માનવતાની ચીસ અને ફૂટબોલની 'કીક'
- મેં સ્વયં મારી જાતને સતત શ્રેષ્ઠ બનવા પ્રેરણા આપી છે
- ક્રિસ્ટિયાનો રોનાલ્ડા
- મેરે જીવન કી હર ઇક સાંસ કો મહકા ગયા કોઇ,
કિ ખુશ્બૂ બન કે મેરી જિંદગી પર છા ગયા કોઇ.
- પંદર વર્ષની ઉંમરે રોનાલ્ડોને હૃદયની બિમારી હોવાનું નિદાન થયું. એને સર્જરી કરવી પડે તેમ હતી, પરંતુ થોડા જ સમયમાં એણે પોતાના સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ કરી. આથી બિમાર બાળકોની સારવાર માટે રોનાલ્ડો જીવનભર તત્પર રહ્યો છે.
અનરાધાર ધનવર્ષા થતી હોય, એવે સમયે કોઈને માત્ર ધનસંચયનો વિચાર આવે છે, જે પોતાની સંપત્તિના ચરુ પર સાપ થઈને ફેણ માંડીને એને જાળવવા માટે ઉજાગરા કરે. કોઈ પોતાની સંપત્તિ અંગત મોજ-વિલાસમાં પ્રયોજે છે અને કોઈ તો ભવ્ય સમારંભો કે લગ્નનાં આયોજનો કરીને પોતાની સંપત્તિનું વરવું પ્રદર્શન કરતા હોય છે. લગ્ન, લગ્ન પૂર્વે અને લગ્ન પછી એમ ત્રણ-ત્રણ પ્રકારના ઠઠારાઓથી પોતાની ધનની અમીરાઈ પ્રગટ કરે છે, પણ એમાં દિલની અમીરાઈ પ્રગટ થતી નથી.
આજે અઢળક ધનસંપત્તિ ધરાવતા ધનકુબેરની નામાવલિમાં જેનું નામ બોલાય છે એવા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વાત કરવી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એ પોર્ટુુગલનો ફોરવર્ડના સ્થાન પર રમતો જગતનો અદ્ભૂત અને ઉત્કૃષ્ટ ફૂટબોલર છે. એ ફૂટબોલની એક કિકથી ગોલ કરે, ત્યારે અગણિત પ્રેક્ષકો એની કામયાબી પર વારી જતા હોય છે. સાઉદી અમેરિકાની અલ નાસર ક્લબ તરફથી અને પોર્ટુગલ નેશનલ ટીમ તરફથી એ સુકાની પદે ખેલે છે. સર્વોચ્ચ ફૂટબોલરોને મળતાં પાંચ-પાંચ બેલોન ડી-ઓર એવોર્ડ મેળવ્યા છે અને જગતનાં તમામ સમયના મહાન ફૂટબોલરોમાંએ આગવું સ્થાન ધરાવે છે. એના નામે વિશ્વવિક્રમોની વણઝાર છે.
વિશ્વમાં સૌથી વધુ દર્શકો ધરાવતી અને સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી વળેલી કોઈ લોકપ્રિય રમત હોય તો તે ફૂટબોલની રમત છે અને એ રમતનાં શ્રેષ્ઠ ખેલાડીઓને ખેલવા માટે કરોડો રૂપિયાના કરાર થતા હોય છે. મારે રોનાલ્ડોને કેટલા કરોડના ખર્ચે કોઈ ટીમે પોતાના તરફથી ખેલવા માટે કરાર કર્યા છે, તેની વાત કરવી નથી, પરંતુ એ રોનાલ્ડો ફૂટબોલનાં સુપરસ્ટારની સાથોસાથ એના લોકકલ્યાણનાં કાર્યોથી સખાવતી સુપરસ્ટાર સાબિત થયો છે.
અત્યંત ગરીબ કુટુંબમાં જન્મેલાં રોનાલ્ડોની માતા ડોલોરેસ એવેરો ચોથા બાળકને ઉછેરી શકશે નહીં, એમ લાગતા ગર્ભપાત કરવાનો વિચાર કર્યો હતો. એને માટે ઘેર કેટલાંક ઓસડિયાં પર અજમાવ્યાં હતાં. એનું કારણ એ કે એની માતા રસોયણ અને ક્લીનર હતી. એના પિતાએ પોર્ટુગીઝ લશ્કરમાં સેવાઓ આપી હતી અને અંગોલા અને મોઝામ્બિકમાં બે યુદ્ધો પણ લડયા હતા. લશ્કરની સેવા પૂરી કરીને ઘેર પાછા ફર્યા, ત્યારે બેરોજગારીએ એમને પરેશાન કરી દીધા. કોઈ કામ મળતું નહોતું, તે સમયે એન્ડોરિન્હા ક્લબના ફૂટબોલના સાધનોની રખેવાળી કરવાનું કામ કરતા હતા.
બાળપણથી જ રોનાલ્ડોને ફૂટબોલ ખેલવાની લગની લાગી હતી. ક્યારેક જમવાનું છોડીને પણ ઘરની બારીમાંથી કૂદકો મારી ફૂટબોલ ખેલવા પહોંચી જતો. બાળપણમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એના ગુસ્સાને કાબુમાં રાખી શકતો નહીં. એક વાર શિક્ષકે ઠપકો આપતા એણે શિક્ષક પર ખુરશી ફેંકી હતી. તેથી ચૌદ વર્ષની વયે તેને નિશાળમાંથી કાઢી મૂકવામાં આવ્યો. સહુને લાગ્યું કે એ હવે ગામડાંનો માછીમાર બની જશે. એવામાં પંદર વર્ષની ઉંમરે રોનાલ્ડોને હૃદયની બિમારી હોવાનું નિદાન થયું. એને સર્જરી કરવી પડે તેમ હતી, પરંતુ થોડા જ સમયમાં એણે પોતાના સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ કરી, પરંતુ આથી બિમાર બાળકોની સારવાર માટે રોનાલ્ડો જીવનભર તત્પર રહ્યો છે.
આમ તો રોનાલ્ડોનું નામ ક્રિસ્ટિયાનો હતું, પરંતુ એણે એના પિતાનાં અત્યંત ગમતા એવા ફિલ્મ અભિનેતા અને એ પછી અમેરિકાના પ્રમુખ બન્યા હતા, તેવા રોનાલ્ડ રીગન પ્રત્યેના અહોભાવને કારણે પોતાના પુત્ર ક્રિસ્ટિયાનોનાં નામમાં રોનાલ્ડ ઉમેર્યું હતું. રોનાલ્ડો વીસ વર્ષનો હતો, ત્યારે એના શરાબી પિતાનું અવસાન થયું અને એને સદાય અફસોસ રહ્યા કર્યો છે કે એના પિતા એની યુવાનવયે અવસાન પામ્યા, જેથી એ ક્રિસ્ટિયાનોની કામયાબી જોઈ શક્યા નહીં. આમ છતાં પૃથ્વી પરના સૌથી મહાન ફૂટબોલર રોનાલ્ડો આજે વિચારે છે કે એના પિતા સ્વર્ગમાંથી એને જુએ છે અને એને કારણે એ ફૂટબોલમાં અસાધારણ સફળતા મેળવી રહ્યો છે, કારણ કે એના પિતાએ જ એને ફૂટબોલ સાથે પરિચય કરાવ્યો હતો.
અમેરિકામાં ફૂટબોલ 'સોકર' તરીકે ઓળખાય છે. રોનાલ્ડો સારો માણસ બને તે માટે એમણે માર્ગદર્શન આપ્યું હતું. રોનાલ્ડોની આસપાસ એવું કોઈ વાતાવરણ નહોતું કે એને આ રમતમાં પ્રોત્સાહન આપે, પરંતુ રોનાલ્ડો કહે છે કે, 'મેં મારી જાતને પ્રેરણા આપી છે, હું સ્વ-પ્રેરિત છું.' એ પોર્ટુગલના મડેઈરા ગામમાં મોટો થયો. એનાં મેદાનોની ધૂળ પર ગોલ કરવા માટે દોડ લગાવી. ક્યારેક પડયો અને ક્યારેક સામી ટીમનાં કોઈ ફૂટબોલરને કારણે એ મેદાન પર પછડાયો, પણ આજે મડેઈરાના એરપોર્ટ પર રોનાલ્ડોની કાંસ્ય પ્રતિમા છે. એ એરપોર્ટનું નામ 'ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ ' છે અને ત્યાં એની ટ્રોફી અને સન્માનો પ્રદર્શિત કરતું મ્યુઝિયમ છે. એક જમાનામાં જેની શેરીઓમાં રોનાલ્ડો રખડતો હતો. આજે એ ગામની દુકાનો રોનાલ્ડોની ફૂટબોલ જર્સી, મગ અને બેકપેક્સથી ભરેલી છે. આખા ગામને એ ગૌરવ છે કે પોતાનો રોનાલ્ડો દુનિયાનો શ્રેષ્ઠ ફૂટબોલર બન્યો છે. શ્રેષ્ઠ ફૂટબોલર તરીકે સુપરસ્ટાર રોનાલ્ડો પર સતત ધનવર્ષા થતી રહી છે. પરંતુ મારે આ મહાઅમીરની ફૂટબોલનાં મેદાન પર મેળવેલી કામયાબી, અસંખ્ય પુરસ્કારો, અઢળક પ્રશંસા અને ધનવર્ષાની વાત કરવી નથી, પરંતુ મેદાન પરનાં આ સુપરસ્ટારે મેદાનની બહાર સખાવતી કાર્યોમાં પણ એ સુપરસ્ટાર બન્યો છે.
એણે પોતાના વતનમાં કેન્સર હોસ્પિટલ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું. એની માતાને કેન્સર થયું હતું અને જે હોસ્પિટલે એની સારવાર કરી હતી તેને અંદાજે દોઢ મિલિયનથી પણ વધારે દાન આપ્યું હતું. દસ વર્ષની ઉંમરના રોનાલ્ડોના ચાહક એવા બાળકને બ્રેઇન સર્જરી માટે ત્યાંસી હજાર ડોલરથી પણ વધારે દાન કર્યું. વિશ્વનાં શ્રેષ્ઠ ખેલાડીને ગોલ્ડન બૂટ એવોર્ડ મળે છે. ખેલાડી પોતાનો આ એવોર્ડ જતનથી જાળવી રાખે છે, જ્યારે રોનાલ્ડોએ કેન્સરને માટે પોતાના આ ગોલ્ડન બૂટ એવોર્ડની હરાજી કરાવી અને એમાંથી મળેલા દોઢ લાખ મિલિયન ડોલર એણે કેન્સરની સંસ્થાને અને જીવલેણ રોગ ધરાવતા બાળકની અંતિમ ઇચ્છા પૂરી કરતા મેક-એ-વિશ ફાઉન્ડેશનને એની સઘળી રકમ આપી. એ સાથે એણે સ્પેન, બ્રાઝિલ અને અન્ય દેશોની હોસ્પિટલોમાં પણ સારવાર માટે સારી એવી રકમ મોકલી. પોતે શિક્ષણ મેળવી શક્યો નહીં, પરંતુ બીજાઓ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે એ સતત ઉત્સાહિત રહેતો અને આથી ૨૦૧૪માં નેપાળમાં ભૂકંપ આવતા રોનાલ્ડોએ નેપાળની એક શાળાને વર્ગખંડો, શૌચાલયો અને પુસ્તકાલયનાં નિર્માણ માટે ત્યાંસી હજાર ડોલરનું દાન આપ્યું. નેપાળનાં ગ્રામીણ વિસ્તારમાં આવેલી શાળા ભૂકંપને કારણે જમીનદોસ્ત બની ગઈ હતી, એ રોનાલ્ડોના દાનથી પુન:નિર્માણ પામી અને સેંકડો બાળકો આજે આ શાળામાંથી શિક્ષણ મેળવી રહ્યા છે.
એ પછીના વર્ષે એણે જાણ્યું કે સિરિયામાં ચાલતા આંતરવિગ્રહને કારણે અનેક લોકો ઘરબાર છોડીને જીવ બચાવવા ભાગી છૂટયા છે. આવે સમયે હોપ ફોર રેફ્યૂજીઝ અભિયાન માટે ઘણા મોટા ભંડોળની જરૂર હતી, તો રોનાલ્ડોએ તેની બેલોન ડીઓર ટ્રોફીની હરાજી કરી. છ લાખ અને તોંતેર હજાર ડોલર એકઠા થયા, તેનો ઉપયોગ શરણાર્થીઓને માટે ભોજન, રહેઠાણ અને તબીબી સંભાળ માટે કરવામાં આવ્યો. ૨૦૧૯ એની જુવેન્ટ્સની ટીમ તરફથી અને નાઇકી ઉપરાંત બીજી કંપનીઓની સ્પોન્સરશીપનાં સોદાથી એકસો નવ મિલિયન ડોલરની કમાણી થઈ, પણ એવામાં આ દુનિયા પર કોવિડનો ઝંઝાવાત આવ્યો અને કોવિડના સમયે આ રોગચાળાનો સામનો કરવા માટે રોનાલ્ડોએ ૧.૯ મિલિયનનું દાન કર્યું. એના દાનથી દર્દીઓની સારવાર માટે જરૂરી તબીબી સાધનો અને અન્ય દવાઓનો પુરવઠો ખરીદવા માટેનું ભંડોળ હોસ્પિટલોને મળ્યું. સોશિયલ મીડિયા પરથી લોકોને કોવિડ સમયે કેવી સાવચેતી રાખવી જોઈએ એનું માર્ગદર્શન આપ્યું. આફ્રિકામાં ફેલાયેલા ઇબોલાના રોગચાળા સામે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કર્યો.
હજી ગયા વર્ષની જ વાત કરીએ તો તુર્કીમાં પ્રચંડ ભૂકંપ આવ્યો અને આખો દેશ તબાહ થઈ ગયો. આવે સમયે રોનાલ્ડોએ ખાદ્ય પેકેજો, ગાદલાં, ધાબળા, પથારી, બેબીફૂડ, દૂધ અને આપત્તિ સમયે પીડિતોને મોકલવામાં આવતા તબીબી પુરવઠાની રકમ એણે આપી હતી. આ રીતે દાનનાં અનેકવિધ ક્ષેત્રોમાં એટલે કે આપત્તિરાહત, કેન્સર સંશોધન, શિક્ષણ, તબીબી સહાય અને કોવિડ-૧૯ સામેની લડાઈમાં રોનાલ્ડોએ લાખો ડોલરનું દાન કર્યું છે. જરૂરિયાતમંદોને ભોજન, રહેઠાણ અને શિક્ષણપ્રદાન માટે મદદ કરી છે.
માનવકલ્યાણનો આ હિમાયતી પ્રાણીકલ્યાણનો પણ હિમાયતી છે. આજથી આઠેક વર્ષ પહેલાં પોતાના વતન મડેઇરામાં રખડતા કૂતરાઓને બચાવવા માટેનાં પ્રોજેક્ટમાં મદદ કરી હતી. કૂતરાઓની નસબંધી અને રસીકરણ તથા તેમને ખોરાક અને આશ્રય આપવાનો આમાં સમાવેશ થાય છે. ૨૦૧૫માં એની જીવનચરિત્રાત્મક ફિલ્મ 'રોનાલ્ડો' પ્રદર્શિત થઈ હતી. રોનાલ્ડોની સખાવતની યાદી તો ઘણી લાંબી છે. આ વિશ્વશ્રેષ્ઠ ફૂટબોલર ૨૦૨૩માં અલ નાસર ક્લબમાં જોડાયો. જેનો અરબી અર્થ 'વિજય' થાય છે. એમાં જોડાતા જ અલ નાસરના ઇન્સ્ટાગ્રામ પર આઠ લાખ ફોલોઅર્સ હતા, તે વધીને ચૌદ મિલિયનથી વધુ થઈ ગયા. સવાલ એ થાય છે કે ફૂટબોલર રોનાલ્ડો મહાન કે સખાવતી રોનાલ્ડો. રોનાલ્ડો પોતાના ભાવિ જીવનના ધ્યેયને દર્શાવતા કહે છે. હવે ત્રણ જ કામ કરવા છે. ફૂટબોલના મેદાન પર ખેલવું, પરિવાર સાથે જીવન ગાળવું અને પરોપકારનાં કાર્ય કરવાં.
પ્રસંગકથા
પરાજયની બીકે ચાલતી બહાનાબાજી
જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડયો. જુગારખાનામાં ચાર જુગારીઓ બેઠા હતા. એમની નજીકમાંથી પત્તાની જોડ વગેરે મળ્યા. પોલીસે તપાસ શરૂ કરી, એક પછી એક વ્યક્તિની જડતી લેવામાં આવી. એણે પહેલા જુગારીને પૂછયું, 'બોલો, તમે અહીં શું કરતા હતા?'
પહેલા જુગારીએ કહ્યું, 'અરે, હું તો ફરતા ફરતા અહીં આવી ચડયો હતો. હું કંઈ જુગાર નહોતો રમતો. હું તો માત્ર અહીં બેઠો હતો.'
પોલીસે બીજા જુગારીને ધમકાવતા પૂછયું, 'બોલો, તમે અહીં કાયદાની વિરુદ્ધ જુગાર શા માટે રમતા હતા!'
બીજા જુગારીએ કહ્યું, 'આપની ભૂલ થતી લાગે છે. હું તો આ ગામડાંમાં હમણાં જ આવ્યો છું અને સાવ અજાણ્યો છું. ગામમાં જાણીતો હોય એ કદાચ કાયદાની વિરુદ્ધ ચાલવાનો વિચાર કરે. મારા જેવો અજાણ્યો આવું કરે જ નહીં ને.'
પોલીસે ત્રીજા જુગારીને સવાલ પૂછયો, 'સાચેસાચું કહી દો તમે અહીં જુગાર રમતા હતા ને?'
ત્રીજા જુગારીએ જવાબ આપ્યો, 'ના, જી. હું તો અહીં મારા મિત્રની રાહ જોઈને અહીં બેઠો હતો.'
આખરે પોલીસે ચોથા જુગારીને કહ્યું, 'ખેર, તમે તો જરૂર જુગાર રમતા, હશો? આ પત્તાની જોડ પણ તમારી નજીકથી મળી છે.'
ચોથા જુગારીએ કહ્યું, 'શું હું જુગાર ખેલતો હતો? કોણે કહ્યું? સાહેબ, જરા વિચારો તો ખરા કે હું એકલો તો કેવી રીતે જુગાર રમું?'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે જુગારીઓ પોતે જુગાર ખેલતા નહોતાં, તે માટે જુદાં જુદાં બહાનાં બતાવ્યાં, એ રીતે આજે કેટલાંક નેતાઓ ચૂંટણીમાં પ્રજાનો સામનો કરવા ચાહતા નથી, તેથી ચૂંટણીમાં ઊભા ન રહેવા માટે જુદાં જુદાં બહાનાં આગળ ધરી રહ્યા છે, પણ પ્રજા એમને પારખી ગઈ છે. એમણે કરેલી પીછેહઠને પામી ગઈ છે. એમનાં બહાનાં પાછળની એમની ભીરુતા છતી થઈ છે.