તત્કાળ પ્રતિક્રિયા આપવાની આદત પારાવાર પરેશાની ઊભી કરે છે

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
તત્કાળ પ્રતિક્રિયા આપવાની આદત પારાવાર પરેશાની ઊભી કરે છે 1 - image


- સોશિયલ મીડિયા એ ગુસ્સો ઠાલવવાનું સાધન કે દૂષિત વૃત્તિથી ડંખ મારવાનું માધ્યમ

- ગુર્જીએફ

- ગુર્જીએફે મનમાં ગુસ્સો ચઢે ત્યારે ચોવીસ કલાક બાદ ઉત્તર આપવાનું કહ્યું છે. ક્યારેક જેમ સમય જાય છે તેમ તેમ ગુસ્સાની તીવ્રતા ઓછી થાય છે અને ઘણી વાર તો શરૂઆતનો આક્રોશ સાચી સમજ મળતાં આદરમાં પણ પલટાઈ જાય છે

- નદી કલ રો રહી થી બાદલોં કી ફિક્ર મેં ઐસે,

સમુન્દર કે કિનારે બેવજહ સહરા હમને દેખા.

જમાનો આવ્યો છે તત્કાળ પ્રતિક્રિયાનો. હજી બોલવાનું માંડ પૂરું થાય કે તત્ક્ષણ રોકડો જવાબ મળી જાય. એક સારી કે ખરાબ ઘટના બની અને તરત જ એને વિશે વાત. મોટાભાગની વ્યક્તિઓ તો જાણે વોટ્સઅપ કે ઈમેલ પર ઉત્તર આપવા ટાંપીને બેઠા હોય તેમ લાગે!

ઘટના વિશે થોડી શાંતિથી ઊંડો વિચાર કરવાને બદલે તત્કાળ પ્રતિક્રિયા આપવાની આદત પડી જાય છે. આમ 'એક્શન' અને 'રિએક્શન'નો દોર સતત ચાલ્યા કરે છે. ભીંત પર દડો ફેંકો અને એ દડો તરત જ તમારી સામે આવે, એ રીતે સામસામી દલીલો ઉછળતી રહે છે. વિચારક ગુર્જીએફે એના પુત્રને આખરી ક્ષણે સલાહ આપતા કહ્યું હતું કે, 'કોઈ ઘટના બને અને મનમાં ગુસ્સો કે ઉશ્કેરાટ થાય, તો ચોવીસ કલાક પછી એનો પ્રતિભાવ આપવો.'

આજે ગુર્જીએફની સલાહથી સાવ ઉલટી ગંગા વહે છે. માણસનું મન સતત સંજોગો અને ઘટનાઓથી ઘેરાયેલું અને ઉશ્કેરાયેલું રહે છે. એ ઘટના અંગત જીવનની હોય, કોઈ અન્યની હોય કે પછી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય હોય, પણ એ તરત જ એનો પ્રતિભાવ આપે છે. કેટલાકને માટે તો સોશિયલ મીડિયા એ પોતાનો ગુસ્સો ઠાલવવાનું માધ્યમ છે, અથવા તો પોતાની દૂષિત દ્વેષવૃત્તિનો કે દોઢ ડહાપણનો અન્યને ડંખ મારવાનું સર્પ જેવું સાધન છે.

આ રીતે આજના મોટાભાગના માનવીઓને બિનજરૂરી વણમાગી પ્રતિક્રિયા આપવાની ભારે બૂરી આદત વળગેલી હોય છે. જેની સાથે પોતાને સ્નાન-સૂતકને સંબંધ પણ ન હોય એવી બાબતો અંગે પણ એ સતત પ્રતિક્રિયા આપતો રહે છે. આમ અહીં બેઠા બેઠા અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ તરીકેના વિજયની કેટલી શક્યતા છે? યુદ્ધ થાય તો ચીન ભારત પર કેવાં શસ્ત્રોથી હુમલો કરશે? કે પછી ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશો ભારત સામે વિફરશે તો શું થશે? એનો વરતારો કરનારા ઓછા લોકો નથી. પોતાની નજીકના સ્વજનના વર્તન પર તરત જ પ્રતિક્રિયા જાહેર કરવાની ઘણાને ટેવ હોય છે. એમાં પણ સોશિયલ મીડિયાના જમાનામાં તો માગી હોય કે ન માગી હોય, પણ પ્રતિક્રિયા આપવી એને વ્યક્તિ પોતાની આગવી કાબેલિયત સમજતી હોય છે. વળી એને માત્ર પ્રતિક્રિયા આપવામાં રસ છે, પરિસ્થિતિને સુધારવામાં નહીં. તત્કાળ પ્રતિક્રિયા આપવાથી વ્યક્તિને આમે ય સમગ્ર પરિસ્થિતિનો તાગ મળતો નથી.

'બોલે તેનાં બોર વેચાય' એવા માર્કેટિંગના જમાનામાં વધુ ને વધુ બોલવું તે વિશેષતા ગણાય છે. કેટલાક તો સામેની વ્યક્તિ પોતાનું મંતવ્ય સ્વીકારે છે કે એનો અસ્વીકાર કરે છે એ જોયા વિના જ બોલે જતા હોય છે અને પછી ઘણું લાંબું બોલ્યા પછી થાકી જાય, ત્યારે મનોમન અહંકારમાં પાપડ શેકતી હોય છે કે હું કેવો મારા વિચારોથી છવાઈ ગયો! કેટલીક વ્યક્તિઓને કોઈ પણ વાત હોય તેમાં અધવચ્ચે જ પ્રતિક્રિયાનો 'હાઈજમ્પ' લગાવતી હોય છે. આને પરિણામે સામાજિક વ્યવહારોમાં સપાટી પરના વ્યવહારો વધી ગયા અને ગંભીર કે વૈચારિક આદાન-પ્રદાન સાવ ઘટી ગયા છે.

વ્યક્તિ પોતાના જીવનમાં બનતી ઘટના સમયે પણ તત્કાળ પ્રતિક્રિયા આપવા આતુર બની જતી હોય છે. દૂર દૂરથી ઉડતી એવી કોઈ વાત આવે કે અમુક વ્યક્તિને તમારી નિંદા કરી છે, તો પછી એ મનોમન એના પર એને વિશેની ટીકાનું આક્રમણ કરવા તૈયાર થઈ જાય છે. કોઈ અશિષ્ટતા આચરે તો તરત જ આપણે એને જડબાતોડ જવાબ આપવા જીભ ઉગામીએ છીએ. આથી જ ગુર્જીએફે મનમાં ગુસ્સો ચઢે ત્યારે ચોવીસ કલાક બાદ ઉત્તર આપવાનું કહ્યું છે. ક્યારેક જેમ સમય જાય છે તેમ તેમ ગુસ્સાની તીવ્રતા ઓછી થાય છે અને ઘણી વાર તો શરૂઆતનો આક્રોશ સાચી સમજ મળતાં આદરમાં પણ પલટાઈ જાય છે.

એન્ડ્રુ કાર્નેગીએ એક રેડિયો વાર્તાલાપમાં અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકનના જીવન વિશે એક ખોટી તારીખ આપી બેઠા. રેડિયો વાર્તાલાપ સાંભળતી એક મહિલાએ એન્ડ્રુ કાર્નેગી પર પત્ર દ્વારા ટીકાઓનો મુશળધાર વરસાદ વરસાવ્યો. ટીકા હંમેશાં પુનરાવર્તનમાં માને છે અને ટીકાનું જેટલું પુનરાવર્તન થાય, તેટલી ટીકા કરનારને મજા આવતી હોય છે! પેલી મહિલાએ લખ્યું કે લિંકન જેવી મહાન વ્યક્તિ વિશે વક્તવ્ય આપતી વખતે તારીખ જેવી સામાન્ય બાબતમાં પણ તમે કાળજી લઈ શક્યા નથી. સહેજ આગળ વધીને લખ્યું કે તમારે અને ચીવટ કે ચોકસાઈને બારમો ચંદ્રમા લાગે છે. અને છેલ્લે એણે ફેંસલો આપતી હોય તેમ કહ્યું કે જો આવી નજીવી બાબતમાં પણ તમે ભૂલ કરી બેસતા હોય, તો હવે મહેરબાની કરીને ગપ્પાબાજીભર્યા વાર્તાલાપો આપવાનું બંધ કરશો.

એક નાનકડી ભૂલ બદલ આટલો પ્રચંડ ઠપકો. કાર્નેગી મનોમન સળગી ઊઠયા. એમણે એક નાની ભૂલને આટલું મોટું સ્વરૂપ આપવા માટે એ મહિલાનો ઊધડો લેવાનું નક્કી કર્યું. શિષ્ટતા અને સુરુચિ કોને કહેવાય એ વિશે લાંબું સંભાષણ લખ્યું. કાર્નેગી પત્ર બીડીને પોસ્ટ કરવાનો વિચાર કરતા હતા, ત્યાં કોઈ અગત્યનું કામ આવી જતાં પત્ર પોસ્ટ કરવાનો રહી ગયો.

બીજે દિવસે પત્ર મોકલવાનો વિચાર કરતા હતા, ત્યારે મનમાં થયું કે ગુસ્સામાં જરા વધુ પડતું લખી નાખ્યું છે, કિંતુ એ મહિલાની વાત તો સાચી છે તો પછી મારે એની આવી સખત ટીકા કરવાની જરૂર નથી. આથી અગાઉનો પત્ર ફાડી નાખીને નવેસરથી પત્ર લખવા બેઠા. હજી ગુસ્સો ઓગળ્યો નહોતો એટલે કઠોર ભાષામાં થોડાં ઠપકાનાં વચનો તો લખ્યાં જ.

ફરી કાગળ મોકલવાનો વિચાર કરતાં એમ થયું કે એ મહિલા શિષ્ટ લખાણ ન લખે તે સમજી શકાય, પરંતુ પોતે આવી અશિષ્ટ ભાષા પ્રયોજે તે બરાબર ન કહેવાય. આથી એ કાગળ ફાડી નાખ્યો અને નવેસરથી લખવા બેઠા. આ રીતે પત્રલેખનની સાથોસાથ પત્ર-નાશ કરવાનું કામ ચાલતું રહ્યું. આખરે સાતમી વખત એણે પત્ર લખ્યો. એ પત્રમાં આ મહિલાનો આવી ક્ષતિ તરફ ધ્યાન દોરવા માટે આભાર માન્યો અને સાથોસાથ અવકાશે પોતાના ત્યાં આવવાનું નિમંત્રણ આપ્યું. થોડા દિવસ પછી એ મહિલા એન્ડ્રુ કાર્નેગીના ઘેર મહેમાન બનીને રહેવા આવી. બંનેએ એકબીજાને આદર આપ્યો અને એમની વચ્ચે પરસ્પર લાગણીભર્યો સંબંધ બંધાયો.

આ ઘટના સૂચવે છે કે પ્રતિક્રિયા આપવામાં વ્યક્તિ ઉતાવળ કરવાને બદલે જરા ઠંડા દિમાગથી વિચારે તો એ સામેની વ્યક્તિ સાથે વાદવિવાદ, બોલાચાલી કે કટુતામાં ઊતરવાને બદલે એને સાચી રીતે સમજાવી શકે છે. એ પોતાના ચિત્તને વ્યગ્ર, વ્યથિત કે ક્રોધાયમાન રાખવાને બદલે એ ઘટનાના મૂળમાં જઈને વિચાર કરવા લાગે છે. કદાચ આથી જ ગાલિબે એના 'દીવાન'માં લખ્યું છે-

રોક લો ગર ગલત ચલે કોઈ

બખ્શ દો, ગર ખતા કરે કોઈ

'જો કોઈ ખોટા રસ્તે જતું હોય તો એને અટકાવો, જો કોઈ અપરાધ કરે તો એને ક્ષમા આપો.' ગાલિબની આ બે પંક્તિઓમાં જીવનના અનુભવોનું કેવું ઊંડાણ પ્રતીત થાય છે.'

જરા રોબર્ટ બ્રાઉનિંગ પણ યાદ આવી જાય. એમણે કહ્યું, Good to forgive; best to forget. 

ક્ષમા કરવી સારી છે અને ભૂલી જવું સર્વોત્તમ છે. જીવનમાં જેમ યાદ રાખવું જરૂરી છે, એમ ભૂલવું પણ આવશ્યક છે. પણ જીવનની ભુલભુલામણીમાં જે ભૂલવા જેવી ઘટના કે બાબત હોય છે તેને વ્યક્તિ વધુ યાદ રાખતી હોય છે અને જે યાદ રાખવા જેવી વાત હોય છે, તેને ભૂલી જાય છે! કવિ રોબર્ટ બ્રાઉનિંગ એક ડગલું વધુ આગળ ગયા છે અને એમણે ભૂલના ્સ્મરણ સાથે થતી ક્ષમાને બદલે સમય જતાં એ ભૂલના વિસ્મરણની વાત કરી છે. જો વ્યક્તિ એનું વિસ્મરણ કરે તો ભૂલનું વિસ્મરણ કરનાર વ્યક્તિ વિશેષ મહાન છે, કારણ કે આ વિસ્મરણ જ વ્યક્તિના ચિત્તમાં થયેલી આખીય પ્રક્રિયાને ભૂંસી નાખશે.

પ્રસંગકથા

બળાત્કારના તાંડવથી ઘેરાયેલો દેશ...

આ પ્રસંગ છે મુઠી ઊંચેરા મહામાનવ સર પ્રભાશંકર પટ્ટણીની.

એક વાર શિયાળાની રાત્રે મુકુંદરાય પારાશર્ય અને બીજા બે-ત્રણ મિત્રો રમૂજ સાંભળીને ખૂબ હસતા હતા. જ્યોર્જ બર્નાર્ડ શૉની જાણીતી રમૂજને કારણે બધા ખડખડાટ હસતા હતા. તેમાં વિખ્યાત નાટયકાર જ્યોર્જ બર્નાર્ડ શૉને એક યુવતીની મુલાકાત થઈ અને એ યુવતીએ એમની સમક્ષ પરણવાની દરખાસ્ત મૂકી તે વાત હતી.

ત્યારે શૉએ વળતો સવાલ કર્યો, 'શા માટે ?'

યુવતીએ કહ્યું, 'તમારા જેવો બુદ્ધિશાળી અને મારા જેવું સુંદર બાળક આપણને થાય.' આ સાંભળી જ્યોર્જ બર્નાર્ડ શૉએ કહ્યું, 'એથી ઉલટું થાય તો? તારા જેવું ગમાર અને મારા જેવું કદરૂપું બાળક થાય તો શું કરવું?'

આ જોક સાંભળીને સહુ ખુશ થતા હતા, ત્યારે પ્રભાશંકર પટ્ટણીએ કહ્યું કે, 'આ મજાક આપણને ગમે છે, કારણ કે આપણે આપણી જાતને બર્નાર્ડ શૉની જગાએ માનીએ છીએ, પણ મારું ધ્યાન બીજી બાજુ જાય છે. સ્ત્રીનું માનસિક અને શારીરિક બંધારણ માતા થવા માટેનું છે. આ જવાબ સાંભળીને હસીએ તો એમાં આપણી માણસ તરીકે પાત્રતા કેટલી ? એ જવાબ સાંભળીને એ સ્ત્રીને શું થયું હશે તેનો વિચાર કરો!'

શૉએ 'બાળક તારા જેવું મૂરખ થાય તો શું કરવું?' એમ કહીને એક સ્ત્રી પર બુદ્ધિહીનતાનો આક્ષેપ કરી એનું અપમાન કર્યું. એ સ્ત્રી જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને આ જવાબ યાદ આવે અને એને એની વેદના થાય ત્યારે શું થાય!

પોતાની વાતને અંતે સર પ્રભાશંકર પટ્ટણીએ કહ્યું, 'પોતાના અહંકારમાં આપણે સામાને કેટલો બધો આઘાત પહોંચાડીએ છીએ અને સ્ત્રીનું કેવું અપમાન કરીએ છીએ. આપણા ગ્રંથોએ તો સામી વ્યક્તિનો ખ્યાલ પહેલાં રાખીને બોલવાનું, વિચારવાનું અને વર્તમાનું કહ્યું છે.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે સર પ્રભાશંકર પટ્ટણીએ નારી સન્માનની સૂક્ષ્મ વાત કરી, પરંતુ આજે દેશની આ સંસ્કૃતિનાં મૂળિયાં ઉખડી ગયાં છે. નારી પ્રત્યેના આદરની વાત તો બાજુએ રહી, પરંતુ ચોતરફ બળાત્કારો થઈ રહ્યા છે. નાની બાળકી પર પણ આવો જુલમ ગુજારવામાં આવે છે. માણસ હેવાનિયતની કક્ષાએ પહોંચ્યો છે. એમાં હદ તો ત્યારે થઈ છે કે આજે મોબાઈલ પર જોઈ શકાતાં અશ્લીલ દ્રશ્યો અને લખાણોથી સેક્સની વિકૃત પરાકાષ્ઠા આવી છે.

બળાત્કારીઓને ફાંસી દેવાની વાત ચાલે છે, પણ સાથોસાથ આ દેશમાં નારી પ્રત્યેની દ્રષ્ટિમાં પરિવર્તન લાવવાની જરૂર છે. નારી સશક્તિકરણની ઘણી વાતો થઈ, હવે પુરુષોમાં નારી સન્માનના વિચારોનું સશક્તિકરણ કરવાની જરૂર છે.


Google NewsGoogle News