For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દુનિયામાં ચમત્કાર રૂપે આવ્યો અને ચમત્કાર રૂપે વિદાય પામ્યો!

Updated: Dec 29th, 2022


- મેથ્યુનું શિલ્પ વિકલાંગતા સાથે ઝઝૂમતા લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયું !

- અંધેરા હો કિ ઉજાલા હો,

બસ, યૂં જીના તો હોગા.

જહરાખે-ગમે-જિંદગી,

હમેં પીના તો હોંગા.

અમેરિકાના સોલ્ટ લેક સીટીના કબ્રસ્તાનમાં આવેલું મેથ્યુ સ્ટેનફોર્ડનું મેમોરિયલ માત્ર મૃત્યુલેખ બનવાને બદલે અનેક માનવીઓને માટે પ્રેરણાસ્થાન બની રહ્યું છે. સોલ્ટ લેક સીટીમાં રહેતા અર્નેસ્ટ અને એનીક રોબિન્સનના ઘરે મેથ્યુ સ્ટેનફોર્ડનો જન્મ થયો. પુત્રજન્મનો આનંદ થોડી ક્ષણોમાં જ ઘોર વિષાદમાં ફેરવાઈ ગયો. બન્યું એવું કે જન્મ સમયે ઓક્સિજનના અભાવને કારણે મેથ્યુ દષ્ટિહીન બની ગયો અને એથીયે વધુ દુઃખના ડુંગરા તો ત્યારે ખડા થયા ક ે એ જન્મથી જ અંશતઃ લકવાગ્રસ્ત હતો.

આવી વિકલાંગ પરિસ્થિતિનો આઘાત હજી માતા-પિતા જીરવે, તે પહેલા તો ડૉક્ટરે કહ્યું કે, 'આ બાળક માત્ર થોડા કલાકોનું જ મહેમાન છે.' માતા-પિતા ભાંગી પડયાં, પણ મેથ્યુ જાણે જીવનજંગનો લડવૈયો હોય તેમ મુશ્કેલીઓ અને દુઃખો સામે ઝઝૂમીને આશા ભરેલુ જીવન જીવતો રહ્યો. એ માત્ર થોડાં જ શબ્દો બોલી શક્તો, પરંતુ એના એ શબ્દોમાં કોઈ નિરાશા નહોતી, વેદના કે, હતાશા નહોતી. બલ્કે એના પરિવાર અને આસપાસના સહુ કોઈને એનું ઝઝૂમતું જીવન પ્રેરણા આપતું હતું. એના પરિવારે ભારે પ્રેમથી એનું લાલનપાલન કર્યું. મેથ્યુનું જીવન લંબાયું, તેથી એનાં માતા-પિતાનો ઈશ્વર પરનો વિશ્વાસ વધ્યો. બાળકની ખૂબ પ્રેમભરી સંભાળ લેવા લાગ્યા અને આ મેથ્યુ એના થોડાક કાલાઘેલા શબ્દોથી પરિવારની પ્રેરણા બની રહ્યો.

ડૉક્ટરોએ તો જન્મ સમયે આગાહી કરી હતી કે એ માત્ર થોડા કલાકો જ આ પૃથ્વી પર શ્વાસ લેશે, પરંતુ એનું જીવન લંબાતુ ગયું. એના પિતા એને પ્રેમ આપીને કાળજીથી ઉછેર કરવા લાગ્યાં. મેથ્યુની માતા અને એના પાંચેય ભાઈ-બહેનો પરિસ્થિતિનો પડકાર ઝીલતા મેથ્યુને સતત સ્નેહ આપતા રહ્યા. આખોય પરિવાર ગ્રાન્ડ કેન્યન અને વોશિંગ્ટન ડી.સી.ના પ્રવાસે ગયો. આ પ્રવાસમાં મેથ્યુ એમની સાથે હતો અને એ સદા હસતો જ રહેતો. એના પિતા રોબિન્સન મેથ્યુની એ સમયની જિંદગી વિશે કહે છેઃ

'એ માત્ર લોકોને અસીમ પ્રેમ કરતો હતો. લોકો એની આસપાસ હોય, ત્યારે એ સતત હસતો રહેતો. એ વાત કરી શકતો નહોતો અથવા તો પોતાની જાતને એક જગાએથી બીજી જગાએ ખસેડી શકતો નહોતો, તેમ છતાં સહુએ જોયું કે એને પરિવારની વચ્ચે કે લોકોની સાથે રહેવું ખૂબ ગમતું હતું.' મેથ્યુને શાળામાં દાખલ કર્યો અને એ પછી મેથ્યુના ગોઠિયાઓ અવારનવાર એના માતા-પિતાને મળવા આવતા અને ત્યારે હોંશે હોંશે હસતા મેથ્યુની વાત કરતા. અન્ય વિકલાંગ બાળકો ધરાવતા પરિવારને માટે મેથ્યુ અને એનો પરિવાર પ્રેરણારૂપ બની રહ્યો.

જે બાળક જન્મ પછી થોડા જ કલાક જીવવાનો હતો એ મેથ્યુ ત્રણ હજાર આઠસોને ચાર દિવસ જીવ્યો, પણ એનું આ જીવન એ એના પરિવારને માટે અને સહુ કોઈને માટે પ્રેરણારૂપ બન્યું. એના અગિયારમાં જન્મદિવસ પહેલાં જ ઊંઘમાં એનું અવસાન થયું. એના અંતિમ સંસ્કાર સમયે અનેક લોકો એકત્રિત થયાં. મેથ્યુના સહપાઠીઓ પણ આવ્યા. જેણે આખી જિંદગી વ્હીલચેરમાં લકવાગ્રસ્ત પરિસ્થિતિમાં વિતાવી હતી એને સહુએ વિદાય આપી. 

એના પિતાએ પુત્રને માટે લેક સીટીના કબ્રસ્તાનમાં એક મેમોરિયલ બનાવવાનું વિચાર્યું. સામાન્ય રીતે આ મેમોરિયલ પર વ્યક્તિનું પૂરું નામ અને એના જન્મ અને અવસાનની તારીખ હોય, પરંતુ એના પિતા માત્ર મેમોરિયલ ઊભું કરવાને બદલે પુત્રના જીવનની 'મેમરી' ભવિષ્યને માટે પ્રેરણાદાયી બની રહે એવું વિચારતા હતા. 'કેવું મેમોરિયલ બનાવવું' એના વિચારમાં અર્નેસ્ટ રોબિન્સન ડૂબી ગયા. તેઓ પોતે ઓઈલ પેઈન્ટિંગ કરતા હતા, પરંતુ આ મેમોરિયલ બનાવવા માટે એમણે પોતાના શિલ્પકાર ભાઈની મદદ લીધી.ચ્ટેચ્યુ માટેનું મોલ્ડ બનાવતા એમને ઘણો સમય લાગ્યો. એને કાંસામાં ઢાળીને અંતે કેટલાય મહિનાઓની જહેમત બાદ એમણે આ સ્ટેચ્યુ તૈયાર કર્યું.

પિતા અર્નેસ્ટે નક્કી કર્યું કે એની કબરનો પથ્થર સુંદર અને અનન્ય હોવો જોઈએ. જે મેથ્યુના ખમીરને યોગ્ય રીતે દર્શાવે અને દુઃખને બદલે આશાનો સંકેત આપે. અર્નેસ્ટની આ કલ્પના મુજબ ઈ.સ. ૨૦૦૦માં કાંસાનું એક સ્ટેચ્યુ મેથ્યુની કબર પર ખુલ્લું મૂકવામાં આવ્યું. એમણે એક એવું સ્ટેચ્યુ બનાવ્યું કે જેની લોકો પર શું અસર થશે એનો તાગ મેળવવા માગતા હતા. જેમ જેમ એ માટીના શિલ્પને કાંસાની ફાઉન્ડ્રીમાં કાયમી ફિક્સ્ચરમાં નાખવામાં આવ્યું અને પછી એમાંથી જ્યારે મેથ્યુની આકૃતિને બોક્સમાંથી બહાર કાઢવામાં આવી, ત્યારે ફાઉન્ડ્રીના તમામ કામદારો શાંત બનીને ઊભા રહ્યા અને જ્યારે એ કાંસાનું શિલ્પ બહાર નીકળ્યું, ત્યારે એક શક્તિશાળી છબીના ઉત્સાહનો સહુએ અનુભવ થયો.

કેવું છે આ મેમોરિયલ? એમાં મેથ્યુ વ્હીલચેરમાં એક પગ પર ઊભો રહ્યો છે. એનો ચહેરો અને ડાબો હાથ આકાશ તરફ છે અને એવું લાગે કે આ કબરની ટોચ પરથી મેથ્યુ એની વ્હીલચેર પર ઊભો રહીને જાણે આકાશ સુધી પહોંચતો ન હોય! જાણે એને બંધનોમાંથી મુક્ત બનીને આકાશ આંબવાનો પ્રયત્ન કરતો ન હોય!

આ સ્ટેચ્યુ જોઈને એની માતા એનીકે કહ્યું, 'મેથ્યુ અહીં એવી ચેષ્ટા કરે છે કે જે જીવતો હતો, ત્યારે ક્યારેય કરી શક્યો નહોતો. એનો જમણો હાથ વળેલો છે એ એની પંગુતા બતાવે છે. આ કલાત્મક સ્ટેચ્યુ એક ચોરસ બ્લોક પર ઊભું છે, જે મેથ્યુના ટૂંકા આયુષ્યનો સંકેત આપે છે. જાણે મેથ્યુ પૃથ્વીના બોજામાંથી મુક્ત થયો ન હોય તેવું દર્શાવવામાં આવે છે. આ દ્વારા અમે મેથ્યુ જેવા અન્ય બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માગતા હતા.'

પિતા અર્નેસ્ટની પુત્રનું વિલક્ષણ મેમોરિયલ બનાવવાની ઈચ્છા અંતે સફળ થઈ અને આ કબ્રસ્તાનની રખેવાળી કરતા વેન ઓટેએ કહ્યું કે, 'ખાસ કરીને આ મેમોરિયલ બાળકોને ખૂબ ગમે છે. તેઓ એ જુએ છે કે વ્હીલચેરમાંથી ઊભા થઈને બહાર જવા ઈચ્છતો આ બાળક અત્યંત ખુશ દેખાય છે. તેમને એવું લાગે છે કે જાણે મેથ્યુ એમને મુશ્કેલીઓ વચ્ચે મોજમાં રહેવાનો સંદેશ આપી રહ્યો છે.' જ્યારે કબ્રસ્તાનની મુલાકાત લેનારા કેટલાય લોકો કહે છે કે, 'પહેલી જ નજરે આવી અનુભૂતિ કરાવતું હ્ય્દયસ્પર્શી સ્ટેચ્યુ મેં ક્યારેય જોયું નથી. એ જોઈને અમારી આંખો ભરાઈ જાય છે.'

અને આજે મેથ્યુનું આ સ્ટેચ્યુ લોકોને માટે શોક, દુઃખ કે ઉદાસીનતાને બદલે ખુશી, પ્રેરણા અને આનંદનું સ્થળ બની ગયું છે. વિશ્વભરમાંથી લોકો એ જોવા માટે આવે છે અને એ જ બતાવે છે કે આ મેમોરિયલ લોકહ્ય્દયને કેટલું બધુ સ્પર્શી ગયું છે! સ્ટેચ્યુનો પથ્થર ઉદાસી, શોક કે દુઃખને બદલે આશા, ઉમંગ અને ઉત્સાહ બતાવે છે. જ્યારે મેથ્યુના પરિવારજનો પણ એ વાતનો સ્વીકાર કરે છે કે મેથ્યુ એક સંપૂર્ણ વ્યક્તિ હતો. તેણે જીવનમાં કશુંય ખોટું કર્યું નહોતું. એ ખૂબ બીમાર હતો અને પુષ્કળ સમસ્યાઓથી ઘેરાયેલો હતો તેમ છતાં એણે ક્યારેય ધીરજ ગુમાવી નહોતી અને એણે ક્યારેક કોઈ ફરિયાદ કરી નહોતી, એ ખરેખર પ્રેમાળ અને વિશિષ્ટ બાળક હતો. એ બધા માટે આનંદ અને પ્રેરણારૂપ હતો. આત્માની સર્વોચ્ચ દિવ્યતાનું એક વસિયતનામું અને સંપૂર્ણતાનું મૂર્ત સ્વરૂપ હતો. એ આત્માની ઈશ્વરભક્તિની સહુને પ્રેરણા આપે છે અને આ દુનિયામાં એક ચમત્કાર રૂપે આવ્યો અને આ દુનિયાને ચમત્કાર રૂપે છોડી દીધી.

પુત્રનું મેમોરિયલ થયા પછી માતા-પિતાએ ઈ.સ. ૨૦૦૦માં એબિલિટી ફાઉન્ડ નામની લોકકલ્યાણકારી સંસ્થા સ્થાપી. આ સંસ્થા વિકલાંગ લોકોને સહાયક સાધનો આપે છે, જે એમને અન્યથા મળી શકતા ન હોય. એવી જ રીતે આ સંસ્થા દ્વારા સેરેબ્રલ પાલ્સી, સ્પાઈના બિફિડા, સ્ટ્રોક, કેન્સર, કરોડરજ્જુની ઈજાઓ અને મલ્ટીપલ સ્કલેરોસિસ જેવી પરિસ્થિતિઓ ધરાવતા ઓછા નસીબદાર લોકોને મદદ કરે છે. અન્ય લોકોને આ રીતે મદદ કરવાથી અર્નેસ્ટ અને એનીકે તેમના જીવનમાં મેથ્યુએ કરેલા અતુલ્ય યોગદાનનું સન્માન કરી શકે છે. મેથ્યુ કેટલો અદ્દભુત વારસો છોડી દીધો છે તેનો ખ્યાલ આવે છે. મેથ્યુના પિતા અને એબિલિટી ફાઉન્ડના પ્રમુખ અર્નેસ્ટ રોબિન્સને કહે છે કે 'એનો મોટાભાગનો સમય ખુરશી સુધી મર્યાદિત હતો તેવા મારો પુત્રનું સ્ટેચ્યુ દુઃખને બદલે સુખનું સ્થાન બની ગયું છે.'

આમ આજે સાડા દસ વર્ષનું જીવન પામેલા મેથ્યુની સમાધિ વિકલાંગતા સામે ઝઝૂમી રહેલા લોકોને માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.

પ્રસંગકથા

અનુપમ સેવાયજ્ઞા અને આદર્શ મેનેજમેન્ટ!

સંસ્કૃતના પ્રખર વિદ્ધાન પ્રો. ભણસાળીનો વિચાર મહાત્મા ગાંધીજીના આશ્રમમાં રહીને આશ્રમવાસીઓને સંસ્કૃત ભાષા શીખવવા માગતા હતા અને આશ્રમના એકાંતમાં રહીને પોતાની જ્ઞાનસાધના વધારવા ચાહતા હતા. તેઓ મહાત્મા ગાંધીજીને મળવા આશ્રમમાં આવ્યા, ત્યારે ચોગાનમાં આવેલા એક કૂવા પર એક વ્યક્તિ પાણી ખેંચતી હતી અને એ પાણી ફૂલ-ઝાડને સીંચતી હતી.

સંસ્કૃતના અધ્યાપક એક ટૂંકી પોતડી પહેરેલા આશ્રમવાસી સજ્જન પાસે જઈને પૂછ્યું, 'એક જરૂરી કામસર મારે મહાત્મા ગાંધીને મળવું છે અને એમની સાથે વાતચીત કરવી છે, તો તેઓ ક્યાં મળશે?'

પેલી વ્યક્તિએ પૂછ્યું, 'આપ એમને કઈ બાબત માટે મળવા માગો છો?'

અધ્યાપક અકળાયા. એમણે કહ્યું, 'મારું કામ અત્યંત મહત્ત્વનું છે, પણ તમારા જેવા તે સમજી શકશો નહીં. સંસ્કૃતના અધ્યયન-અધ્યાપન સંબંધી મારે એમની સાથે વાર્તાલાપ કરવો છે.'

પેલી વ્યક્તિએ કહ્યું, 'તમારે ગાંધીજીને મળવું હોય તો મારી સાથે ચાલો. તમને ત્યાં ગાંધીજીનો ભેટો થશે.' અધ્યાપક એમની સાથે આગળ ગયા, તો પેલો માણસ એમને ઘડીભર થોભવાનું કહીને પાણી ભરવાનું વાસણ માંજવા લાગ્યો.

અધ્યાપકથી આ ગુસ્તાખી સહન થઈ નહીં. આથી અકળાઈને પ્રો. ભણસાળીએ કહ્યું, 'અરે ભાઈ ! જલદી કરોને ! મારે મહાત્માજીને મળવું છે. એમાં અતિ વિલંબ થાય છે. મારા જેવા વિદ્વાન પ્રોફેસરની પ્રત્યેક પળ કીંમતી હોય છે, સમજ્યા?'

વાસણ માંજતી વ્યક્તિ અધ્યાપકની અધીરાઈ પારખી ગઈ અને બોલી, 'બોલો, ત્યારે ગાંધીજીને મળવું છે ને! હું પોતે જ ગાંધી છું. કહો, તમારે શી વાત કહેવાની છે.'

અધ્યાપક તો પારાવાર આશ્ચર્યમાં ડૂબી ગયા. એ વિચારમાં પડી ગયા કે આવો મહાન પુરુષ જાતે કૂવા પરથી પાણી સીંચીને ઝાડવાંને પાણી પાય અને પછી એ પાણીના વાસણને જાતે માંજે!

આ વાત અમને એટલા માટે યાદ આવી કે સેવાનો આવો ઉત્કૃષ્ટ આદર્શ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દી મહોત્સવમાં જોવા મળ્યો. જ્યાં ડૉક્ટરો સફાઈકામ કરે, અધ્યાપકો વ્યવસ્થા સંભાળે. મોટા બિલ્ડર એક સામાન્ય મજૂરની જેમ માલ-સામાન ઉંચકતા હતા અને ધનિકો કચરો વીણવાનું કામ કરતા હતા.

સેવાના આ આદર્શમાં વધુ એક બાબત એ જોવા મળી કે માત્ર કુટુંબની એક વ્યક્તિ સેવા કરતી નથી, બલ્કે આખુંય કુટુંબ અહીં જુદા જુદા પ્રકારની સેવામાં ડૂબેલું હોય છે.

એંસી હજાર જેટલાં સ્વયંસેવકો માન, અભિમાન, સન્માન, પદ કે પ્રતિષ્ઠા બધું ભૂલીને પોતાને સોંપાયેલું નાનામાં નાનું કામ નિષ્ઠા અને સૌજન્યથી કરે છે.

આવો પ્રચંડ સેવાયજ્ઞા અને આવું અદ્દભુત મેનેજમેન્ટ આપણા ધાર્મિક ઉત્સવોનાં આયોજનમાં એક આદર્શ બની રહે તેમ છે.

Gujarat