- કોઈ પણ ભોગે મારે માનવતાના આ મહાપાપને ડામી દેવું છે...
- સકૂને દિલ ઢૂંઢને મેં જાઉં કિસ તરફ,
યહાં ભી, વહાં ભી, તેરી યાદેં હૈ હર તરફ.
દરિયો ઘૂઘવાટા કરતો કિનારા સાથે અથડાઈ રહ્યો છે. એ દરિયા કાંઠે એક બાળક બેઠો છે. ઘુઘવાટા કરતા દરિયાની સાથોસાથ એનું દિલ પણ ઘુઘવાટા કરી રહ્યું છે.
દર બે મહિને કચ્છના માંડવી બંદરથી આફ્રિકા જવા માટે વહાણો ૨વાના થાય છે. એમાં જંગબારનું બંદર સૌથી વધુ પ્રસિદ્ધ છે. હજારો કચ્છી જુવાનો ત્યાં દોરીલોટો લઈને જાય છે ને ધનવાન થઈને પાછા આવે છે. સહુ કોઈ જંગબાર જાય, તો હું કેમ ન જાઉં? હું પણ જીવનનો જંગ ખેડવા જંગબાર જઈશ... કિશોરના દિલમાં સાહસનાં ભરતીઓટ આવ્યા કરે છે. જે કોઈ મુસાફર જંગબારથી આવે એની પાસેથી વિગતો ભેગી કરે છે. કેવો છે એ પ્રદેશ? કેવા છે ત્યાંના વતનીઓ?
એવામાં એના સગા વહાણ લઈને જંગબાર જતા હતા. બાળક લધાએ સ્ટીમર પર મજૂરીનું કામ લીધું અને પહોંચ્યો જંગબાર. અહીં કચ્છની એક પ્રખ્યાત પેઢી ચાલે. એનું નામ જેરામ શિવજીની પેઢી. અહીં સહુ કોઈ કચ્છીને આશરો મળે.
બાળક લધાએ કચરો સાફ કરવાનું કામ સ્વીકારી લીધું. શ્રમની શરમ એને નહોતી. ધીરે ધીરે દીવાબત્તીનું કામ સોંપાયું. પછી વહાણ સાફ કરવાની કામગીરી મળી. પછી રસોઈકામ અને ત્યાર બાદ પેઢીનું પરચૂરણ કામ સોંપાવા લાગ્યું. જે કામ સોંપાય તે જાત ઘસીને અને દિલ દઈને કરે.
લધાની બાહોશી વખણાવા લાગી. આથી એને એક કપરું કામ સોંપવામાં આવ્યું. જે૨ામ શિવજીની પેઢી બીજા વેપા૨ ઉપરાંત ગુલામોને પકડવાનો વેપાર કરતી હતી. લધાનો મજબૂત બાંધો અને સાહિસક વૃત્તિ જોઈને એને આફ્રિકાનાં ગીચ જંગલોમાં જઈને ગુલામો પકડી લાવવાનું કામ સોંપાયું.
લધો તો જંગલો ફેંદવા લાગ્યો. જ્યાં મળે ત્યાંથી ગુલામોને પકડવા લાગ્યો. આ ગુલામો ઝડપાય તે માટે અગાઉથી કેટલીય તૈયારીઓ કરવી પડતી. સાથે મજબૂત અરબી સિપાઈઓ પણ રાખવા પડતા. આથી લડાઈ થાય તોય વાંધો ન આવે. મોટી મોટી લોખંડની સાંકળોથી ગુલામોને બાંધવામાં આવતા.
એક વાર પકડાયેલો હબસી જિંદગીમાં કદી છટકી ન શકે. પકડવાનું આ કામ ભરી બંદૂકે થતું. નિરક્ષર હબસીઓ બંદૂકથી ખૂબ બીએ. સામો થાય તો પળવારમાં બંદૂકની ગોળી એનો પ્રાણ લઈ લેતી. ઘણીવાર તો પહેલાં બંદૂકથી બે-ચાર હબસીને ઢાળી દેવામાં આવતા. આથી બાકીના બીજા બધા થરથર કાંપતાં, મૂંગે મોંએ શરણે આવી જાય.
રસ્તામાં કોઈ નાસવાની કોશિશ કરે તો એને ચાબૂકનો સખત માર મારવામાં આવતો. ક્યારેક તરફડીને મરી જાય ત્યાં સુધી એના પર ચાબુક વીંઝાતી. હાથે અને પગે બેડીઓ પહેરાવી, ચાબૂક મારીને આ હબસીઓને જાનવરની જેમ લઈ જવામાં આવતા.
એક જગ્યાએ હબસીને પકડયા પછી તરત જ બીજે ઠેકાણે સહુ છાપો મારવા જતા. જેટલા આવે તેટલાને હાથ કરી, કોઈ કોટડીમાં પૂરી રાખતા. એમને થોડું ખાવાનું આપવામાં આવતું ને વધારામાં મીઠાં પાયેલાં ચાબુકો ફટકારવામાં આવતાં. ભૂખ અને યાતનાને લીધે બધા હબસીઓ નરમ ઘેંસ જેવા થઈ જતા. આખરે એમને પકડીને પશુઓની પેઠે વહાણમાં પૂરીને યુરોપના દેશમાં મોકલવામાં આવતા. ત્યાં એમની પાસે ખેતીની કાળી મજૂરી કરાવવામાં આવતી. મોત સુધી આમાંથી એમનો છૂટકારો થાય નહીં.
લધો આ બધું કામ કરે. પેઢી એની કામગીરીની તારીફ કરે. વેપાર વધારી આપવા માટે એના ગુણગાન ગાય. આમ બધી વાત આનંદની, પણ તેમ છતાં લધાના હૃદયમાં આનંદ ન મળે.
લધો હવે લધાભા થયો. ધીરે ધીરે પેઢીમાં નામના થવા લાગી. જંગબારના સુલતાને બાહોશ લધાભાને નાણા ખાતું સોંપ્યું. મોટા મોટા યુરોપિયન વેપારીઓ એમને પૂછવા આવવા લાગ્યા. રાજકારણીઓને ઝવેરાત જોઈએ તો લધાભાને પૂછવામાં આવતું એમની પેઢી તો કરોડપતિની પેઢી બની.
ચોપાસ જાહોજલાલીની છોળો ઉછળે, પણ અંત૨માં લધાભા બેચેન હતા. પિંજરમાં પંખીથીય વધુ બદતર હબસીઓની દશા એમને મખમલી બિછાના પર પણ સતાવતી હતી. આ સમયે રાજ પર મોટી આફત આવી. કાવાદાવામાં લધાભાને સંડોવવામાં આવ્યા, પણ એક બાજુ વીરતાથી તો બીજી બાજુ મુત્સદ્દીગીરીથી લધાભાએ આફતનાં ઓળા દૂર કર્યાં. એમણે ધનની ક્ષણિકતા જોઈ. સત્તાની ચંચળતા જોઈ. એમના પોલાદી દિલમાં માનવસેવાની જ્યોત જાગી ઊઠી. એમની દ્રષ્ટિ દયા અને માનવતા તરફ વળી.
આફ્રિકામાં આ વખતે ગુલામોનો વેપાર મોટા પ્રમાણમાં ચાલે. આમાં લાખો અને કરોડોની કમાણી થતી, પણ જે ગુલામ તરીકે પકડાય તેમની સ્થિતિ તો પશુથીય બદતર રહેતી. માલિક જિવાડે તો જીવે, માલિક મારે તો મરે. દુનિયામાં એમને માટે કોઈ ન્યાય નહીં.
લધાભાએ માનવતાની આ મહાપાને ડામવાનો નિર્ણય કર્યો. આ મહેનતુ માનવી પારકાને ઉપદેશ આપવામાં માનનારો ન હતો. જે કહે તે પહેલાં પોતે કરી જાણનારો હતો. પહેલો કુહાડો પોતાના પગ પર માર્યો. એક દિવસ જાહેર કર્યું કે માનવ કોઈ ગુલામ નહીં. સહુ માનવ સરખા, પછી તે ગોરો હોય કે કાળો! પછી તે યુરોપનો હોય કે આફ્રિકાનો! અને લધાભાએ પોતાની પાસે રહેલા સાત હજાર હબસીઓને મુક્ત માનવ બનાવ્યા. એમને લવિંગની ખેતી શીખવી. પગ પર ઊભા રહેવાનો ઉપાય બતાવ્યો.
આફ્રિકાન અંધારા ખંડમાં આ બનાવ ધરતીકંપથી પણ ભયંકર હતો. ખુદ હબસીઓ મુંઝાઈ ગયા. તેઓ વિચાર કરવા લાગ્યા કે ગોરા માલિક વગર તે કેમ જીવાય? કોઈ આપણને રાખે? કોણ કામ આપે? કોણ ખાવાનું આપે? મોટા વેપારીઓને મન તો આ સત્યાનાશની વાત હતી. હબસીઓ એમને મન માનવ નહોતા, નાણું રળી આપનારા જાનવર હતા. એમણે લધાભાનો ભયંકર વિરોધ કર્યો. જંગબારનું રાજ્ય પણ લધાભા સામે જંગે ચડયું. આટલી બધી મબલક આવક કેમ જવા દેવાય?
લધાભાની આસપાસ આફતની આંધી વીંટળાઈ ગઈ. એવામાં એક ઘટના બની. સંશોધન કરવા નીકળેલા બે અંગ્રેજો આફ્રિકાના ઘનઘોર જંગલમાં ગુમ થઈ ગયા. ઠેર ઠેર તપાસ કરી, પણ ક્યાંયથી સગડ ન મળ્યા. આથી માનવામાં આવ્યું કે નક્કી હબસી લોકોએ એમને પકડી રાખ્યા હશે. હવે એમની ભાળ મેળવવાનું કામ સોંપવું કોને?
અંગ્રેજ સરકારે જંગબારના સુલતાનને આની જવાબદારી સોંપી. સુલતાને આ કામ જે૨ામ શિવજીની પેઢીને સોંપ્યું. પેઢીના શેઠે પહેલાં તો એમણે લધાભાને બોલાવીને ખોવાયેલા બે અંગ્રેજ સંશોધકોને શોધી લાવવાનું કામ સોંપ્યું.
દસ-બાર હબસીઓને લઈને લધાભા ખોવાયેલા અંગ્રેજોની શોધ માટે નીકળ્યા. દસ બાર દિવસ તપાસ કરી પણ કંઈ પત્તો લાગ્યો નહીં. એવામાં એક ખબર આવી. હબસીઓનો એક મોટો મેળો ભરાઈ રહ્યો છે. લધાભા મેળામાં પહોંચ્યા. હબસી સ્ત્રી-પુરુષો કિકિયારીઓ સાથે જોરશોરથી નાચી રહ્યાં હતાં. કેટલાક ગુરુ જેવા લાગતા હબસીઓ દેવીની આરાધના કરતા બેઠા હતા. વચ્ચે એક થાંભલા સાથે બે અંગ્રેજ સાહેબોને બાંધ્યા હતા. લધાભા નજરે પડતાં જ હબસીઓ રાજી થઈ ગયા. તેઓ જાણતા હતા કે આ વીર નરે આપણને ગુલામીમાંથી મુક્ત કરાવવા ઝુંબેશ ઉપાડી છે. ઘણાને મુક્ત કર્યા છે. આ તો આપણો તારણહાર ગુરુ છે.
સહુએ કહ્યું, 'આવો ગુરુ! પધારો પધારો!'
લધાભાએ કહ્યું, 'તમે મને ખરેખર ગુરુ માનો છો ને?'
સહુએ જોરથી 'હા'નો અવાજ કર્યો.
'તો પછી આ ગોરાસાહેબોને છોડી મૂકો. જુઓ, ગુરુની વાત પાછી ઠેલાય નહીં.'
પહેલાં તો સહુ આનાકાની કરવા લાગ્યા. હાથે ચડેલા ગોરાને તે કંઈ જીવતો જવા દેવાય? એમાંય એમનું તો દેવને બલિદાન આપવાનું છે. આવું બલિદાન બીજું ક્યારે મળે?
ફરી લધાભાએ વિનંતી કરી. હબસીઓએ વાત વિચારી. એમને ય થયું કે લધાભાને આપણે તારણહાર માન્યા છે. ગુરુ ગણ્યા છે. તો એમની વાત પાછી ઠેલાય કેવી રીતે? આખરે ગોરાસાહેબોને છોડવામાં આવ્યા.
એમને લઈને લધાભા જંગબાર આવ્યા. પેઢીના શેઠને એમની સોંપણી કરી. શેઠ જંગબારના સુલતાનને મળવા ગયા. સુલતાને માનવંતા ગોરા સાહેબોને ખાસ સ્ટીમરમાં ઇંગ્લેન્ડ મોકલી આપ્યા. સુલતાન સામે ચાલીને લધાભાને મળવા આવ્યા અને એમની શરફરોશી પર ખુશ થતાં કહ્યું, 'લધાભા, માગો! તમે માગશો તે આપીશ.'
લધાભાએ કશું લેવાની આનાકાની કરી, પણ સુલતાને ઘોર આગ્રહ કર્યો ત્યારે લધાભાએ કહ્યું, 'સુલતાન, બહુ કહો છો તો માગી લઉં, આપી શકો તો આપજો. આ ગુલામોનો વેપાર બંધ કરી દો, એ જ મારી માગણી છે.'
સુલતાન આવી વિચિત્ર માગણી જાણીને વિમાસણમાં પડી ગયા. એણે કહ્યું, 'જાઓ, હું ગુલામોનો વેપાર બંધ કરી દઉં છું, પણ તમારે અંગ્રેજોને સમજાવવા પડશે. આ જેરામ ભાની મદદથી પણ કામ પડશે.'
તરત જ પેઢીના સંચાલક જે૨ામ શિવજી બોલી ઊઠયા, 'ભાઈ, હું તો લધાભાના દરિયાવ દિલને જોઈને ખુશ થયો છું. એની માનવતા જોઈને મારું મસ્તક નમી જાય છે. હું પણ જળ લઉં છું કે આજથી જ આ અઢળક કમાણી આપતો ધંધો બંધ કરું છું.'
અને આ દિવસે ગુલામી સામે જેહાદ પોકારનાર તરીકે કચ્છી જુવાન લધાભાના નામ આફ્રિકાના ઇતિહાસમાં અમર થઈ ગયું. એક માનવીએ અનેક માનવતાનાં દીપકોને અજવાળ્યાં!
પ્રસંગકથા
ટ્રમ્પની દુનિયા : અબી બોલા, અબી ફોક !
રંગભૂમિનો કલાકાર. એને તખ્તાને બદલે રૂપેરી પડદે કામ કરવાનું મન થયું, આથી એક ફિલ્મ નિર્માતા પાસે ગયો અને ફિલ્મમાં કોઈ રોલ આપવા વિનંતી કરી.
રંગમંચના અભિનેતાએ પોતે જે જુદાં જુદાં નાટકોમાં કામ કર્યું છે એની વિગતો આપી. એમાં કેવાં કેવાં પાત્રો ભજવ્યાં એની વાત કરી. આ બધું કહ્યા પછી છેવટે કહ્યું, 'ફિલ્મમાં હું જરૂ૨ સફળ થઈશ અને એક દિવસ મોટો કલાકાર થઈશ એવી મને પૂરી શ્રદ્ધા છે.' ફિલ્મ નિર્માતાએ આ બધી વાત સાંભળ્યા પછી એને કહ્યું, 'જુઓ, નાટકની કલા અને ફિલ્મની કલા જુદી છે. બંને કલા એના કલાકાર પાસે ભિન્ન ભિન્ન શક્તિઓ માગે છે. તમે નાટકમાં સફળ ગયા હશો, પણ તેથી ફિલ્મમાં કોઈ મોટો રોલ આપવાનું સાહસ કરી શકું નહીં.'
રંગમંચના અભિનેતાએ તો પોતાની વાત પકડી રાખી અને કહ્યું, 'અરે સાહેબ, કલાકાર એટલે કલાકાર. કલાનું મહત્ત્વ છે, માધ્યમનું નહીં. આથી ફિલ્મમાં કામ કરતા મને કશી તકલીફ નહીં પડે.'
નિર્માતા અકળાયા. એમને થયું કે આને ફિલ્મના માધ્યમની વિશેષતાની કશી ખબર નથી અને ખોટો આગ્રહ કરે છે. આથી નાટકના અદાકારને સમજાવતાં કહ્યું, 'જુઓ, નાટકની અદાકારી અને ફિલ્મની અદાકારી જુદી ચીજ છે. નાટકમાં સામે પ્રેક્ષક બેઠો હોય, જ્યારે ફિલ્મમાં તો સામે માત્ર કેમેરો જ હોય અને તમારે અભિનય કરવાનો હોય. સામે પ્રેક્ષકો ન હોય અને તમને અભિનય કરવાનું ફાવે ખરું ?'
નાટકના અભિનેતાએ કહ્યું, 'જરૂર ફાવે, આવું બનવાને કારણે તો મેં ફિલ્મમાં કામ કરવાનું નક્કી કર્યું.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રાજનીતિ રોજ બદલાય છે. પહેલા વધુ ટેરિફ ઝીંકે છે, પછી એકાએક ઓછો કરી દે છે. પહેલાં ચીનનો સખત વિરોધ કરે છે અને પછી તરત જ ચીન સાથે દોસ્તીના હાથ મિલાવે છે. અમેરિકામાંથી એચ-વનબી વિસા ધરાવનારની હકાલપટ્ટી ધરાવનારની વાત કરે છે, અને થોડા સમયમાં વળી વિદેશીઓને આવકારવાની વાત કરે છે. કહેવાય છે કે ટ્રમ્પના બદલતા વિધાનોને સમજાવવા માટે અમેરિકાએ એક મિનિસ્ટર રાખવો પડે.
આશા રાખીએ કે અમેરિકા એના સંબંધોની સ્થિરતા વિશે વિચારે અને વિશ્વના રાજકારણને આમ-તેમ ફંગોળાતું અટકાવે!


