Get The App

સરદારને કારણે મુંબઈ ભડકે બળતું બચ્યું

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
સરદારને કારણે મુંબઈ ભડકે બળતું બચ્યું 1 - image


- અમે વિવેક નહીં ચૂકીએ, પણ સ્વમાનભંગ સહેજે ચલાવી લઈશું નહીં

- 'મને ઘીની વાટકી આપશો તો અમે સહુ વહેંચી લઈશું અને ખાઈશું. તમારે ત્યાં ભેદ હશે, અમારે ત્યાં અમારા મનમાં આવા કોઈ ભેદભાવ નથી'

- ... તો મુંબઈ શહેર પર બોમ્બ ગોળાની એકધારી ધારા વરસશે. આખું શહેર આ બોમ્બની આગમાં ભડભડ સળગી જશે!

સરદાર વલ્લભભાઈ પટેલ અંગ્રેજ સરકારના કારાવાસમાં હતા, ત્યારે એમણે જોયું કે અહીં કેદીને બે ટંક પૂરેપૂરું જમી શકે એટલો ખોરાક પણ આવતો નથી, આથી એમણે દોઢ દિવસ ઉપવાસની સૂચના કરી, પરંતુ જેલ સુપ્રિટેન્ડન્ટ એનાથી શરમાયો નહીં. આવે સમયે સરદારે એને સવાલ કર્યો કે-

'અમારા પર માથાદીઠ કેટલું ખર્ચ કરવાનો છો ? અમે એમાંથી જે આવે તેમાંથી અમે સહુ સરખે ભાગે ખાઈશું. મને ઘીની વાટકી આપશો તો અમે સહુ વહેંચી લઈશું અને ખાઈશું. તમારે ત્યાં ભેદ હશે, અમારે ત્યાં અમારા મનમાં આવા કોઈ ભેદભાવ નથી.'

સરદાર પટેલ કારાવાસમાં હતા, ત્યારે જેલ સુપ્રિટેન્ડેન્ટે વળી એક નવો ફતવો કાઢ્યો કે કલેક્ટર કે કમિશ્નર જેલની મુલાકાતે આવે, ત્યારે દરેક કેદીએ પોતાની કોટડી આગળ અદબભેર ઊભા રહેવું. વ્યક્તિના સ્વમાન પર આકરો ઘા હતો. આથી સરદારે આ સુચનાનો બધા વતી અસ્વીકાર કર્યો અને રોકડો જવાબ પરખાવી દીધો.

'વિવેક અમે નહીં ચૂકીએ, પણ માનભંગ થાય એવી સ્થિતિને અમે નહીં ચલાવી લઈએ.'

સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો એક અત્યંત ઓછો જાણીતો પ્રસંગ જોઈએ. ૧૯૪૬નું એ વર્ષ હતું. ભારત આઝાદીની ઉષાની સમીપ હતું. સહુને એમ લાગતું હતું કે હવે થોડા જ સમયમાં દેશ આઝાદ થશે અને મુક્તિનું અનેરું વાતાવરણ સર્જાશે. આવે સમયે દેશને ગુલામ રાખવા માગતા કેટલાક વિઘ્ન-સંતોષીઓએ ભયંકર ષડયંત્ર રચ્યું. હિંદી જુવાનોને ઉશ્કેરીને તેઓ પોતાનો પોતાનો હેતુ પાર પાડવા ચાહતા હતા. એમને અંધાધૂંધી સર્જવી હતી, જેથી હત્યાઓ થાય. તોફાનો થાય અને આઝાદીની પ્રાપ્તિ પાછી ઠેલાય !

એ સમયે 'રોયલ ઈન્ડિયન નેવી'ના જહાજો મુંબઈના બારામાં હતા. નૌકાદળનાં આ જહાજોમાં હિંદી જુવાનો પણ કામ કરતા હતા. આ હિંદી જુવાનોની સરેરાશ ઉંમર ઓગણીસેક વર્ષની હતી. નૌકા દળના આ હિંદી જુવાનોની કોઈએ કાન-ભંભેરણી કરી. એમના મનમાં ઝેર રેડયું અને આ તરવરિયા વીસે જુવાનો એક વિશાળ ષડયંત્રનાં પ્યાદાં બની ગયાં. એમને પડદા પાછળ ખેલાતી રમતનો ખ્યાલ નહોતો.

નૌકા દળના આ જુવાનોએ પોતાના પગાર અંગે ઉગ્ર થઈને માગણી કરી. એમની માગણી ન્યાયી હતી, પરંતુ એ મેળવવાની રીત હિંસક અને આક્રમક હતી. શાંતિ કે સમજાવટને બદલે હિંસા અને શસ્ત્રથી કાર્ય સિદ્ધ કરવું હતું.

નૌકા દળના આ હિંદી જુવાનો દારૂગોળાથી સંપૂર્ણ સુસજ્જ હતા. આ વીસ જુવાનો પાસે માત્ર ગણ્યાગાંઠયા કલાકોમાં આખાય મુંબઈને ભસ્મીભૂત કરી દે એટલો દારૂગોળો હતો.

આ હિંદી જુવાનોને કોઈએ કહ્યું હતું કે આ વિદેશી સરકારને આવી માગણીઓની કંઈ તમા હોતી નથી. એ તો ગુમાનભેર તમારી માગણી ફગાવી દેશે ! સીધી આંગળીએ ઘી નહીં નીકળે! માટે આ બ્રિટિશ અફસરો સામે તમે તમારી માગણી મૂકો અને એ માગણી સ્વીકારે નહીં તો તમારી પાસેના દારૂગોળાથી મુંબઈ શહેરને ભસ્મીભૂત કરી નાખો. મુંબઈ શહેર ભડકે બળશે એટલે સરકારને સાન ઠેકાણે આવશે. એક વાર એની અજમાયશ રૂપે મુંબઈના ટાઉનહોલની પાછળના દારૂગોળાની વખારની અંદર આ તોપના ગોળા પડયા પણ ખરા. આ રીતે જુવાનોએ ધમકી આપી હતી કે જો અમારી માગણી મંજૂર નહીં રાખો તો મુંબઈ શહેર પર બોમ્બ ગોળાની એકધારી ધારા વરસશે. આખું શહેર આ બોમ્બની આગમાં ભડભડ સળગી જશે.

આ જુવાનોને 'ફાયર'નો હુકમ અપાય એટલી જ વાર હતી. એ સંકેતની રાહ જોઈને બેઠા હતા. આની પાછળ રહેલા સૂત્રધારનો મકસદ તો આઝાદીને માટે ઝઝૂમતી કોંગ્રેસને સદાને માટે કાળું કલંક લગાડવાની હતી. આઝાદીના આગમનમાં અવરોધ સર્જવાની હતી.

છૂપો દાવપેચ એવો ગોઠવાયો હતો કે દાદરથી કોલાબા સુધીના મુંબઈના ગીચોગીચ વિસ્તારમાં ભીષણ આગ સળગાવવી. મોટા ધડાકા થશે. આગના ધુમાડાના ગોટેગોટા આકાશમાં પથરાઈ જશે. આ આગને જોઈને બ્રિટિશ નૌકાદળ અને બ્રિટિશ હવાઈદળ જ્યાં જ્યાં હિંદી વહાણવટા પથરાયા હોય ત્યાં હિંદી ફોજ હોય એના પર હલ્લો કરીને એમને તારાજ કરી નાખશે.

નૌકાદળના જુવાનો ઉશ્કેરાયા હતા. એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈમાં હતા. સરદાર પટેલને કહેવામાં આવ્યું કે અમે હિંદી જુવાનો આ સરકારનો વિરોધ કરીએ છીએ, તેની સહાનુભૂતિમાં તમે પણ એક દિવસની હડતાલ પાડો. દાવપેચ ખેલનારા સૂત્રધારોનું આયોજન ઘણું મજબૂત હતું. મુંબઈમાં હડતાલ પડે, દરિયામાંથી તોપમારો થાય, શહેર આખું ભડકે બળે અને પ્રતિકારના નામે અંગ્રેજ સરકાર હિંદીઓ પર ત્રાટકે. પછી વિદેશી સરકાર જુલમ આચરે અને દેશની આઝાદીની વાત ખોરંભે પડે.

સરદાર પટેલને આની જાણ થઈ. એમની પાસે દૂરની સ્થિતિનો ખ્યાલ કરવાની ઈશ્વરે આપેલી દીર્ઘદ્રષ્ટિ હતી અને વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાની કુનેહ હતી. એમણે હિંદી જુવાનોની કાર્યવાહક મંડળીને વાટાઘાટ માટે બોલાવી. વાતચીત શરૂ થઈ, યુવાનો ઉશ્કેરાયેલા હતા. એમણે કહ્યું કે આજ સુધી અમારી માગણીઓ અંગ્રેજ અફસરના બહેરા કાન પર અથડાઈ છે. હવે અમે આખા મુંબઈને સળગાવીને અમારી માગણીઓ મંજૂર કરાવીને જ જંપીશું. સરદારે એમને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે આખા મુંબઈ શહેરને સળગાવવાની વાત ભૂલી જાઓ. પણ તમે પહેલાં તમારી હાલતનો તો વિચાર કરો. તમે આઝાદી વિરોધી મોટા ષડયંત્રનો ભોગ બન્યા છો અને એનું પરિણામ એ આવશે કે દેશની આઝાદી દૂર ઠેલાશે અને તમે સહુ મોતના હવાલે થશો. સરદારે સમજાવ્યું કે મુંબઈ તો બળે ત્યારે ખરું, પરંતુ તમારો નૌકાદળનો સરસેનાપતિ તમને તમામને જીવતો રાખશે ખરો ? એ તો પહેલાં તમને મારી નાખીને દરિયામાં દફનાવશે.

યુવાનોએ કહ્યું, 'અમારી માગણીઓનું શું ?' ત્યારે એમણે યુવાનોને સમજાવ્યું કે રાષ્ટ્રની આઝાદી આવી રહી છે. થોડાક મહિનાઓમાં દેશ સ્વતંત્ર થશે, ત્યારે તમે પણ સ્વતંત્ર થશો. એ સમયે તમારી આ માગણીઓ બધી રીતે સંતોષાશે. ભવિષ્યમાં આવી રહેલી લાભદાયી પરિસ્થિતિ તમારા આવાં હિંસક પગલાથી તો ખતરામાં મુકાઈ જશે. આમ જુવાનોને બહુ સારી રીતે સમજાવ્યા. એમને શાંત પાડી, યોગ્ય સલાહ આપીને પાછા વાળ્યા.

બીજી બાજુ દિલ્હીમાં બ્રિટિશ સરકારને સરદારે જાગ્રત કરી. ઉતાવળમાં સરકાર કોઈ પગલું ન ભરે તેવી સૂચના આપી. એ દિવસે સરદાર લાહોર જવાની તૈયારીમાં હતા, પણ મુંબઈની ઘટનાએ એમને રોકી રાખ્યા. બીજી બાજુ પેલા જુવાનો પાછા ફર્યા અને એમની ભંભેરણી શરૂ થઈ. સરદાર મુંબઈથી વિદાય લે, તે પછી મુંબઈને ભસ્મીભૂત કરવું. આથી તેઓ સરદાર રાત્રે એરપોર્ટ પરથી લાહોર જાય એની રાહ જોવા લાગ્યા.

દરમિયાનમાં સરદાર વલ્લભભાઈ પટેલે આ જુવાનિયાઓને ઉશ્કેરનાર સૂત્રધાર કોણ છે તેની માહિતી મેળવી લીધી. એવામાં પેલી ટોળી રાત્રે વિફરી. એમણે ફરી આગ ચાંપવાની કોશિશ કરી. સરદારે કહ્યું, 'હિંસાનો માર્ગ લીધો છે તો તમે મૂઆ પડયા.'

બ્રિટિશ સરકાર પાસે સરદારની માહિતી પહોંચી ચૂકી હતી. બ્રિટિશ કમાન્ડરે સવારે આઠ વાગે આ જુવાનોને શરણે થવાનો હુકમ કર્યો. એ મુદત સરદારે ઠરાવી હતી. વહેલી સવારે ચાર વાગે. વાત થાળે પડી, યુવાનોને ઉશ્કેરનારાના હાથ હેઠા પડયા. સવારે છ વાગે પાકી મસલત થઈ ગઈ અને બરાબર આઠ વાગે આ વીસ જુવાનો વાઈસ-એડમિરલ જોફેને શરણે ગયા. સરદાર વલ્લભભાઈ પટેલની સૂઝ, દીર્ઘદ્રષ્ટિ અને નિર્ભયતાને કારણે એ દિવસે મુંબઈ ભડકે બળતું બચ્યું.

શાયરી

જિંદા હૂં મૈં ઔર જિનેકા અંદાજ ભી હૈ, ચલતા હૂં ઔર ચલને કા રાઝ ભૂ હૈ

આવાજ હૂં ઔર બુલંદી કા ખ્યાલ ભી હૈ, ચાહતા હૂં ઔર કભી ઝૂકના નહીં હૈ.

પ્રસંગકથા

રામ એ અને રાવણ પણ એ 

નાનકડું ગામ. એમાં રામલીલા ચાલે. એક વાર નાટક ભજવનારા અંદરોઅંદર ઝઘડવા લાગ્યા.

ખીચડીમાં ઘી ઓછું પડવાથી ચાર-પાંચ પાત્રો રિસાઈ બેઠાં.

આખી કંપની સાત-આઠ માણસની, પણ સૂત્રધાર મૂંઝાય એવો માનવી નહીં.

એણે રંગમંચની વચ્ચે દોરડું બાંધીને બે ભાગ કર્યા અને પ્રેક્ષકોને કહ્યું, 'જુઓ, તંગીનો જમાનો છે. ઓછા માણસોથી ચલાવવાનું છે. માટે દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી. જ્યારે આ પાત્ર દોરડાની જમણી બાજુ ઊભો રહીને બોલે, ત્યારે ધારી લેવું કે, રામ બોલે છે અને એ જ રામ દોરડાની ડાબી બાજુ જઈ બોલે, ત્યારે સમજવું કે રાવણ બોલે છે.'

નાટક જોવા બેઠેલા એક દર્શકે પૂછ્યું, 'પણ આખરે રામ-રાવણ લડાઈ કરશે તો બે માણસ જોઈશે ને !'

સૂત્રધાર કહે, 'આપણે લડાઈમાં માનતા નથી. સમાધાનમાં માનીએ છીએ. રાવણને એવું નથી કે નીતિ તરફ નજર જ ન કરવી અને રામને એવું નથી કે અનીતિ સામે જોવું પણ નહીં.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે એક જ પાત્ર અનેક ક્ષેત્રોમાં રામ અને રાવણની બેવડી ભૂમિકા ભજવી રહ્યું છે. સ્કૂલ કે કોલેજ સંસ્કારધામ ગણાય, પરંતુ ત્યાં દાનરૂપે મોટી રકમ લેવાય છે અને બીજા રસ્તાઓ અપનાવીને વધુ નફો એકઠો કરાય છે. સમાજસેવા ગણાતો આ વ્યવસાય અત્યારે નફાલક્ષી ઉદ્યોગ બની ગયો છે.

એ જ રીતે ધર્મ અને સમાજસેવાને નામે પણ વેપાર ચાલી રહ્યો છે. શિક્ષણ સાથે સત્તાનું ગઠબંધન વધુને વધુ દ્રઢ થતું જાય છે. રાજકારણની વ્યક્તિ આજે સરસ્વતીની વીણા વગાડે છે. ગંગા અને ગટર વચ્ચે સમાધાન થયું છે અને એમાં બિચારી લાચાર પ્રજાનાં નસીબે 'રામ એ અને રાવણ પણ એ' નાટક જોવાનું અને સહેવાનું રહે છે.

Tags :