Get The App

નાસ્તિક ચીનમાં જાણે-અજાણે ધાર્મિકતાનું પુનરુત્થાન થતું જોવા મળ્યું

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
નાસ્તિક ચીનમાં જાણે-અજાણે ધાર્મિકતાનું પુનરુત્થાન થતું જોવા મળ્યું 1 - image


- ચીનના ખંધા રાજકારણીઓ ધૂળમાંથી પણ કમાણી કરી શકે છે

વિશ્વના ભિન્ન ભિન્ન દેશોના પ્રવાસ સમયે એ નજરોનજર અનુભવ્યું કે ભારતીય સંસ્કૃતિ સાથે કોઈ અન્ય સંસ્કૃતિ પ્રગાઢ સંપર્ક ધરાવતી હોય તો તે ચીનની સંસ્કૃતિ છે. બંને વચ્ચેના સંબંધોનો પાંચ હજાર વર્ષનો લાંબો ઈતિહાસ પથરાયેલો છે. મહાભારતના યુદ્ધમાં ચીની સૈનિકો લડયા હતા તેવો ઉલ્લેખ હોવાનું વિદ્ધાનોએ નોંધ્યું છે, તો મધ્યકાલીન સમયમાં એનાં જુદાં જુદાં રાજ્યોમાં ભારતના તમિળ વેપારીઓ વેપાર ખેડતા હોવાની નોંધ પણ મળે છે.

આથી હુ શિહ (૧૮૯૧થી ૧૯૬૨) નામના અમેરિકાના ચીનનાં પૂર્વ રાજદૂતે એમ કહ્યું હતું કે, 'ભારતે ચીનની સરહદ પાર કરી નથી કે એના કોઈ સૈનિકો મોકલ્યા નહીં, તેમ છતાં એણે ચીનની સંસ્કૃતિ પર વીસ-વીસ સદીઓ સુધી વિજય મેળવ્યો છે.' જ્યારે 'વિઝડમ ઓફ ઈન્ડિયા' ગ્રંથમાં લી યુતાંગે તો કહ્યું છે કે, 'ચીનના ધાર્મિક અને કલ્પનાશીલ સાહિત્યનો કોઈ શિક્ષક હોય તો તે ભારત છે, જેણે વ્યાકરણ, ધ્વનિશાસ્ત્ર, પ્રાણીકથાઓ, ચેસ, ગણિતશાસ્ત્ર ઉપરાંત ચીનને તત્ત્વજ્ઞાાન આપ્યું છે.'  

એ પણ હકીકત છે કે ભારતની નાલંદા વિદ્યાપીઠ અભ્યાસ કરનારા ચીની સાધુઓનો મારી પાસે ઘણો ઉજળો ઈતિહાસ છે. ચીની ભાષામાં તૈયાર થયેલાં બૌદ્ધ ધર્મનાં શબ્દકોશમાં સંસ્કૃત ભાષાનાં પાંત્રીસ હજાર શબ્દો છે. ભારતનાં ચિત્રો અને સંગીત તેમજ વૈદક અને ખગોળવિદ્યાને ચીનમાં ઘણું મહત્ત્વ અપાતું હતું.

નાલંદામાં અભ્યાસાર્થે આવેલા ૨૯ જેટલા મુખ્યત્વે ચીન અને એકાદ કોરિયાના સાધુઓનાં કાર્યોની નોંધ મળે છે. એ સમયે પહેલાં જળમાર્ગે જાવા, સુમાત્રા, મલાકા અને આરાકાન થઈને ભારત અવાતું હતું, પરંતુ એ પછી મોટા ભાગના સાધુઓ ચીનથી પગપાળા ચાલીને નાલંદા આવ્યા હતા. એ બૌદ્ધ સાધુઓએ લખેલી કવિતા પણ મળે છે, જેમાં એમણે પોતાના દીર્ઘ પ્રવાસ સમયની અનુભૂતિ આલેખી છે... પરંતુ એ ચીનનો ચહેરો બદલાઈ ગયો.

૧૯૬૬માં ચીનની સાંસ્કૃતિક ક્રાંતિ સમયે ચીન ઈશ્વરમાં નહીં માનતું નાસ્તિક રાજ્ય બન્યું. ચીનના બૌદ્ધ સાધુઓને મોટા પ્રમાણમાં સજા ફરમાવવામાં આવી અને જે બેઈજિંગ શહેરમાં હું ઊભો હતો, ત્યાં હજારો બૌદ્ધ સાંસ્કૃતિક અવશેષો ધરાશાયી થયેલા પડયા હતા. પ્રાચીન બૌદ્ધ ગ્રંથો સળગાવી નાખવામાં આવ્યા હતા.

જોકે મારા પ્રવાસ સમયે ચીનમાં ફરી ધાર્મિકતાનું પુનરુત્થાન હું જોતો હતો.  ઘણા બૌદ્ધ ધર્મના અનુયાયીઓ નજરે પડયા. તો વળી ઘણા પોતાની સ્થાનિક માન્યતાઓ સાથે બૌદ્ધ ધર્મને અનુસરનારા હતા. આ રીતે એક અર્થમાં કહું તો પૂર્વ અને પશ્ચિમ બંને પડખોપડખ ઊભા હોય એવો વિરલ અનુભવ બેઈજિંગમાં થયો. શહેરી સંસ્કૃતિ અને ગામઠી રીતભાતના શ્વાસેશ્વાસ એકબીજા સાથે અથડાય એ રીતે બેઈજિંગના પ્રજાજનોની સાવ નજીક ઊભેલા લાગ્યા. બેઈજિંગમાં એકબાજુ આધુનિક યુગનું દર્શન થાય, તો બીજી બાજુ કેટલીય ઈમારતો પ્રાચીન ઈતિહાસની ગવાહી પૂરે. બેઈજિંગ જોઈએ એટલે જાણે આખા ય ચીનનું વાસ્તવિક ચિત્ર હાથ લાગી જાય. અહીં જૂનું શહેર અને નવું શહેર એવી કોઈ ભેદરેખા પાડવામાં આવી નથી, પરંતુ એ બંને પરસ્પર સહઅસ્તિત્વ ધરાવતા લાગે. એક બાજુ ચીનની પ્રાચીનતા અને એનો પુરાણો સંસ્કૃતિવૈભવ દ્રષ્ટિગોચર થાય તો બીજી બાજુ એની સામે જ અદ્યતન ઈમારતો અને વાહનોનાં ઢગલા જોવા મળે. 

આ સમયે બેઈજિંગના રસ્તાને પાર કરવા માટે એક વૃદ્ધ આદમી મરણિયો પ્રયાસ કરતો હતો, પરંતુ વાહનોનો અકરાતિયો પ્રવાહ એના પ્રયાસને સતત પીછેહેઠમાં ફેરવતો હતો. અંતે એ બુઝર્ગે અકળાઈને જોરથી બૂમો પાડી. એની બૂમોમાંથી બે શબ્દો તરી આવતા હતા અને એ છે 'ટ્રાફિક ફીવર.'

આજે દુનિયાનાં મહાનગરોમાં અને આપણા દેશનાં મહાનગરોમાં પણ ટ્રાફિક ફીવર સહુને પરેશાન કરે છે. એ સમયે પણ બેઈજિંગમાં રસ્તો પાર કરવા માટે ટ્રાફિક ભેદવાનો પ્રયત્ન કરનારને રીક્ષા સાથે અથડાઈ જવાનો ભય રહેતો. એ જમાનામાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં રીક્ષા અને રીક્ષા જ જોવા મળે. હકીકત પણ એ હતી કે બેઈજિંગની મજા માણવા માટે બસમાં કે અન્ડરગ્રાઉન્ડ રેલ્વેમાં પ્રવાસ કરવાને બદલે રીક્ષામાં પ્રવાસ કરવાનું નક્કી કર્યું. રીક્ષામાં તમે બેઈજિંગના માર્ગો પરથી પસાર થાવ, ત્યારે રોમાંચક સૃષ્ટિમાંથી પસાર થતા હો એવી મોજ આવે. એ પછી તો એવા આસ્ફાલ્ટના રસ્તાઓ જોવા મળ્યા કે જાણે આ મહાનગરે ગળામાં આસ્ફાલ્ટનો હાર પહેર્યો ન હોય!

અમેરિકાની માફક ચીનમાં પણ એક સમયે રસ્તાઓ પહોળા કરવાનો ફીવર ચાલ્યો હતો. પરિણામે કેટલાક રસ્તાઓ એટલા બધા વિશાળ બની ગયા કે પગે ચાલીને ઘુમનારા પદયાત્રીને એ રસ્તો ક્રોસ કરતો હોય ત્યારે જાણે ચીનની દીવાલ ઓળંગતો હોય તેવું અનુભવતો. હસતાં હસતાં આવી મજાક પણ કરતો. વળી, ક્યારેક તો એ ક્રોસ કરીને એક છેડેથી બીજે છેડે સુધી પહોંચીએ ત્યાં તો લીલી બત્તી બુઝાઈ ગઈ હોય અને લાલ બત્તી થઈ ગઈ હોય.

સમય પણ કેવો પલટાતો હોય છે! એક જમાનામાં એવો કાયદો હતો કે શહેરના કિલ્લાની દીવાલ કરતાં તમારું છાપરું ઊંચું હોવું જોઈએ નહીં. ચીની સામ્રાજ્ય વખતે આવા ફરમાનો નીકળતા હતા, પરંતુ એ પછી તો ચીનમાં બહુમાળી મકાનોનો રાફડો ફાટયો અને સમય જતાં એમાં પણ પરિવર્તન આવ્યું. એવું નહોતું કે ચીનના સામ્યવાદીઓ આવી ગગનચૂંબી ઈમારતોની વિરુદ્ધમાં હતા, પરંતુ બેઈજિંગના નિવાસીઓને અનેક માળવાળી ઊંચી ઈમારતમાં રહેવાને બદલે ઓછા માળવાળાં મજબૂત મકાનમાં રહેવું વધુ પસંદ હતું.

બેઈજિંગના એ પ્રવાસ વખતે અમદાવાદ અને બીજા મહાનગરોનું સ્મરણ થઈ આવ્યું. અમદાવાદમાં અહમદશાહે નગરની આસપાસ બનાવેલો કિલ્લો તો હવે માત્ર પ્રાચીન ઈમારત તરીકે મળે છે. નગરનો નકશો જ આખો બદલાઈ ગયો છે અને પછી તો અમદાવાદની સોસાયટીનો ચહેરો પણ પલટાયો. એક બાજુ તૂટી જઈને ધરાશાયી થઈ રી-ડેવલપમેન્ટમાં જતાં જૂનાં મકાનો અને બીજી બાજુ ગગનચૂંબી બહુમાળી ઈમારત. બેઈજિંગમાં ઠેર ઠેર મને આ દ્રશ્યો જોવા મળ્યાં. હજી એ જમીન સુધી પહોંચવાનો માર્ગ પણ ન થયો હોય, ત્યારે એ હરિયાળી જમીનને નિર્દયતાથી સિમેન્ટ અને કોંક્રીટને ખડકલાની ચાદર ઓઢાડી દેવામાં આવતી.

વળી, આ કન્સ્ટ્રક્શન સાઈટની નજીક આવેલા બ્રિજની નીચે નાની દુકાનો ઊભી થઈ જતી અને રાતોરાત નાનકડી માર્કેટમાં સૂપ અને શાકભાજીની દુકાનોનો વેપાર શરૂ થઈ જતો. બેઈજિંગના આવા બ્રિજની નીચે ખૂણામાં કોઈ વિચિત્ર જગાએ, અને છેવટે રસ્તા પર ઊભી થયેલી શેરીની નાની નાની હોટલો એ એની એક ઓળખ ગણાય. આની આસપાસ રહેતાં ચીનાઓને બિલાડીનાં ટોપની માફક ઊગી નીકળેલી હોટલો અને હાટડીઓ સામે લેશમાત્ર ફરિયાદ નહોતી. એને બદલે ઘરઆંગણે થયેલી આ સ્ટ્રીટ-કાફેની સગવડથી તેઓ ખુશહાલ હતા. ચીનના ખંધા રાજકારણીઓએ તો આમાંથી કમાણી કરવા માટે આને 'બેઈજિંગની સંસ્કૃતિનું એક અનોખું અંગ' કહ્યું. હવે તમે જ કહો કે સંસ્કૃતિના કોઈ અંગનું ઉન્મૂલન થઈ શકે ખરું?

ભારતના મહાનગરોમાં આવી કાચી અને ગેરકાયદેસર દુકાનોને 'ગેરકાયદેસર દબાણો' કહેવામાં આવે છે. આપણે ત્યાં ક્યારેક તંત્ર એકાએક સફાળું જાગીને આવાં દબાણો તોડવાનો પ્રતીકાત્મક આડંબર કરે છે. મકાન તોડાય તે પહેલાં કે એ સમયે રાજકીય દબાણો અને કાયદાની આંટીઘૂંટીઓ એટલી બધી વીંટળાઈ વળે છે કે મકાન તોડયાની સનસનાટીની શરૂઆત જ એનું સમાપન બની રહે. ભારત કરતાં ચીને આ બાબતમાં વધુ ચતુરાઈ દાખવી ગણાય. બેઈજિંગમાં આવી દુકાન કરવી હોય તો લાયસન્સ લેવું પડે, રજિસ્ટ્રેશન ઓફિસની અનુમતિ મેળવવી પડે અને પોલીસને સમજાવવા પડે.

એમ કહે છે કે બેઈજિંગની સીટી ગવર્મેન્ટ આ કાયદા-કાનૂનના પાલન પર પૂરતી દેખરેખ રાખે છે, પરંતુ એ ય માત્ર જુએ જ છે, કશું કરતી નથી. આનું કારણ એ છે કે રાજકારણીઓ આને 'વ્યક્તિની વ્યવસાયિક પ્રવૃત્તિ' તરીકે ગણાવે છે અને તેનો વિકાસ થાય તેમાં એમને રસ છે. આ બધા નિયમોનું કઈ રીતે પાલન થઈ શકે તે વિશે બેઈજિંગના રાજકારણીઓ પૂરી સમજ ધરાવે છે. બેઈજિંગમાં એમ કહેવાય છે કે તમારે રાતોરાત ધનિક થવું હોય તો તમારી પાસે માહિતી મેળવવાની ખાનગી ચેનલ હોવી જોઈએ. આ ચેનલથી તમને આ મહાનગરની જગાઓની જાણકારી મળે. રાતોરાત બધું ગોઠવાઈ જાય અને પછી એ સ્થળે પોસ્ટલ સ્ટેમ્પ, સાઈન બોર્ડ, નાની હોટલ અથવા તો પક્ષીઓનાં પાંજરાની દુકાનો ઊભી થઈ જાય. જો વધુ દુકાનો હોય તો ત્યાં ન્યૂયોર્કથી આવેલી નવી સીડીની દુકાનો, જર્મનીથી આવેલી વાળ કાપવાની કાતરોની દુકાનો ઊભી થાય. ઈન્ટરનેટ કરતાં પણ વધુ ઝડપથી આ સમાચારો ફરી વળે છે. આમાં પડેલો રાજકારણી 'મેગપીસ' કહેવાય. મેગા સીટી અર્થાત્ મહાનગર અને બેઈજિંગમાં મેગપીસનો અર્થ થાય છે ભાગ્યવાન. આવા ભાગ્યવાન બનવાની આજે હોડ ચાલે છે!

શાયરી

મર્જી હૈ ઈસ કી યે જિધર લે જાયે મોડકર,

યે વક્ત હૈ સવાર, સવારી હૈ જિંદગી.

પ્રસંગકથા

વિદેશી ચશ્માથી દેશની ઓળખ 

સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર. ઘરમાં રાજા જેવો વૈભવ, પણ એમનું ચિત્ત સંન્યાસમાં!

નાનકડો નરેન્દ્ર કોઈ વાત એમ ને એમ સ્વીકારતો નહીં. એકવાર એક મુરબ્બીએ કહ્યું, 'નાત એ સૌથી મોટી વસ્તુ છે. પોતાની નાતના હુક્કા પીવાય, બીજાની નાતનો હુક્કો ન પીવાય!'

નરેન્દ્ર કહે, 'કદાચ પિવાય તો શું થાય?'

નાતીલા કહે, 'જો પી જવાય તો મરી જઈએ.'

નરેન્દ્ર કોઈ વાતને એમને એમ માની લે એવો ન હતો. એ બીજી નાતવાળાને ત્યાં ગયો. ત્યાં હુક્કો તૈયાર પડયો હતો, બેસીને ધરાઈને પીધો.

પછી ઘેર આવ્યો. નરેન્દ્રની ઉંમર નાની એટલે એમ કે કદાચ મરી પણ જાઉં! એણે પોતાના પાળેલા મોરને રમાડી લીધો. પાળેલી બિલાડીને દૂધ પીવડાવ્યું. ગાયને ઘાસ નીર્યું. પ્રિય અશ્વને પણ રમાડી આવ્યો. માતાને પગે લાગ્યો અને 'ટૂંકા જીવતરને સફળ કરવા' માતાને મદદ કરવા લાગ્યો.

પણ મોત ન આવ્યું!

સાંજ સુધી રાહ જોઈ.

પછી એ પોતાના જ્ઞાાતિબંધુઓ પાસે ગયો અને કહ્યું, 'ભાઈ! તમે કહેતા હતા કે બીજાની નાતનો હુક્કો પીએ, તો મરી જઈએ, મેં ખરેખર પીધો અને હજુ હું ખરેખર જીવતો છું.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે સ્વામી વિવેકાનંદે ભલે નાતના હુક્કાનો રૂત્બો ખોટો ઠેરવ્યો, પરંતુ દેશનાં રાજકારણમાં હજી એવો જ નાતના હુક્કાનો રૂત્બો ચાલે છે.

વિદેશમાં ભારત વિશેની કોઈ ટિપ્પણી થાય તો વિપક્ષો કાગારોળ મચાવે છે, ભારત અંગેનો કોઈ સર્વે પ્રગટ થાય તો એને વિશે અહીં ધાંધલ મચાવે છે, વારંવાર પોતાની વાત બદલતા અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સાચા માનીને આપણા સત્યની કસોટી કરવા માગે છે.

મારે એટલું જ કહેવું છે કે, 'અમેરિકા શું કહે છે? તે મહત્ત્વનું નથી. આપણે શું કરીએ છીએ તે મહત્ત્વનું છે.' બાકી છાશવારે વિદેશીઓના નામે વિપક્ષે દેશને દુનિયામાં બદનામ કરવાની જરૂર નથી. જો પરદેશી હકીકતોનાં ચશ્માથી દેશની પરિસ્થિતિ જોવા જઈશું, તો ક્યાંક જઈને ઊંધે માથે પટકાઈશું.

Tags :