- તમે સોનાની લંકામાં રહો છો ને તમારી મા તો બકરી બાંધવાની ઓરડીમાં રહે છે
- મિલ જાતા હૈ દો પલ કા સુકૂન,
મુઝે યે બંદ આંખો કી બંદગી મેં,
વરના યૂં થોડા થોડા પરેશાં તો,
હર શખ્સ હૈ અપની જિંદગી મેં.
'ઔરત મેં સબસે અચ્છી મા !'
'બહન કુછ ઠીક ઠીક !'
'લુગાઈ સે તો દિલ લગાના હી નહીં !'
પચીસ વર્ષના નગર-નિવાસ પછી જમાલ પોતાના વતનમાં પાછા ફરવાના વિચારમાં હતો અને મહાનગરની નમણી નારીઓ તરફ એક છૂપો તિરસ્કાર એ ખીચડિયા હિંદીમાં પ્રગટ કરી રહ્યો હતો.
આ કાઠિયાવાડી જવાન કામણગારો કંઠ અને ઘાટીલું બદન લઈને મુંબઈના કિનારે ઊતર્યો, ત્યારે એને બધે સોનું સોનું ભાસતું હતું !
સાગરના જેવી મહત્ત્વાકાંક્ષા એના દિલમાં જાગતી હતી, અને વીજળીના જેવો ઝળહળાટ એના દિમાગમાં હતો. જેનાં દિલ-દિમાગ તંદુરસ્ત એને શહે૨માં કામ મેળવતાં કેટલી વાર ?
જમાલ સહેલાઈથી સિનેમાની મોહમયી દુનિયા તરફ ખેંચાઈ ગયો. નાનપણથી ગાવાનો રસ, નાચવાની મોજ અને કૂદમકૂદા કરવાની પ્રવૃત્તિ ! થોડો દાદાગીરીમાં પણ માનનારો ખરો !
એને એક સ્ટુડિયોમાં રોજના પાંચસો રૂપિયા લેખે કામ મળી ગયું. પણ જમાલનો કમાલ તો થોડા દિવસોમાં જ દેખાઈ ગયો. કોઈ કામ ક૨વાની ના નહીં, કોઈ વેશ લેવાનો ઇનકાર નહિ. નાયિકાનાં બૂટ ઉપાડે, અભિનેતાને તમાકુનાં પાન લાવી દે, દરવાજે ચોકીદારી પણ કરે ! જમાલ 'ઓલરાઉન્ડર' તરીકે વખણાઈ ગયો.
ઘણી અભિનેત્રીઓમાં અંદરોઅંદર નિરર્થક દુશ્મનાવટ ચાલતી રહેતી. કેટલાક દાદાઓ તેમને આડરસ્તે મળતા, પૈસા કઢાવવા હેરાન કરતા. જમાલ એ વખતે સાથ આપતો, સહારો બની રહેતો : બે વાર તો જાનને જોખમમાં પણ મૂકીને સામનો કર્યો હતો. જમાલની આ કમાલે એક અભિનેત્રી એને મહોબ્બત કરી બેઠી. બંને જણા સાગરકાંઠે બેસી કોઈ ફિલ્મના હીરો અને હીરોઇન બનવાના કોડ સેવતાં. રાધાકૃષ્ણ અને લયલા-મજનૂના પાત્રમાં પોતાને જોતાં.
એક વાર આ અભિનેત્રી પર સ્ટુડિયોના શ્રીમંત સંચાલકે નજર કરી. એ નજ૨ને જમાલે ચૂંટી લીધી. પરિણામે જમાલને સ્ટુડિયોમાંથી રજા મળી, પણ એને માટે એકના બદલે અનેક સ્થાનો હાજર હતાં ! એ બીજા સ્ટુડિયોમાં જોડાયો. એણે પોતાની માશૂકાને કહેવરાવ્યું કે તારી જગ્યા કરું છું. ખબર આપું એટલે ચાલી આવજે.
ઠીક ઠીક લાગવગ પછી એ અભિનેત્રીને માટે સ્થાન થયું. જમાલે તાબડતોબ આવી જવા કહેણ મોકલ્યું, પણ ન જાણે કેમ પેલી અભિનેત્રી આવી જ નહીં. જમાલ રાહ જોતો રહ્યો !
એક દિવસ એક ભપકાદાર મોટ૨માં પેલા શ્રીમંત સંચાલકની બાજુમાં પોતાની માશૂકાને બેઠેલી નીરખીને જમાલનું દિલ તૂટી ગયું.
ઓહ ! લુગાઈ (સ્ત્રી !) !
જમાલને ચક્કર આવ્યા, એક મોટર નીચે કચડાતો રહી ગયો, પણ તોય બેએક મહિના દવાખાનામાં રહેવું પડયું ! દવાખાનામાં મોટ૨વાળો, વીમાવાળો ને ડોક્ટર સિવાય કોઈ એની ખબર લેવા આવ્યું નહિ ! જમાલ જીવનની પાછલી વાતો યાદ કરી રહ્યો. ઓહ, ચંદનની જેમ એણે કાયા ઘસી હતી અને જેમને માટે ઘસી હતી એમાંનું એક પણ અહીં ન મળે !
અહીં એક નીલા નામની ભવની દુખિયારી નર્સ હતી. પતિએ ઠોકર મારેલી. જમાલ એનાથી દિલ લગાવી બેઠો, પણ પાસે પૈસા નહિ. એણે કાઠિયાવાડના એક ગામડામાં બેઠેલી લંગડી માને કાગળ લખ્યો : 'રૂપિયા દસ હજાર મોકલજે !'
વિધવા મા પાસે દસ હજાર રૂપિયા ક્યાંથી હોય ? પણ થોડે દિવસે ઘર જેવા સંગાથે દસ હજાર રૂપિયા આવી ગયા. જમાલના પગમાં જોર આવ્યું. એણે નીલાને સુખી કરવા કોશિશ કરવા માંડી. સાજા થઈને દવાખાનામાં જ નોકરી લીધી. દવાખાનામાં પણ જમાલે કમાલ કરી. દરદીઓમાં જમાલ જમાલ થઈ રહ્યો. કમાણી પણ ઠીક ઠીક થવા લાગી. નીલા સાથે એ આનંદથી રહેવા લાગ્યો. પણ પૈસા એના પગ કરી જવા લાગ્યા.
નમણી નર્સ રોજ આવીને રોદણાં રડે. પાંચ હજાર આપો તો મારો પતિ ચૂપ રહે, નહિ તો કોર્ટમાં જવાની વાત કરે છે ! આમ દસ-બાર વાર પાંચ-પાંચ હજાર એ લઈ ગઈ. જમાલને ફરી તંગી સતાવવા લાગી.
મુંબઈમાં એની એક બહેન રહેતી હતી. હતી તો દૂરની, પણ સ્નેહ સારો રાખતી. જમાલ પોતાની દુનિયાથી કંટાળતો ત્યારે બહેનને ત્યાં જતો. બે દિવસ રોકાતો. થોડી ૨કમનો ઉછીનાનો વ્યવહાર પણ રાખેલો. પણ જમાલનો હવેનો વ્યવહાર એકતરફી હતો. લઈ જતો, દેવા માટે એની પાસે કંઈ બચતું નહિ. જમાલ લેણદાર થઈ ગયો. પોતાના બનેવીને એ મોઢું બતાવી શકતો નહિ, પણ એક વાર એની પ્રિયતમાએ ઉપાડો લીધો. પચાસ હજાર રૂપિયા લાવો, નહિ તો તમારે વગર ભાડાની કોટડીમાં જેલમાં જવું પડશે. હું પરણેલી છું, તમારી સાથે હરીફરી શકું નહિ.
જમાલ નિરુપાયે બહેન પાસે ગયો. ખૂબ લાચારી કરી પચાસ હજાર રૂપિયા લઈ આવ્યો, અને એણે નીલાને કહ્યું, ''છૂટાછેડા લઈ લે. આપણે પછી પરણી જઈએ.''
નક્કી થયું. તારીખ નક્કી થઈ. છૂટાછેડા મળી ગયાનો કાગળ આવ્યો, ને એક દિવસ જમાલ વરલાડો બનીને ગયો, તો આખું વાદળ પોલું નીકળ્યું ! નર્સ નીલા પરણેલી જ નહોતી પછી છૂટાછેડા કેવા અને લગ્ન કેવાં ? આ તો ફરેબી જાળ હતી ! જમાલ દાદાગીરી બતાવવા ગયો, તો ચારપાંચ માણસોએ કપડાં ધૂએ એમ એને ધોઈ નાખ્યો !
ફરી દવાખાનું ! ફરી માને પત્ર ! ફરી માએ દસ હજાર રૂપિયા મોકલ્યા. સાથે કહેવરાવ્યું કે બેટા ! મા કરતાં મુંબઈ સારી નથી. એક વાર મોઢું દેખાડી જા ! જમાલને ખરેખર મા યાદ આવી રહી હતી, પણ શું આ મુફલિસ હાલતમાં મા પાસે ૨જૂ થવું !
ના, ના; લુગાઈ માત્રનો ચહેરો જોયા વગર હું કામ કરીશ; દુનિયામાં મહોબ્બત ધોખાબાજી છે. હું માત્ર પૈસા કમાઈશ.
જમાલ સાજો થયો ત્યારે ફરી એક ફિલ્મ-સંચાલકને આંગણે જઈ ઊભો રહ્યો. એણે કહ્યું : ''કામ આપો.''
કામ તો મળ્યું, પણ કસ ન મળ્યો. જમાલે ઠેકાણાં બદલવા માંડયાં. સારી સારી ભૂમિકાઓ કરવા માંડી. કંઠનાં કામણ રેલાવવા માંડયાં, પણ કોઈ અભિનેત્રી એની સાથે કામ કરવા તૈયાર થાય નહિ ! એને જમાલ સાથે કામ ક૨વામાં નીચાજોણું લાગે.
જમાલને પૈસા એકઠા કરવા હતા અને પૈસા માટે ગમે તે તપ કરવા એ તૈયાર હતો. એના ઘરની પાસે એક છોકરી રહેતી હતી. એનાં માબાપ સરકારી કચેરીમાં કામ કરતાં હતાં. છોકરી દેખાવડી હતી. જમાલે એને નૃત્યશાળામાં મૂકી. ઉર્દૂ જબાનમાં તૈયાર કરી. એનું નામ શીલા રાખ્યું !
હવે કોઈ બાપકમાઈવાળાની શોધમાં જમાલ નીકળ્યો. કોકનો કૂવો ને પોતાને તરસ છિપાવવી એ આ અનુદાર યુગમાં અશક્ય હતું. પોતેજ સ્ટુડિયો ખડો કરવો, પોતે વાર્તા તૈયા૨ ક૨વી. પોતે હીરો, શીલા હીરોઇન. ફક્ત પૈસા રોકનાર જોઈએ !
એવો એક શેઠ પણ મળી ગયો. સ્ટુડિયો તૈયાર થયો. વાર્તા વંચાઈ. આફરીન પોકારાઈ. સંવાદો લખાયા. કમાલ લખાયા હતા. છબીકા૨ે હિરોઈન તરીકે શીલાના બે પોઝ લીધા ! ખૂબ આકર્ષક ! લોકો કોઈ હિરોઈનના નવા ચહેરા ને નવી અદા જોવા ઇંતેજાર હતા ! વાતાવરણ સભર હતું, ત્યાં શેઠના મગજમાં શેતાન પેઠો. હીરોઇન નવી ચાલે, હીરો કોઈ જાણીતો અભિનેતા જોઈએ ! નહિ તો બીજા પૈસા લાવી શકાય નહિ.
જમાલના હૃદયમાં આ વાતે ઘા કર્યો. એણે કહ્યું : ''ઓહ ! મારી રચેલી દુનિયા અને હું જ બાકાત !''
''જમાલ ! સહુના ભલા માટે આ...''
''પણ મેં મારી ભલાઈ માટે તો આ બધી મહેનત કરી. શૂન્યમાંથી સૃષ્ટિ રચી. હું નહિ તો શીલા નહિ.''
''શીલા ! શીલા ! શીલા !'' શીલા દોડતી-કૂદતી આવી. નોટોનો થોકડો તેના આંચળમાં ફેંકતાં સંચાલકે કહ્યું : ''શીલા ! જમાલ કામ નહિ કરે, તું કરીશ ?''
શીલાએ જવાબ ન આપ્યો, પણ એનું ડોકું ડોલ્યું, એણે હા પાડી. જમાલ પાગલ થઈ ગયો.
બીજે દિવસે છરી લઈ શીલાના રાહમાં ખડો થઈ ગયો, પણ એ છરી ચલાવે, એ પહેલાં કેટલીય છડીઓ ને લાકડીઓ એના પર પડી ગઈ !
ફરી જમાલ દવાખાનામાં ! ફરી માને પત્ર ! ફરી રૂપિયાની માગણી !
જમાલ સાજો થયો, બહેનને મળવા ગયો, તો દરવાજે એને રોકવામાં આવ્યો, ધુત્કારીને પાછો કાઢવામાં આવ્યો. જમાલ એ દિવસે ખૂબ પરેશાન થઈ ગયો. ભાડાના ઘરનું રાચરચીલું પાડોશીઓમાં વહેંચી દીધું ને રાતે ગાડીમાં બેસી ગયો !
આખી રાત પાટિયા પર જાગતો પડયો રહ્યો ને મનમાં બબડતો રહ્યો.
''ઔરત મેં સબસે અચ્છી મા !''
''ઔરત મેં બેન કુછ ઠીક ઠીક !''
''લુગાઈ સે તો દિલ લગાના હી નહીં.''
કાઠિયાવાડના એક નાના સ્ટેશને એ ઊતર્યો ત્યારે ટપ્પાવાળા જમાલભાઈને હોંકારો કરી રહ્યા : આવો ! આવો !
રસ્તામાં વાતમાં વાત નીકળતાં ટપ્પાવાળાએ કહ્યું : ''જમાલભાઈ ! કહે છે કે તમે સોનાની લંકામાં રહો છો, ને અહીં તમારી મા મકાન, ઠામઠીકરાં વેચે છે !'' જમાલ કંઈ ન બોલ્યો. થોડે દૂર મકાન રહ્યું ત્યારે ઊતરીને દોડયો, પણ મા ત્યાં નહોતી. એ ઘર વેચાઈ ગયું હતું.
જમાલે બાળકની જેમ બૂમ પાડી : ''મા !''
કોઈએ કહ્યું, ''તારી મા ગફુરમિયાંની બકરી બાંધવાની ઓરડીમાં રહે છે, ત્યાં જા !''
જમાલ દોડયો. મા-દીકરો ભેટયાં ! એ દ્રશ્ય પથ્થરને પિગળાવે તેવું હતું. ઘણી વાર સુધી બેમાંથી એક પણ વાત કરી શક્યું નહિ !
દીકરાએ માના દેહને જોયો ! સાવ બુઝુર્ગ ! માએ દીકરાને પંપાળ્યો. એ ધીરેથી બોલી :
''બેટા ! મા મોટી કે મુંબઈ ?''
જમાલ બોલ્યો : ''મા !''
જમાલ થોડે દિવસે સ્વસ્થ થયો. એક જૂનું હાર્મોનિયમ શોધી લાવ્યો. સારા પ્રસંગે ઘેર ઘેર ગાવા જવા લાગ્યો. જલસાઓમાં હાજરી આપવા લાગ્યો. જમાલ કદી ન માગે કે મને આટલું આટલું આપો. પાંચસો આપે તો લે અને કશું ન આપે, તો ચાલે !
પ્રસંગકથા
ગુલાબના શરબત સાથે ત્રણ ગરમાગરમ ચા !
મહેશ એક દુકાને ગયો અને એણે સરસ મજાની ચમકતી પ્લાસ્ટિકની સરસ આઇટમ જોઈ. આંગળી ચીંધીને દુકાનદારને પૂછયું, 'અરે ભાઈ, આ શું છે ? જિંદગીમાં પહેલીવાર આવી આઇટમ જોઉં છું.'
દુકાનદારે કહ્યું, 'અરે, આ તો થર્મોસ છે.'
મહેશે આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું, 'થર્મોસ એટલે શું ? એનો ઉપયોગ શું ?'
દુકાનદારે કહ્યું, 'સાહેબ, આમાં તમે ગરમ ચીજ નાખો તો હંમેશા ગરમ રહે છે અને ઠંડી ચીજ નાખો તો ઠંડી રહે છે.'
મહેશે થર્મોસ ખરીદી લીધું અને ઓફિસમાં જઈને સહુને બતાવીને વટ પાડવાનો વિચાર કર્યો. ઓફિસમાં જઈને ટેબલ ૫૨ થર્મોસ મૂકીને બોલ્યો, 'જુઓ, આ એક અદ્ભુત ચીજ છે. તમે ક્યારેય જોઈ છે ખરી ?'
કોઈએ થર્મોસ જોયું નહોતું, આથી બધાએ જિજ્ઞાાસાવશ મહેશને પૂછયું, 'ના, આવી કોઈ વસ્તુ અમે જોઈ નથી. આ શું સાધન છે ? એનાથી શું થાય ?'
'અરે દોસ્ત, આમાં કોઈ ઠંડી વસ્તુ નાખી હોય તો ઠંડી રહે અને ગરમ વસ્તુ નાખી હોય તો ગરમ રહે.'
બધા આશ્ચર્ય પામ્યા અને પૂછયું, 'આમાં તમે શું ભર્યું છે.'
'ગુલાબનું ઠંડુ શરબત અને ત્રણ કપ ગરમાગરમ ચા.'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે મહેશની જેમ થર્મોસમાં ગુલાબનું શરબત અને ત્રણ કપ ગરમાગરમ ચા એક સાથે નાખવાનું કામ અમેરિકા કરી રહ્યું છે. એક તરફ ભારતને મિત્ર તરીકે સંબોધે છે તો બીજી બાજુ ભારતને નર્ક કહીને લેપટોપવાળા ગુંડાઓ અમેરિકાને લૂંટી રહ્યા છે એમ કહે છે. એક તરફ વડાપ્રધાન મોદી પ્રત્યે આદર વ્યક્ત કરે છે, તો બીજી બાજુ વિઝાનાં નિયમોમાં પરિવર્તન કરીને ભારતના પ્રોફેશનલ્સને અમેરિકામાંથી કાઢી મુકવા માગે છે. અમેરિકા બેવડી ચાલ ખેલી રહ્યું છે. બાકી એનો હેતુ તો ભારતને બદનામ કરવાનો અને અમેરિકામાંથી ભારતીયોને હાંકી કાઢવાનો છે.


