For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બસ, જાઉં છું! સ્વાધીનતા કાજે વીરને મોત ભેટું છું...

Updated: Jan 25th, 2024

Article Content Image

- તોપ, કાળું પાણી કે ફાંસી કરતાં દેશનો વિશ્વાસઘાત વધુ ભયંકર છે 

- એક પલ કે લિયે તુમ સફર મેં મિલે,

ફિર કભી ના મુઝે ઉમ્ર ભર મેં મિલે.

પ્રજાસત્તાક દેશની ઈમારતના પાયામાં કેટલીય જાણી અજાણી ઈંટો પડેલી છે. કેટલાકને જીવતા સિંહાસન મળ્યાં, તો કેટલાકે મર્યા પછી કીર્તિહાર મેળવ્યા, પરંતુ કોઈ હિંદી તવારીખમાં જેનો ઉલ્લેખ નથી એવી શહીદીની આ વાત છે. એનું નામ અંગ્રેજ કેપ્ટન મેડોઝ ટેલરની ડાયરીમાં મળે છે.

હૈદરાબાદ રિયાસતમાં આવેલ જોરાપુરની જાગીરનો એ બાલરાજા! ઉંમર ભાગ્યે જ બારેક વર્ષની હશે. ભારતના સાડાત્રણ ડાહ્યા માણસોમાં સર સાલાર જંગ હૈદરાબાદની નિઝામી સરકારના આગેવાન એમનું ધાર્યું થાય. રાજામાત્રનું નિકંદન કાઢનારી 'સહાયકારી યોજના'નો એમણે સર્વપ્રથમ સ્વીકાર કરી રાજાશાહીના સર્વનાશના ઊંધા ગણેશ બેસાડયા.

જોરાપુરના આ બાલરાજા દેખાવડો હતો, ચપળ હતો, કેટલાંય અંગ્રેજ યુવકયુવતીઓનો માનીતો હતો. કેપ્ટન મેડોઝ ટેલરનો એ ખાસ પ્રીતિપાત્ર હતો. અંગ્રેજોએ બાલરાજા માટે વિલાયતથી હાલતાંચાલતાં રમકડાં મંગાવીને ભેટ આપતા. એક દિવસ ન જાણે ક્યાંથી આ બાલરાજાને લગની લાગી કે આપણા દેશની ખરાબીનું કારણ આ અંગ્રેજો જ છે! આપણા મગજની ખરાબીનું કારણ આ ઘોર ગુલામી છે! એ બાલરાજાએ નિરધાર કર્યો: 'મારે ઊંટ થવું નથી. ઊંટ જેવી રાજાશાહી મને ખપતી નથી.'

આ વખતે કેટલુંક સાહિત્ય ક્યાંયથી બાલરાજા પાસે પહોંચ્યું. કોઈ કોઈ અજબ બુરખાધારીઓ આવીને રાજાના મહેમાન બની ગયા. સત્તાવનનાં પ્રતીક રોટી ને કમળફૂલ પણ આવ્યાં. બાલારાજાએ આખરી નિરધાર કર્યો કે મારે મારી શક્તિ મુજબ લડી લેવું. અંગ્રેજોને હિંદની ધરતી પરથી હાંકી કાઢવા. એણે રમકડાંની સેના વિખેરી નાખી. સ્વામીભક્ત આરબ ને રોહિલા પઠાણોની સેના એકત્ર કરી.

અંગ્રેજોને હિંદની ધરતી પરથી હાંકી કાઢવાના મનસૂબામાં બાલરાજા ડૂબી ગયો. એને હવે વિદ્રોહ જગાવ્યા વગર ચેન નહોતું.

રાજાની મહેમાનગતિ માણવા આવતાં ચતુર અંગ્રેજ નર-નારને છેલ્લા વખતથી બાલરાજાના આદરભાવમાં ઓટ જણાવા લાગી હતી. પહેલાં અંગ્રેજ સ્ત્રીઓના પડખામાં ભરાતો બાલરાજા હવે સૈનિકની અદાથી દૂર અક્કડ ઊભો રહી વાત કરતો. એના અવાજમાં એક રાજવીની ખુમારી ગાજતી હતી.

અંગ્રેજો માટે આ નવો અનુભવ હતો. તેઓએ આ બાલરાજાને સાવ ભોળું મૃગબાળ ન માનતાં, ઊંડી તપાસ કરવા માંડી. થોડી વારમાં જ એમને ખબર પડી ગઈ કે પોતાની મહેરબાનીના જામ પીને મોટું થતું બચ્ચું વાઘનું બચ્ચું છે. તેને જાણ થઈ ગઈ છે કે હું ગુલામ નથી, વન-જંગલના રાજવીનું સિંહસંતાન છું. માટે સાવધ રહો, આ વ્યાઘ્રશિશુથી, સિંહસંતાનથી! એક રિપોર્ટ તૈયાર કરી અંગ્રેજોએ હૈદ્રાબાદના નિઝામને મોકલી આપ્યો.

* * *

ઈ.સ. ૧૮૫૮નો ફેબુ્રઆરી મહિનો ચાલતો હતો. બાલરાજા પૂરતી તૈયારીઓ કરી હૈદરાબાદ આવ્યો. એલાન મળતાં સહુએ અંગ્રેજો સામે જંગમાં ઊતરી પડવું, એવો આખરી નિર્ણય થયો. બાલરાજા પોતાની કામગીરી પતાવી પાછા ફરવાની તૈયારી કરતો હતો, ત્યાં રાજા સાલારજંગનું તેડું આવ્યું. બાલારાજાને આ તક સોનેરી લાગી. 

બાલરાજા કલ્પનાની સોનેરી દુનિયામાં રમી રહ્યો. પછી ટલર અપ્પા આવશે, મને મીઠી જબાનથી બોલાવશે, પટાવશે. હું કહીશ, તમારે રહેવું હોય તો અમારા આશ્રિત થઈને રહો! એ વિના બચવાનો આરો કે ઓવારો નથી!

ટેલર અપ્પા એટલે કેપ્ટન મેડોઝ ટેલર! કલ્પનાના વ્યોમમાં સ્વૈરવિહાર કરતો બાલરાજા હૈદ્રાબાદના રાજમહેલમાં પહોંચ્યો. દરબારના ખંડમાં જઈને ઉત્સાહભેર બેઠો. ત્યાં તો ચારે તરફથી સશસ્ત્ર સિપાઈઓ ધસી આવ્યા. બાલરાજા બંદીવાન બની ગયો.

'અરે, પણ મારે સર સાલા૨જંગને મળવું છે! તેમણે મને બોલાવ્યો છે.' બાલરાજાએ કહ્યું.

'સરના કહેવાથી જ તમને ગિરફતા૨ ક૨વામાં આવ્યા છે.'

'મારો ગુનો?'

'અંગ્રેજો સામે ફિતુરની તૈયારી.'

'પણ હૈદરાબાદ રાજ્ય સાથે તો મારી સદાની વફાદારી છે!' બાલરાજાએ કહ્યું.

'આ રાજ અંગ્રેજો સાથે વફાદારીના કોલથી બંધાયું છે, એટલે અંગ્રેજો સામે બળવો ક૨વો એ રાજ સામે બળવો કરવા બરાબર છે. તમને પકડીને ન્યાય માટે અંગ્રેજોને હવાલે કરવા એવો નિઝામ સ૨કા૨નો હુકમ છે.'

'શું ન્યાય અંગ્રેજોને ત્યાં જ છે? આપણે ત્યાં નથી? પણ મારો ન્યાય નિઝામ સ૨કા૨ શા માટે ન કરે?'

'નિઝામ સ૨કા૨ અંગ્રેજ સલ્તનતની મિત્ર છે.'

'અરે, પણ અમે તો નિઝામની પ્રજા છીએ. પોતાની પ્રજા વધે કે પરદેશી મિત્ર વધે?' બાલરાજાએ કહ્યું.

'અમે વધુ ન જાણીએ, તમારી સામે અંગ્રેજ સલ્તનતના આક્ષેપો છે. તમે તેઓનો દ્વેષ કરો છો.'

'પોતાને ગુલામ બનાવનારનો માણસ દ્વેષ ન કરે તો શું પ્રેમ કરે? માથું કાપનારને શું પાઘડી બંધાવે?' 

'આ જ તમારી ગે૨સમજ છે. અંગ્રેજો પ્રભુના પ્રેર્યા આ દેશમાં આવ્યા છે. એમના હાથે આ પડેલા દેશનો ઉદ્ધાર થવાનો છે. એનો દ્વેષ કરવો એ ઊગતા સૂરજ સામે ધૂળ ફેંકવા બરાબર છે.'

'માણસમાત્રે પોતાની સ્વતંત્રતા માટે પ્રયત્ન કરવો જોઈએ. પછી એનું ફળ ભલે સૂરજ સામે ધૂળ ફેંકવા જેવું આવે. ગુલામી નભાવી લેવા જેવી વસ્તુ નથી.'

બાલરાજા પોતાની રીતે દલીલો કરી રહ્યો હતો. ભલભલા મુત્સદ્દીઓ માટે પણ આ બાલરાજાને સમજાવવો મુશ્કેલ બન્યો. એણે છેલ્લે છેલ્લે કહ્યું : 'હું અંગ્રેજોની દયા કદી નહીં માગું. એ મારા મિત્ર છે, મને એમના પર પ્યાર છે, પણ સોનાની છરી ભેટમાં ખોસાય, પેટમાં ન મરાય. અમારી સ્વતંત્રતા એ હશે, ને પછી મિત્રતાની મોટી મોટી વાતો કરે, એ કદી ન પાલવે.' 

બાલરાજાને અંગ્રેજોને આધીન કરવામાં આવ્યો.

*  * *

બાલરાજા માટે ન્યાયનું નાટક મંડાય, તે પહેલાં કેપ્ટન ટેલ૨ એને સમજાવવા જેલમાં ગયો, ને બાલરાજાને પ્યારથી સમજાવ્યું : 'રાજાસાહેબ! તમે તો અમારા માણસ છો, ભોળા છો, બાલરાજા છો. તમને ભોળવના૨ બીજા બદમાશોે છે. તેઓનાં નામ આપો, પછી તમે છૂટા છો.'

'અપ્પા! એવી માગણી મારી પાસે કરશો નહીં. હું ગદ્દાર નથી, હું બંધનમાંથી છૂટવા બીજાને નહીં બાંધું. હું કંઈ જાણતો નથી.' બાલરાજાએ કહ્યું.

'ચાલો અહીંના રેસિડેન્ટને મળીએ.'

'મળીને શું કરવું છે? તમે માનતા હશો કે હું લાચારી કરીશ! તમે ભૂલો છો! હું કાય૨ની જેમ સો વર્ષ જીવવા કરતાં, વી૨ની જેમ આજે ને આજે મરવું શ્રેષ્ઠ માનું છે.'

કેપ્ટન ટેલર ફરી બીજે દિવસે મબાલરાજાને બાલહઠ છોડી દેવા સમજાવ્યું અને સાથે સાથે જણાવ્યું કે, 'થોડાંક નામ આપો, અને તમે છૂટા છો.'

બાલરાજાએ કહ્યું : 'તમારો પ્રયત્ન વ્યર્થ છે.'

'તો મૃત્યુદંડ તમારા માટે તૈયાર છે.' 

'અપ્પા! તોપ, કાળું પાણી, ફાંસી એ બધાં કરતાં દેશનો વિશ્વાસઘાત વધુ ભયંકર છે. દેશભક્તોનાં નામ આપી, દેશદ્રોહ કરવા કરતાં મરી જવું બહેતર છે.' અંગ્રેજોએ ન્યાયનું નાટક આગળ ચલાવ્યું અને બાલરાજાને મૃત્યુદંડ આપવામાં આવ્યો.

આ વખતે બાલરાજાએ કેપ્ટન મેડોઝ ટેલરને પાસે બોલાવ્યો. કેપ્ટન ટેલર સમજ્યો કે બાલરાજા હવે ડર્યો લાગે છે, પોતાના મદદગારનાં નામ જરૂર આપી દેશે. બાલરાજાએ તેને એક બાજુ બોલાવી કહ્યું : 'અપ્પા! એક વિનંતી કરવાની છે. હું દેશનો સિપાઈ છું. મને ફાંસીએ ન ચઢાવશો. તોપના મોંએ કે બંદૂકની ગોળીએ દેજો. જોજો, કેવો હસતો હસતો હું શહીદ બનીશ!'

કેપ્ટન ટેલરને આ છોકરા તરફ દયા ઊપજી. એના રાષ્ટ્રપ્રેમને એના રાષ્ટ્રપ્રેમી અંગ્રેજહૃદયે ધન્યવાદ આપ્યા. પોતાની લાગવગ લગાવી મૃત્યુદંડની સજા કાળા પાણીમાં ફેરવી નખાવી.

બાલરાજાએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેના શોકનો પાર ન રહ્યો. અરેરે! મને કમોતે મારવાનો ત્રાગડો રચ્યો!

* * *

એક દિવસ જેલનો તોતિંગ દરવાજો ખૂલ્યો! બાલરાજા હસતો હસતો ઊઠયો. સહુની સાથે ખુશમિજાજ બની હાથ મિલાવવા લાગ્યો. એના મોંમાં સરફરોશીનું મીઠું મીઠું ગીત હતું. બધાના દિલનો પ્યાર આ ફૂટડા બાલરાજાએ જીતી લીધો હતો. એ હાથ મિલાવતો આગળ વધ્યો. કમરમાં પિસ્તોલધારી એક અંગ્રેજ અમલદાર ત્યાં ઊભો હતો. બાલરાજાએ એની સાથે હાથ મિલાવ્યા, સાથે સાથે એની રિવોલ્વર ખેંચી લીધી. આંખના પલકારામાં એક બાર, બે બાર, ત્રણ બાર!

અરે! કોના પર બાર? બધે હો-હા થઇ ગઇ...

જોયું તો બાલરાજાએ પોતાના દેહ પર પોતાને હાથે ગોળી ચલાવી દીધી હતી. છાતીમાંથી લોહીનો ફુવારો છૂટયો હતો. પૃથ્વીસરસો ઢળેલો બાલરાજા બોલ્યો : 'હું કાળા પાણી કરતાં મોત વધુ પસંદ કરું છું! કેદ અને કાળું પાણી મારે ત્યાંનો જંગલી માણસ પણ પસંદ ન કરે, પછી હું તો તેનો રાજા છું! બસ જાઉં છું, વીરને મોતે મરૃં છું!'

સ્વાધીનતાની એ જ્યોત અનામી દિવસે બુઝાઇ ગઇ.

પ્રસંગકથા

સાવ અસલામત છે આપણી સલામતી 

ચીનમાં કન્ફ્યુશિયસ નામનો જ્ઞાની પુરુષ અને ધર્ર્મપુરુષ થઈ ગયો. એ એક સમયે ઉચ્ચ રાજકીય હોદ્દો ધરાવતા હતા. એમની સમક્ષ અદાલતમાં એક કેસ આવ્યો. કન્ફ્યુશિયસને એનો ન્યાય તોળવાનો હતો.

એક ગરીબ માણસે ચોરી કરી હતી. એ પકડાઈ ગયો હતો અને સાથોસાથ એણે ચોરેલી ૨કમ પણ એની પાસેથી મળી આવી. ચોરી ક૨ના૨ને સજા કરવાનો ફેંસલો કન્ફ્યુશિયસે આપવાનો હતો. સહુ ચકિત થઈ જાય એવો ચુકાદો કન્ફ્યુશિયસે આપ્યો. કન્ફ્યુશિયસે ચોરને છ મહિનાની સજા કરી, પણ સાથોસાથ ચોરે જેને ત્યાં ચોરી કરી હતી એ શાહુકારને પણ છ મહિનાની સજા ફટકારી. કન્ફ્યુશિયસના ચુકાદાનો ઉત્તરાર્ધ ખળભળાટ મચાવી ગયો. શાહુકાર તો આઘાત અને આશ્ચર્ય બંને અનુભવવા લાગ્યો.

એણે અકળાઈને કન્ફ્યુશિયસને કહ્યું, 'આ તે કેવો તમારો ન્યાય? ચોરે ચોરી કરી. મારા ઘરમાં એ ઘૂસી આવ્યો. મારા પૈસા એણે ચોરી લીધા અને વળી મને આવી સજા? આ તો દાઝયા પર ડામ જેવું જ કહેવાય !'

કન્ફ્યુશિયસે કહ્યું, 'ભાઈ, તમારી પાસે આટલી બધી સંપત્તિ એકઠી થાય એ જ ચોરીનું મૂળ કારણ છે. આથી તમે આંખો મીંચીને લોભલાલચનો આશરો લઈને સંપત્તિ એકઠી કરી. બીજાની વિપત્તિનો કશો ખ્યાલ કર્યો નહીં. આથી તમને પણ આવા કૃત્યની સજા મળવી જોઈએ.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે ગુજરાતમાં વધુ 'કાળી કમાણી' કરવાની ઘેલછાએ ભયાનક આપત્તિ અને મોટી જાનહાનિ સર્જી છે. મોરબીના પુલની હોનારત સંચાલકોની લોભવૃત્તિને કારણે થઈ. થોડી વધુ કમાણીની લાલચે બીજાના જીવને જોખમમાં મુકતા આપણા સંચાલકો સહેજે અચકાતા નથી.

બીજી બાજુ સલામતીની બાબતમાં નિયમ કે કાયદાનો ભંગ કરવો, એને કેટલાક લોકો પોતાની આવડત કે અધિકાર માનતા હોય છે. પછી એ હેલમેટ પહે૨વાનો કાયદો હોય કે અમુક ઝડપે વાહન ચલાવવાનો હોય. વડોદરાની ન્યુ સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓને માટે પિકનિકએ મોતનું કારણ બની. સોળ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતી બોટમાં અઠયાવીસને બેસાડવાં. વળી લાઈફ જેકેટ વગર બેસાડયાં. આનો અર્થ જ એ કે કમાણી કરવા જતા આપણે એટલા બધાં ભ્રષ્ટ અને દુષ્ટ થઇ ગયા છીએ કે બીજાની સલામતી કે એના જીવનનો લેશમાત્ર પણ વિચાર કરતા નથી. સલામતીનો ભંગ કરનાર સાથે કાયદાની જરૂર છે એ પ્રજાએ પણ એ પ્રત્યે જાગરૂકતા કેળવવી જોઈએ.

ચીનના કન્ફયૂશિયશે વર્ષો પહેલાં બીજાની વિપત્તિનો ખ્યાલ રાખ્યા વિના આંખો મીંચીને સંપત્તિ એકઠી કરનારને સજા ફરમાવી હતી. હવે એટલંુ જ ઇચ્છીએ કે આવી દુર્ઘટનાઓ સામે કડક કાર્યવાહી થાય અને એવો દાખલો બેસાડાય કે જેથી કોઇ વ્યક્તિ લોભામણી લાલચમાં આવીને આવું દુષ્કૃત્ય કરવાની હિંમત ન કરે. કોઇ આવું કરશે ખરું?

Gujarat