For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇશ્વરશ્રદ્ધા રાખનાર દોડે છે, પણ કદી થાકતા કે હારતા નથી

Updated: Dec 28th, 2023

Article Content Image

- ડૉક્ટર બોલી ઉઠયા, 'ઓહ! મેં સગી આંખે સાક્ષાત્ ચમત્કાર નિહાળ્યો...'

- ગ્લેન કનિંધમ

- 'શાબાશ ગ્લેન! તારી મહેનતે અશક્યને શક્ય કરી દીધું છે. તેં તારા પગના નિષ્ક્રિય સ્નાયુઓમાં હિંમત અને પુરુષાર્થનું ખમીર રેડીને એમને ફરી જીવંત કર્યા છે. હવે જો તું વધુ ને વધુ દોડયા કરીશ તો જરૂર તારા પગ ચેતનવંતા થઈ જશે.'

- ચોટ પર ચોટ ખાતા રહા આદમી, ફિર ભી હંસતા રહા આદમી.

શિયાળાની વહેલી સવારનો ગાત્રો ધુ્રજાવતો ઠંડો પવન ફૂંકાતો હતો. સવારનો સૂરજ અમેરિકાના પશ્ચિમ કેન્સાસનાં મેદાનો પર આછો-પાતાળો પ્રકાશ વેરતો હતો. આ સમયે એક ધૂળિયા રસ્તા પર બે બાળકો ઝડપથી દોડી રહ્યાં હતાં. એમને નિશાળે પહોંચવાની ઉતાવળ હતી. ક્યારેક જોરથી દોડ લગાવે, વળી સહેજ થોભીને પાછા દોડવા લાગે. થાકે એટલે ઝડપથી ચાલે.

મોટા છોકરાની ઉંમર તેર વર્ષની હતી અને નાના છોકરાની ઉંમર આઠ વર્ષની હતી. બંનેનાં શરીરનો બાંધો મજબૂત, ખડતલ. ખેડૂતના દીકરા એટલે મહેનત કરીને શરીરને બરાબર કસ્યું હતું.

નિશાળ શરૂ થવાને વાર હતી. તેમ છતાં આ બંને ભાઈઓને નિશાળે પહોંચવાની ભારે ઉતાવળ હતી. આનું કારણ એ હતું કે નિશાળ શરૂ થાય તે પહેલાં એમને એક કામ પતાવવાનું હતું. નિશાળમાં જઈને સગડી સળગાવી રાખે. નિશાળિયા આવે એટલે એમને ઠંડી ઓછી લાગે. આ રીતે શિક્ષકની અને દોસ્તોની સેવા કરે.

આ દિવસે થોડું મોડું થયું હતું. બીજો કોઈ વિદ્યાર્થી નિશાળમાં વહેલો પહોંચીને સગડી સળગાવી દે તો તો એમનું નામ જાય. એમનું કામ લજવાય. આથી ભારે દોડ લગાવીને હાંફતાં હાંફતાં નિશાળમાં આવ્યા. શાળામાં હજી કોઈ આવ્યું ન હતું. બંને ભાઈઓએ લાકડાનાં છોડિયાં ભેગાં કર્યાં અને સગડીમાં મૂક્યાં. નાનો ભાઈ એક ડબ્બો લાવ્યો. એણે મોટા ભાઈને કહ્યું કે,  'મોટા ભાઈ. લો આ કેરોસીન સગડીમાં નાખશો એટલે સગડી જલદી સળગશે.'

મોટા ભાઈએ તો ડબ્બો લઈને સગડીમાં ઠાલવ્યો. પછી ગજવામાંથી દીવાસળી કાઢી. જેવી સળગાવીને સગડી પર મૂકી કે મોટો ધડાકો થયો. શાળાનું નાનું મકાન ધમધમી ઊઠયું, બારી-બારણાંના ફુરચા ઉડી ગયા, કારણકે ડબ્બામાં કેરોસીન નહોતું, પેટ્રોલ હતું.

સગડીમાંથી આગની મોટી જ્વાળા ભભૂકતી હતી. નાનો ભાઈ ગ્લેન જોશથી ચીસો પાડતો હતો.

'ફલોઈડ! ફલોઈડ! તું ક્યાં છે? મારા મોટા ભાઈ!' પરંતુ ફલોઈડ જવાબ આપતો ન હતો. આગની જ્વાળાઓ વધતી હતી.

આઠ વર્ષના ગ્લેનની આંખો દાઝી ગઈ. એનું પાટલૂન અને મોજાં ભડભડ સળગવા લાગ્યાં. ધુમાડાથી એ ગૂંગળાઈ રહ્યો હતો. એવામાં નિશાળના ગોઠિયાઓ આવ્યા. એમણે હિંમત કરીને બંને ભાઈઓને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાની તજવીજ કરવા લાગ્યા.

૧૩ વર્ષનો મોટો ભાઈ ફલોઇડ તો એટલો બધો દાઝી ગયો હતો કે તરત જ એનું અવસાન થયું. નાનો ભાઈ ગ્લેન પણ આખા શરીરે ખૂબ દાઝી ગયો હતો. ડાબા પગનાં બધાં આંગળાં ખલાસ થઈ ગયાં હતાં. એની ઘૂંટણ સુધીની સઘળી ચામડી બળી ગઈ છે. પગનો વળાંક લગભગ ખતમ થઈ ગયો છે. હોનારતમાંથી ઉગરી ગયેલા ગ્લેનને ડોક્ટર તપાસતા હતા અને માતાપિતા ડૂસકાં ભરતાં હતાં.

ગંભીર વદને ડોક્ટર બોલ્યા, 'આ છોકરો ખૂબ દાઝી ગયો છે. એમાં એના બંને પગને સૌથી વધુ અસર પહોંચી છે. હવે એ કદી પણ ચાલી શક્શે નહીં. એ ચાલી શકે તેવી આશા રાખવી એ પણ ઠગારી છે.'

ગ્લેન કનિંધમની માતા પર તો આભ તૂટી પડયું. ડોક્ટરે એમ્યુટેશન એટલે કે પગ કાપવા પડશે એવું કહ્યું. ભયથી ગ્લેનના પિતાએ કહ્યું, 'ડોક્ટર, આપનો અભિપ્રાય તો સાચો છે. પણ શું મારો ગ્લેન પહેલાંની જેમ હરીફરી શકે તેવું નહીં બને?'

ડોક્ટરે કહ્યું, 'ભાઈ, ઇશ્વર પર શ્રદ્ધા રાખો, માત્ર એ જ આવું કંઈ કરી શકે. ભગવાન ગ્લેનને પાછો હરતોફરતો કરે તેવી મારી પ્રભુને પ્રાર્થના છે.' 

ડોક્ટરે વિદાય લીધી. અકસ્માત પછી મહિનાઓ બાદ ગ્લેનના પગ પર બરાબર ચામડી આવી ગઈ. માતા-પિતાએ પુત્રનાં એ નિષ્ક્રિય અંગો પર માલિશ કરવા માંડી. મનમાં ઉંડે ઉંડે આશા હતી કે એ નિર્જીવ પગમાં પ્રભુકૃપાએ ચેતન આવશે.

નાનકડો ગ્લેન પણ પથારીમાં પડયાં પડયાં માલિશ કરતો જાય અને મનમાં મક્કમપણે કહેતો જાય, 'હું જરૂર ચાલીશ અને બધાને બતાવી આપીશ કે જુઓ, હું પણ કેવું ચાલી શકું છું!'

ગ્લેનના પગમાં ભારે વેદના થતી હતી, પણ એના મનની આ મજબૂતાઈની કોઈને ખબર નહોતી. અકડાઈ ગયેલા સ્નાયુઓમાં ચેતન આવતાં પૂરાં બે વર્ષ લાગ્યાં. માલિશ તો ચાલુ જ હતી અને સાથોસાથ ગ્લેનની પોતાના પગ પર ઊભા રહેવાની મથામણ પણ ચાલુ હતી. ધીરે ધીરે ગ્લેન પડદો પકડીને ઉભો રહેવા લાગ્યો. આંગણામાં પડેલ જૂના હળને ટેકે ટેકે થોડું થોડું ચાલવા લાગ્યો. બેડોળ, વાંકા પગને બરાબર ટેકવવા લાગ્યો. દુખાવો તો ઘણો થતો હતો, પણ દિલની હિંમત આગળ એની કશી વિસાત નહોતી.

એક દિવસ સાંજે એ ધીમે ધીમે ચાલતો હતો. એવામાં ઓચિંતા જ એમના કુટુંબના પેલા ડોક્ટર આવી પહોંચ્યા. એમણે આવી ખોટી કોશિશ કરવા માટે ગ્લેનને ઠપકો આપ્યો. એના સ્નાયુઓ તપાસ્યા, પરંતુ તપાસને અંતે એમના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો.

ડોકટરે ગ્લેનના ઘરમાં જઈને એનાં મા-બાપને ખુશખબર આપતાં કહ્યું, 'ચમત્કાર! ચમત્કાર! મેં મારી સગી આંખે જોયું ન હોત તો હું માનત પણ નહીં. શાબાશ ગ્લેન! તારી મહેનતે અશક્યને શક્ય કરી દીધું છે. તેં તારા પગના નિષ્ક્રિય સ્નાયુઓમાં હિંમત અને પુરુષાર્થનું ખમીર રેડીને એમને ફરી જીવંત કર્યા છે. હવે જો તું વધુ ને વધુ દોડયા કરીશ તો જરૂર તારા પગ ચેતનવંતા થઈ જશે.'

ડોક્ટરની સલાહથી ઉત્સાહમાં આવીને ગ્લેને દોડવા માંડયું. કામ નાનું હોય કે મોટું, પણ એ દોડતો જાય. નિશાળેય દોડતો જાય અને રમવાય દોડતો જાય. ધીમે ધીમે એના સ્નાયુઓ મજબૂત બનવા લાગ્યા. શાળામાં એ દોડની હરીફાઈમાં ઊતર્યો. એક પગ હજી સહેજ લંગડાતો હતો, છતાં એક માઈલની દોડની હોડમાં ઉતર્યો અને સૌના આશ્ચર્ય વચ્ચે સ્પર્ધા જીતી ગયો. એના પુરુષાર્થ અને પ્રભુશ્રદ્ધા એનામાં તાકાત પ્રેરતા ગયા. બાઈબલનું એ વાક્ય એનો જીવનમંત્ર બની રહ્યું કે 'ઇશ્વર પર વિશ્વાસ રાખનાર દોડે છે. પણ થાકતા નથી. કદી હારતા નથી કે કદી હતાશ થતા નથી.'

એક કરુણ બનાવ અને પારાવાર યાતનાને વિસારીને ગ્લેન લાંબી લાંબી દોડ લગાવવા લાગ્યો. કેન્સાસની નિશાળમાંથી ગ્લેન કનિંઘમ પાસ થયો અને આ સમયે ૪ મિનિટ અને ૨૪.૭ સેકન્ડમાં એ એક માઈલ દોડયો અને ડાબા પગનાં આંગળાં વગરનો આ દોડવીર અમેરિકાનો સૌથી વધુ ઝડપી દોડ લગાવનારો નિશાળિયો બન્યો.

ગંભીર અકસ્માત પછી માત્ર ૧૯ વર્ષ બાદ ગ્લેન કનિંઘમે એક માઈલની દોડમાં એ સમયે વિશ્વવિક્રમ રચી દીધો. ૧૯૩૪માં કેન્સાસ યુનિવર્સિટીની સ્પર્ધામાં ૪ મિનિટ અને ૬ સેકન્ડમાં એક માઈલનું અંતર કાપીને એણે નવો વિશ્વવિક્રમ રચ્યો. બે વર્ષ પછી બર્લિનમાં ખેલાયેલી ઓલિમ્પિક સ્પર્ધામાં ૧૫૦૦ મીટરની દોડ ૩ મિનિટ અને ૪૮.૪ સેકન્ડમાં પૂરી કરી અને ગ્લેનને બીજે નંબરે આવનારને મળતો રૌપ્યચંદ્રક મળ્યો. ૧૫૦૦ મીટરની અને એક માઈલની દોડમાં પણ ગ્લેન કનિંઘમે શાનદાર વિજય મેળવ્યો. ૧૯૩૮માં ૪ મિનિટ અને ૪ સેકન્ડમાં એક માઈલનું અંતર કાપીને ગ્લેને એવો તો અદ્ભુત વિશ્વવિક્રમ સર્જ્યો કે જે વર્ષો સુધી  અણનમ રહ્યો.

એક વાર એમ મનાતું કે ૪ મિનિટની અંદર એક માઈલની દોડ પૂરી કરવી એ કાળા માથાના માનવી માટે અશક્ય છે. ગ્લેન કનિંઘમની સિદ્ધિએ જગતભરમાં એવી આશા જગાડી કે માનવી માટે અશક્ય ગણાતી એવી સિદ્ધિ શક્ય બની શકે તેમ છે. એણે એની તાકાતથી એક નવી આશાનાં દ્વાર ખોલ્યાં.

એના અલ્કહર્ટ ગામમાં બગીચાને એનું નામાભિધાન કરવામાં આવ્યું. કેન્સાસ રાજ્યમાં થતી દોડ સાથે એનું નામ જોડવામાં આવ્યું. જિંદગીમાં કદી પણ જાતે ચાલી ન શકે તેવી ગંભીર ઇજા પામનાર ગ્લેન કનિંઘમે મજબૂત મનોબળના સહારે માત્ર અમેરિકાના જ નહીં , પણ જગતના એક અમર દોડવીર તરીકે નામના મેળવી. એણે સ્થાપેલા વિક્રમો વર્ષો સુધી દોડવીરો માટે પડકારરૂપ બની રહ્યા. એટલું જ નહીં. પણ એની દોડ લગાવવાની આગવી પદ્ધતિ અને દોડના અંત ભણી ઝડપથી પહોંચવાની રીતને તો જગતના ખ્યાતનામ દોડવીરોએ અપનાવી.

ગ્લેન કનિંઘમ રમતના મેદાનની સાથોસાથ અભ્યાસમાં પણ આગળ રહ્યો. મહેનત-મજૂરી કરતાં કરતાં એણે એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવી તેમજ આગળ જતાં યુનિવર્સિટીના ડાયરેક્ટનું પદ મેળવ્યું. ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધ સમયે લશ્કરમાં જોડાયો અને સાત વર્ષ સુધી મોરચા પર રહીને દેશસેવા કરી. એ પછી એક વિશાળ ખેતર ખરીદીને એની ખેતીની આવકમાંથી અપંગો માટે આશ્રમ ખોલ્યો. આમાં ૮૦૦૦ જેટલા અપંગ બાળકોને આપબળે જીવતાં શીખવ્યું. ૧૯૦૯ની ઓગસ્ટે અવસાન પામેલો કનિંઘમ વિકલાંગો માટે આદર્શ બની ગયો.

પ્રસંગકથા

દેશહિત માગે છે દિલની દિલાવરી 

મુંબઈના અગ્રણી નેતા નરીમાનને કારણે સરદાર વલ્લભભાઈ પટેલને ઘણા આક્ષેપો સહેવા પડયાં હતાં. આ અંગે મુંબઈના પારસી વકીલ બહાદુરજીને લવાદી સોંપવામાં આવી હતી. અને એમણે ચૂકાદો આપ્યો હતો કે સરદાર પટેલે નરીમાનની વરણી ન થઈ, તેમાં કોઈ ગેરવ્યાજબી દબાણ કર્યું નહોતું.

એ સમયે સરદારની આંખ ભીની થઈ ગઈ હતી, ત્યારબાદ થોડા સમય પછી ૧૯૪૮ની ચોથી ઓક્ટોબરે નરીમાન દિલ્હીમાં આવ્યા અને એમના પર હૃદયરોગનો જીવલેણ હુમલો થતાં અવસાન પામ્યા.

નરીમાનના કુટુંબીજનોની ઇચ્છા એમની કર્મભૂમિ અને ચાહનાક્ષેત્ર મુંબઈમાં અંતિમવિધ કરવાની હતી. સરદાર પટેલને એની જાણ થતાં દિલ્હીથી મુંબઈની ચાર્ટર્ડ ફલાઈટની તત્કાળ વ્યવસ્થા કરી આપી. એ પછી થોડા દિવસબાદ ઇન્ડિયન એરફોર્સની કચેરીમાંથી સરદાર પટેલ પર સાત હજાર રૂપિયાનું બિલ આવ્યું. આ બિલની રકમ કોણ ચૂકવે?

નરીમાન એ સમયે પક્ષમાં કોઇ ઊંચા હોદ્દા પર નહોતા, જેથી કોંગેસ પક્ષ એનું ખર્ચ આપે. સરકારમાં પણ તેઓ કોઈ હોદ્દો ધરાવતા નહોતા. સરદાર પટેલ સમક્ષ આ બિલ રજૂ કરવામાં આવ્યું કે તેમણે તરત જ જાતે જ એ ચૂકવી દીધું. એક ક્ષણ પણ એમના સગાંઓને બિલ આપવાનો વિચાર એમના મનમાં જાગ્યો નહીં. પોતાના પ્રખર વિરોધી પ્રત્યે પણ કેવી દિલની દિલાવરી!

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે વિરોધીઓ પ્રત્યે દિલની દિલાવરી તો ક્યાંય ભુલાઈ ગઈ છે અને એથીયે વધુ આક્ષેપબાજી થવા લાગી છે. દરેક પક્ષ બીજા પક્ષની વાત પર 'નિર્દયી હુમલો ' કરે છે અને એને માટે ગાળ કે અપશબ્દો પણ પ્રયોજતા અચકાતા નથી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકની ચૂંટણી વખતે આવી એમને અપાયેલી એકાણું ગાળની વાત કરી હતી. આ ગાળીપ્રદાન હવે ધીરે ધીરે મર્યાદાભંગ કરે છે. 'તું-તું, મેં-મેં'ની રાજનીતિ દેશહિતની બાબતો પર કુંઠારાઘાત કરે છે.વળી આ જ રાજનીતિ લોકનીતિ બને છે અને લોકોની ભાષા અને વ્યવહારમાં પણ ગાલીપ્રદાનનો મહિમા વધતો જાય છે. કોઈ સરદારની ખેલદિલી વિરોધીઓને બતાવશે ખરા?

Gujarat