અમે બાળકીને બચાવીશું ખરા, પણ એને જીવાડવી પડશે તમારે જ !
- જીવન એટલે વેદનાની કરૂણ ચીસ સાથે, નિશ્વાસ નાખતાં શ્વાસ પૂરા કરવાનો ખેલ !
- મહારાષ્ટ્રના પંઢરપુર શહેર નજીકના એક નાનકડા ગામમાં આજે સિત્તેર વર્ષના મંગલ તાઈ એચ.આઈ.વી.થી પીડિત 150 જેટલા અનાથ બાળકો માટે પાલવી નામની સંસ્થા દ્વારા કાર્ય કરી રહ્યા છે
ખુલે હાથ સે ગમે - દૌલત લુટા દી મુઝ પે,
જિંદગી સે ફિર કયોં ગિલા સા રહતા હૈ.
આજે વર્ષો વીત્યા છતાં આફ્રિકાના નેરોબી શહેરથી થોડે દૂર આવેલી ઝૂંપડપટ્ટીના એ ભયાવહ દ્રશ્યો હજી આંખ સામે તરવરે છે !
ગરીબી, બેહાલી અને વ્યસનની નાગચૂડમાં રીબાતા ગરીબોને માથે રોજ ભુખના કોરડા વિંઝાતા હોય, હાડપિંજર પર ચામડી લપેટી હોય એવું શરીર થઈ ગયું હોય, જીવનમાં નકરી શૂન્યતા હોય અને માત્ર એક જ વસ્તુની રાહ જોતા હોય કે ક્યારે રઝળતા રઝળતા આ મોત ક્યારે વ્હાલું થાય.
એમાં પણ એચ.આઈ.વી. પોઝિટીવથી ગ્રસ્તની સ્થિતિ તો એવી દયાજનક હોય કે માણસને જીવન પરથી નહીં, બલ્કે માણસની ઈશ્વર પરથી શ્રદ્ધા ઊઠી જાય !
ઘરમાં પાળેલા કૂતરાને પ્રેમથી બોલાવીને રોટલો ખવડાવવામાં આવે, પરંતુ ઘરના કોઈ સ્વજનને જો એચ.આઈ.વી. સંક્રમણ થયું, તો એને ઘરમાંથી ધક્કો મારી બહાર કાઢવામાં આવે, એટલું જ નહીં બલ્કે ઘરની બહાર એને દૂરથી રોટલો ફેંકવામાં આવે.
એચ.આઈ.વી.ગ્રસ્ત બાળક હોય કે યુવતી હોય, પણ એનું જીવન જીવતા નરકની યાતનામાંથી જ પસાર થતું હોય. એ બાળકના જીવનમાં એઇડ્ઝ થવાને કારણે એની જરૂરી કાળજી લેવાતી નથી તો બીજી બાજુ એને રહેવા માટે કોઈ આશરો મળતો નથી. તેથી એમનું નિર્દય રીતે જાતીય શોષણ કરવામાં આવે છે. માદક દ્રવ્યોની હેરાફેરી કરતાં તત્ત્વોના એ હાથમાં સપડાય છે અને ક્યારેક એ સ્વયં માદક દ્રવ્યોનો ભોગ બને છે. શોષણયુક્ત બાળમજૂરીનો શિકાર થાય છે અને એની પાસે ભીખ મંગાવનારા લોકો એને ત્રાસ આપતા હોય છે.
પોષણ અને આરોગ્ય જેવી બાબતો તો ક્યાંથી એમના સુધી પહોંચે ? ઘરમાંથી હકાલપટ્ટી પામનાર બાળકને શાળામાં પ્રવેશ ક્યાંથી મળે ? આથી બેહાલ દશામાં શેરીઓમાં ભટકતા ભટકતા કોઈ ખૂણામાં એ મોતની ચાદર ઓઢી લે છે. કેટલાક એમના નબળા સ્વાસ્થ્યને કારણે તરફડી તરફડીને મરવાને વાંકે જીવતા હોય છે. એચ.આઈ.વી.ગ્રસ્ત યુવતીઓની સ્થિતિ તો અત્યંત બદતર હોય છે. એમના દૂરનાં સગાંઓ દ્વારા એ બળાત્કારનો શિકાર બનતી હોય છે અને સતત શારીરિક શોષણથી પીડાતી હોય છે. શાળાઓ એમને પ્રવેશ આપતી નથી અને એમાં પણ આ છોકરીઓનાં માતા-પિતાનું મૃત્યુ થાય એટલે એમને ઘરનું સઘળું કામ કરવાની ફરજ પાડવામાં આવે છે, પરંતુ આ જગતમાં જેમ ઘોર અંધકાર છે, તેમ ઝળહળતો પ્રકાશ પણ છે. મહારાષ્ટ્રના પંઢરપુર શહેર નજીકના એક નાનકડા ગામમાં આજે સિત્તેર વર્ષના મંગલ તાઈ એચ.આઈ.વી.થી પીડિત ૧૫૦ જેટલા અનાથ બાળકો માટે પાલવી નામની સંસ્થા દ્વારા કાર્ય કરી રહ્યા છે.
એમનું આખું નામ છે મંગલ અરુણ શાહ, પણ સહુ એમને 'મંગલ તાઈ' તરીકે ઓળખે છે. મરાઠીમાં 'તાઈ' એટલે 'મોટી બહેન' અને એમ એ સહુની મોટી બહેન હોય એ રીતે સંભાળ લે છે. એક વાર એમને જાણ થઈ કે અઢી વર્ષની અને દોઢ વર્ષની બે બાળકીઓને નજીકના ગામમાં ગાયના ગમાણમાં બાકીના શ્વાસ પૂરા કરવા માટે ત્યજી દેવાઈ છે. આ સાંભળી મંગલ તાઈનું હૃદય વેદનાથી છલકાઈ ગયું અને તેઓ તરત જ એ ગામમાં દોડી ગયાં. એમને ખ્યાલ આવ્યો કે જે બાળકીઓને આવી રીતે નોંધારી ત્યજી દેવામાં આવી છે, એમના માતા-પિતા એઇડ્ઝને કારણે મૃત્યુ પામ્યા હતા. આ બંને છોકરીઓ પણ એચ.આઈ.વી. પોઝિટીવ હતી, આથી એમનાં સગાવહાલાંઓએ એમને ગમાણના એક છેડે ગૌશાળામાં ત્યજી દીધી હતી.
એની પાછળનું એક કારણ એ હતું કે પરિવારમાં કોઈને એઇડ્ઝ હોય તે ભારે શરમજનક બાબત ગણાતી હતી. વળી એનો કોઈને ચેપ લાગે, તો શું થાય ? સ્પર્શથી આ રોગનો ચેપ લાગે છે, એવી ખોટી માન્યતા ઘર કરી ગઈ હતી. મંગલ તાઈએ સહુને સમજાવ્યા અને ગ્રામજનોને પણ કહ્યું કે, 'છોકરીઓની તમે સંભાળ લો તો સારું, પણ કોઈ એમને સ્વીકારવા તૈયાર નહોતા.'
હવે કરવું શું ? એમને આમ નોંધારા તો કઈ રીતે છોડી દેવાય ? આથી મંગલ તાઈ અને એમની પુત્રી ડિમ્પલે આ બંને બાળકીઓને પોતાના ઘેર લઈ જઈને ઉછેરવાનો વિચાર કર્યો. એમણે આ છોકરીઓને ભોજન આપ્યું, સ્નાન કરાવ્યું અને પછી વિચાર્યું કે કોઈ અનાથાશ્રમમાં અથવા તો આવા એચ.આઈ.વી. પોઝિટીવ બાળકોની સંભાળ લેતા સેવા સદનમાં મૂકી આવીએ, પરંતુ આખાય સોલાપુર જિલ્લામાં અને સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં આવા રોગગ્રસ્તની સંભાળ લેનારી કોઈ સંસ્થા મળી નહીં.
બીજી બાજુ કોઈ સરકારી હોસ્પિટલ એમને દાખલ કરવા તૈયાર નહોતી. અનાથ બાળકો માટે અનેક સંસ્થાઓ ચાલતી હતી, પરંતુ એ સંસ્થાઓએ જ્યારે જાણ્યું કે આ બાળકો એચ.આઈ.વી. ધરાવતા બાળકો છે, તો એમને પ્રવેશ આપવાનો ધરાર ઈન્કાર કરી દીધો, આખરે મંગલ તાઈએ વિચાર કર્યો કે, 'જેનું કોઈ નથી એને મારે મારા માનીને અપનાવી લેવા જોઈએ.' બીજી કોઈ સંસ્થાની શોધ કરવાને બદલે એમણે જાતે જ આ બે નાની બાળકીઓની સંભાળ લેવાનું નક્કી કર્યું. મંગલ તાઈએ પોતાનો નિર્ણય પરિવારને જણાવ્યો. પહેલા તો પરિવાર અકળાઈ ઊઠયો, પણ ધીરે ધીરે મંગલ તાઈનો મક્કમ ઈરાદો જોઈને એમનો વિરોધ શાંત થઈ ગયો.
મંગલ તાઈનું કામ સહેજે આસાન નહોતું, એનું કારણ એ કે એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકોને રહેવા માટે ઘર આપવા કોણ તૈયાર થાય ? અને જો તૈયાર થાય તો આસપાસનાં રહેવાસીઓ વિરોધ કરે. બીજી બાજુ મંગલ તાઈ અને ડિમ્પલે નક્કી કર્યું હતું કે, 'આવાં બાળકોને શેરીઓમાં ભૂખ્યા-તરસ્યા મરવા માટે છોડી દેવા નથી.'
વળી એક એવી ઘટના પણ જોઈ કે અહીંના રેલ્વે સ્ટેશન પર એક સફાઈ કામદારે એક કૂતરાને મોંમાં પ્લાસ્ટિકની બેગ લઈને ભાગતો જોયો એ થેલીમાંથી બહાર લોહી ટપકતું હતું. પેલા સફાઈ કામદારને થયું કે થેલીમાં તો એવું શું હશે ? આથી એણે કૂતરાને ડરાવ્યો અને એ કૂતરો પ્લાસ્ટિકની બેગ છોડીને ભાગી ગયો. એ બેગમાં એક નવજાત શિશુ હતું. એ બાળકને કૂતરાએ થોડો કરડી ખાધો હતો અને એમાંથી લોહી નીકળતું હતું. એને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા, પણ જ્યારે ડોક્ટરને જાણ થઈ કે આ બાળક એચ.આઈ.વી. પોઝિટીવ છે, ત્યારે એમણે કહ્યું કે અમે આ બાળકને બચાવીશું તો ખરા, પણ તમારે એને જીવાડવું પડશે અને મંગલ તાઈએ એ કામ માથે લીધું અને એણે 'પલવી' નામનું કેર હોમ શરૂ કર્યું.
ઈ. સ. ૨૦૦૧ના માર્ચ મહિનામાં એની સ્થાપના થઈ અને પલવીનો અર્થ છે 'છોડના નવાં પાંદડાં'. આ પલવી સંસ્થા એ મહારાષ્ટ્રમાં એચ.આઈ.વી.ગ્રસ્તની સંભાળ લેતી પહેલી સંસ્થા બની. આજે બે નાની બાળકીઓની સંભાળ માટે શરૂ થયેલી આ સંસ્થાને ૭૦ વર્ષીય મંગલ તાઈ અને એમની પુત્રી ડિમ્પલ અને એમના પૌત્રો સંભાળે છે અને એચ.આઈ.વી. ધરાવતા ૧૨૫ અનાથ બાળકોની એ સંભાળ લે છે. એમણે આ બાળકોને આરોગ્ય, શિક્ષણ, સલામત અને કલંકમુક્ત વાતાવરણ આપવાની સાથોસાથ હૃદયનો પ્રેમ અને ચહેરા પરનું હાસ્ય પણ આપ્યું છે.
મંગલ તાઈ અગાઉ નિરાધાર મહિલાઓ માટે રસોડું ચલાવતા હતાં અને સરકારી હોસ્પિટલમાં રક્તપિત્ત અને એચ.આઈ.વી. પોઝિટીવ દર્દીઓ માટે નર્સ તરીકે સ્વૈચ્છિક સેવા આપતા હતા. એ સમયે જ એમણે આવા રોગ સાથે જીવતા લોકો પ્રત્યે આચરવામાં આવતી, હૈયું કંપાવી નાખતી ક્રતાને જોઈ હતી, તો બીજી બાજુ એમની પુત્રી ડિમ્પલ પણ અનાથ આશ્રમોમાં સ્વયંસેવક તરીકે, રક્તપિત્તનાં દર્દીઓ, નિરાધાર મહિલાઓ અને સેક્સવર્કરોને મદદ આપતી હતી. આમ સેવાભાવના બંનેના લોહીમાં વહેતી હતી. સ્વામી વિવેકાનંદ, બાબા આમટે અને મધર ટેરેસાથી તેઓ પ્રભાવિત હતા.
મંગલ તાઈએ ખુદ કેર હોમ બનાવવાનું નક્કી કર્યું. એમણે પંઢરપુર નજીકના નાનકડા ગામ ટકલીમાં પોતાની સંસ્થાની સ્થાપના કરવાનું નક્કી કર્યું, ત્યારે એના ગ્રામજનોએ કશો ઉત્સાહ બતાવ્યો નહીં, બલ્કે એમની આ યોજના પર ઠંડું પાણી રેડવા પ્રયાસ કર્યો. કેટલાકે તો કહ્યું કે,'ગમાણમાંથી મળેલી આ બે બાળકીઓની આટલી બધી ફિકર શા માટે કરો છો ? માતાની માફક આવું જતન કરવાને બદલે એને નજીકના જંગલમાં મૂકી આવો અને એ બિચારી એની આવરદા હશે ત્યાં સુધી એ જીવશે.'
કોઈએ તો એવો તર્ક પણ આપ્યો કે,'વહેલા કે મોડા તેઓ મૃત્યુ પામવાના જ છે, તો પછી એમને જીવાડવા માટે આટલી બધી કોશિશ કરવાનો આવો કોઈ અર્થ ખરો ?'
આથી ગામમાંથી કોઈ કેર હોમ માટે મકાન ભાડે આપવા માટે તૈયાર થયા નહીં. મંગલ તાઈ જાણતા હતા કે આ લોકોના મનમાં એચ.આઈ.વી. પોઝિટીવ અંગે ઘણી ખોટી માન્યતાઓ છે અને એથી તે એનો વિરોધ કરે છે. આથી એમણે બે નિર્ધાર કર્યા. એક તો મારે આવાં બાળકો માટે સંસ્થા સ્થાપવી અને એથીયે વધુ તો સમાજમાં ફેલાયેલી આ રોગ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ દૂર કરવી. પડકારના આ બે હિમાલય પાર કરવાનો કર્મયોગ શરૂ કર્યો.
(ક્રમશ:)
પ્રસંગકથા
દેશના વિરોધ પક્ષની વિદેશી કામગીરી !
અદાલતમાં એક કેસ ચાલતો હતો. ન્યાયાધીશે અપરાધીને પૂછ્યું, 'બોલો, તમારે કેટલા ભાઇ છે ?'
અપરાધીએ કહ્યું, 'સાહેબ, મારે કોઇ ભાઇ નથી.'
તરત જ ન્યાયાધીશ ગુસ્સે ભરાઇને બોલી ઊઠયાં, 'તમે ખોટું બોલો છો. ખોટું બોલતાં તમને શરમ આવતી નથી ?'
અપરાધીએ ફરી નમ્રતાથી કહ્યું, 'ના સાહેબ, હું સાવ સાચું કહું છું. મારે કોઈ ભાઈ નથી.'
ન્યાયાધીશનો મિજાજ હાથમાંથી ગયો. એ બોલી ઊઠયા, તમારા પહેલાં તમારી બહેનની જુબાની લેવામાં આવી. એણે કહ્યું કે મારે એક ભાઇ છે. અદાલતમાં ખોટું બોલવા બદલ તને સજા થશે.'
અપરાધી વિચારમાં પડયો કે આવી સીધી સાદી વાત કેમ સમજાતી નહીં હોય !
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે ચીન ભારતને પરેશાન કરવાની રોજેરોજ નવી તરકીબો અજમાવે છે. પાકિસ્તાન દ્વારા આતંકીઓ જમ્મુ કાશ્મીર અને અન્યત્ર આતંક મચાવવાની કોશિશ કરે છે. બાંગ્લાદેશમાં ભારે વિરોધ ચાલી રહ્યો છે, મણિપુરની વિકટ પરિસ્થિતિ છે અને દેશમાં રેલ્વે અકસ્માતો કે કુદરતી આપત્તિઓ વારંવાર આવતી હોય છે.
આવા સમયે દેશની ફિકર કરવાને બદલે વિરોધ પક્ષ વિદેશમાં જઇને દેશની બદબોઇ કરે છે. એમને દેશની તરક્કીને બદલે પક્ષની પ્રગતિનો ખ્યાલ સતાવે છે અને એથીયે વિશેષ તો એ ભારત વિરોધી તત્વોના હાથા બની જાય છે.
આપણને સવાલ એ જાગે કે દેશની એકતા અને અખંડિતતા માટેની આવી સીધીસાદી વાત પણ આ વિરોધ પક્ષના નેતાઓને કેમ સમજાતી નહીં હોય. આશા રાખીએ કે દેશને તોડવાને બદલે એની ભાવિ પ્રગતિનો વિચાર કરીને સાથ આપે.