દર્દભર્યા દિલ સાથે જીવી જનાર ગુજરાતનો કલમ-કસબી
- આપણા પરિગ્રહે જ આ સઘળાં પાપ પેદા કર્યા છે!
- ફોજદારની નજર રસોઇયા પર હતી જ! ખરી પોલીસ તો પગ પરથી ચોર પારખી શકે છે. જરા એકાંતમાં લઈ જઈને એક, બે, ત્રણ અડબોથ દીધી, જેલનો ડારો દીધો. 'માની જા, માટી! નહીં તો આજ તારી વલે છે.'
- દિલોં મેં ઘર બના લેના નહીં આસાન કુછ સાહિબ,
હુનર જિસકો યે આ જાએ કભી બેઘર નહીં રહતા.
સૌરાષ્ટ્રમાં એક લેખકની આ વાત છે. બાળપણથી જ મા શારદાને ખોળે માથું મૂક્યું હતું. એમના ભાઈ રજવાડામાં નોકરી કરે, પણ આ મસ્ત આદમીને સોનાનું હોય તોયે શું, પિંજર ના ગમે!
આજ તો મા શારદાના હાથમાં ભીખની ઠીબ આપી, લક્ષ્મીવંતોના દરવાજે કે રાજદરવાજે ઊભેલા ઘણા લેખકો જોવા મળશે, પણ સાચો લેખક તો ધૂની હોય, મસ્ત હોય, એકલવાયો હોય, એકલશૂરો હોય! કાંટાળા પંથનો એ રાહી હોય!
આ લેખકે કોલકાતામાં પોતાના ચાર મિત્રો સાથે એક પ્રતિજ્ઞા લીધી, 'સંસારમાં ન પડવું, આજીવન બ્રહ્મચર્ય પાળીને મા સરસ્વતીની સાધના કરવી.'
આ પાંચ મિત્રોમાં એકનું તો વેવિશાળ પણ થઈ ગયું, પણ એણે તો આ નિર્ધાર પોતાના ઘેર લખી મોકલ્યો. એ એકાંતવાસી સાધુનું પવિત્ર જીવન જીવ્યો, પણ આપણે જેની વાત કરીએ છીએ એ લેખકે સંસાર-પ્રવેશના સર્વ સંજોગો છતાં મસ્ત રહેવાનું જ પસંદ કર્યું! અને એની એ મસ્તી અને સુશીલતા જીવનમાં અને કવનમાં ઊતરી. સૌરાષ્ટ્રના એ સમયને પત્રકારત્વમાં એની કલમે પ્રાસાદિકતા આણી. સુશીલતાની સૌરભ પ્રગટાવી. અંતરના અમૃતકૂંપા ભાષાની થોર પર પડીને એનેય માધુર્ય અર્પી રહ્યા.
પણ અહીં તેમના જીવનની દાસ્તાન કહેવા બેઠા નથી. એક નાનો-શો, કોઈ અંધારી ટેકરી પર ટમટમતા ઝાંખા દીવા જેવો પ્રસંગ કહેવા માગીએ છીએ! તોફાની વાયરા એવા વાય છે કે ક્યારે બુઝાઈ જશે તે કંઈ કહેવાય તેમ નથી. તે પહેલાં અમે એ રાહદર્શક દીપ સામે આંગળી ચીંધી દેવા માગીએ છીએ. કદાચ, કોઈવાર કોઈ ભૂલ્યું ભટક્યું નાવ એનો સહારો પામે.
એ લેખક પાસે એક ઘડિયાળ. એ વખતે ઘડિયાળનો બહુ પ્રચાર નહીં. ઘડિયાળ ઘણું સુંદર. એની સાંકળ પણ સુંદર.
લેખકને ત્યાં એક રસોઈયો! જરા લહેરી! રસોઈયો રોજ ઘડિયાળ જોઈ રહે, એનાં વખાણ કરે! કોઈ વાર પ્રસંગ મળે તો હાથમાં લઈને જુએ! કાંટાને ફરતા જોઈ આશ્ચર્ય અનુભવે અને કહે, 'ભાઈ! આ અજબ ઘાટ તો જુઓ. ઘંટીના સો અને ઘંટાનો એક. મજૂર જેવો મિનિટ કાંટો આખું કુંડાળું ફરે ત્યારે આ મોટા સાહેબ જેવો કલાક કાંટો એક ખાનું જ ફરે.'
એક વખતની વાત છે. લેખક ઘડિયાળ મૂકીને બહાર ફરવા ગયેલા. આવ્યા ત્યારે જુએ તો ઘડિયાળ નહીં! ઘડિયાળ વિના ઘડીભર ન ચાલે એવો સ્વભાવ. ઘડિયાળ સુંદર પણ એવું કે જાય તો દિલ કપાઈ જાય!
એમણે તપાસ શરૂ કરી. નોકરને પૂછયું. નોકર કહે, 'સાહેબ! મને ખબર નથી.' રસોઈયાને પૂછયું તો એ તો સામે ઠપકો આપવા આવ્યો, 'સાહેબ! આવાં ઘડિયાળ જ્યાં ત્યાં મૂકાતાં હશે! તમે ભુલકણા છો, સાહેબ! ક્યાંક ભૂલી ગયા હશો!'
અને પછીની શોધ રસોઇયાએ ઉપાડી લીધી. એ આડોશીપાડોશીનાં છોકરાંને ધમકાવવા માંડયો. નોકરની ખબર લેવા માંડયો. લેખક તો પોતે શાંત હતા. સામે બારણે એક ફોજદાર રહે. એમની સાથે ગાઢ સંબંધ. ફોજદારને રસોઇયાએ વાત કરેલી. એટલે ફોજદારે સામે પગલે આવીને લેખકને કહ્યું, 'શી માથાકૂટમાં છો?'
'કંઈ નથી, કંઈ નથી, તમે રહ્યા પોલીસ!' લેખકે અડધું અડધું કહ્યું.
'તે પોલીસનો તમને કાં ડર લાગે? પોલીસ તમને થાણા પર ધક્કા ખવડાવી થકવી નહીં નાખે. તમારા માણસોને હેરાન નહીં કરે અને વળી હું છુંને!' ફોજદારે કહ્યું.
'ના, ના, મારે એ વાત તમને સોંપવી નથી. તમે મારા નોકરો પર શક લાવો. એને પકડો, એને બાંધો, એને મારો...' લેખકના દિલમાં દયાનું ઝરણ વહેતું હતું. જાણે એ દિલ કહેતું હતું, આપણા પરિગ્રહે જ આ પાપ પેદા કર્યા છે!
'સાહેબ! તમે ભણેલા થઈને આવું કહેશો કે? ચોરને ન મારીએ તો શું સલામ કરીએ?' ફોજદારે પ્રશ્ન કર્યો. એને થયું કે ભણેલા વેદિયા હોય છે.
'પણ આ બધા ચોર ક્યાં છે? આ તો સ્વાભાવિક વૃત્તિથી દોરાનારાં માણસો છે,' લેખકે કહ્યું.
'સ્વાભાવિક એટલે કેવી?' ફોજદારને વાતમાં કંઈક નવું લાગ્યું.
'કેવી એટલે એવી કે કોઈનું સારું મકાન જોઈ, એવું મકાન મેળવવાનું આપણને મન થાય છેને! આપણે કેળવણી લીધી છે મનને કેળવ્યું છે. એ પ્રકારનું સારું મકાન મેળવવા શું કરવું જોઈએ, એનો પ્રશસ્ત માર્ગ આપણે જાણીએ છીએ. આ બિચારા નાનપણથી પેટનો રોટલો રળવાની ઝંઝટમાં કેળવણી મેળવી શક્યા નથી. કદાચ લોભાઈ જઈને ચોરવૃત્તિનો આશરો લીધો હોય ને લેવાની ભૂલ કરી પણ હોય.'
ફોજદાર આ ફિલસુફી સાંભળી રહ્યા. લેખક વળી વિચાર આવતાં પોતાની ઓફિસે તપાસ કરવા ચાલ્યા. ડાબા હાથે મુકાઈ ગયેલી વસ્તુ ઘણી વાર સાંભરતી નથી!
આ તરફ સ્નેહીજનોને સમાચાર મળતાં તેઓ ખબર પૂછવા આવ્યા. લેખકો તો ઘેર નહોતા, પણ સામે ફોજદાર હતા. બધાએ તેઓને કહ્યું, 'ફોજદાર સાહેબ! એ તો ગમે તે કહે, પણ આપની ફરજ શી છે? આપના બેઠાં સામે બારણે ચોરી થાય એ ઠીક નહીં!'
'હું તો બે ઘડીમાં ચોર પકડી દઉં, પણ પછી...' ફોજદારે કહ્યું.
'પછી અમારે માથે. વસ્તુ મળશે એટલે કોઈ કંઈ બોલશે નહીં. આ ધૂની લોકો છે. એમને ગયું પણ ન પોસાય. આવ્યું પણ ન પોસાય,' સ્નેહીજનોએ વ્યવહારૂ વાત કહી.
ને ફોજદારે રસોઇયા, નોકરને બોલાવ્યા! એમની નજર રસોઇયા પર હતી જ! ખરી પોલીસ તો પગ પરથી ચોર પારખી શકે છે. જરા એકાંતમાં લઈ જઈને એક, બે, ત્રણ અડબોથ દીધી, જેલનો ડારો દીધો. 'માની જા, માટી! નહીં તો આજ તારી વલે છે.'
ચોરના પગ માટીના હોય છે. રસોઇયો કરગરી પડયો. બોલ્યો, 'સાહેબ! મેં લીધી છે.'
'જા, જ્યાં મૂકી હોય ત્યાંથી લઈ આવ!'
રસોઈઓ, તરત ઘડિયાળ લેવા ઉપડયો. આ દરમિયાન પેલા લેખક ઓફિસમાં તપાસ કરી ખાલી હાથે ઘેર આવ્યા. ઘરમાં જઈને જુએ છે, તો સગડી એમ ને એમ બળે છે! કણક બાંધેલી પડી છે. દાળ-ભાતનાં તપેલાં ઉતાયાંર્ જ નથી, ને નથી રસોઇયો! નથી નોકર!
લેખકનાં દિલમાં ધ્રાસકો પડયો. નક્કી! ફોજદારે રસોઇયા-નોકરને પકડયા ને માર્યા હશે. અરે બિચારા! તેઓ એમ વિચારતા હશે કે કેવાને ત્યાં નોકરીએ રહ્યા તે માર પડયો! માથે બદનામી આવી!
ચોર અને શાહુકાર વચ્ચે ફેર શો? શાહુકાર પાસે વસ્તુ લેવાની હિકમત છે. ચોર પાસે વસ્તુ ઝૂટવવાની હિંમત છે. હિંમત કરતાં હિકમત ફાવે છે. હિંમતવાળા ચોકીદારી કે સિપાઈગીરી કરે છે. હિકમતવાળો શેઠાઈ કરે છે.
લેખક હાંફળાફાંફળા ફોજદારને ઘેર પહોંચ્યા. ફોજદાર હાથમાં ઘડિયાળ લઈને બેઠા હતા. રસોઇઓ બાજુમાં ઉભો હતો.
'લો ઘડિયાળ! આ જ ને!' ફોજદારે ઘડિયાળ બતાવ્યું.
'ક્યાંથી મળ્યું?' લેખકે અતુલ જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો.
'તમારા રસોઇયા પાસેથી. માણસને ઓળખતાં શીખો.'
'તમે એને માર્યો તો નથી ને?'
'લાતો કે ભૂત બાતોં સે નહીં માનતે. ચૌદમા રતન વગર કદી ચોરી ન પકડાય. ફોજદારે પોતાનો વર્ષોનો અનુભવ કહ્યો. એમના અવાજમાં સ્વાભાવિકતા હતી, પણ લેખકની રાડ ફાટી ગઈ.
'અરે ફોજદાર સાહેબ! તમે તમારી આંખે જોયું? જરાક મારી નજરે તો જોવું હતુંને! નાહક ગરીબને માર માર્યો. મારે એવા ઘડિયાળને શું કરવું છે! અરે, હજી કોઈ જમ્યા નહીં હોય. ચાલો, બધા સાથે જમીએ.'
લેખકે ઘડિયાળ હાથમાં ન લીધું. ફોજદારને પણ સાથે જમવા લીધા. જમતાં જમતાં એક જ વાત કરી, 'ફોજદાર સાહેબ! તમે બિચારાને નાહક માર્યો.'
પાસે બેસીને એણે રસોઇયાને જમાડયો. એને તો ડર હતો કે હમણાં મને તગડી મૂકશે, પણ એને નવો અનુભવ થયો. ભોજન કરાવીને ફોજદાર પાસેથી ઘડિયાળ લીધું અને રસોઈયાને હેતભાવથી પૂછયું,
'આ તને પસંદ છે, કેમ?'
રસોઇયો શું જવાબ આપે? એની આંખોમાં ભય હતો. ન જાણે શું થશે. એની બીક હતી. 'ભાઈ! આપણી પસંદગીની દરેક ચીજ આપણને મળતી નથી. એને માટે પરિશ્રમ જોઈએ પ્રમાણિક પરિશ્રમ જોઈએ.'
ને લેખકે આગળ વધીને રસોઇયાને ઘડિયાળ આપી દીધું. રસોઇયા માટે ઘડિયાળને હાથ અડાડવો કાળા નાગને હાથ અડાડવા કરતાં ભયંકર હતો... પણ લેખકનો આગ્રહ અણનમ હતો. ફોજદાર આશ્ચર્ય સાથે આ ધૂની માણસને જોઈ રહ્યાં. આખરે રસોઇયાના ખિસ્સામાં એ ઘડિયાળ રહ્યું. ને રસોઇયાની નોકરી પણ રહી. માણસ કરતાં માણસના અંતરની વૃત્તિની પરીક્ષા એનું નામ જ વિદ્વત્તા.
આ નાનો પ્રસંગ માનવીની મહત્તાનો પણ ઘોતક છે. આ લેખકનું નામ શ્રી સુશીલ! એમણે માર્મિક ધર્મકથાઓ લખી. એ સાથે જીવનમાં ધર્મને પાળી બતાવ્યો. સાહિત્ય અને પત્રકારત્વનાં ક્ષેત્રે ચાલીસ વર્ષ સુધી કાર્ય કર્યું. એમણે પાંત્રીસ જેટલાં પુસ્તકોમાં ઇતિહાસ, ચરિત્ર, કરૂણાસભર કથાઓ, ધર્મકથાઓ અને અનુવાદો કર્યા. એક ઉત્તમ સંશોધન તરીકે કાર્ય કરનારા સુશીલ જેવા સર્જકોને સમાજ જલ્દી ભૂલી જાય છે. જે સમાજ પોતાના ઉત્તમ વૈભવને વિસરી જાય છે, તે જલ્દીથી રાંક બની જાય છે.
પ્રસંગકથા
રાજકારણમાં વળી કોણ મિત્ર ને કોણ શત્રુ?
વિખ્યાત અંગ્રેજ નાટયકાર બર્નાર્ડ શૉએ લખેલું નાટક તખ્તા પણ રજૂ થવાનું હતું. નાટકનો પહેલો શો હતો એટલે નાટયલેખક બર્નાર્ડ શૉને થયું કે લાવને! દેશના વડાપ્રધાન મિ. ચર્ચિલને નિમંત્રણ આપું.
બર્નાર્ડ શૉ એમની વિનોદીવૃત્તિ માટે સર્વત્ર જાણીતા હતા. એમણે વિસ્ટન ચર્ચિલને નિમંત્રણ મોકલ્યું. એમાં લખ્યુંઃ
'આપને હું મારા નાટકના પ્રથમ શો માટે નિમંત્રણ પાઠવું છું. આપ જરૂર આવશો, સાથે આપના કોઈ મિત્ર હોય તો પણ જરૂરથી સાથે લાવશો.'
વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલને નિમંત્રણ મળ્યું, પણ તેઓ બર્નાર્ર્ડ શૉનું એક વાક્ય સમજી શક્યા નહીં. બર્નાર્ર્ડ શૉએ શા માટે 'મિત્ર હોય તો' એમ લખ્યું હશે?
વિન્સ્ટન ચર્ચિલે નિમંત્રણ બદલ આભાર માનતો ઉત્તર લખ્યો અને સાથોસાથે પૂછયું પણ ખરું કે 'મિત્ર હોય તો' એવું તમે શા માટે લખ્યું છે?
બર્નાર્ડ શૉએ જવાબ વાળ્યો, 'આપ રાજકારણી છો અને રાજકારણી કોઈને મિત્ર માનતા નથી, આથી 'હોય તો' એમ લખ્યું હતું.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે ચૂંટણીનો માહોલ જામતા દેશના રાજકારણમાં હવે કોણ કોનો મિત્ર બનશે એનો તાગ મેળવવો મુશ્કેલ છે. એક સમયના વિરોધી એવા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પાકા દોસ્ત બની ગયા. એક સમયે ભાજપનો સાથ છોડયા પછી બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે 'આર.એસ.એસ. મુક્ત ભારત'નો સંકલ્પ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે, 'મિટ્ટી મેં મિલ જાયેંગે પર ભાજપ મેં વાપસ નહીં જાયેંગે.'
પ્રજાને ભરમાવનારી આવી રાજકીય પ્રતિજ્ઞા કર્યા પછી એમણે બે વાર ભાજપ સાથે ગઠબંધન કર્યું. બે વર્ષ પહેલાં ભાજપે પણ કહ્યું કે 'નીતિશકુમારને માટે ભાજપનાં દરવાજા હંમેશને માટે બંધ છે.' હવે વળી પાછા નીતિશકુમારે ભાજપ સાથે જોડાણ સાધ્યું અને એની સાથોસાથ એ સમયે ભોળી પ્રજાને ભરમાવવા માટે એવું વચન આપ્યું છે કે 'હવે જીવનના અંત સુધી હું ભાજપ સાથે જ રહીશ.'
ભારતીય રાજકારણમાં પક્ષપલટો કરીને નીતિશકુમારે આઠ વખત મુખ્યપ્રધાનની ખુરશી જાળવી છે અને એ રીતે એમણે વર્ષો પહેલાં બર્નાર્ર્ડ શૉએ કહેલી વાતને સાચી ઠેરવી છે.