો ચમત્કાર બતાવજો. નહિ તો તમારે જે બીજો ઉપાય લેવો હોય તે લેજો. પરંતુ શહેરનો આથી બચાવ થશે.'

નગરશેઠ વિચારમાં પડયા, 'પણ એ મારી હવેલીનો કબજો લઇ બધું તોડીફોડી નાંખે તો ?'

'અમે એને સમજાવશું. તમારી હવેલી કે માલમિલકતને જરા પણ નુકસાન ન કરે, છતાં ન સમજે તો શહેરના બચાવ ખાતર તેટલું નુકસાન સહન કરજો.'

'ભલે, તેમ થાઓ.' નગરશેઠે વિચાર કરી જવાબ આપ્યો.

મહાજન પાછું સૂબા પાસે ગયું. પોતે જે ગોઠવણ કરી હતી. તેની વાત કરી. એને હવેલીને માટે અભયદાન માગ્યું. 'એમ કેમ બને ? એ તો હવે સરકારી મિલકત કહેવાય.'

'સરકારી મિલકત ભલે કહેવાય પરંતુ એનો નાશ તો કરવો ન ઘટે. એમાં તો ઊલટું નુકસાન થશે.'

'નાશ તો હું નહિ કરું. પણ હું એમાં સરકારી થાણું રાખી વસવાટ કરીશ.'

'બે માસની મુદત આપો. પછી તમને ગમે તે ખુશીથી કરજો. અમારો એટલો આગ્રહ કબૂલ કરો.' સૂબાએ કબૂલ કર્યું. નગરશેઠે તડામાર હવેલી ખાલી કરાવી નાખી, પણ સાથોસાથ એમણે એકવીસ દિવસમાં અમદાવાદ પાછા આવવાની ચેલેન્જ ફેંકી. પાંચસો આરબો લઇ સરસામાનનાં સેંકડો ગાડાંઓ ભરી પેથાપુર નજદીકના  તેમના વાસણા ગામમાં તંબુઓ તાણ્યા.

ખુશાલચંદ શેઠે તરત બાદશાહને અરજ લખાવી. તેમાં વિગતે પોતાની સ્થિતિ લખી. સૂબાનો અન્યાયી હુકમ, તે માન્ય ન કરવાનાં કારણો, તે સિવાય સૂબાએ કરેલી જબરદસ્તી અને પોતાને અમદાવાદ ત્યજવાની ફરજ-તે સંબંધી સર્વે વિગત અરજ સાથે લખી. બાદશાહની પોતાના ઉપરની મહેરબાની અને કરેલા ઉપકારો જણાવી અમદાવાદમાં પોતાને પાછા ફરવાની અને બાદશાહી રક્ષણની માગણી કરી.

પોતાને થતાં નુકસાન અને તકલીફો જાહેર કર્યાં. પોતાના લાગતાવળગતા ઉમરાવોને પણ ખબર આપ્યા અને ખાસ કરીને બાદશાહી રાજતંત્રમાં તે વખતે પૂરતી લાગવગ ધરાવનાર સૈયદ હુસેનઅલીખાં તથા અબ્દુલખાંને પણ સર્વે હકીકતથી વાકેફ કર્યા. સૂબાનો રિપોર્ટ પણ દિલ્હી પહોંચ્યો. સૈયદ ભાઇઓ આ વખતે સર્વસત્તાધીશ હતા.

તેમની સલાહથી અમદાવાદના સૂબાને દિલ્હી બોલાવવાનું શાહી ફરમાન છૂટયું. તેની જગ્યાએ સૈયદ હસનઅલીના આશ્રિતની નિમણૂક થઇ. બરાબર એકવીસમે દિવસે ખુશાલચંદ નગરશેઠ ધામધૂમ અને ગાજતેવાજતે અમદાવાદમાં પુનઃ પધાર્યા. જૂનો સૂબો ત્રણ દિવસ પહેલાં છાનોમાનો દિલ્હી ચાલ્યો ગયો હતો.

દિલ્હીમાં ફરૂખશિયર બાદશાહ માત્ર નામનો જ હતો. સત્તા સર્વે સૈયદ ભાઇઓના હાથમાં હતી. બાદશાહ સાથે એમને અણબનાવ હતો. બાદશાહ પોતાનો પક્ષ ઊભો કરીને સૈયદ ભાઇઓનો નાશ કરવા કાવતરું કરવા લાગ્યો. સૈયદ ભાઇઓને એ ખબર પડી ગઇ. તેઓએ મરાઠાઓની મદદ મેળવી દિલ્હી લઇ લીધું.

ઈ.સ. ૧૭૧૯માં ફરૂખશિયરનો વધ કરવામાં આવ્યો ને અનુક્રમે બહાદુરશાહના બે નાના પૌત્રોને ગાદીએ બેસાડયા. પણ તેઓ તરત મૃત્યુ પામ્યા. ચોથા પુત્રને મહમદશાહના નામે ગાદીએ બેસાડયો.

આ સમય ભારે અંધાધૂંધીનો હતો. દિલ્હીની સત્તા શિથિલ થઇ ગઇ હતી. સૂબાઓ સ્વતંત્ર બાદશાહ બની ગયા. દક્ષિણમાં નિઝામ અને મરાઠા એમ બે નવી સત્તાનો ઉદય થયો હતો. તેઓ થોડી વારમાં પરસ્પર લડતા હતા. લૂંટફાટ, અત્યાચારો  અને મારામારીઓ ખૂબ થતી હતી.

મુઘલ શહેનશાહતમાં ગૃહક્લેશ અને કાપાકાપીના આ વિષમ કાળ દરમિયાન ગુજરાતને પણ બેવડી કસોટીમાંથી પસાર થવાનું હતું. સૈયદ ભાઇઓએ મરાઠાઓને ગુજરાતમાં ચોથ ઉઘરાવવા હક આપવાનું કહીને તેની મદદથી ફરૂખશિયર બાદશાહને હરાવ્યો હતો.

તે સમયથી મરાઠા ઘોડેસવારો ગુજરાતમાં ચોથ ઉઘરાવતા 'હરિ બોલ, હરિ બોલ' પોકારતા ઘૂમી રહ્યા હતા. તેઓ ગમે તે હિંદુ-મુસલમાનોને લૂંટી લેતા. શહેરો ને ગામડાંઓ ઉપર રાત્રિના આક્રમણ કરી લૂંટફાટ ચલાવતા અને કોઇ કોઇ વખત તો ભક્ષ ન મળવાથી ગામોનાં ગામો સળગાવી દેતા. બીજી બાજુ મુઘલ શહેનશાહને ગુજરાતમાં પોતાનો પગદંડો જમાવી રાખવાને નિઝામ-ઉલ્મુલ્કને સૂબાગીરી સોંપતાં તેના તરફથી તેના કાકા હમીદખાન અમદાવાદમાં રોકાયો હતો.

આ સમયે ગુજરાતની સ્થિતિ અત્યંત વિષમ થઇ પડતાં જાનમાલના રક્ષણ માટે ખુશાલચંદ શેઠે સમયસૂચકતાથી પોતાને ત્યાં રહેતી આરબની બેરખમાં ભરતી કરી અને હથિયાર-સામગ્રીમાં જરૂરી વધારો કરી દીધો હતો.

પાંચેક વર્ષો આ રીતે પસાર થયાં. દરમિયાન મુઘલ શહેનશાહતને ગુજરાતની સત્તા પોતાના પગ નીચેથી સરકી જતી હતી તેનું ભાન થયું અને પોતાને આંગણે પણ અધિકારીઓ સાથે અથડામણ થવા લાગી. પરિણામે ગુજરાતનો હાલનો સૂબો અને મરાઠી મળી ગયા છે તેમ બાદશાહને સમજાવી શાહ બુલંદખાને ગુજરાતની સૂબાગીરી મેળવી અને લશ્કર સાથે પોતાના તરફથી સુજાદીખાનને મોકલ્યો.

આ આંતરયુદ્ધમાં સુજાદીખાન પાસે લશ્કરીબળ જોઇ હમીદખાન દાહોદ પહોંચ્યો અને મરાઠી સૈન્યની  મદદથી અંદરોઅંદર લડતાં  સુજાદીખાન  મરાયો.

આ સમયે અમદાવાદને કિલ્લેબંધી હોવાથી અને તેના દરવાજા બંધ હોવાથી વસ્તી બહારના તોફાનથી શહેર સુરક્ષિત હતું, પરંતુ વિજયની ધૂનમાં મરાઠા સૈન્યને શહેર લૂંટવાનો ઉન્માદ જાગ્યો.

મરાઠા સૈન્ય ગઢના કિલ્લા તોડી શહેરમાં પ્રવેશ કરવા-ગામ લૂંટવા ઇચ્છે છે એવા ખબર ખુશાલચંદ શેઠને મળ્યા. તેમની પાસે પૂરતાં સાધન અને સમૃદ્ધિ હતાં, હિંમત અને મુત્સદ્દીગીરી હતી. મરાઠા સૈન્યને લાવનાર હમીદખાન ઉપર તેમના ઘણા ઉપકાર હતા. તે હિંમત કરીને અમદાવાદને ઘેલો ઘાલી પડેલી મરાઠા છાવણીમાં ગયા. હમીદખાનને મળી તેના અંગત તોફાનમાં પ્રજા પાયમાલ થઇ જવાથી તેને જ નુકસાન છે, એમ સમજાવીને મોં માગ્યું દ્રવ્ય આપી  મરાઠા સૈન્યને  પાછું વાળ્યું.

નગરશેઠ ખુશાલચંદે તન-મન-ધનનો મોટો ભાગ આપીને શહેરના વેપાર અને વસ્તીનું રક્ષણ કરવાથી તે વખતના અમદાવાદ શહેરના મોટા વેપારી અને મહાજનના મોવડી, હિંદુ-મુસ્લિમ તમામ કોમના આગેવાનોએ મહાજન એકઠું કર્યું ને ખુશાલચંદ શેઠના આ ઉપકારના બદલામાં અમદાવાદમાંથી રાજહકની લેવાતી દામદસ્તુરી (જમાબંધી) ઉપરાંત દરેક વેપાર મશરૂ વણાટ વગેરે ઉપર દર સેંકડે ચાર આના મુજબ નગરશેઠને વંશપરંપરાને માટે રૈયત નિસ્બતે પાઘડી આપવાને પ્રજાએ કરારનામું કરી દીધું તથા વજીર કમરૂદ્દીને તે કરારનો અઘટ પરવાનો રુક્કો કરી આપ્યો.

મુઘલાઇ સૂબાની આ અથડામણના પરિણામે તેનું બળ વેડફાઇ જતાં ગુજરાતની ચોથ ઉઘરાવવાના મરાઠાઓએ મેળવેલા હકને આગળ ધરી, તેનો પગપેસારો ગુજરાતમાં વધવા લાગ્યો. પેશ્વાએ આ કામ પીલાજી ગાયકવાડને સોંપ્યું. એના પુત્ર દામાજી ગાયકવાડે પોતાનાં શૌર્ય અને ચતુરાઇથી ગુજરાતમાં ગાદી સ્થાપી. ધીમે ધીમે ગુજરાતમાંથી મુઘલોની સત્તા ઓસરવા લાગી.

નગરશેઠ ખુશાલચંદે મરાઠાઓ સાથે પણ દોસ્તી બાંધી હતી. એ ચતુર પુરુષ હતા. એણે ગાયકવાડની સાથે આર્થિક સંબંધ બાંધી પોતાના લાભોને નિર્ભય બનાવ્યા. એ સમયે વેપાર ઘણો ઘટી ગયો હતો. અંધાધૂંધી અને લૂંટફાટમાં વેપારનો વિકાસ નહોતો. પરંતુ નગરશેઠની ધીરધાર મોટી હતી. ઘણી વખત રાજતંત્ર બદલવાની સાથે મોટી ખોટ આવતી હતી. નાણાં સમૂળગાં જતાં પણ હતા; છતાં નવી સત્તાને મળી જઇ તેઓ આગલાં નાણાં પણ વસૂલ કરી લેતા હતા.

એ સમયે ખુશાલચંદ શેઠની હિંમત, પ્રજાપ્રેમ અને ધર્મનિષ્ઠા મહાજન પરંપરાનો ઉજળો ઇતિહાસ બની રહ્યા.

Tags :