For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતના શિક્ષણજગતના ધ્રુવતારક સમા પથદર્શક દાઉદભાઈ ઘાંચી

Updated: Jul 29th, 2021

Article Content Image

- શિક્ષક એ વિદ્યાર્થીનો રોલ મૉડેલ છે. એનામાં કોઇ ઉણપ ચલાવી લેવાય નહીં !

- ઇંટ અને ઇમારત- કુમારપાળ દેસાઈ

૧૯૨૭ની એકત્રીસમી જુલાઈ ૯૫મા વર્ષમાં પ્રવેશતા ગુજરાતના શિક્ષણજગતના ધુ્રવતારક સમા પથદર્શક દાઉદભાઈ ઘાંચી એમના વર્ગમાં કવિ બાયરનની પંક્તિઓ ટાંકીને કહેતાં, 'ખુલ્લું નિરભ્ર આકાશ અને લાંબો પંથ એ એના સૌંદર્યને કારણે નહીં, પણ તેમાં સુષુપ્તપણે રહેલી અનંત શક્યતાઓને કારણે મને ખૂબ ગમે છે.'

શિક્ષક-ઋષિ દાઉદભાઈ ઘાંચીએ શિક્ષણની આવી અનંત શક્યતાઓ તાગી છે અને તેમના વિદ્યાર્થી હોય કે તાલીમાર્થી હોય, એ સહું કોઇમાં મૌલિક દ્રષ્ટિથી કિંતુ શિસ્તબદ્ધ  રીતે અભ્યાસ કરવાની અનંત શક્યતાઓની ક્ષિતિજ ઉઘાડી આપી છે. ગુજરાત જે કેટલાંક મૂઠી ઊંચેરા શિક્ષકોથી ઉજળું છે એમાંના એક તે શિક્ષકત્વથી શોભતા ડૉ. દાઉદભાઈ ઘાંચી છે. શિક્ષણ પામવા માટે કેટલી જહેમત ઉઠાવવી પડે અને શિક્ષણ આપવા માટે કેટલી મહેનત કરવી પડે એનો આદર્શ દાઉદભાઈએ આપણને આપ્યો છે એ દરેક તાલીમાર્થીની શક્તિ અને મર્યાદાઓ પિછાણી એમની વિદ્યાકીય મુશ્કેલી દૂર કરતા.

વર્ગમાં આવતાંની સાથે જ બ્લેક બોર્ડ પર મહત્વનાં મુદ્દાઓ અને વિચારોની નોંધ લખતાં, તો ગ્રંથાલયમાં કલાકોના કલાકો વિતાવીને એ નવા વિચારોથી વાકેફ થતાં અને પોતાની અંતરદ્રષ્ટિનો ઉપયોગ કરીને એ વિચારોને શિક્ષણ જગતમાં વહેતા કરતા હતા. શિક્ષણના આ ઋષિએ શિક્ષણપ્રાપ્તિ માટે અથાગ પુરુષાર્થ કર્યો છે. એમનો જન્મ મધ્યમ વર્ગીય મુસ્લિમ ઘાંચી પરિવારમાં થયો.

એમનો પારિવારિક વ્યવસાય તેલઘાણીના ગૃહઉદ્યોગનો હતો. નાની ઉંમરે એમણે પિતાની છત્રછાયા  ગુમાવી અને માતા પાસેથી કાર્યનિષ્ઠાના પાઠ શીખ્યાં. એમનાં કાકા પાસેથી એ ઘાણી ચલાવવાનું શીખ્યાં. બળદ પાસેથી કામ લેવા માટે ખૂબ સાવચેતી અને ેક્ષમતાની જરૂર હતી. ઘાણીથી થતી આવક એ કુટુંબની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હતો. પૂરક આવક માટે તેલ ઉપરાંત અન્ય પરચૂરણ ચીજવસ્તુઓનું વેચાણ કરતા અને સાથોસાથ એક-બે ભેંસ રાખીને તેનું દૂધ વેચી આવક ઊભી કરતાં. આ આર્થિક ઉપાર્જનના કામમાં આખુંય કુટુંબ જોડાઈ જતું અને એ કુટુંબ પાસેથી દાઉદભાઈને મહત્તમ પુરુષાર્થ, ચીવટભરી કરકસર અને નેક કમાણીનું શિક્ષણ મળ્યું.

દાઉદભાઈમાં શિક્ષણની ધગશ એવી કે અનેક અવરોધો આવતાં હોવા છતાં એમાં વધુ અભ્યાસ અને સતત પ્રગતિ કરતાં રહ્યાં. આને માટે ક્યારેક યતિમખાનાનાં છાત્રાલયમાં નિઃશુલ્ક ભોજન અને નિવાસની વ્યવસ્થાનો પણ ઉપયોગ કર્યો. એમની ઉચ્ચશિક્ષણની ઝંખના એમને એ સમયની પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજમાં લઇ આવી અને અહીં ફિરોઝ દાવર, ધીરુભાઈ ઠાકર, ટી. એન. દવે, એમ.એન. જોશી વગેરે જેવા આદર્શ શિક્ષકો પાસેથી અભ્યાસ કરવા મળ્યો.

કોલેજકાળમાં દક્ષિણા ફેલોશિપ પણ મેળવી અને ગુજરાત કોલેજમાં ફેલો તરીકે કામ કર્યું. એ પછી બી.એડ્. અને એમ.એડ્ની પદવી મેળવી. ૧૯૬૮ના જૂનથી મોડાસામાં કોલેજ ઓફ એજ્યુકેશનમાં જોડાયાં અને મોડાસા કોલેજમાં ડૉ. ધીરુભાઈ ઠાકરના નેતૃત્વ હેઠળ એમણે અનેક નવા આયામો સિદ્ધ કર્યા. આચાર્ય તરીકે શિક્ષણ સંસ્થાનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ ટકાવી રાખવા માટે એમણે માનવસંબંધો પર વિશેષ ભાર મુક્યો અર્થાત્ એટલે કે વાલીઓ, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને આચાર્યો આ બધાં વચ્ચે  મૈત્રીપૂર્ણ સંબંધો સર્જાય એવાં આગવાં આયોજનો કરતાં.

નવીન શિક્ષણ પદ્ધતિઓ વિકાસવવાની સાથોસાથ શૈક્ષણિક કાર્ય રસપ્રદ અને માહિતીસભર કેમ બને એનું માર્ગદર્શન આપતાં. અરે, વર્ગખંડમાં કઇ કઇ વસ્તુઓ લઇને જવું, વર્ગમાં ગયા પછી કેમ બેસવું, કેવી રીતે ઊભા રહેવું એ પણ તેઓ શીખવતાં હતા. શિક્ષક એ વિદ્યાર્થીઓને માટે રોલ મોડલ છે આથી એનામાં કોઇપણ પ્રકારની ઉણપ ચલાવી શકાય નહીં. એણે જેટલો એનો વિષય અને આત્મસાત કર્યો હોય, એટલો એ વિષયને વધુ ન્યાય આપી શકે. સિમ્પોઝિયમની પદ્ધતિ દ્વારા નવા નવા પ્રકલ્પો રચતાં હતાં અને પછી તો શૈક્ષણિક અને ઇત્તર પ્રવૃત્તિમાં અહેવાલ લેખન, લેખનકલા, પુસ્તક સમીક્ષા, વાર્તાલેખન એ બધુ શીખવવામાં આવતું. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે તેમ યોગ: કર્મસુ કૌશલમ્ । એ પ્રમાણે દરેક પ્રવૃત્તિ શિસ્ત, સમજ, નિષ્ઠા અને સંશોધન સાથે કરવામાં આવતી.

આ એક એવા શિક્ષક છે કે જેમણે ગુજરાતને સાચા શિક્ષકત્વની ઓળખ આપી. પુસ્તકમાં રહેલાં જ્ઞાાનની વાત તો ખરી, પણ સાથોસાથ એમણે એમનાં વિદ્યાર્થીઓને જીવનશિક્ષણ આપ્યું અને એથીયે વધુ તેઓ કહેતાં કે શિક્ષક પાસે એક કરતાં વધુ વિષયો શીખવાની ક્ષમતા હોવી જોઇએ.

નવમાં ધોરણમાં હતા, ત્યારે શિક્ષક આઈ.એમ. જોશી સાહેબે તેમનાં રેડિયો જેવાં અવાજની ટકોર કરી હતી. એની એમને એટલી બધી પીડા હજી પણ સ્મરણમાં છે અને તેથી શિક્ષકના શબ્દો, ટીકા-ટિપ્પણ કે હાવભાવ વિદ્યાર્થીના ચિત્ત પર ઊંડી અસર કરે છે, એ ભાવ એમનામાં પહેલેથી જ દ્રઢ થયો.

દાઉદભાઈની જ્ઞાાનયાત્રાનો વિચાર કરીએ, ત્યારે એમ લાગે કે ઉત્તર ગુજરાતના આ ઋષિ સાંદિપનીએ શિક્ષણના માધ્યમ દ્વારા પોતાનાં વિદ્યાર્થીઓમાં એક નવી ચેતના જગાવી છે. તેઓ વિદ્યાર્થીઓમાં એટલા બધાં ઓતપ્રોત બની જતાં કે એમના આ શિષ્યો સાથે હંમેશાં જીવંત સંપર્ક રહેતો.

એમનો તાલીમાર્થી મળે તો એની પ્રગતિનો આલેખ માગે અને સાથોસાથ એની સામાજિક નિસબત કેટલી છે, તે જાણવા પ્રયત્ન કરે. એકેએક વિદ્યાર્થીને ઓળખી કાઢે. આજે પણ પચાસેક વર્ષ પહેલાં એમની પાસે અભ્યાસ કરનારા વિદ્યાર્થીને જુએ, ત્યારે એને નામ દઇને બોલાવે. આવી અકબંધ સ્મૃતિ ધરાવતા દાઉદભાઈ પાસે આજે પણ  પાંચ-દસ મિનિટ બેસો, તો પણ એમના શિક્ષકત્વનો વૈચારિક અને ભાવનાશાળી સ્પર્શ થયા વિના ન રહે.

સાબરકાંઠાના હૃદયસમા મોડાસાને કર્મભૂમિ બનાવી, મોડાસા એજ્યુકેશન કોલેજમાં આચાર્ય તરીકે એમણે અનેક નવા આયોજનો કર્યા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાકાળના વર્ષોમાં ૧૯૮૭ની ૧૭મી નવેમ્બરથી ૧૯૯૨ની ૩૧મી જુલાઈ સુદી એમણે કાર્ય કર્યું. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિચાબીજમાંથી એનો વિકાસ કરવાને માટે કુલપતિ શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિાક સાથે કાર્ય કર્યું અને એમની નિવૃત્તિ બાદ ૧૯૯૨ની ૧લી ઓગસ્ટથી ૧૯૯૪ની ૫મી એપ્રિલ સુધી એમણે કાર્યકારી કુલપતિ તરીકે કામગીરી બજાવી.

દાઉદભાઈ કોઇપણ કામ પ્રારંભ કરે, ત્યારે એમની નજર સામે એક નક્શો હોય. પરંપરાની સાથે શિક્ષણની નવી આબોહવાને ઓળખીને તેઓ તેમાં પરિવર્તન આણે અને એ રીતે તેમનાં માર્ગદર્શન હેઠળ 'એક કામ કરતી' યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી. મોડાસા કોલેજ અને યુનિવર્સિટીના એમનાં કાર્યો એક શિક્ષકની ધગશ અને જીવંત ચેતનાનો પુરાવો બની રહ્યાં.

બાળપણમાં માતા અને કાકા પાસેથી જે શિસ્તના પાઠ શીખ્યા હતા, એ જ શિસ્તના તેઓ આગ્રહી રહ્યા. પરિણામે એવું વાતાવરણ સર્જી શક્યા કે જ્યારે એમની પાસેથી અભ્યાસ કરીને બહાર નીકળેલાં વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં કોઇ મુશ્કેલી પડી નહીં.

એક વક્તા તરીકે દાઉદભાઈ ગુજરાતના શિક્ષણજગતમાં જ નહીં, પણ બધાં ક્ષેત્રોમાં પોતાની આગવી છાપ ઉપસાવી શક્યાં હતાં. એમનાં નવીન અને આધુનિક વિચારોથી સહુના ચિત્તને આકર્ષી લેતા અને એમાં વચ્ચે ક્યાંક છટાદારી રીતે ઉર્દૂ શાયરી બોલીને પોતાનાં વિચારને વધુ પ્રભાવક બનાવતાં હતા.

એમની પાસે એવી વક્તવ્યની છટા છે કે કોઇપણ પ્રસંગે દાઉદભાઈ હોય એટલે નવા વિચારો, નવું વાતાવરણ અને નવી તાજગીનો અનુભવ થાય! ખુમારી તો એવી કે એકવાર એક કાર્યક્રમમાં એમણે પૂજ્ય મોરારીબાપુ પાસે એમની કાળી કામળી માંગી અને કહ્યું કે, 'આ કોઇ જાદુઈ કામળી છે એમ કહેવાય છે. મને આપો.' એમની આ હિંમત કાબિલે દાદ કહેવાય. વિશ્વવંદનીય પૂજ્ય મોરારીબાપૂએ પોતાની કામળી દાઉદભાઈના ખભા પર પહેરાવી. છેક મોડાસા અને પાટણથી માંડીને સમગ્ર ગુજરાત, ભારત અને વિદેશોમાં પણ દાઉદભાઈના શિક્ષકત્વએ પોતાનાં વિચાર-વૈભવથી સહુને પ્રેરણા આપી છે.

શિક્ષક તરીકેના પોતાના કર્તવ્યને ઇશ્વરની મહામૂલી દેન સમજતાં દાઉદભાઈએ વિશ્વકોશના શિલ્પી ડૉ. ધીરુભાઈ ઠાકરની વિદાય પછી વિશ્વકોશના સ્વજનોને આગળ વધવાની અને નવયુગના સર્જન કરવાની ખોબે ખોબે પ્રેરણા આપી છે. શિષ્યવૃત્તિ લઇને અભ્યાસ કરનારા દાઉદભાઈએ ત્રણ-ત્રણ વખત અમેરિકન ફૂલબ્રાઇટ સ્કોલરશીપ પ્રાપ્ત કરી હતી, તો એવી જ રીતે નવ વર્ષ સુધી યુનિવર્સિટીના કુલનાયક અને ઉપકુલપતિ તરીકેનું ઉચ્ચપદ શોભાવ્યું હતું.

એમના કહેવા પ્રમાણે શિક્ષકને વર્ગ કે વિષયના બંધનમાં બાંધી ન શકાય. શિક્ષકત્વ પામવું એ જ એક મોટી સિદ્ધિ છે. એમનો શિક્ષક એમના વિદ્યાર્થી જીવનના અનુભવોમાંથી સર્જાયો છે. એકવાર એમના શિક્ષકે એમને વાંકા વળીને પગનાં અંગૂઠા પકડવાની સજા કરી. સંજોગવશાત્ શિક્ષકને વર્ગની બહાર જવું પડયું અને દોઢેક કલાકે પાછા આવ્યા. આ નાનો વિદ્યાર્થી દાઉદ હજી પગનાં અંગૂઠા પકડીને ઊભો હતો.

શિક્ષકને આ જોઇને પારાવાર દુઃખ થયું અને વિદ્યાર્થીની માફી માંગી. શિક્ષકની આજ્ઞાાનું આટલી હદે પાલન કરવા માટે શાબાશી આપી અને પછી એ શિક્ષકે કોઇ વિદ્યાર્થીને આવી શિક્ષા કરી નહીં. આ ઘટનામાંથી વિદ્યાર્થી દાઉદભાઈએ એક નવીન અર્થ તારવ્યો અને તે એ કે શિક્ષક માત્ર વિદ્યાર્થીઓને જ્ઞાાન આપતો નથી, પણ વિદ્યાર્થી પણ શિક્ષકને નવો બોધ આપી શકે.

દાઉદભાઈના અંગ્રેજી ગ્રામરે ત્રણ-ત્રણ પેઢીઓને તૈયાર કરી. દેશ અને વિદેશની જુદી જુદી યુનિવર્સિટીમાં એમણે વ્યાખ્યાન આપ્યાં છે. તેઓ ઉર્દૂ, અંગ્રેજી અને ગુજરાતી તો જાણે, પરંતુ એમણે સંસ્કૃત ભાષાનો પણ અભ્યાસ કર્યો છે. અને તેઓ માને છે કે, ભાષાનો કોઇ ધર્મ સાથે સંબંધ હોવો જરૂરી નથી અને વ્યક્તિની મહત્તા એના ધર્મથી નહીં, પણ એની માનવતાથી થાય છે.

આવા દાઉદભાઈના સંઘર્ષમય જીવનનાં પ્રસંગો, એમની વિશિષ્ટ જ્ઞાાનયાત્રા અને એમનાં નવીન શિક્ષણ પ્રયોગોનો ગ્રંથ ગુજરાતી વિશ્વકોશ દ્વારા પ્રગટ થશે, ત્યારે આજની અને આવતીકાલની પેઢીને શિક્ષકત્વનો અક્ષરમાં આલેખાયેલો આદર્શ મળી રહેશે અને એની સાથે શિક્ષણના બંધિયાર ક્ષેત્રમાં પરિવર્તનનો બુલંદ અવાજ કરનાર શ્રી દાઉદભાઈ ઘાંચીના મુખેથી વારંવાર સાંભળેલો ગાલિબનો આ કલામ યાદ આવશે.

'મૌજોં કા તકાજા હૈ, દોસ્તો,

કહાં તક ચલેંગે કિનારે-કિનારે ?'

આજની વાત

બાદશાહ: બીરબલ, ભારતના શા ખબાર છે?

બીરબલ: જહાંપનાહ, એક વિરોધપક્ષના નેતાએ આક્ષેપ કર્યો કે, ખેડૂતોની આત્મહત્યા માટે પ્રધાનમંત્રી દોષિત છે, ત્યારે કોઇએ એ નેતાને પ્રશ્ન કર્યો કે, 'કેફે કૉફી ડે'ના કરોડપતિ માલિકે આત્મહત્યા કરી શા માટે ?

બાદશાહ: શું જવાબ આપ્યો ?

બીરબલ: વિરોધપક્ષના નેતાએ ઉત્તર આપ્યો કે, 'આવો આઉટ ઑફ કોર્સ' પ્રશ્ન પૂછો નહીં.

પ્રસંગકથા

વચન વાયદામાં પલટાઈ જાય છે !

સમાજવાદી વિચારધારા ધરાવતા દેશના મહાન નેતા રામમનોહર લોહિયા એકવાર જર્મનીના બર્લિન શહેરમાં પોતાના મિત્ર સાથે મોટરમાં ઘૂમવા નીકળ્યા હતા. તેઓ થોડી વધુ ઝડપે ગાડી ચલાવતા હતા અને રસ્તા પર સામેથી એક ખેડૂત લાઇટ વગરના ટેમ્પામાં શાકભાજી લઇને નીકળ્યો હતો. લોહિયાજીની ગાડી એ ખેડૂતના લાઇટ વગરના ટેમ્પા સાથે અથડાઈ. એ ખેડૂત ટેમ્પા પરથી રસ્તા પર બહાર પડી ગયો અને ટેમ્પામાં રહેલી શાકભાજી રસ્તા પર આમતેમ પડી. જર્મન ખેડૂત લોહિયાજીને ખરી-ખોટી કહેવા લાગ્યો અને ધમકી આપતાં કહ્યું, 'જુઓ, અહીંથી ભાગશો નહીં, હું હમણાં જ પોલીસને બોલાવી લાવું છું'

લોહિયાજીએ એને કહ્યું, 'તારે જે કંઇ નુકસાન થયું હોય તે ભરપાઈ કરવા હું તૈયાર છું' છતાં ખેડૂત માન્યો નહીં, ત્યારે લોહિયાજીએ કહ્યું, 'ભલે, તમારી ઇચ્છા છે તો તમે પોલીસને બોલાવી લાવો. હું વચન આપું છું કે હું અહીં ઊભો રહીને તમારી રાહ જોઈશ.'

ખેડૂત પોલીસને બોલાવવા ગયો અને એને દૂર ગયેલો જોઇને લોહિયાજીના મિત્રએ કહ્યું, 'ચાલો, હવે ગાડી હંકારી મૂકો. અહીંથી ભાગી નીકળીએ. માંડ મુસીબત ટળી.' પણ લોહિયાજી માન્યા નહીં, મિત્રએ ઘણું સમજાવ્યા, છતાં એ અહીંથી જવા તૈયાર નહોતા. એવામાં પેલો જર્મન ખેડૂત પોલીસને વિશે બબડાટ કરતો આવી પહોંચ્યો, કારણ કે, પોલીસ એની સાથે આવવા તૈયાર થઇ નહોતી. લોહિયાજીને ઊભેલા જોઇને ખેડૂતને અતિ આશ્ચર્ય થયું. એણે કહ્યું, 'હું તો એમ માનતો હતો કે તમે નાસી છુટયા હશો, પણ તમે તો અહીં જ ઊભા છો.'

લોહિયાજીએ કહ્યું, 'હું કઈ રીતે ભાગી શકું, મેં તમને વચન આપ્યું હતું કે તમે આવશો એ પહેલાં હું અહીંથી જઇશ નહીં, તો પછી ભાગી જવાની વાત જ ક્યાં ?'

જર્મન ખેડૂત લોહિયાજીથી પ્રભાવિત થઇને ચૂપચાપ ચાલ્યો ગયો અને લોહિયાજીનું વચનપાલન જોઇને એમનો મિત્ર પણ આશ્ચર્યચકિત બની ગયો.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આપણા દેશમાં નેતાઓ વચનોની લહાણી કરે છે એમ કહેવાય છે, પરંતુ નેતાની સાથે પ્રજા પણ વચનો આપવામાં અને તેનું પાલન નહીં કરવાની બાબતમાં પાછી પડતી નથી. અધિકારી સરકારી કામ પૂરું કરવા અંગે વચન આપે કે વેપારી રકમ પાછી આપવા માટે વચન આપે, એવા વચનો પળાતા નથી.

આની અસર સામાન્ય માનવીઓ પર પણ થાય છે. તેઓ પણ આપેલું વચન ગંભીરતાથી લેતા નથી અને અંતે આપણા દેશમાં આપેલું વચન એ આપેલાં વાયદામાં ફેરવાઈ જાય છે. કોઇપણ દેશની પ્રગતિ માટે વચનબદ્ધતા અનિવાર્ય છે. જાપાન કે ઇઝરાયેલની પ્રગતિનું કારણ એના નેતા અને પ્રજાએ આપેલા વચનોના પાલનમાં રહેલી છે. 'પ્રાણ જાય, પણ વચન ન જાય' તેમ માનનારી આપણી પ્રજા ક્યારે વચનપાલક બનશે ?

Gujarat